શનિવારે (5 જુલાઈ) ડેડિયાપાડામાં યોજાયેલી સંકલન બેઠકમાં ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી અને અન્ય મહિલા નેતા સાથે અભદ્ર વર્તન કરવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) ધરપકડ બાદ AAP નેતાઓના સમાચારોથી જ ખદબદતી અમુક યુટ્યુબ ચેનલોએ ફરી એક વખત એ પ્રકારનું રિપોર્ટિંગ શરૂ કરી દીધું છે, જેનાથી ચૈતર વસાવાના પક્ષમાં નરેટિવ ગોઠવાય અને સવાલો સરકાર અને પોલીસ ઉપર જ ઉઠવા માંડે. સ્વાભાવિકપણે આમાં ‘જમાવટ’ અને તેનાં સ્થાપક દેવાંશી જોશીએ આ વખતે પણ આગળ પડતું સ્થાન મેળવી લીધું છે.
દેવાંશી જોશીએ ચૈતર વસાવાની ધરપકડ પર અમુક વિડીયો બનાવીને ‘જમાવટ’ની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે. વિડીયોમાં તેમણે સમગ્ર મામલાનું ચિત્ર એવી રીતે રજૂ કર્યું, જેનાથી એક તો જોનારને સંપૂર્ણ સ્થિતિનો ખ્યાલ ન આવે અને અંતે ચૈતર વસાવા નિર્દોષ હોય અને રાજકીય દ્વેષના કારણે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું દર્શાવી શકાય.
દેવાંશી જોશી શરૂઆતમાં ડેડિયાપાડાની સંકલન બેઠકમાં ધમાલ થઈ હોવાનું કહે છે પણ સંપૂર્ણ હકીકત કહેતાં નથી. તેઓ ‘ગ્લાસ ફેંકવામાં આવ્યો’ હોવાનો ઉલ્લેખ તો કરે છે, પણ કોણે ફેંક્યો એ કહેતાં નથી. કેમ? કારણ કે આ ગ્લાસ ફેંકવાનો આરોપ બીજા કોઈ ઉપર નહીં પણ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર લાગ્યો છે. વસાવાએ તાલુકા પંચાયત પ્રમુખ સાથે મારામારી કરી હોવાની પણ ફરિયાદ છે, પરંતુ વિડીયોમાં દેવાંશીએ ક્યાંય આ હકીકત જણાવી નથી. મારામારી થઈ હોવાનું કહે છે, પણ કોણે કોની સાથે કરી એ કહેતાં નથી.
ચૈતર વસાવાના પોલીસ સાથેના તોછડાઈભર્યા વર્તનનો બચાવ કર્યો, ભૂતકાળના મારામારીના કેસને કહ્યો ‘સંઘર્ષ’
ત્યારબાદ તેઓ વાતને અવળે પાટે ચડાવી દે છે અને પોલીસનો એન્ગલ લઈ આવે છે. પોલીસ ડેડિયાપાડા પોલીસ મથકથી ચૈતર વસાવાને લઈ જતી હતી તે સમયનાં દ્રશ્યો બતાવીને તેઓ કહે છે કે, “પોલીસના મનમાં પણ ઘણા સમયથી ભરેલું હશે. કારણ કે ચૈતર વસાવા ઘણી વખત પોલીસ સાથે અકળાઈને વાત કરતા હોય તેવા વિડીયો સામે આવતા રહે છે.”
અહીં તેઓ સામે ચાલીને જ ચૈતર વસાવા વતી સ્પષ્ટતા પણ આપી દે છે અને કહે છે કે તેનું કારણ એ છે કે ચૈતર વસાવા સામાન્ય માણસોના પ્રશ્નો ઉઠાવતા હોય છે. પરંતુ અહીં સવાલ એ છે કે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવવામાં તમારે અધિકારીઓ સાથે તોછડાઈભર્યું વર્તન કરવાની જરૂર કેમ પડે? એ વાત શાંતિથી કે સભ્ય ભાષામાં પણ કહી શકાય. જો કોઈ ભાજપના નેતાનો અધિકારીઓ સાથે માથાકૂટ કરતો વિડીયો સામે આવે તો નેતાની ભાષા પર માછલાં ધોતી યુટ્યુબ ચેનલો ચૈતર વસાવાના આવા વિડીયો સામે આવે ત્યારે ભાષા પર પ્રશ્નો કરવાના સ્થાને તેમને જ ‘જનતાના પ્રશ્નો ઉઠાવનારા’ અને ‘ક્રાંતિકારી’ સાબિત કરવામાં મંડી પડતી હોય છે. ત્યારે નેતાની ભાષા પર કોઈ આપત્તિ હોતી નથી. શાસ્ત્રોમાં આને જ બેવડાં વલણો કહ્યાં છે!
દેવાંશી જોશી આગળ એવો દાવો કરે છે કે ચૈતર વસાવાની ધરપકડ બાદ બજારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારબાદ સમગ્ર મામલાને ‘સંઘર્ષ’માં ખપાવી દે છે અને આગળ પોતે જ કેસને રાજકીય રંગ આપીને કહે છે કે આવનાર સમયમાં આ ઘટના રાજકીય રીતે અનેક પ્રશ્નો સર્જવાની છે.
હકીકતે અહીં કેસ રાજકીય છે જ નહીં, મારામારીનો છે. તેમ છતાં રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત દેવાંશી આ વિડીયોમાં ચૈતર વસાવાની અગાઉની ધરપકડનો પણ ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે તેમનો વન વિભાગના કર્મચારીઓ સાથે ‘સંઘર્ષ’ થયો હતો. વાસ્તવમાં એ પણ મારામારીનો કેસ હતો અને ચૈતરે અધિકારીને ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. પણ સામાન્ય દિવસોમાં ભાજપ નેતાઓના કાકા-મામાના સંબંધો શોધી લાવનાર પત્રકારને આ બધું જણાવવામાં કોઈ રસ ન હતો, અને માત્ર ‘સંઘર્ષ’ કહીને વીંટો વાળી દેવામાં આવ્યો.
અન્ય એક વિડીયોમાં દેવાંશી જોશી ફરી આ મુદ્દાની ચર્ચા કરતાં જોવા મળે છે. અહીં પણ તેઓ ચૈતર વસાવાનો આડકતરી રીતે બચાવ કરતાં જોવા મળ્યાં. તેઓ બાકી બધી ચર્ચા મૂકીને એ પ્રશ્ન કરે છે કે સંકલનની બેઠકમાં ભાજપના પદાધિકારીઓ શું કરતા હતા? પરંતુ ખરેખર હતા તો તેઓ કોણ હતા અને શું હતા, તેની વિગતો તેઓ આપતાં નથી.
આગળ તેઓ ચૈતર વસાવા પર શું આરોપ લાગ્યા તેનું એક-બે લીટીમાં વર્ણન કરે છે, પરંતુ પછી તરત ઈસુદાનને ટાંકીને કહે છે કે વસાવા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો. ત્યાં સંપૂર્ણ વર્ણન કરીને કહે છે કે તેમને માર મારવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી. આગળ તેઓ ચૈતર વસાવાની ફરિયાદ ન લેવામાં આવી હોવાનું પણ ચલાવે છે.
AAP નેતા લોકપ્રિય, ભાજપ નેતાઓ સામે આવી કાર્યવાહી નથી થતી: દેવાંશી
આગળ દેવાંશી ચૈતર વસાવાને ‘લોકપ્રિય’ ગણાવીને કહે છે કે નેતા લોકપ્રિય હોય ત્યાં પોલીસે કામ કરવું અઘરું હોય છે, પણ ચૈતર વસાવાને પોલીસ ગમે ત્યારે ઉઠાવી લેતી હોય છે. આગળ આ બેનને એ બાબત પર પણ વાંધો પડે છે કે ચૈતરને લાંબો સમય જેલમાં કેમ રાખવામાં આવે છે અને અહીં પણ વચ્ચે ભાજપને લઈ આવે છે અને હાસ્યાસ્પદ દલીલો કરવા પર ઉતરી આવે છે.
તેઓ કહે છે, “જે પ્રકારના આક્ષેપો તેમની ઉપર લાગે છે અને જે પ્રકારની સજા તેમને કરવામાં આવે છે અથવા જેટલો લાંબો સમય જેલમાં રહે છે, આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મૂકીને જુઓ, કાર્યવાહી એટલી સરળતાથી થતી નહીં દેખાય. એટલે વિપક્ષ સરકાર પર પ્રશ્ન કરે એ સાવ કાઢી નાખવા જેવા નથી.”
આમ તો આ બેન પોતાને પત્રકાર ગણાવે છે, પણ એ ભૂલી જાય છે કે કોઈ પણને કેટલો સમય જેલમાં રાખવો-ન રાખવો એ કામ ન્યાયતંત્રનું છે, પોલીસ કે સરકારનું નહીં. ચૈતર વસાવા જેલમાં રહ્યા હશે તો કોર્ટના આદેશથી રહ્યા હશે, તેમાં સરકાર કે પોલીસ કશું કરતી શકતા નથી. પોલીસનું કામ માત્ર ધરપકડ કરીને કોર્ટ સુધી લઈ જવાનું છે.
દેવાંશી આગળ પોલીસને સરકારની ‘કઠપૂતળી’ ઘોષિત કરી દે છે અને કહે છે કે, “સરકાર જ્યાં સુધી પપેટની જેમ પોલીસને વાપર્યા કરશે અને પોલીસ પણ જ્યાં સુધી કઠપૂતળી બન્યા કરશે, ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ચોપડીમાં લખેલી વાતો જ રહેવાની છે.” અંતે થોડું બંધારણનું પણ જ્ઞાન આપી દે છે.
ચૈતર વસાવાના પક્ષમાં નરેટિવ ગોઠવવાના નિષ્ફળ પ્રયાસ
આ બંને વિડીયો જોઈને વાતનો સાર એ જ નીકળે છે કે ચૈતર વસાવાની ધરપકડ રાજકીય કારણોસર, દ્વેષથી પ્રેરાઈને કરવામાં આવી છે અને નર્મદાની પોલીસ સરકારની કઠપૂતળી બનીને, ચૈતર વસાવા પર ખાર રાખીને તેમની સામે કાર્યવાહી કરી રહી છે. જ્યારે હકીકત એ છે કે ધારાસભ્યએ તાલુકા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં બબાલ કરી હતી, નેતાઓ પર ગ્લાસ ફેંક્યો હતો અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી.
ત્યારબાદ એક વ્યક્તિએ ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી, પોલીસે તેની ઉપર કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો અને ત્યારબાદ MLAની ધરપકડ કરી લીધી. હવે કોઈ ફરિયાદ આવે તો તેની ઉપર કાર્યવાહી કરવી એ પોલીસનું કામ છે. પછી ભલે સામેનો માણસ ધારાસભ્ય કેમ ન હોય. પણ અહીં ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છે એટલે નરેટિવ જુદો સેટ કરવામાં આવી રહ્યો છે.
વિડીયોમાં ક્યાંય યુટ્યુબ પત્રકાર ચૈતર વસાવા પર લાગેલા આરોપોનું વિસ્તારથી વર્ણન કરતાં નથી, ઉપરથી તેમના પક્ષમાં અનેક દલીલો આપે છે. ઈસુદાન ગઢવીને પણ ટાંકીને કારણ વગર બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે. ચૈતર વસાવાની ‘ક્રાંતિકારી’ અને ‘લોકપ્રિય’ નેતાની છબીને નુકસાન ન થઈ જાય તેની પણ પૂરતી કાળજી રાખે છે. મજાની વાત એ છે કે આમ આદમી પાર્ટી પણ પોતાના નેતાની ધરપકડ બાદ આવી જ વાતો ફેલાવવામાં લાગી છે.
હવે અહીં પ્રશ્ન એ છે કે આ જ કેસ કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને લગતો હોત તો દેવાંશી જોશીનું રિપોર્ટિંગ કેવું હોત? જવાબ સુજ્ઞ વાચકો જાણે જ છે.