Sunday, March 23, 2025
More
    હોમપેજદેશ‘ભારતીય નાગરિકો માટે USએ મોકલ્યું સૈન્ય વિમાન, નાના દેશો માટે નહીં…તેમને બેડીઓમાં...

    ‘ભારતીય નાગરિકો માટે USએ મોકલ્યું સૈન્ય વિમાન, નાના દેશો માટે નહીં…તેમને બેડીઓમાં બાંધવામાં ન આવ્યા’: કોંગ્રેસ બાદ હવે દેવાંશી જોશીએ ‘વિશ્લેષણ’ના નામે કરી ભ્રામક વાતો

    વાત એટલી છે કે દેવાંશી જોશીએ જે ચિત્ર ઊભું કરવાના પ્રયાસ કર્યા છે, તેનાથી સાંભળનારને લાગી શકે કે ભારત સરકાર વિશ્વમાં ડંકો વગાડવાની વાતો કરતી હોવા છતાં અમેરિકા તેની સાથે અયોગ્ય વર્તન કરી રહ્યું છે અને નાના દેશો, જેમની કોઈ શક્તિ નથી તેઓ પણ અમેરિકા સામે મક્કમતાથી ઊભા છે. પરંતુ વાસ્તવમાં એવું કશું જ નથી.

    - Advertisement -

    ‘પત્રકાર’ દેવાંશી જોશીએ હમણાં પોતાની યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ પર એક વિડીયો બનાવીને મૂક્યો છે, જેમાં જુદી-જુદી સાંપ્રત ઘટનાઓનું વિશ્લેષણ કરતી વખતે અમુક એવી અધકચરી, ભ્રામક અને તથ્ય વગરની વાતો કહી છે, જેનાથી સાંભળનાર ગેરમાર્ગે દોરાઈ શકે કે તેની સમક્ષ સ્પષ્ટ ચિત્ર રજૂ ન થાય. 

    દેવાંશીએ ભારત-અમેરિકાના સંબંધો અને વૈશ્વિક ઘટનાઓ પર ચર્ચા કરતી વખતે દાવો કર્યો કે અમેરિકાએ પોતાને ત્યાં ગેરકાયદેસર ઘૂસી આવેલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવા માટે તોતિંગ હવાઈ જહાજો મોકલ્યાં અને તેમને હાથ-પગ બાંધેલી સ્થિતિમાં લાવવામાં આવ્યા, પરંતુ સરકારે કોઈ અવાજ ન ઉઠાવ્યો. બીજી તરફ નેપાળ જેવા નાના દેશોએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું અને એટલે તેમના નાગરિકોને મોટાં જહાજોમાં ન મોકલાયા કે હાથ-પગ પણ બાંધવામાં ન આવ્યા. 

    મજાની વાત એ પણ છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસ પણ આ જ લાઈન પકડી રહી છે. પત્રકારો પણ આવી જ વાતો કરી રહ્યા છે. આ સંયોગ છે કે પ્રયોગ એ સુજ્ઞ વાચકોએ નક્કી કરવાનું છે. આપણે ફેક્ટચેક તરફ આગળ વધીએ. તે પહેલાં દેવાંશી જોશી શું કહે છે એ જોઈએ. 

    “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે જે પ્રકારનું વર્તન (કરી રહ્યા છે) કે ભારત માટે જે શબ્દો વાપરી રહ્યા છે, તે પણ ચર્ચાનો અને પ્રશ્નનો વિષય છે. ભારતમાં તેમણે સૈન્ય વિમાન મોકલ્યું. આ વિમાનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓને મોકલ્યા. તેના વિડીયો તેમણે પોસ્ટ કર્યા. તેમને એલિયન કહ્યા. તેમની સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું. ભારત સરકારે હરફ ન ઉચ્ચાર્યો. તેમણે કહ્યું કે તેઓ ખોટા છે અને અમે સ્વીકાર કરીએ છીએ. ભારતે કહ્યું કે આપણો જ સિક્કો ખોટો છે. ભારતે કહ્યું કે અમે તમને સ્વીકારી લઈશું પરંતુ સાથે ઊભા નહીં રહીએ.”

    - Advertisement -

    આગળ તેઓ કહે છે, “ભારતની સરખામણીએ નેપાળ, અફઘાનિસ્તાન જેવા અનેક નાના દેશો જેઓ ન શક્તિશાળી છે કે ન તેમની આટલી વિશાળ લોકશાહી છે અને છતાં તેમણે મક્કમતાથી અમેરિકાને કહ્યું કે અમે અમારા નાગરિકોને સૈન્ય વિમાનમાં ન ઉતરવા દઈએ. તેમને પરત મોકલો પણ અમે આ પદ્ધતિ સાથે અસહમત છીએ. અમેરિકાએ તેમની વાત માની, તેમને પરત લીધા, નેપાળના કે અફઘાનિસ્તાનના નાગરિકોને એલિયન્સ (ન કહ્યા) કે બેડીઓમાં બાંધેલા વિડીયો રિલીઝ ન કર્યા. ભારતની નમ્રતાને અમેરિકન રાષ્ટ્રપતિ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે.”

    કેમ તથ્ય વગરની છે આ વાતો? 

    અહીં ઘણા બધા ઝોલ છે. પહેલી વાત એ કે ટ્રમ્પે ક્યારેય ભારતના નાગરિકોને ‘એલિયન’ કહ્યા નથી. તેમણે ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓને કહ્યા હતા. તેમાં માત્ર ભારતીય નાગરિકો આવતા નથી. કોઈ પણ દેશનો નાગરિક જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તેના માટે ટ્રમ્પે આ શબ્દો વાપર્યા હતા. 

    વાત જ્યાં સુધી. સૈન્ય વિમાનોની છે, તો એ વાત સાચી છે કે નેપાળના નાગરિકોને સૈન્ય વિમાનમાં મોકલવામાં આવ્યા ન હતા. પણ અહીં એક તથ્ય દેવાંશી જોશીએ રજૂ કર્યું નથી. બીજું, આમાં થોડી સામાન્ય બુદ્ધિ પણ દોડાવવાની જરૂર પડે છે. 

    ટ્રમ્પે સત્તા પર આવતાંની સાથે ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવાનું અભિયાન ઉપાડ્યું ત્યારે તેમણે વાયુસેનાનાં તોતિંગ C-17 ગ્લોબમાસ્ટર વિમાનો કામે લગાડ્યાં હતાં. આ વિશાળકાય વિમાનો સૈન્ય સંસાધનોને લાવવા-લઈ જવા માટે વપરાય છે. ભારત પાસે પણ અમેરિકાથી જ મંગાવેલાં આવાં અમુક જહાજો છે. અમેરિકા તેનું નિર્માતા છે, એટલે તેનો તેમની પાસે તોટો નથી. 

    એવું નથી કે અમેરિકાએ ટ્રમ્પ આવ્યા પછી જ ડિપોર્ટેશન શરૂ કર્યું છે. એ વર્ષોથી, કોઈ પણ સરકાર હોય, ચાલતું આવ્યું છે. પરંતુ ટ્રમ્પ દુનિયાભરમાં એક સંદેશ આપવા માંગતા હતા. એ જ કારણ છે કે તેમણે ડિપોર્ટેશન માટે આ વિમાનો લગાવ્યાં હતાં. જે સાંકેતિક હતું, એ દર્શાવવા માટે કે આ બાબતોને લઈને અમેરિકા કે પછી ટ્રમ્પ પ્રશાસન કેટલું ગંભીર છે. 

    આ કામ પરંતુ એટલું જ ખર્ચાળ પણ છે. ઑપઇન્ડિયાએ અગાઉ એક લેખમાં જણાવ્યું હતું કે હવાઈ જહાજની એક ટ્રીપનો ખર્ચ લાખોમાં આવે છે. C-17 ગ્લોબમાસ્ટરનો એક કલાકનો ખર્ચ 28 હજાર ડોલર (24 લાખ રૂપિયા) આવે છે. મીડિયા અહેવાલોનું માનીએ તો આ મિલિટરી એરક્રાફ્ટ વાપરવાના કારણે એક વ્યક્તિ પાછળ USને લગભગ ચાર હજાર ડોલરનો (ભારતીય ચલણ પ્રમાણે સાડા ત્રણ લાખ) ખર્ચ થાય છે. ઘણા રૂટ્સ માટે તો બિઝનેસ ક્લાસની ટિકિટ પણ આના કરતાં સસ્તી થાય. 

    ભારતમાં જ્યારે ડિપોર્ટ કરાયેલા નાગરિકોને મોકલવામાં આવ્યા ત્યારે આ અભિયાન પુરજોશથી ચાલી રહ્યું હતું. બીજું, ભારતના નાગરિકોની સંખ્યા પણ વધારે હતી. પહેલી ફ્લાઈટમાં 100 કરતાં વધુ નાગરિકો આવ્યા હતા. બીજી અને ત્રીજી ફ્લાઇટમાં પણ સંખ્યા આટલી જ હતી. આટલી મોટી સંખ્યામાં લોકોને મોકલવા માટે મોટાં જહાજો જોઈએ. જ્યારે નેપાળના નાગરિકોને તાજેતરમાં મોકલવામાં આવ્યા છે અને તેમની સંખ્યા 8, 10, 17 એટલી રહે છે. 8 લોકોને પરત મોકલવા માટે કોઈ પણ દેશ 24 લાખનો ખર્ચ કરે નહીં, ભલે એ મહાસત્તા હોય. એટલે તેમને કમર્શિયલ ફ્લાઈટ્સ કે ચાર્ટર વિમાનોમાં મોકલવામાં આવી રહ્યા છે.

    બીજું, હવે અમેરિકા ડિપોર્ટેશન અભિયાન માટે મોટાં સૈન્ય જહાજો વાપરવાનું બંધ કરી ચૂક્યું છે. કારણ એ જ છે કે ખર્ચ બહુ આવે છે. 

    5 માર્ચના અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ ડિપોર્ટેશન માટે મિલિટરી એરક્રાફ્ટના ઉપયોગ પર રોક લગાવી છે. કારણમાં જણાવવામાં આવ્યું કે તેના માટે ખર્ચ બહુ થતો હતો અને એ બિનજરૂરી છે. છેલ્લી મિલિટરી ફ્લાઇટ 1 માર્ચના રોજ રવાના કરવામાં આવી હતી, ત્યારબાદ ડિપોર્ટેશન માટે આ જહાજનો ઉપયોગ થયો નથી. 

    આ કારણ છે કે નેપાળના નાગરિકો કે બીજા દેશોના નાગરિકો જેમને હવે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેમને સૈન્ય જહાજોમાં મોકલવામાં આવી રહ્યા નથી. તેમાં દેવાંશીએ કહ્યું એમ આ નાના દેશોએ મક્કમતાથી કહ્યું હોય અને અમેરિકા ઝૂકી ગયું હોય તેવી કોઈ વાત નથી. 

    શું અન્ય દેશોના નાગરિકોને હાથ-પગ બાંધ્યા વગર મોકલવામાં આવ્યા? 

    જ્યાં સુધી વાત હાથ-પગ બાંધવાની છે તો એ વાત ખોટી છે કે બીજા દેશોના નાગરિકોને હાથ-પગ બાંધીને મોકલવામાં આવ્યા નથી. નેપાળી મીડિયાના ઢગલેબંધ રિપોર્ટ્સમાં આ વાત વારંવાર જણાવવામાં આવી છે કે જે નાગરિકોને અમેરિકાથી ડિપોર્ટ કરીને મોકલવામાં આવ્યા હતા તેમના હાથ-પગ બાંધવામાં આવ્યા જ હતા. 

    વાસ્તવમાં આ અમેરિકાની નીતિ જ રહી છે. તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને ઘૂસેલાઓને સ્પેશિયલ ફ્લાઇટ મારફતે જ્યારે પોતાના દેશમાં મોકલે ત્યારે આ જ પદ્ધતિથી મોકલે છે. કારણ કે ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારો ગુનેગાર ગણાય છે. અમેરિકામાં પણ, ભારતમાં પણ અને નેપાળમાં પણ. તમે અત્યારના જ નહીં પણ 2019ના રિપોર્ટ કે તે પહેલાંના રિપોર્ટ કાઢીને વાંચશો તો તેમાં પણ લખેલું જોવા મળશે કે ગેરકાયદેસર ઘૂસેલાઓને અમેરિકાએ પરત મોકલતી વખતે હાથ-પગ બાંધીને મોકલ્યા હતા. 

    ટૂંકમાં વાત એટલી છે કે દેવાંશી જોશીએ જે ચિત્ર ઊભું કરવાના પ્રયાસ કર્યા છે, તેનાથી સાંભળનારને લાગી શકે કે ભારત સરકાર વિશ્વમાં ડંકો વગાડવાની વાતો કરતી હોવા છતાં અમેરિકા તેની સાથે અયોગ્ય વર્તન કરી રહ્યું છે અને નાના દેશો, જેમની કોઈ શક્તિ નથી તેઓ પણ અમેરિકા સામે મક્કમતાથી ઊભા છે. પરંતુ વાસ્તવમાં એવું કશું જ નથી. આવા જ એક નાના દેશ કોલંબિયાએ ટ્રમ્પે મોકલેલું વિમાન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો તો તરત અમેરિકાએ પરચો બતાવ્યો અને પછી કોલંબિયાના રાષ્ટ્રપતિએ ચૂપચાપ વિમાન ઉતારવા દેવું પડ્યું હતું. નેપાળ કે અફઘાનિસ્તાને પણ US સામે મક્કમ સ્ટેન્ડ લીધું હોય તેવી વાત જમાવટના સ્ટુડિયો સિવાય બીજે ક્યાંય જાણવા મળી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં