અમેરિકાના (USA) નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સાંભળ્યા બાદથી જ ઘૂસણખોરો (Infiltrators) વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી હતી. તે જ અનુક્રમે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેલા ભારતીયોને પણ ડિપોર્ટ (Deport) કરવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસ (Congress) સહિતની ટોળકીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને લોકોના હાથ-પગ બાંધીને ડિપોર્ટ કર્યા હોવાનો દાવો કરીને સરકારને ટાર્ગેટ કરી હતી. પરંતુ, હંમેશાની જેમ તે વખતે પણ તે પોતાના કારસ્તાનમાં સફળ થઈ શકી નહોતી.
દેશવાસીઓને હવે દ્રઢ વિશ્વાસ બેસી ગયો છે કે, કોંગ્રેસ ભ્રામક માહિતી ફેલાવવામાં નિપુણ બની ગઈ છે. તેથી લોકો પોતે જ કોંગ્રેસના દાવાને ખોટા સાબિત કરી બતાવે છે. આ બધી ઘટના બાદ સમાચાર એવા સામે આવ્યા કે, અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા નેપાળી (Nepalis) નાગરિકોને પણ પરત પોતાના દેશમાં છોડ્યા છે. કશું હાથો ન મળતા કોંગ્રેસે આ ઘટનાને પણ કેન્દ્ર સરકાર સાથે જોડીને ટાર્ગેટ કરવાના પ્રયાસો કર્યા હતા.
કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેતે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી. તેમણે કેપશનમાં લખ્યું કે, “અમેરિકાએ નેપાળી લોકોને ચાર્ટર પ્લેનથી મોકલ્યા છે. હાથ બાંધીને કે મિલિટ્રી પ્લેનમાં ધકેલીને નહીં.” તેમણે આડકતરી રીતે અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકોની સરખામણી નેપાળી નાગરિકો સાથે કરી હતી.
अमेरिका ने नेपाली लोगों को चार्टर प्लेन से भेजा है
— Supriya Shrinate (@SupriyaShrinate) March 7, 2025
हाथ बांध कर, मिलिट्री प्लेन में ठूस कर नहीं
pic.twitter.com/Y0NLCV9nrO
માત્ર સુપ્રિયા જ નહીં, પરંતુ કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ આ દાવાને હવા આપવાના પ્રયાસો કર્યા હતા. તેની સાથે ઇકોસિસ્ટમના અન્ય ધુરંધરોએ પણ સુપ્રિયાના દાવાને આખરી સત્ય માનીને તેને ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેની ઘણી પોસ્ટ પણ કરવામાં આવી હતી.
શું છે હકીકત?
સુપ્રિયા શ્રીનેતના આ દાવા બાદ અમને તપાસ દરમિયાન ઘણા નેપાળી ન્યૂઝ રિપોર્ટ્સ મળી આવ્યા હતા. રિપોર્ટ્સમાં સુપ્રિયાના દાવાથી તદ્દન વિપરીત માહિતી જોવા મળી હતી. ‘ઓનલાઈન ખબર’ નામના એક નેપાળી ન્યૂઝ આઉટલેટે આ ઘટના પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને દાવો પણ કર્યો હતો કે, 8 નેપાળી નાગરિકોને અમેરિકાએ બેડીઓ અને સાંકળથી હાથ-પગ બાંધીને નેપાળ પરત મોકલ્યા છે. વધુમાં કહેવાયું હતું કે, તે તમામ નાગરિકોને હાથ-પગ બાંધીને કાઠમંડુ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાઠમંડુ પહોંચ્યા બાદ તે નેપાળી નાગરિકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે, સંપૂર્ણ યાત્રા દરમિયાન તેમને વારંવાર હેરાન કરવામાં આવ્યા હતા. એક નાગરિકને ટાંકીને દાવો કરવામાં આવ્યો કે, યાત્રા દરમિયાન નેપાળી નાગરિકોને હલનચલન કરવાને લઈને પણ રોકટોક કરવામાં આવી રહી હતી. ત્યાં સુધી કે, શૌચાલયનો ઉપયોગ કરવા માટે પણ ખૂબ મુશ્કેલી ઊભી થઈ હતી.
વધુમાં રિપોર્ટમાં કહેવાયું કે, એક નેપાળી નાગરિકે પોલીસને જણાવ્યું હતું કે, અમેરિકાથી નેપાળ સુધીની યાત્રા નેપાળી નાગરિકો માટે ખૂબ કઠિન હતી. નાગરિકે દાવો કર્યો હતો કે, તેમને મુશ્કેલીથી તો માંડ-માંડ ભોજન આપવામાં આવી રહ્યું હતું. ક્રૂ મેમ્બરો તેમને ક્યારેક ફળો આપતા હતા, પરંતુ બાંધેલા હાથ સાથે જ તેમને ખાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.
અન્ય એક નેપાળી ન્યૂઝ આઉટલેટ ‘NEPYORK’એ પણ આ ઘટના બાદ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, નેપાળી સાંસદોએ અમેરિકા દ્વારા નેપાળી નાગરિકોને બેડીઓ અને સાંકળથી બાંધવાને લઈને વાંધો ઉઠાવ્યો છે. નેપાળી સાંસદોએ આ ઘટનાને અમાનવીય ગણાવી છે. આ તમામ સાંસદોએ ગુરુવારે (6 માર્ચ) આયોજિત સંસદીય સત્ર દરમિયાન આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ અમેરિકા દ્વારા ડિપોર્ટ કરવામાં આવતા લોકોના અપમાનને લઈને ટીકાઓ પણ કરી હતી.
બીજી તરફ ચાર્ટર પ્લેન એટલા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું કારણ કે ડિપોર્ટ કરવામાં આવેલા લોકોની સંખ્યા તદ્દન ઓછી હતી. 8 વ્યક્તિઓ માટે કોઈ પણ દેશ લાખોના ખર્ચે તોતિંગ ગ્લોબમાસ્ટર મોકલે નહીં. ભારત અને અન્ય દેશોના નાગરિકોની સંખ્યા વધારે હતી એટલા માટે મોટાં વાયુસેનાનાં જહાજો મોકલવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર વિવાદને ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકો સાથે જોડીને રજૂ કરવામાં આવ્યો છે. ભ્રામક માહિતી ફેલાવતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે, નેપાળી નાગરિકોને ડિપોર્ટ કરતી વખતે અમેરિકાએ તેમના હાથ-પગ બાંધ્યા નહોતા. જોકે, નેપાળમાં પણ હાથ-પગ બાંધવાની ઘટનાને લઈને વિવાદ વકરતો જોવા મળે છે. તેથી કોંગ્રેસે કરેલો આ દાવો પાયાવિહોણો સાબિત થયો છે.
ગેરકાયદેસર ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની આ જ રીત અનુસરે છે અમેરિકા
અહીં એ પણ નોંધવા જેવું છે કે, આ પહેલી ઘટના નથી કે, અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોના હાથ-પગ બાંધીને તેને ડિપોર્ટ કર્યા હોય. આવી કાર્યવાહી વર્ષોથી ચાલતી આવે છે અને અગાઉની સરકારોમાં પણ ગેરકાયદે ઘૂસણખોરોને આ જ રીતે મોકલવામાં આવતા હતા. વર્ષ 2019માં પણ અમેરિકાએ 145 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા હતા અને તે સમયે પણ તેમના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા. પરંતુ, આ વખતે અમેરિકાએ ઘૂસણખોરો વિરુદ્ધ મોટાપાયે અભિયાન ચલાવ્યું હોવાથી દુનિયામાં તેની ચર્ચા તેજ બની છે અને કોંગ્રેસ પણ તકની શોધમાં તથ્ય ચકાસ્યા વગર જ ભ્રામક દાવા કરવા લાગી છે.