Friday, March 14, 2025
More
    હોમપેજદેશજ્યારે અંગ્રેજોની કેદમાંથી છૂટવા માટે વીર સાવરકરે દરિયામાં લગાવી હતી છલાંગ: ફ્રાન્સના...

    જ્યારે અંગ્રેજોની કેદમાંથી છૂટવા માટે વીર સાવરકરે દરિયામાં લગાવી હતી છલાંગ: ફ્રાન્સના જે શહેરમાં પહોંચ્યા પીએમ મોદી, તેની સાથે સંકળાયેલી છે ઐતિહાસિક ઘટના

    હિંમત એકઠી કરીને સાવરકરે બાર ઇંચ વ્યાસના પોર્ટહોલ પર થાપ મારી અને પોતાના પાતળા શરીર સાથે તેમણે સ્વતંત્રતા અને ન્યાય મેળવવાની આશામાં માર્સેલ્સના સમુદ્રમાં નિર્ભયપણે છલાંગ લગાવી દીધી.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી (PM Modi) પોતાની ત્રણ દિવસીય ફ્રાન્સ (France) યાત્રાના બીજા દિવસે એટલે કે, 11 ફેબ્રુઆરીના રોજ માર્સેલ્સ (Marseille) પહોંચ્યા હતા અને તે દરમિયાન જ તેમણે વીર સાવરકર (Veer Savarkar) અને તેમના સાહસને પણ યાદ કર્યા હતા. આ વિશેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આપી હતી. તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં પણ હાજર હતા. આ પહેલાં વડાપ્રધાન મોદીએ AI સમિટને પણ સંબોધિત કરી.

    માર્સેલ્સ પહોંચીને PM મોદીએ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, “હું માર્સેલ્સ પહોંચ્યો. ભારતની સ્વતંત્રતાની શોધમાં આ શહેરનું વિશેષ મહત્વ છે. અહીં જ મહાન વીર સાવરકરે સાહસપૂર્વક બચવાનો પ્રયાસ કર્યો હતો. હું માર્સેલ્સના લોકોનો અને તે સમયના ફ્રાન્સીસી કાર્યકર્તાઓનો આભાર માનું છું, જેમણે માંગ કરી હતી કે સાવરકરને બ્રિટિશ કસ્ટડીમાં ન સોંપવામાં આવે. વીર સાવરકરની બહાદુરી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.”

    PM મોદીએ એમ પણ કહ્યું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી માર્સેલ્સની તેમની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અહીં એક ભારતીય કોન્સ્યુલેટનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. PM મોદીએ કહ્યું કે, “તેનાથી લોકો વચ્ચે પરસ્પર સંપર્ક વધુ મજબૂત બનશે. હું પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બલિદાન થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીશ.” આ વિશેષ અહેવાલમાં વીર સાવરકર અને માર્સેલ્સ વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરીએ.

    - Advertisement -

    ‘પંડિત’ જેક્સનની હત્યા અને વીર સાવરકર પર આરોપ

    આ સમગ્ર ઘટનાનું મૂળ 1909માં મહારાષ્ટ્રના પૂણેમાં થયેલી પંડિત જેક્સનની હત્યા અને અન્ય અમુક ઘટનાઓ છે, જેની સાથે ક્રાંતિવીરો અને સાવરકર સીધા સંકળાયેલા હતા. તારીખ હતી 21 ડિસેમ્બર 1909, સ્થળ હતું, વિજયાનંદ થિયેટર, નાસિક. સાંજનો સમય અને સંગીત શારદા મંડળી દ્વારા નાટકનું આયોજન. આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાસિકના કલેકટર અર્થર મેસન ટિપ્પેટ્સ જેક્સનને (એ.એમ.ટી. જેક્સન) વિદાય આપવા માટે. આ નાટક દરમિયાન અનંત લક્ષ્મણ કન્હેરે નાસિકના અંગ્રેજ કલેક્ટર ‘પંડિત’ જેક્સનની છાતીમાં 4 ગોળીઓ ધરબી હત્યા કરી હતી. અનંત લક્ષ્મણ કન્હેરેની સાથે, કૃષ્ણાજી ગોપાલ કર્વે અને વિનાયક નારાયણ દેશપાંડે પણ બેકઅપ તરીકે હતા. જો અનંત કલેકટરની હત્યા ન કરી શક્યા હોત તો કૃષ્ણાજી ગોપાલ કર્વેએ આ કામ કર્યું હોત અને જો તેઓ પણ ચૂકી ગયા હોત તો વિનાયક નારાયણ દેશપાંડેએ કરી નાખ્યું હોત. જોકે અનંત લક્ષ્મણ કન્હેરે ચૂક્યા નહોતા.

    આ સમગ્ર મામલો નાસિક ષડયંત્ર કેસ તરીકે ઓળખાય છે. આ કેસમાં અભિનવ ભારત સોસાયટીના કુલ 27 સભ્યોને સજા સંભળાવવામાં આવી હતી, જેમાં ઘણા લોકોને કાળાપાણી સજા પણ આપવામાં આવી હતી. આ કેસને આધાર બનાવીને જ વીર સાવરકરને કાળાપાણીની સજા માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બનેલી સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા. કારણ એ હતું કે, જે રિવોલ્વરથી જેક્સનની હત્યા થઈ હતી, તે વીર સાવરકરે લંડનથી સ્મગલ કરી હતી. આ સમગ્ર ઘટનામાં માર્સેલ્સનો પણ ઉલ્લેખ આવે છે.

    માર્સેલ્સ અને વીર સાવરકર વચ્ચે શું હતો સંબંધ?

    વીર સાવરકરની ધરપકડ સાથે જ તેમના માર્સેલ્સ સાથેના સંબંધોની શરૂઆત થાય છે. વાસ્તવમાં 1910માં લંડનથી અંગ્રેજોએ નાસિક ષડયંત્ર કેસમાં વીર સાવરકરની ધરપકડ કરી હતી. 1 જુલાઈ, 1910ના રોજ બ્રિટિશ જહાજ SS મોરી સાવરકરને લઈને ભારત આવવા માટે રવાના થયું થયું હતું. આ જહાજમાં પાવર અને પાર્કર નામના બે અંગ્રેજ અધિકારીઓ હતા અને તેમની સાથે બે ભારતીય હેડ કોન્સ્ટેબલો પણ હતા. જેમાં પુણે પોલીસદળના મોહમ્મદ સિદ્દિક અને નાસિક પોલીસદળના અમર સિંઘ સખારામ સિંઘનો સમાવેશ થાય છે. તે સિવાય ત્રીજા અધિકારી તરીકે ઉસ્માન ખાન પણ હતો, જેને ખાસ કરીને વિનાયક સાવરકરની સુરક્ષા માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન જ તેનું મૃત્યુ થતાં પાવરે તેની જવાબદારી સિદ્દિક અને અમર સિંઘને સોંપી હતી.

    આ જહાજ 7 જુલાઈના રોજ બપોરના અરસામાં માર્સેલ્સ પહોંચ્યું હતું. તે પહેલાંના એક અઠવાડિયા દરમિયાન પાવર અને પાર્કરે સખત ડેઇલી રૂટિનનું પાલન કર્યું હતું. તે બંનેમાંથી કોઈપણ એક વ્યક્તિ સતત સાવરકર પર નજર રાખી રહી હતી. તેમણે સાવરકરને એક ચાર બર્થ ધરાવતા કેબિનમાં કેદ કરીને રાખ્યા હતા અને દરવાજ પર તાળું પણ મારી દીધું હતું. બંને અધિકારીઓમાંથી કોઈપણ એક તે ચાવીને પોતાની પાસે રાખતા હતા. કેબિનમાં પાર્કર અને વિનાયક નીચેની બર્થ પર રહેતા હતા અને પાવર વિનાયકની ઠીક ઉપર રહેલી બર્થ પર રહેતો હતો. છેક માર્સેલ્સ પહોંચ્યા સુધી સાવરકરને હાથકડી પહેરાવવામાં નહોતી આવી.

    આ સાથે જ સુરક્ષા એટલી કડક હતી કે દરરોજ 7 વાગ્યા બાદ કેબિન સ્ટુઅર્ડ સ્લેવિન બંને અધિકારીઓને જગાડતો હતો. તે સમયે જ પાવર અને પાર્કર વારાફરતી નાહવા-ધોવાનું કામ પતાવતા હતા. એક મિનિટ માટે પણ સાવરકરને એકલા છોડવામાં નહોતા આવતા. બંને અધિકારીઓના કામ પતે તે બાદ જ સાવરકરને કપડાં બદલાવની કે નિત્ય કર્મ પતાવવાની મંજૂરી આપવામાં આવતી હતી. તેઓ લગભગ કેબિનમાં જ સ્નાન કરતા હતા. તે સિવાય શૌચાલય માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને અધિકારીઓ તેમને કેબિનની બહાર સુરક્ષામાં રહેલા ભારતીય હેડ કોન્સ્ટેબલોને સોંપી દેશે. આ બંને કોન્સ્ટેબલો શૌચકર્મ દરમિયાન ટોયલેટનો દરવાજો થોડો ખુલ્લો રાખતા હતા અને દેખરેખ કરતા હતા. જ્યારે જહાજ દરિયામાં રહેતું ત્યારે સમગ્ર સફર દરમિયાન આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું હતું.

    આ સાથે જ સાવરકરને કોઈપણ સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. દિવસ અને રાત તેમના પર અંગ્રેજ અધિકારીઓનું નિરીક્ષણ રહેતું હતું અને વધુમાં ભારતીય કોન્સ્ટેબલો પણ સતત નજર રાખતા હતા. 7 જુલાઈના રોજ જહાજ માર્સેલ્સ પહોંચ્યું હતું. તે દરમિયાન અંગ્રેજ અધિકારી પાવર સાવરકરના બંધ કેબિનમાં જ હાજર રહ્યો હતો અને પાર્કર ગેંગવે પર તહેનાત થઈ ગયો હતો. કારણ કે, કોઈ ભારતીય ક્રાંતિકારીઓ આ સ્થળે આવી પહોંચીને સાવરકરને ફરાર ન કરી શકે. પાવરે ટીમને સખત નિર્દેશ આપ્યા હતા કે જ્યારે જહાજ ડૉક કરવામાં આવે ત્યારે તમામે ખૂબ સતર્ક રહેવાનું છે.

    નક્કી એવું થયું હતું કે, કેબિનમાં સાવરકર સાથે કોઈપણ એક અંગ્રેજ અધિકારી સતત સાથે રહેશે. બપોરે 1 વાગ્યે ભોજન બાદ 4 વાગ્યા સુધી બંને અધિકારીઓ કેબિનમાં જ રહ્યા હતા. પરંતુ જહાજના તમામ પોર્ટહોલ બંધ હતા અને કોલસાના કારણે ગરમી પણ અસહ્ય વધી હતી, તેથી સાંજે 5 વાગ્યે ત્રણેય સ્મોક રૂમમાં જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે સાવરકરને દેખરેખ હેઠળ લટાર મારવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ 9થી 9:30 વાગ્યાના સુમારે વીર સાવરકરે અસામાન્ય રીતે નાહવાની મંજૂરી માંગી હતી. જોકે, અંગ્રેજ અધિકારીઓના નિર્દેશ પર હેડ કોન્સ્ટેબલો તેમને પોર્ટહોલ વગરના બાથરૂમમાં લઈ ગયા હતા.

    સ્નાન બાદ વિનાયક રાત્રે 11 વાગ્યા સુધીમાં સૂઈ ગયા હતા. 8 જુલાઈની સવારે તેમણે અચાનક 6:15 કલાકે શૌચાલય જવા માટેની મંજૂરી માંગી હતી. પરંતુ મોડી રાત સુધી જાગ્યા હોવાના કારણે અંગ્રેજ અધિકારીઓ સૂતા રહ્યા હતા. પાવર હજુ પણ ઊંઘમાં હતો. તે દરમિયાન તેણે સાવરકરની વાત સાંભળી તો ખરી પણ પડખું ફરીને પાછો સૂઈ ગયો. અર્ધજાગ્રત સ્થિતિમાં પાર્કરે સાવરકરને શૌચાલય સુધી લઈ જવાની જવાબદારી લીધી હતી. ઊંઘની સ્થિતિમાં પાર્કરે ક્રાંતિવીરને શૌચાલયમાં છોડ્યા, પરંતુ તે ટોયલેટનો પોર્ટહોલ ખુલ્લો જ રહી ગયો હતો.

    એક મિનિટથી ઓછા સમયમાં સમુદ્રમાં મારી દીધી છલાંગ

    બીજી તરફ બંને કોન્સ્ટેબલો નાહી-ધોઈને કપડાં પહેરવામાં વ્યસ્ત હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે, પાર્કર વીર સાવરકરને શૌચાલયમાં મૂકીને ગયો છે. અમર સિંઘે કપડાં પહેર્યાં અને કેબિન તરફ જવા લાગ્યો, કારણ કે દરરોજના શિડ્યુલ મુજબ સાવરકરને સ્નાન અને શૌચાલય કરાવવા માટેની જવાબદારી તેના પર હતી. પરંતુ જેવો તે કેબિન તરફ ગયો કે તરત જ પાર્કરે સીટી મારી અને ટોયલેટ તરફથી ઈશારો કરીને કહ્યું, “તે ત્યાં છે”. આ સાથે જ પાર્કર ફરીથી કેબિનમાં જતો રહ્યો. અમર સિંઘ તાત્કાલિક ટોયલેટ તરફ દોડ્યો અને તેને જોઈને મોહમ્મદ સિદ્દિક પણ તે તરફ દોડ્યો. આ એક મિનિટથી પણ ઓછા સમયમાં સાવરકર ટોયલેટનો દરવાજો બંધ કરવામાં સફળ રહ્યા હતા.

    આ તે સમય હતો જેની રાહ સાવરકર જોઈ રહ્યા હતા. હિંમત એકઠી કરીને તેમણે બાર ઇંચ વ્યાસના પોર્ટહોલ પર થાપ મારી અને પોતાના પાતળા શરીર સાથે તેમણે સ્વતંત્રતા અને ન્યાય મેળવવાની આશામાં સમુદ્રમાં નિર્ભયપણે છલાંગ લગાવી દીધી. આ દરમિયાન અમર સિંઘે ટોયલેટના દરવાજા પર રહેલા હોલમાંથી જોયું તો તેને સાવરકરના ચપ્પલ દેખાયા. તેણે ધારી લીધું કે, વિનાયક અંદર જ છે. પરંતુ ખાતરી કરવા માટે તેણે યુરીનલ પ્લેટફોર્મ પર ચડીને ઉપરથી જોવાના પ્રયાસ કર્યા. તેણે જોયું ત્યાર સુધીમાં સાવરકર દરિયામાં છલાંગ લગાવી ચૂક્યા હતા. તેઓ કિનારા સુધી પહોંચવા માટે તરતા રહ્યા હતા. બીજી તરફ કોન્સ્ટેબલો પણ રાડારાડ કરવા લાગ્યા હતા અને તેમને પકડવા માટે ભાગવા લાગ્યા હતા. પરંતુ સાવરકર કિનારા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

    કોન્સ્ટેબલોની સાથે જહાજના ક્રૂ મેમ્બરો પણ સાવરકરને પકડવા માટે ભાગ્યા હતા. વિનાયક લગભગ 200 ગજ જેટલું ભાગ્યા હતા અને બાદમાં તેઓ ટેક્સી માટે બૂમ પાડતા રહ્યા હતા. તે દરમિયાન જ તેમને જાણ થઈ હતી કે તેમની પાસે કોઈ પૈસા નથી. આ સાથે જ નજીકના વિસ્તારમાં જ મેડમ કામા, ઐય્યર અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પણ હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ સાવરકર પકડાઈ ચૂક્યા હતા.

    જોકે, આ દરમિયાન ફ્રાન્સીસી જેન્ડરમેરી મેરીટાઇમના બ્રિગેડીયર પેસક્યુ પણ સાવરકરનો પીછો કરી રહેલા અંગ્રેજોની પાછળ પડી ગયા હતા. થોડા જ સમયમાં ફ્રાન્સ અધિકારીઓએ સાવરકરને પકડી લીધા હતા. તે સમયે બ્રિગેડીયર પેસક્યુ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન સાવરકરે ફ્રાન્સીસીઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘મને કસ્ટડીમાં લઈ લો, મને મેજિસ્ટ્રેટની સામે લઈ જાઓ.” સાવરકર એવું માનતા હતા કે, હવે તેઓ ફ્રાન્સની ધરતી પર છે, તેથી જો હવે કેસ ચલાવવામાં પણ આવશે તો તે ફ્રાન્સના કાયદા હેઠળ ચાલશે અને ત્યાં બ્રિટિશ અધિકારનું કોઈ સ્થળ પણ નથી. એક રાજકીય કેદી તરીકે તેઓ ફ્રાન્સમાં આશ્રય મેળવવા માટેનું વિચારી રહ્યા હતા.

    પરંતુ દુઃખની વાત એ હતી કે બ્રિગેડીયર પેસક્યુને ભાગ્યે જ અંગ્રેજીમાં સમજ પડતી હતી. તેથી તેમણે સાવરકરનો કબજો ફરીથી અંગ્રેજોને આપી દીધો. જે બાદ ફરીથી તેમને જહાજમાં લઈ જવામાં આવ્યા હતા. પાર્કર અને પાવરને આ આખી ઘટના વિશે કોઈ જાણ નહોતી. બાદમાં સાવરકરને ફરીથી પકડીને લાવ્યા બાદ તેમને ઘટના વિશે જાણ થઈ હતી. જે બાદ તેમણે સાવરકરને અપશબ્દો પણ કહ્યા હતા અને હાથકડી પણ લગાવી દીધી હતી. આ ઘટના પછી સાવરકરને કેબિનમાંથી બહાર નીકળવા પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. આ સાથે જ હેડ કોન્સ્ટેબલોમાંથી કોઈપણ એકને સાવરકર સાથે શૌચાલયમાં જવાની પણ ફરજ પાડી હતી.

    સ્વતંત્ર થવાની એક મોટી તક ગુમાવ્યા બાદ સાવરકર શાંત મન સાથે કેબિનમાં બેસી ગયા હતા અને અપશબ્દો બોલવા પર તેમણે અંગ્રેજોને ચેતવણી પણ આપી હતી. સાથે એવું કહેવામાં આવે છે કે, આ દરમિયાન તેમણે એક કવિતા પણ ગાઈ હતી. જેનું શીર્ષક ‘આત્મબળ’ હતું. ત્યારબાદ 22 જુલાઈ 1910ના રોજ સાવરકરને તત્કાલીન બૉમ્બે ઉતારવામાં આવ્યા હતા અને તત્કાલીન IG કેનેડીને તેમનો કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારપછી નાસિકમાં કેસ ચાલ્યો હતો અને કાળાપાણીની સજા સંભળાવવામાં આવી હતી.

    ફ્રાન્સમાં પણ ઊભો થયો હતો વિવાદ, સાવરકરના સમર્થનમાં આવ્યા હતા લોકો

    આ દરમિયાન ફ્રાન્સીસી પ્રેસ અને ખાસ તો સમાજવાદ તરફ ઝૂલેલા લોકોએ બ્રિગેડીયર પેસક્યુની કાર્યવાહીને ‘રાષ્ટ્રીય કૌભાંડ’ ગણાવી દીધું હતું. તેમણે દલીલ કરી હતી કે, ફ્રાન્સની ધરતી પર ઉતરેલા એક રાજકીય કેદીને બ્રિટિશ અધિકારીઓ દ્વારા લઈ જવાની મંજૂરી આપવી એ ફ્રાન્સીસી સંપ્રભુતાનું અપમાન છે. ફ્રાન્સના મોટાભાગના લોકોએ સાવરકરની વાપસી અને રાજકીય શરણ લેવાના તેમના અધિકારના ઉલ્લંઘનની ટીકા કરી હતી. સમાજવાદી નેતા અને કાર્લ માર્કસના પૌત્ર જીન લોંગુએટ વિનાયકના મુખર સમર્થક બની ગયા હતા. આ ઘટના બાદ ફ્રાન્સ પણ કાર્યવાહી માટે આગળ આવ્યું હતું.

    ફ્રાન્સનો આરોપ હતો કે, સાવરકરની વાપસી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. બ્રિટન તરફથી તેનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. વર્ષ 1911માં આ કેસને લઈને પરમેનેન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશને ચુકાદો આપ્યો હતો કે, સાવરકરની ધરપકડમાં અનિયમિતતા હતી. જોકે, સાથે કોર્ટે એવું પણ કહ્યું હતું કે, બ્રિટન સાવરકરને ફ્રાન્સને પરત સોંપવા માટે બંધાયેલું નથી. જે બાદ અંગ્રેજોએ મુક્તપણે સાવરકર પર કેસ ચલાવીને તેમને જન્મટીપની સજા આપી અંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલી કુખ્યાત સેલ્યુલર જેલમાં મોકલી દીધા હતા. તેની આખી એક અલગ કથા છે. ફરી ક્યારેક.

    સંદર્ભ: ઇકોઝ ફ્રોમ ધ ફોરગોટન પાસ્ટ, વિક્રમ સંપત

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં