જિયોપોલિટિકલ થિયરીસ્ટ નિકોલસ સ્પાઈકમેનની એક થિયરી છે- ‘Those who control the rimland, control the heartland’ એટલે કે સમુદ્ર પર નિયંત્રણ રાખનાર જ જમીનની સત્તા નક્કી કરે છે. આજકાલનાં ભુરાજકારણ માટે આ 20મી સદીનો સિદ્ધાંત છે, પરંતુ ભારત માટે આ કોઈ નવો વિચાર નહોતો. ભારત એ જાણતું હતું કે જે સમુદ્રને સમજે છે, તે જ જમીનને સુરક્ષિત રાખી શકે છે અને આ જ્ઞાનનું સૌથી મોટું પ્રતીક એક મંદિર છે, જે માત્ર પૂજાનું સ્થળ નહોતું પરંતુ હિંદ મહાસાગર સાથે જોડાયેલી એક આખી સભ્યતાનું પ્રવેશદ્વાર હતું. એ મંદિર એટલે- ‘સોમનાથ’.
સોમનાથને માત્ર ઇતિહાસની એક અલગ-થલગ ઘટના તરીકે જોવું એ એક મોટી ઐતિહાસિક ભૂલ છે. સામાન્ય રીતે એવું સમજી લેવામાં આવે છે કે ગઝનવી આવ્યો, મંદિર તૂટ્યું અને વાર્તા પૂરી થઈ ગઈ. જ્યારે સત્ય એ છે કે સદીઓથી હિંદ મહાસાગરને પોતાના નિયમો પર ચલાવતી ભારતીય સમુદ્રી સભ્યતા પર પ્રથમ પ્રહાર સોમનાથ પર હુમલો કરીને કરવામાં આવ્યો હતો. જો આપણે સોમનાથને કચ્છ, ભરૂચ, સુરત, કોંકણ અને અંતે ગોવા સાથે જોડીને નહીં જોઈએ તો ઇતિહાસની અસલી પેટર્ન ક્યારેય સામે આવશે જ નહીં.
11મી સદી પહેલા ભારતને માત્ર જમીન સુધી સીમિત માનવું એ અધૂરો ઇતિહાસ ભણવા જેવું છે. ભારત એ સમયમાં એક ‘મેરી-ટાઈમ પાવર વિધાઉટ એમ્પાયર’ (maritime power without empire) હતું. એક એવી દરિયાઈ શક્તિ, જે સંસ્થાન (કોલોની) નહોતી બનાવતી પરંતુ મહાસાગરોમાં હાજર હતી. અરબ સાગર અને હિંદ મહાસાગરમાં ભારતીય વેપારીઓ, નાવિકો અને તીર્થયાત્રીઓ કોઈ પણ ડર વગર અવરજવર કરતા હતા.
પહેલી સદીનો ગ્રીક ગ્રંથ ‘પેરિપ્લસ ઑફ ધ એરિથ્રીયન સી’ (Periplus of the Erythraean Sea) એટલે કે, એરિથ્રીયન સમુદ્રનો દરિયાઈ વૃત્તાંત સ્પષ્ટપણે જણાવે છે કે ભારતનું વેપારી નેટવર્ક ઓમાન, યમન, બસરા અને પૂર્વી આફ્રિકા સુધી ફેલાયેલું હતું.
આ બધી બાબતો માત્ર પુસ્તકો પૂરતી મર્યાદિત નથી. ભારતની દરિયાઈ કોઠાસૂઝ એ કોઈ ખોવાયેલી દંતકથા નથી, પરંતુ એક જીવંત પરંપરા છે. આનું જ એક જીવંત ઉદાહરણ આજે આપણી સામે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સન્યાલ આજકાલ ‘INSV કૌન્ડિન્ય’ નામના એક ખાસ જહાજની યાત્રા પર છે. સંજીવ સન્યાલ પોતે આ જહાજ પર સવાર છે અને દરરોજ આ યાત્રાની અપડેટ્સ પણ શેર કરી રહ્યા છે.
આ જહાજ એટલા માટે ખાસ છે કારણ કે તે કોઈ સામાન્ય નૌકાદળનું જહાજ નથી. આ જહાજ બિલકુલ એ જ રીતે બનાવવામાં આવ્યું છે, જે રીતે હજાર વર્ષ પહેલાં ભારતીય વેપારી જહાજો બનાવવામાં આવતા હતા. આમાં લોખંડની એક પણ ખીલીનો ઉપયોગ થયો નથી. આખું જહાજ નાળિયેરના દોરડાંથી સીવેલું છે. એટલે કે એ જ ટેકનિક, જેના સહારે ભારત ક્યારેક સમુદ્રોમાં મજબૂતીથી અડીખમ ઊભું હતું. આ ‘INSV કૌન્ડિન્ય’ જહાજની યાત્રા ગુજરાતથી શરૂ થઈ છે અને ઓમાન સુધી લગભગ 1400 કિલોમીટરની દરિયાઈ સફર ખેડી રહી છે. ભારતીય નૌસેનાનું આ વિશેષ અભિયાન દુનિયાને એ બતાવવા માટે છે કે ભારતનો દરિયાઈ વારસો કોઈ હવામાં કરેલી વાતો નથી, પરંતુ તે એક ચકાસાયેલી, વ્યવહારિક અને વૈશ્વિક પ્રણાલી રહી છે.
આ વ્યવસ્થા કોઈ એક કેન્દ્રથી ચાલતી સિસ્ટમ નહોતી, પરંતુ અનેક હાથોમાં વહેંચાયેલું અને છતાં મજબૂતીથી કામ કરતું એક વિકેન્દ્રિત (Decentralized) નેટવર્ક હતું. તેનું કેન્દ્ર રાજ્ય (સરકાર) નહીં, પરંતુ મંદિરો હતાં. મધ્યકાલીન ભારતમાં, ખાસ કરીને 10મી થી 12મી સદીના ચોલ અને સોલંકી કાળમાં, મંદિરો માત્ર ધાર્મિક સ્થળો નહોતાં, પરંતુ તે સમયની અર્થવ્યવસ્થાની કેન્દ્રીય નાણાકીય સંસ્થાઓ (Financial Institutions) તરીકે કામ કરતાં હતાં.
રાજાઓ અને વેપારીઓ પોતાની આવકનો મોટો હિસ્સો મંદિરોને દાનમાં આપતા હતા, જેને મંદિરો પોતાની તિજોરીઓમાં બંધ કરીને નહોતાં રાખતાં. આ મૂડી વેપારી ગિલ્ડ (Guilds) અને મર્ચન્ટ યુનિયનોને વ્યાજ પર આપવામાં આવતી હતી, જેથી તેઓ સુમાત્રા, જાવા, ઝાંઝીબાર અને પૂર્વી આફ્રિકા સુધીની જોખમી દરિયાઈ મુસાફરી કરી શકે. દરિયા પારના વેપારમાં જહાજ ડૂબવા, લૂંટફાટ અને ખરાબ હવામાન જેવા મોટાં જોખમો રહેતાં, જે કોઈ એકલદોકલ વેપારી માટે સહન કરવા શક્ય નહોતાં, પરંતુ મંદિરોનો વિશાળ ખજાનો આ નુકસાન વેઠવાની ક્ષમતા ધરાવતો હતો. જ્યારે વેપારીઓ સફળતાપૂર્વક પાછા ફરતા, ત્યારે તેઓ નફાનો એક ભાગ મંદિરને અર્પણ કરતા હતા.
હિંદુ દરિયાઈ વેપાર સંસ્થાગત (Institutional) હતો અને તેમાં ‘મણિગ્રામમ’ અને ‘ઐન્નુરુવર’ જેવી શ્રેણીઓ હતી, જેમને ‘પાંચસો સ્વામી’ તરીકે પણ ઓળખવામાં આવતા. તેમની પાસે પોતાની ખાનગી સેનાઓ અને નૌકાદળ હતું, જે સમુદ્રી ડાકુઓથી જહાજોનું રક્ષણ કરતાં હતાં. પશ્ચિમ ભારતમાં આ આખી વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર સોમનાથ હતું. પ્રભાસ પાટણનું બંદર હડપ્પા કાળથી સક્રિય હતું. રોમન સામ્રાજ્યથી લઈને પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધીનો વેપાર અહીંથી જ સંચાલિત થતો હતો. દ્વારકાથી લઈને સોમનાથ અને ખંભાત સુધી ફેલાયેલો આ તટીય માર્ગ માત્ર વેપારનો જ નહીં, પરંતુ તીર્થધામ, સંસ્કૃતિ અને સામાજિક જોડાણનો પણ માર્ગ હતો. આ રીતે સોમનાથ માત્ર ભગવાન શિવનું નિવાસસ્થાન નહોતું, તે દરિયાઈ ભારતનું આર્થિક (Financial), સાંસ્કૃતિક અને કાયદાકીય કેન્દ્ર હતું.
ઇસ્લામનું આગમન અને ‘ઉમ્મા’નો આર્થિક આતંક
સાતમી સદી પછી હિંદ મહાસાગરમાં આરબ અને ફારસી વેપારીઓનો ઉદય થયો, જેમણે ‘અંજુવન્નમ’ જેવા વ્યાપારિક સંઘો બનાવ્યા. હિંદુ નેટવર્ક જ્યાં મંદિરો અને ગિલ્ડ્સ (શ્રેણીઓ) પર આધારિત હતું, ત્યાં ઇસ્લામિક નેટવર્ક મસ્જિદ અને બજાર પર કેન્દ્રિત હતું. દસમી-અગિયારમી સદી સુધીમાં મુસ્લિમ નેટવર્કે હિંદુ વેપારીઓને પાછળ ધકેલવાનું શરૂ કર્યું.
આ જ સમયગાળા દરમિયાન મહમૂદ ગઝનવીનું સોમનાથ પર આક્રમણ થયું, જે એક સુનિયોજિત વ્યૂહરચના હતી. જેમાં અંદાજે 20 મિલિયન દીનારની સંપત્તિ લૂંટવામાં આવી હતી. સોમનાથ તૂટ્યા પછી ત્યાં તરત મસ્જિદ ન બની, કારણ કે આ હુમલાનો ઉદ્દેશ્ય માત્ર ધર્મ પરિવર્તનનો નહોતો, પરંતુ મંદિરની આર્થિક અને કાયદાકીય ભૂમિકાને ખતમ કરવાનો હતો. શિવલિંગનું ખંડન કરવું એ તે કાયદાકીય-આર્થિક સંસ્થાને (entity) નષ્ટ કરવા સમાન હતું.
ખિલાફત અને ઇસ્લામી સલ્તનતો માટે વેપાર એ માત્ર પૈસા કમાવવાનું સાધન નહીં, પરંતુ સત્તા વધારવાની એક રણનીતિ હતી. જ્યારે તેમણે જોયું કે હિંદ મહાસાગરનો મોટો હિસ્સો એક એવા નેટવર્કના સહારે ચાલી રહ્યો છે, જેને ન તો તલવારથી જીતી શકાય છે કે ન તો સીધો અંકુશ મેળવી શકાય છે, ત્યારે તેમણે રસ્તો બદલ્યો. સીધી લડાઈને બદલે તેમણે તે નેટવર્કની કરોડરજ્જુ તોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ રણનીતિનો પ્રથમ મોટો અને પ્રતીકાત્મક પ્રહાર એટલે મહમૂદ ગઝનવીનું સોમનાથ અભિયાન.
સોમનાથની સાથે માત્ર મંદિર જ નહોતું તૂટ્યું, પરંતુ ભારતનો દરિયાઈ આત્મવિશ્વાસ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ હુમલો ભારતને ધાર્મિક નુકસાન પહોંચાડવાની સાથે સાથે વ્યૂહાત્મક (Strategic) અને આર્થિક રીતે નબળું પાડવા માટે કરવામાં આવ્યો હતો. સોમનાથ તે સમયે દરિયાઈ ભારતનું પ્રતીક હતું અને આ હુમલો હિંદુ ટેમ્પલ ટ્રેડ નેટવર્ક પર નિશાન હતો. તેનો ઉદ્દેશ્ય સભ્યતાનું મનોબળ તોડવાનો હતો, જેને આજે આપણે અયોધ્યા, કાશી અને સોમનાથમાં ‘કલ્ચરલ ઇકોનોમી’ (સાંસ્કૃતિક અર્થતંત્ર) તરીકે જોઈ શકીએ છીએ.
ઇસ્લામિક આક્રમણો પછી ધીમે-ધીમે ધર્મશાસ્ત્રોમાં સમુદ્ર ઓળંગવાને ‘કાળા પાણી’ કહીને લોકોને સામાજિક રીતે નિરુત્સાહિત કરવાનું શરૂ થયું. આ એક ભૌગોલિક-રાજકીય (Geo-political) હારને સામાજિક નિયમમાં બદલવા જેવું હતું. રાધાકુમુદ મુખર્જી તેમનાં પુસ્તકમાં જણાવે છે કે કેવી રીતે પ્રાચીન ભારતની જીવંત નેવિગેશન પરંપરા મધ્યકાળમાં શિથિલ થઈ ગઈ.
અહીં એક મહત્વની તુલના જોવા મળે છે. જ્યારે પશ્ચિમમાં ગઝનવી સોમનાથને લૂંટી રહ્યો હતો, તે જ સમયે પૂર્વમાં રાજેન્દ્ર ચોલ પોતાની નૌસેના સાથે સુમાત્રા પર આક્રમણ કરી રહ્યા હતા. ચોલ વંશે આક્રમક નૌકાદળ અભિયાનો દ્વારા સમુદ્રમાં પોતાની શક્તિ બતાવી હતી. બીજી તરફ, ગુજરાત અને સોલંકી રાજવંશના વિસ્તારોએ સમુદ્રને ક્યારેય ઓછો આંક્યો નહોતો. તેમણે તેને પોતાની તાકાત બનાવી – એક બાજુ રક્ષણ માટે, જેથી દુશ્મન આવે તો દરિયાઈ માર્ગે જડબાતોડ જવાબ આપી શકાય અને બીજી બાજુ વેપાર દ્વારા આવક વધારવા માટે.
ગઝનવીના હુમલાએ ભારતની પશ્ચિમી ભુજા (હાથ) કાપી નાખી હતી. પરંતુ ભારતની પૂર્વ ભુજા હજુ કેટલીક સદીઓ સુધી સક્રિય રહી. આ જ કારણ છે કે ભારતની દરિયાઈ સભ્યતા એક દિવસમાં પડી ભાંગી નહોતી, તેને ટુકડાઓમાં તોડવામાં આવી હતી.
સોમનાથ મંદિરના પરિસરમાં આવેલો ‘બાણસ્તંભ’ તેનો સ્પષ્ટ પુરાવો છે. આ સ્તંભ દર્શાવે છે કે પ્રાચીન ભારતીય નાવિકોને દિશાની સમજ હતી, ખગોળનું જ્ઞાન હતું અને તેમને એ પણ ખબર હતી કે પૃથ્વી ગોળ છે. સ્તંભ પર લખેલું છે કે આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પણ જમીની અવરોધ નથી. આજના સેટેલાઈટોએ સાબિત કરી દીધું છે કે આ વાત સાચી છે.
સોમનાથ પછી આ જ વાર્તા આખા પશ્ચિમ કિનારે પુનરાવર્તિત થઈ. ભરૂચ, કોંકણ અને સૌરાષ્ટ્રના જૂના વેપારી નગરો ધીમે-ધીમે દબાણમાં આવવાં લાગ્યાં. દિલ્હી સલ્તનત અને ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય મૂળભૂત રીતે જમીન પર ટકેલી તાકાતો હતી. તેમની શક્તિ ખેતરો, કિલ્લાઓ અને સેનાઓ પર હતી, સમુદ્ર પર નહીં. તેમણે ક્યારેય મજબૂત અને સંગઠિત નૌકાદળ ઊભું કરવાનો ગંભીર પ્રયાસ કર્યો નહીં.
ત્યાં સુધી કે મુઘલોએ પોતાની હજ યાત્રાઓની સુરક્ષા માટે પણ વિદેશી નાવિકો અને કાફલાઓ પર નિર્ભર રહેવું પડ્યું હતું. એટલે કે સમુદ્ર તેમના માટે શક્તિ સ્થાપિત કરવાનું ક્ષેત્ર નહોતું, પરંતુ એક એવી જગ્યા હતી જેને બીજાના ભરોસે છોડી દેવામાં આવી હતી. અને આ અંતર જ ધીમે-ધીમે ભારતને તેના સમુદ્રથી વધુ દૂર લઈ જતું ગયું.
મુઘલ કાળ
1299માં જ્યારે અલાઉદ્દીન ખિલજીની સેનાઓ ફરીથી સોમનાથ પહોંચી, ત્યારે મંદિર ફરીથી તોડવામાં આવ્યું અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવી દેવામાં આવ્યું. તેની સાથે ન માત્ર એક ધાર્મિક સ્થળ પડી ભાંગ્યું, પરંતુ પ્રથમવાર આખા દરિયાઈ તંત્ર પર કાયમી વહીવટી નિયંત્રણ સ્થપાયું. 14મી સદીમાં ગુજરાત સલ્તનત સ્વતંત્ર થઈ. 15મી સદીમાં આ પ્રક્રિયા વધુ આગળ વધી, જ્યારે બહમની સલ્તનત અને તેમાંથી નીકળેલી આદિલશાહીએ કોંકણ અને ગોવા પર કબજો કરી લીધો. ગોવા, જે ક્યારેક કદંબ અને પછી વિજયનગર સામ્રાજ્યનો હિસ્સો હતું, તે હવે મુસ્લિમ શાસન હેઠળ જતું રહ્યું. પશ્ચિમ કિનારે હિંદુ દરિયાઈ પ્રભુત્વની છેલ્લી મોટી કડી પણ અહીં જ તૂટી ગઈ.
જ્યાં-જ્યાં ઇસ્લામી વેપારી પ્રભાવ પહોંચ્યો ત્યાં ન માત્ર કારોબાર ફેલાયો, પરંતુ મસ્જિદો, સરાય અને કાયમી સમુદાયો પણ ઊભાં થયાં. આ માત્ર મજહબનો પ્રસાર નહોતો, પરંતુ ખલીફાઓ અને ઇસ્લામી સત્તા કેન્દ્રોના સંરક્ષણમાં વિકસેલું એક સંગઠિત, સમુદાય-આધારિત વેપારી નેટવર્ક હતું. આ સમયગાળા દરમિયાન હિંદ મહાસાગર એક આર્થિક માર્ગ ન રહીને રાજકીય-મજહબી નેટવર્કનો વિસ્તાર બની ગયો.
તે સમયે ભારતનું સમુદ્ર સાથેનું માનસિક જોડાણ નબળું પડી ગયું હતું. પરિણામ સ્વરૂપ 15મી સદીમાં જ્યારે પોર્ટુગીઝો ગોવા પહોંચ્યા ત્યારે તેમને કોઈ સંગઠિત ભારતીય નૌસેનાનો સામનો કરવો પડ્યો નહીં. 1498માં વાસ્કો-ડી-ગામા એક એવા સમુદ્રમાં દાખલ થયો જે ક્યારેક ભારતીય જહાજોથી ભરેલો રહેતો હતો, પરંતુ હવે તે લગભગ ખાલી હતો. પોર્ટુગીઝો વેપાર કરવા નહીં, પણ સમુદ્ર પર પ્રભુત્વ સ્થાપિત કરવા આવ્યા હતા અને 16મી સદી સુધીમાં તેમણે હિંદુ-નેતૃત્વ હેઠળના દરિયાઈ નેટવર્કને લગભગ સમાપ્ત કરી દીધું.
11મી થી 16મી સદી વચ્ચે આ પ્રક્રિયા તબક્કાવાર રહી – એટલે કે પહેલાં પ્રતીકો તૂટ્યાં, પછી સંસ્થાઓ નબળી પડી, પછી વહીવટ બદલાયો અને અંતે સમુદ્ર હાથમાંથી નીકળી ગયો. મહમૂદ ગઝનવીએ જે પ્રતિકાત્મક રીતે શરૂ કર્યું હતું, તેને યુરોપિયન શક્તિઓએ માળખાગત (Structural) રીતે પૂરું કર્યું. આ બે નેટવર્કોની ટક્કર હતી- એક વિકેન્દ્રિત હિંદુ ટેમ્પલ નેટવર્ક અને બીજું રાજ્ય-સમર્થિત, કેન્દ્રિત ઇસ્લામિક નેટવર્ક. પરિણામ એ આવ્યું કે ભારતને ધીમે-ધીમે તેના જ સમુદ્રથી કાપી નાખવામાં આવ્યો અને સદીઓનું દરિયાઈ પ્રભુત્વ ખોવાઈ ગયું.
1951માં સોમનાથનું પુનઃનિર્માણ એ દરિયાઈ ભારતની સ્મૃતિને પાછી લાવવાનો પ્રયાસ હતો, જેને સદીઓ પહેલા વ્યુહાત્મક રીતે ભૂંસી દેવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ તેને સભ્યતાના આત્મવિશ્વાસની વાપસી માનતા હતા, જ્યારે જવાહરલાલ નેહરુ તો તેને ભારતના સેક્યુલર માળખા માટે જોખમ માનતા હતા. આ કારણે તેઓ હંમેશા આશંકિત જ રહ્યા અને આ આશંકા ખરેખર એ આત્મવિશ્વાસની હતી, જે સમુદ્રના રસ્તે ફરી પાછો આવી શકતો હતો.
અલ-બરૂનીએ બહુ પહેલાં લખ્યું હતું કે હિંદુઓ પોતાનું રાજ્ય હારી શકે છે, પણ પોતાના દેવતાઓને નહીં. આજે આ વાતને થોડી વધુ આગળ વધારીને કહી શકાય કે હિંદુ સભ્યતાને સમુદ્રથી કાપી શકાય છે, પરંતુ સમુદ્રની સ્મૃતિઓ તેની પાસેથી છીનવી શકાતી નથી. સોમનાથથી ગોવા સુધીની આ કથા માત્ર ‘મંદિર વિરુદ્ધ મસ્જિદ’ની નથી. આ એ ક્ષણની કથા છે જ્યારે એક સભ્યતાને સમજાઈ ગયું કે તેને હરાવવા માટે પહેલા તેને તેના સમુદ્રથી અલગ કરવી પડશે.
ઇન્ડો-પેસિફિકમાં ભારતની વાપસી: એક અધૂરી સભ્યતાનું પુનરાગમન
મુઘલોના આક્રમણો અને ત્યારબાદની રાજકીય પ્રક્રિયાઓએ સોમનાથથી ગોવા સુધી ભારતને ધીમે-ધીમે તેના સમુદ્રથી દૂર કરી નાખ્યું હતું. પરંતુ ઇતિહાસ ક્યારેય સીધી રેખામાં ચાલતો નથી – સભ્યતાઓ કાયમ માટે પડી ભાંગતી નથી, પરંતુ લાંબાગાળે પરિવર્તનના તબક્કાઓમાંથી પસાર થાય છે. તેથી જ આજે જ્યારે આપણે ‘ઇન્ડો-પેસિફિક’માં ભારતની હાજરી જોઈએ છીએ, ત્યારે તે કોઈ અચાનક બનેલી વ્યૂહરચના નથી, પરંતુ એ યાત્રાની વાપસી જેવી છે જે લગભગ હજાર વર્ષથી અધૂરી રહી હતી.
મોટેભાગે ‘ઇન્ડો-પેસિફિક’ને અમેરિકન વ્યૂહરચના અથવા ચીન-વિરોધી ગઠબંધનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, પરંતુ આ એક અધૂરો અભિગમ છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાં ક્યારેક ભારતીય વેપાર, સંસ્કૃતિ અને નૌકાદળનો પ્રભાવ કોઈપણ સંસ્થાનવાદી (Colonial) હસ્તક્ષેપ વગર ફેલાયેલો હતો. ચોલ સામ્રાજ્યની નૌકાદળની યાત્રાઓ, દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા ભારતીય મંદિરો અને સંસ્કૃત-તમિલ શિલાલેખો એ વાતનો પુરાવો છે કે ભારત ક્યારેય માત્ર એક મહાદ્વીપીય રાજ્ય (Continental State) નહોતું, પરંતુ એક દરિયાઈ સભ્યતા હતું.
ઇતિહાસકાર કે.એ. નીલકાંત શાસ્ત્રી અને આર.સી. મજૂમદાર જણાવે છે કે ચોલ નૌસેનાએ શ્રીલંકા, સુમાત્રા અને મલય દ્વીપકલ્પ સુધી માત્ર લશ્કરી અભિયાનો જ નહોતા ચલાવ્યાં, સાથે સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક માર્ગોને પણ સુરક્ષિત કર્યા હતા. આ કોઈ સંસ્થાનવાદી કબજો નહોતો, પરંતુ તે ‘કનેક્ટિવિટી અને સિક્યોરિટી’નું એક મોડેલ હતું.
આ જ મોડેલ પશ્ચિમ ભારતમાં મંદિર-આધારિત દરિયાઈ નેટવર્ક તરીકે જોવા મળે છે. સમુદ્ર અહીં અધિકાર થોપવાનું સાધન નહોતું, પરંતુ નિયંત્રણનું માધ્યમ હતું. એટલા માટે જ ભારતની હાજરી સમુદ્રોમાં હતી, પણ ભારતીય સામ્રાજ્યો સમુદ્રો પર થોપવામાં નહોતા આવ્યા. ભારતનો દરિયાઈ સ્વભાવ વર્ચસ્વનો નહીં, પણ પ્રવાહનો હતો.
ગઝનવીથી ગોવા સુધીની ઐતિહાસિક પ્રક્રિયાએ ભારતને સમુદ્રથી દૂર નાખ્યું અને તેની સૌથી ઊંડી અસર એ થઈ કે ભારતે પોતાની દરિયાઈ કલ્પના જ ગુમાવી દીધી. મુઘલ કાળમાં શક્તિ જમીન પર કેન્દ્રિત રહી, સમુદ્રને કાં તો અવગણવામાં આવ્યો અથવા બીજાના ભરોસે છોડી દેવામાં આવ્યો. અંગ્રેજોના આવવા સાથે આ અંતર કાયમી બની ગયું અને સમુદ્ર ભારતીય ચેતનાથી લગભગ અલગ થઈ ગયો. આ જ કારણ છે કે સ્વતંત્રતા પછી પણ ભારત દાયકાઓ સુધી એક જમીન-કેન્દ્રિત રાજ્ય બની રહ્યું.
21મી સદીમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. ચીનનો દરિયાઈ વિસ્તાર, સાઉથ ચાઈના સીનું લશ્કરીકરણ અને હિંદ મહાસાગરમાં વધતી જતી ચીની હાજરીએ ભારતને ફરી એ જ સવાલ યાદ અપાવ્યો છે જે સોમનાથ પછી ધીમે-ધીમે ભૂલી જવામાં આવ્યો હતો – “સમુદ્ર કોનો છે?” આ સવાલ જ ભારતની ઇન્ડો-પેસિફિક વિચારધારાને સાચા સંદર્ભમાં સમજવાની ચાવી છે.
ભારત આજે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની ભાગીદારી કરી રહ્યું છે, QUAD જેવા માળખાઓમાં સામેલ થઈ રહ્યું છે અને પોતાની નૌસેનાને ‘કેરિયર સેન્ટ્રિક’ બનાવી રહ્યું છે – આ કોઈ પશ્ચિમી એજન્ડાની નકલ નથી પરંતુ આપણી સભ્યતાની સ્મૃતિની વાપસી છે. INS વિક્રાંત અથવા આંદામાન-નિકોબાર એ માત્ર સૈન્ય મથકો નથી, તે એ તૂટેલા દરિયાઈ ભારતનું પ્રતીક છે જે ફરી બેઠું થઈ રહ્યું છે.
ઇન્ડો-પેસિફિક એ હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડતો વિશાળ વિસ્તાર છે, જ્યાં આજે વિશ્વનો અડધાથી વધુ વેપાર, ઉર્જા પુરવઠો અને આર્થિક પ્રવૃત્તિઓ કેન્દ્રિત છે. ભારત તેને ‘સ્વતંત્ર, મુક્ત અને સર્વસમાવેશક ઇન્ડો-પેસિફિક’ કહે છે. તેનો અર્થ એ નથી કે ભારત પ્રભુત્વ ઈચ્છે છે, પરંતુ એ છે કે કોઈ એક શક્તિ સમુદ્રને પોતાની જાગીર ન બનાવી લે. 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંગ્રી-લા ડાયલોગમાં આ દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો હતો. તેમણે ઇન્ડો-પેસિફિકને એવી જગ્યા ગણાવી હતી જ્યાં તમામ દેશો પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે આવી શકે છે.
એ કોઈ સંયોગ નથી કે ભારત આજે ‘નિયમ-આધારિત વ્યવસ્થા’ની (Rule-based order) વાત કરે છે. તેનો અર્થ એ છે કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિયમો લાગુ પડે, મનમાની નહીં. આ એ જ મોડેલ છે જે ક્યારેક હિંદુ મંદિર નેટવર્કમાં હતું, જ્યાં વેપાર નિયમોથી ચાલતો હતો તલવારથી નહીં, જ્યાં સમુદ્ર સંપર્કનું માધ્યમ હતો વર્ચસ્વનું નહીં. ભારતનો પ્રયાસ એ જ છે કે આ ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે, વેપાર વધે અને કોઈ દાદાગીરી ન કરે.
આ જ કારણ છે કે ભારતનો ઇન્ડો-પેસિફિક દ્રષ્ટિકોણ અમેરિકન કે ચીની મોડેલથી અલગ દેખાય છે. ચીન જ્યાં સમુદ્રને શક્તિ અને દેવાના માધ્યમથી નિયંત્રિત કરવા માંગે છે, ત્યાં ભારત સાંસ્કૃતિક પરિચિતતા, વેપારની નિરંતરતા અને વ્યૂહાત્મક સંયમ પર ભાર મૂકે છે. આ કોઈ નવી નીતિ નથી પરંતુ પ્રાચીન દરિયાઈ સભ્યતાની ‘ઘરવાપસી’ છે.
જો સોમનાથ એ ક્ષણનું પ્રતીક હતું જ્યારે ભારતને સમુદ્રથી કાપી નાખવામાં આવ્યું હતું તો ઇન્ડો-પેસિફિકમાં ભારતની વાપસી એ ક્ષણનો સંકેત છે જ્યારે એક સભ્યતા પોતાની અધૂરી કથાને ફરીથી લખવાનું શરૂ કરી રહી છે. આ કથા હજી પૂરી નથી થઈ, પરંતુ એટલું નક્કી છે કે જે સભ્યતા ક્યારેક હિંદ મહાસાગરના ધબકાર સમાન હતી, તે કાયમ માટે કિનારે બેસી રહી શકે નહીં.
અને કદાચ આખી કથાનો સૌથી મોટો પાઠ એ જ છે – સોમનાથનું તૂટવું એ ભારતની માત્ર દરિયાઈ હાર નહોતી, પરંતુ તે ક્ષણથી જ સમુદ્ર ભારતની ગાથામાંથી બહાર થવા લાગ્યો હતો. આજે જે પરત ફરી રહ્યું છે તે માત્ર સમુદ્ર નથી, પરંતુ ભારતની એ જ ભુલાયેલી સભ્યતાગત આદત છે. આ જ આપણી દરિયાઈ સ્મૃતિ છે અને કદાચ આ જ સ્મૃતિનો પર્વ આપણે આજે સોમનાથમાં ઉજવી રહ્યા છીએ.
આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


