સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસપાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગોનું વર્ણન આ પંક્તિથી શરૂ થાય છે… “सौराष्ट्रे सोमनाथं च…” એટલે કે જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ આ પવિત્ર ધામની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્તાનું પ્રતીક છે.
શાસ્ત્રોમાં આ પણ કહેવાયું છે:
“सोमलिङ्गं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवाञ्छितं मृतः स्वर्गं समाश्रयेत्॥”
અર્થાત્, સોમનાથ શિવલિંગના દર્શનથી વ્યક્તિ પોતાનાં તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. મનમાં જે પણ પુણ્ય કામનાઓ હોય છે તે પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી આત્મા સ્વર્ગને પ્રાપ્ત કરે છે.
દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે કરોડો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાઓનું કેન્દ્ર હતું, વિદેશી આક્રાંતાઓના નિશાના પર આવ્યું, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વિધ્વંસ હતો.
વર્ષ 2026 સોમનાથ મંદિર માટે અત્યંત મહત્વ ધરાવે છે કારણ કે આ મહાન તીર્થ પર થયેલા પ્રથમ હુમલાનાં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદે આ મંદિર પર ભયાનક આક્રમણ કર્યું હતું અને મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું. આ આક્રમણ આસ્થા અને સભ્યતાના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો.
સોમનાથ પરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી ત્રાસદીઓમાં સામેલ છે. તેમ છતાં, એક હજાર વર્ષ પછી આજે પણ આ મંદિર પૂર્ણ ગૌરવ સાથે અડીખમ ઊભું છે. વર્ષ 1026 પછી સમયાંતરે આ મંદિરને તેના પૂર્ણ વૈભવ સાથે પુનઃનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ રહ્યા. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું. સંયોગવશાત્ 2026નું આ જ વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનાં 75 વર્ષ પૂર્ણ થવાનું પણ વર્ષ છે. 11 મે 1951ના રોજ આ મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં યોજાયેલો તે સમારોહ ઐતિહાસિક હતો, જ્યારે મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.
1026માં એક હજાર વર્ષ પહેલાં સોમનાથ પર થયેલ પ્રથમ આક્રમણ, ત્યાંના લોકો સાથે કરવામાં આવેલી ક્રૂરતા અને વિધ્વંસનું વર્ણન અનેક ઐતિહાસિક સ્ત્રોતોમાં વિસ્તારથી મળે છે. જ્યારે વાંચીતે તો હૃદય કંપી ઊઠે છે. દરેક વાક્યમાં ક્રૂરતાનાં નિશાન મળે છે, આ એવું દુઃખ છે જેની પીડા આટલા સમય પછી પણ અનુભવાય છે.
આપણે કલ્પના કરી શકીએ છીએ કે તે સમયે ભારત પર અને લોકોના મનોબળ પર તેની કેટલી ઊંડી અસર થઈ હશે. સોમનાથ મંદિરનું આધ્યાત્મિક મહત્વ અત્યંત વધુ હતું. તે મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ ખેંચતું હતું. તે એવા સમાજની પ્રેરણા હતું જેની આર્થિક ક્ષમતા પણ અત્યંત સશક્ત હતી. આપણાં સમુદ્રી વ્યાપારીઓ અને નાવિકો તેના વૈભવની કથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.
સોમનાથ પરનાં આક્રમણો અને પછી ગુલામીના લાંબા કાળખંડ છતાં આજે હું પૂર્ણ વિશ્વાસ અને ગર્વ સાથે કહેવા માંગું છું કે સોમનાથની ગાથા વિધ્વંસની કહાણી નથી. આ છેલ્લાં 1000 વર્ષથી ચાલી આવતી ભારત માતાનાં કરોડો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે, આ આપણા ભારતીયોની અતૂટ આસ્થાની ગાથા છે.
1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ આગળ જતાં બીજાઓને પણ વારંવાર સોમનાથ પર આક્રમણ કરવા પ્રેરિત કર્યા. આ આપણા લોકો અને આપણી સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ દરેક વખતે જ્યારે મંદિર પર આક્રમણ થયું, ત્યારે આપણી પાસે એવાં મહાન પુરુષો અને મહિલાઓ પણ હતાં જેમણે તેની રક્ષા માટે ઊભા રહીને સર્વોચ્ચ બલિદાન આપ્યું. અને દરેક વખતે પેઢી દર પેઢી આપણી મહાન સભ્યતાના લોકોએ પોતાને સંભાળ્યા, મંદિરને ફરીથી ઊભું કર્યું અને તેને પુનઃ જીવંત કર્યું.
મહમૂદ ગઝનવી લૂંટીને ચાલ્યો ગયો, પરંતુ સોમનાથ પ્રત્યેની આપણી ભાવનાને આપણી પાસેથી છીનવી શક્યો નહીં. સોમનાથ સાથે જોડાયેલી આપણી આસ્થા, આપણો વિશ્વાસ વધુ પ્રબળ થયો. તેની આત્મા લાખો શ્રદ્ધાળુઓની અંદર સતત શ્વાસ લેતી રહી. વર્ષ 1026નાં હજાર વર્ષ પછી આજે 2026માં પણ સોમનાથ મંદિર વિશ્વને સંદેશ આપી રહ્યું છે કે ભૂંસવાની માનસિકતા રાખનારા ખતમ થઈ જાય છે, જ્યારે સોમનાથ મંદિર આજે આપણા વિશ્વાસનો મજબૂત આધાર બનીને ઊભું છે. એ આજે પણ આપણી પ્રેરણાનો સ્ત્રોત છે, એ આજે પણ આપણી શક્તિનું કેન્દ્ર છે.
એ આપણું સૌભાગ્ય છે કે આપણે એ ધરતી પર જન્મ લીધો છે જેણે દેવી અહલ્યાબાઈ હોલ્કર જેવી મહાન વિભૂતિને જન્મ આપ્યો હતો. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પુણ્ય પ્રયાસ કર્યો કે શ્રદ્ધાળુઓ સોમનાથમાં પૂજા કરી શકે.
1890ના દાયકામાં સ્વામી વિવેકાનંદ પણ સોમનાથ આવ્યા હતા, એ અનુભવે તેમને અંદર સુધી આંદોલિત કરી દીધા. 1897માં ચેન્નઈમાં આપેલા એક વ્યાખ્યાન દરમિયાન તેમણે પોતાની ભાવના વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અસંખ્ય પાઠ શીખવશે. આ તમને કોઈપણ સંખ્યામાં વાંચેલા પુસ્તકો કરતાં વધુ આપણી સભ્યતાની ગહન સમજણ આપશે.
આ મંદિરો પર સેંકડો આક્રમણોનાં નિશાન છે અને સેંકડો વખત તેનું પુનર્જાગરણ થયું છે. તેને વારંવાર નષ્ટ કરવામાં આવ્યાં અને દરેક વખતે તે પોતાના જ ખંડેરોમાંથી ફરી ઊભા થયાં. પહેલાં જેટલા સશક્ત. પહેલાં જેટલા જીવંત. આ જ રાષ્ટ્રીય મન છે, આ જ રાષ્ટ્રીય જીવનધારા છે. તેનું અનુસરણ તમને ગૌરવથી ભરી દે છે. તેને છોડી દેવાનો અર્થ છે મૃત્યુ. તેનાથી અલગ થઈ જવાથી વિનાશ જ થશે.”
એ સર્વવિદિત છે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું પવિત્ર દાયિત્વ સરદાર વલ્લભભાઈ પટેલના સક્ષમ હાથમાં આવ્યું. તેમણે આગળ વધીને આ દાયિત્વ માટે પગલું ભર્યું. 1947માં દિવાળીના સમયે તેમની સોમનાથ યાત્રા થઈ. એ યાત્રાના અનુભવે તેમને અંદર સુધી હચમચાવી દીધા, તે જ સમયે તેમણે ઘોષણા કરી કે અહીં જ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થશે. અંતે 11 મે 1951માં રોજ સોમનાથમાં ભવ્ય મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા.
એ પ્રસંગે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઉપસ્થિત હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા માટે જીવિત નહોતા, પરંતુ તેમનું સ્વપ્ન રાષ્ટ્ર સમક્ષ સાકાર થઈને ભવ્ય રૂપમાં ઉપસ્થિત હતું.
તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ આ ઘટનાથી વધુ ઉત્સાહિત નહોતા. તેઓ ઇચ્છતા નહોતા કે માનનીય રાષ્ટ્રપતિ અને મંત્રીઓ આ સમારોહનો ભાગ બને. તેમણે કહ્યું હતું કે આ ઘટનાથી ભારતની છબી ખરાબ થશે. પરંતુ રાજેન્દ્ર બાબુ અડગ રહ્યા અને પછી જે થયું, તેણે એક નવો ઇતિહાસ રચી દીધો.
સોમનાથ મંદિરનો કોઈપણ ઉલ્લેખ કે.એમ. મુનશીજીના યોગદાનને યાદ કર્યા વિના અધૂરો છે. તેમણે તે સમયે સરદાર પટેલનું પ્રભાવી રીતે સમર્થન કર્યું હતું. સોમનાથ પર તેમનું કાર્ય, ખાસ કરીને તેમનું પુસ્તક ‘સોમનાથ, ધ શ્રાઇન ઇટર્નલ’, અવશ્ય વાંચવું જોઈએ.
જેમ કે મુનશીજીનાં પુસ્તકનાં શીર્ષકથી સ્પષ્ટ થાય છે, આપણે એવી સભ્યતા છીએ જે આત્મા અને વિચારોની અમરતામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. આપણે વિશ્વાસ કરીએ છીએ –नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः. સોમનાથનું ભૌતિક માળખું નષ્ટ થઈ ગયું, પરંતુ તેની ચેતના અમર રહી.
આ જ વિચારોએ આપણને દરેક કાળખંડમાં, દરેક પરિસ્થિતિમાં ફરીથી ઊભા થવા, મજબૂત બનવા અને આગળ વધવાની શક્તિ આપી છે. આ જ મૂલ્યો અને આપણા લોકોના સંકલ્પને કારણે આજે ભારત પર વિશ્વની નજર છે. વિશ્વ ભારતને આશા અને વિશ્વાસની દૃષ્ટિએ જોઈ રહ્યું છે. તે આપણા ઇનોવેટિવ યુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કળા, આપણી સંસ્કૃતિ, આપણું સંગીત અને આપણા અનેક પર્વો આજે વૈશ્વિક ઓળખ બનાવી રહ્યાં છે. યોગ અને આયુર્વેદ જેવા વિષયો સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહ્યા છે, સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે અનેક વૈશ્વિક પડકારોના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.
અનાદિ કાળથી સોમનાથ જીવનના દરેક ક્ષેત્રના લોકોને જોડતું આવ્યું છે. સદીઓ પહેલાં જૈન પરંપરાના આદરણીય મુનિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અહીં આવ્યા હતા અને કહેવાય છે કે પ્રાર્થના પછી તેમણે કહ્યું કે, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।” અર્થાત્, એ પરમ તત્ત્વને નમન જેમાં સાંસારિક બંધનોનાં બીજ નષ્ટ થઈ ગયાં છે. જેમાં રાગ અને તમામ વિકાર શાંત થઈ ગયા છે.
આજે પણ દાદા સોમનાથના દર્શનથી એવી જ અનુભૂતિ થાય છે. મનમાં એક ઠહેરાવ આવી જાય છે, આત્માને અંદર સુધી કંઈક સ્પર્શ કરે છે, જે અલૌકિક છે, અવ્યક્ત છે.
1026ના પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી 2026માં પણ સોમનાથનો સમુદ્ર એ જ તીવ્રતાથી ગર્જના કરે છે અને તટને સ્પર્શ કરતી લહેરો તેની પૂરી ગાથા સંભળાવે છે. એ લહેરોની જેમ સોમનાથ વારંવાર ઊભું થતું રહ્યું છે.
અતીતના આક્રમણકારીઓ આજે સમયની ધૂળ બની ચૂક્યા છે. તેમનું નામ હવે વિનાશના પ્રતીક તરીકે લેવામાં આવે છે. ઇતિહાસનાં પાનાંઓમાં તે ફક્ત ફૂટનોટ છે, જ્યારે સોમનાથ આજે પણ પોતાની આશા વ્યક્ત કરતું પ્રકાશમાન ઊભું છે. સોમનાથ આપણને એ બતાવે છે કે ઘૃણા અને કટ્ટરતામાં વિનાશની વિકૃત શક્તિ હોય શકે છે, પરંતુ આસ્થામાં સૃજનની શક્તિ હોય છે. કરોડો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ આજે પણ આશાનો અનંત નાદ છે. આ વિશ્વાસનો એ સ્વર છે, જે તૂટ્યા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે છે.
જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર પોતાના પૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ. આવો, આ જ પ્રેરણા સાથે આપણે આગળ વધીએ. એક નવા સંકલ્પ સાથે, એક વિકસિત ભારતના નિર્માણ માટે. એવું ભારત, જેનું સભ્યતાગત જ્ઞાન આપણને વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરતા રહેવાની પ્રેરણા આપે છે.
જય સોમનાથ!


