Thursday, January 8, 2026
More
    હોમપેજગુજરાતધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સંગમ: સોમનાથ મંદિરનો બાણસ્તંભ

    ધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સંગમ: સોમનાથ મંદિરનો બાણસ્તંભ

    આ સ્તંભની ઉપર પૃથ્વીનો એક ગોળો છે જેમાં એક તીર મારેલું છે જે દક્ષિણ ધ્રુવ તરફ ઈશારો કરે છે. આમ તો આ સ્તંભનું ધાર્મિક, અધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે પરંતુ તેની વિશેષતા તેની પર લખેલ શ્લોક છે.

    - Advertisement -

    ગુજરાતના પશ્ચિમી ભાગમાં સ્થિત બાર જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. એક હજાર વર્ષ પહેલાં મંદિર પર આક્રમણ થયું હતું. ત્યારપછી સતત અનેક વખત ઇસ્લામી આક્રાન્તાઓ હિંદુ આસ્થાના આ પ્રતીક પર પ્રહારો કરતા રહ્યા, પણ ફરી-ફરી મંદિર બેઠું થતું રહ્યું. આજે અરબ સાગરના કાંઠે ઊભેલું આ સનાતન સભ્યતાન સ્થાયિત્વનું પ્રતીક સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યું છે.

    અરબી સમુદ્રની લહેરો સતત આ મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરતી રહે છે. પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ માત્ર એક ધાર્મિક સ્થાપત્ય નથી, પણ ભારતની અસ્મિતાના ઉત્થાન, પતન અને પુન:ઉત્થાનની સાક્ષી પૂરતું રહ્યું છે. આ મંદિરના વિશાળ પ્રાંગણમાં સમુદ્ર તરફ નજર નાખતા એક સ્તંભ દૃષ્ટિગોચર થાય છે, જેને આપણે ‘બાણસ્તંભ’ (Arrow Pillar) તરીકે ઓળખીએ છીએ. આ સ્તંભ ભલે કદમાં નાનો લાગે, પણ તેની પાછળ છુપાયેલું રહસ્ય આધુનિક વિજ્ઞાનને પણ નતમસ્તક થવા મજબૂર કરે છે.

    સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તેનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ જોવા મળે છે. શિવ પુરાણમાં બારેય જ્યોતિર્લિંગનાં નામ અને સ્થાન દર્શાવતો એક શ્લોક છે.

    सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् ।
    उज्जयिन्यां महाकालम्ॐकारममलेश्वरम् ॥१॥

    परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमाशंकरम् ।
    सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने ॥२॥

    वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमीतटे ।
    हिमालये तु केदारम् घुश्मेशं च शिवालये ॥३॥

    एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः ।
    सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥४॥

    - Advertisement -

    શિવ પુરાણની રચના ક્યારે થઈ એનો તો કોઈ ચોક્કસ સમયગાળો મળતો નથી પરંતુ પુરાણોમાં ઉલ્લેખિત આ શ્લોકથી એટલું ચોક્કસથી સ્પષ્ટ છે કે ભારતના ઋષિ-મુનિઓ તે સમયથી ભૂગોળ જેવા વિષયમાં ઘણા નિષ્ણાત હતા. ભારતીય ઋષિમુનિઓએ ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર,ભૂગોળ, ઔષધવિજ્ઞાન જેવાં દરેક ક્ષેત્રમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે આગાઉ વાત કરી એ સોમનાથમાં સ્થિત ‘બાણસ્તંભ.’

    બાણસ્તંભનો ઈતિહાસ

    સોમનાથ મંદિરના ઇતિહાસમાં લગભગ છઠ્ઠી સદીથી આ સ્તંભનો ઉલ્લેખ જોવા મળે છે એટલે વાસ્તવમાં આ સ્તંભનું નિર્માણ ક્યારે થયું હશે તેના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. પરંતુ આજે પણ આ સ્તંભ આ મંદિરમાં સ્થિત છે. જોકે, વર્તમાનમાં જે સ્તંભ આપણે જોઈએ છીએ તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, પરંતુ તેના ઐતિહાસિક માળખાને જેમનું તેમ જ રાખવામાં આવ્યું છે જેથી તે ભવિષ્યની પેઢીઓને પણ ભારતીય શાસ્ત્રો અને મુનિઓએ આપેલ યોગદાન યાદ અપાવી શકે.

    આ સ્તંભની ઉપર પૃથ્વીનો એક ગોળો છે જેમાં એક તીર મારેલું છે જે દક્ષિણ ધ્રુવ તરફ ઈશારો કરે છે. આમ તો આ સ્તંભનું ધાર્મિક, અધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે પરંતુ તેની વિશેષતા તેની પર લખેલ શ્લોક છે. જેમાં લખ્યું છે કે-

    आसमुद्रान्त दक्षिण ध्रुव पर्यंत अबाधित ज्योतिर्मार्ग |

    અર્થાત “આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીના માર્ગમાં કોઈ પણ અવરોધ (જમીન) નથી.”

    No photo description available.

    આ શ્લોકનો અર્થ કરીને આપણે જો સોમનાથ મંદિરના આ સ્તંભથી દક્ષિણ દિશામાં એક સીધી રેખા ખેંચીએ તો તે છેક દક્ષિણ ધ્રુવ એટલે સુધી એક પણ પર્વત કે જમીનનો ટુકડો (ટાપુ) આવતો નથી.

    બાણસ્તંભનું વૈજ્ઞાનિક મહત્વ

    આજના આધુનિક સેટેલાઇટ તસ્વીરો અને ગૂગલ અર્થ પણ આ વાતની પુષ્ટિ કરે છે. એ સિદ્ધ પણ થઈ ચૂક્યું છે કે સોમનાથથી એન્ટાર્કટિકા સુધીની સીધી રેખામાં લગભગ 9,936 કિલોમીટરના અંતરમાં 90 ડિગ્રીના ખૂણે જો રેખા દોરવામાં આવે તો તે હજારો કિલોમીટરના સમુદ્રને પાર કરી સીધી એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પર જ પૂરી થાય છે. અને આ સમગ્ર વિસ્તારમાં કોઈ મોટો ભૂખંડ, ટાપુ કે દ્વીપસમૂહ નથી.

    No photo description available.

    આ શ્લોક અને બાણસ્તંભ માત્ર ભૂગોળનું જ્ઞાન નથી દર્શાવતા પરંતુ પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓના જ્યોતિષશાસ્ત્ર, ગણિત અને સમુદ્રવિજ્ઞાનની ગહન સમજનો પણ પુરાવો છે. જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં પૃથ્વીને સપાટ માનવામાં આવતી હતી ત્યારે આપણા પૂર્વજો જાણતા હતા કે પૃથ્વી ગોળ છે, અલગ-અલગ ધ્રુવોમાં વહેંચાયેલી છે અને આ ધ્રુવોની સ્થિતિ અને દિશાઓનું ભારતીય ઋષિ-મુનિઓનું સચોટ જ્ઞાન હતું. આ બાણસ્તંભ જાણે શિવજીની કૃપાથી વેદો અને પુરાણોમાં વર્ણવેલા વિજ્ઞાનનો જીવંત સંદેશ આપે છે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા અભિન્ન છે.

    No photo description available.

    આ સ્તંભ પર લખેલા શ્લોક અંગે વિચારીએ તો સહજ એવા પ્રશ્ન થાય કે આટલી સદીઓ પહેલાં ભારતીય વિદ્વાનોને છેક દક્ષિણ ધ્રુવ સુધીનું અંતર કેવી રીતે માપી લીધું હતું? તેમની પાસે એવાં કયાં સંસાધનો હતાં જેના કારણે તેઓ લગભગ 10,000 કિલોમીટર સુધીના અંતરની માપણી કરી શક્યા? આ વિદ્વાનોએ ન માત્ર અંતર માપ્યું પણ એવું પણ લખી દીધું હતું કે છેક દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ ભૂખંડ આવતો નથી.

    પ્રશ્ન એ પણ છે કે જો બાણસ્તંભ પર દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂખંડ નથી એવું શા માટે લખેલું છે? શું કોઈને દિશા બતાવવા માટે? એના પર જે તીર છે એ દક્ષિણ દિશા તરફ સંકેત કરે છે એટલે કે દિશાસૂચક પણ છે એટલે એવું માની શકાય કે એ સમયમાં પણ સમુદ્રી રસ્તે પરિવહન કરવા માટે વિશિષ્ટ ટેક્નોલોજી હોવી જોઈએ. ખરેખર આ સ્તંભને લઈને ઘણા પ્રશ્નો અને કુતૂહલ છે.

    કહેવાય છે કે આ સ્તંભ પૃથ્વીના ભૌગોલિક ‘શૂન્ય રેખાંશ’ અથવા મહત્વના ઉર્જા કેન્દ્ર પર નિર્મિત છે. આ સ્તંભ આજે પણ વિજ્ઞાન માટે એક રહસ્ય છે કે આટલાં હજારો વર્ષો પહેલાં પણ ભારતીય વિદ્વાનો જાણતા હતા કે છેક દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પણ ભૂખંડ આવતો નથી. ભારતીય શાસ્ત્રોની વિદ્વતાનું આ એક માત્ર ઉદાહરણ છે એવું નથી. હિંદુઓના આરાધ્ય હનુમાનજીની સ્તુતિ માટે ગવાતા હનુમાન ચાલીસામાં પૃથ્વીથી સૂર્યનું સો જોજનનું અંતર માપેલું જોવા મળે છે. જ્યારે આ વિશ્વ એવી કલ્પનામાં રાચતું હતું કે સૂર્ય પૃથ્વીનું પરિભ્રમણ કરે છે ત્યારે ભારતીય શાસ્ત્રોમાં સમગ્ર સૌર મંડળનો ઉલ્લેખ અને વિવિધ ગ્રહોનો ઉલ્લેખ જોવા મળે છે.

    કદાચ વિશ્વને તારીખો અને કેલેન્ડરનું કોઈ જ્ઞાન નહીં હોય ત્યારે ભારતીય મુનિઓએ ચંદ્રની કળાઓના આધારે ચોક્કસ તિથિઓ નક્કી કરી હતી, તારાજૂથો, રાશીઓ, નક્ષત્રો આ બધી જ બાબતો એ બાબતના પ્રમાણ આપતી રહી છે કે ભારત આધ્યાત્મથી માંડીને, ખગોળશાસ્ત્ર અને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિઓ ધરાવતું હતું. કદાચ એટલે જ ભારત પર, ભારતીય મંદિરો પર વારંવાર વિદેશી આક્રાંતાઓએ હુમલા કર્યા છે. પછી તે મુઘલ હોય, ડચ હોય, પોર્ટુગીઝ હોય કે અંગ્રેજો હોય. અને આ આક્રમણોનો સૌથી વધુ ભોગ કોઈ બન્યું હોય તો એ છે સોમનાથ મહાદેવનું મંદિર.

    No photo description available.

    સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ

    સોમનાથ મંદિરનો ઇતિહાસ પુરાણોમાં વર્ણવ્યો છે. શિવપુરાણ અને સ્કંદપુરાણમાં કહેવાયું છે કે ચંદ્રદેવે (સોમ) દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે વિવાહ કર્યો, પરંતુ માત્ર રોહિણીને જ પ્રેમ આપ્યો. આથી ક્રોધિત થઈને દક્ષે તેમને ક્ષયરોગનો શાપ આપ્યો હતો. ત્યારે ચંદ્રદેવ પ્રભાસ પાટણ આવ્યા અને અહીં શિવજીની કઠોર તપસ્યા કરી. ત્યારે પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન આપ્યું કે એક પક્ષમાં ચંદ્ર ઘટશે અને બીજા પક્ષમાં વધશે. તેથી આ સ્થળનું નામ પડ્યું સોમનાથ – સોમના એટલે કે ચંદ્રના નાથ.

    પુરાણોમાં વર્ણન છે કે સતયુગમાં ચંદ્રદેવે સોનાથી, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી, દ્વાપરમાં શ્રીકૃષ્ણે ચંદનથી મંદિર બંધાવ્યું હતું. આ ભૂમિનું એટલું મહાત્મ્ય છે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુના 9મા અવતાર પૂર્ણ પુરષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરવા આ ભૂમિ પસંદ કરી હતી. સોમનાથની નજીકમાં જ ભાલકા તીર્થ છે, જ્યાં શ્રીકૃષ્ણને શિકારીનું બાણ વાગ્યું અને તેમણે દેહત્યાગ કર્યો હતો.

    Bhalka Tirth | ભાલકાતીર્થ (શ્રી કૃષ્ણનું મંદિર) | Divya Bhaskar

    ભારતીય મંદિરો હંમેશાથી સોના,ચાંદી અને રત્નોના ભંડાર રહ્યાં છે. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં જીવનના ત્રણ ભાગ પડેલા છે. ભાવ જીવન, ભદ્ર જીવન એટલે કે ભગવાનને સમર્પિત રહેવાનું જીવન અને ભોગ જીવન. એમાં ભદ્ર જીવન અંતર્ગત વ્યક્તિ જે કમાતો એમાંથી ભગવાનનો ભાગ કાઢતો, અને પોતાની સર્વશ્રેષ્ઠ વસ્તુ ભગવાનને સમર્પિત કરતો. આજે પણ સનાતનમાં માનતા લોકો મંદિરમાં દાન આપતા હોય છે. કદાચ એટલે જ મંદિરો હંમેશા વૈભવી રહેતાં.

    અધધ આક્રમણો છતાંય અડીખમ સોમનાથ અને દિશાસૂચક બાણસ્તંભ

    કહેવાય છે કે મધ્યકાળમાં સોમનાથની સમૃદ્ધિ વિશ્વવિખ્યાત હતી. મંદિરમાં 56 રત્નજડિત સ્તંભો, સોનાની ઘંટડીઓ અને અપાર ધન હતું. આ જ સમૃદ્ધિના કારણે તે વિદેશી આક્રમણોનું લક્ષ્ય બન્યું. ઇતિહાસમાં ઉલ્લેખિત તથ્યો મુજબ ઓછામાં ઓછા સત્તર વખત મંદિરનો વિનાશ થયો અને પુનર્નિર્માણ થયું કરવામાં આવ્યું હતું. ઇ.સ.1026માં મહમૂદ ગઝનવીએ મંદિર લૂંટ્યું અને નાશ કર્યો. તેણે 50,000થી વધુ લોકોને માર્યા અને અપાર ધન લૂંટ્યુ હતું. ત્યારબાદ 12મી-13મી શતાબ્દીમાં મુહમ્મદ ઘોરી, અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓએ ફરી વિનાશ કર્યો. 14મી-17મી શતાબ્દી દરમિયાન ઔરંગઝેબે પણ આક્રમણ કર્યાં હતાં. છતાં દરેક વખતે ભક્તોની અટલ શ્રદ્ધાએ મંદિરને પુનર્જીવિત કર્યું – સોલંકી રાજાઓ, ચુડાસમા વંશ, અહલ્યાબાઈ હોળકર જેવા સપૂતો વારંવાર મંદિરનું પુન:ર્નિર્માણ કરતા રહ્યા. તેથી જ આજે બાણસ્તંભ જેવી અજાયબી આપણા સુધી પહોંચી છે અને કદાચ આવી કેટલીય અજાયબીઓ આ આક્રમણો દરમિયાન નાશ પણ પામી હશે.

    સોમનાથ મંદિરનો ઇતિહાસ એ વિનાશ અને પુનઃનિર્માણની વિશિષ્ટ ગાથા છે. મુહમ્મદ ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ આ મંદિરની ભવ્યતાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. 18-18 વખત આ મંદિર પર આક્રમણ થયું એ બાબત જ પુરાવો છે કે ભારતીય મંદિરો કેટલા ભવ્ય અને વૈભવથી ભરેલા હતા. અંગ્રેજોના સમયમાં પણ આ મંદિરની પરિસ્થિતિ એટલી સારી નહોતી. પરંતુ સ્વતંત્રતા બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી આ મંદિર ફરી બેઠું થયું.

    Somnath temple was built by Chandra of gold, Ravana of silver and Krishna  of sandalwood; The Mahatmya of the first Jyotirlinga is special | 30 દિવસ,  30 શિવ મંદિર: ચંદ્રએ સોનાનું, રાવણે

    તાજેતરમાં ઉજવાયેલ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ એ વાતની યાદ અપાવે છે કે આ મંદિર 1000 વર્ષથી ભારતીયોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. બાણસ્તંભ આ તમામ કાળખંડનો મૌન સાક્ષી બનીને ઉભો રહ્યો છે અને વિશ્વને માર્ગદર્શન કરી રહ્યો છે. આ બાણસ્તંભની નજીક ઊભા રહીને રત્નાકરની લહેરો જ્યારે કાને પડે ત્યારે મનમાં કુતૂહલ ઉદભવે છે, કેવી રીતે આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં આટલું દૂરનું જ્ઞાન મેળવ્યું હશે! આ સ્થળથી એ પણ દૃષ્ટિગોચર થાય છે કે સનાતન સંસ્કૃતિ માત્ર આધ્યાત્મ અને ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અતિવિકસિત હતી.

    આજનું વિજ્ઞાન પણ જે રહસ્યો શોધવામાં મોડું પડી રહ્યું છે એ રહસ્યો તો ભારતીય વિદ્વાનો હજારો વર્ષો પહેલાં શોધી ચૂક્યા છે અને એનો ઉત્તર પણ આપી ચૂક્યા છે. આ બધું જ જાણે કે પુરાવો છે કે આપણાં શાસ્ત્રો સર્વશ્રેષ્ઠ હતાં જ એટલે જ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોથી આપણે જાણીજોઈને દૂર રાખવામાં આવ્યા અને આજે પણ એ પ્રયત્નો ચાલુ જ છે. આજે જ્યારે વિશ્વ એન્ટાર્કટિકાના રહસ્યો શોધે છે, ત્યારે એવું લાગે કે જાણે આ સોમનાથનો આ બાણસ્તંભ મલકાતો અને કહી રહ્યો હોય કે ‘આ તો અમે સદીઓ પહેલાં જ જાણતા હતા!’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં