હજારો વર્ષોના આક્રમણ પછી પણ અડીખમ સનાતન સભ્યતાના સ્થાયિત્વનું શાશ્વત પ્રતીક સમું સોમનાથ મહાદેવ મંદિર 8થી 11 જાન્યુઆરી સુધી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવી રહ્યું છે. એક સમય હતો જ્યારે મંદિરે જવામાં પણ સરકારના વડાઓને ‘સેક્યુલરિઝમ’ નડી જતું હતું. એક આ સમય છે જ્યારે સરકારના વડા ગૌરવભેર ભગવાં વસ્ત્રો પહેરીને, માથે તિલક કરીને મંદિરે જાય છે. કરોડો દેશવાસીઓના કલ્યાણ માટે પૂજા-પ્રાર્થના કરે છે. હવે ભારતના વડા પ્રધાનને મંદિરે જવામાં શરમ અનુભવાતી નથી. તેઓ રામ મંદિરે જઈને ધર્મધજા પણ લહેરાવે છે, સોમનાથમાં સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરે છે. આ કેટલી મોટી વાત થઈ ગઈ. આ પરિવર્તન માટે વર્તમાન શાસનવ્યવસ્થાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે.
એક જૂની શાસનવ્યવસ્થા હતી, જેના વડાને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય તેની સામે જ મૂળ વાંધો હતો. પ્રથમ વડા પ્રધાન અને કોંગ્રેસીઓના પ્રિય, રાહુલ ગાંધીના પરનાના જવાહરલાલ નેહરુની વાત થઈ રહી છે. સોમનાથ મંદિર પૂર્ણ થઈ ગયું ત્યારે આયોજિત સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને નિમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે નેહરુએ પત્ર લખીને તેમને ન જવાની સલાહ આપી હતી એ તથ્ય તો હવે ઠીકઠાક રીતે જાણીતું છે, પણ હકીકત એ છે કે સોમનાથ મંદિર મુદ્દે નેહરુએ જુદી-જુદી વ્યક્તિઓને આવા એક નહીં પણ સત્તર પત્રો લખ્યા હતા.
સ્વાભિમાન પર્વે થોડા ઇતિહાસમાં પાછળ જઈએ, આવા દરેકે દરેક પત્રને ફંફોસી જોઈએ અને જાણીએ કે એમાં શું લખ્યું હતું અને એક હિંદુ મંદિરના પુનરુદ્ધારથી પ્રથમ વડા પ્રધાનને કેટલીક પીડા થઈ હતી!
નેહરુ આર્કાઇવમાં પહેલો પત્ર 20 જુલાઈ, 1950નો ધ્યાને આવે છે. આ એ સમય હતો જ્યારે સોમનાથના જીર્ણોદ્ધાર માટે કામ શરૂ થવાની તૈયારી હતી. મે મહિનામાં તત્કાલીન જામસાહેબે શિલાન્યાસ કર્યો અને કામ શરૂ થયું. થોડા પાછળ જઈએ તો, 1947માં સ્વતંત્રતા મળી પછી સોમનાથની મુલાકાત વખતે વલ્લભભાઈએ તેના જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો હતો. તેમણે કામ ઉપાડ્યું તેવો વડા પ્રધાન નેહરુએ વાંધો ઉઠાવ્યો. પછીથી આ ભગીરથ કાર્યમાં ક. મા મુનશી પણ જોડાયા.

20 જુલાઈ, 1950ના દિવસે મુનશીને લખેલા એક ટૂંકા પત્રમાં નેહરુ લખે છે કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાતથી તેઓ ‘થોડા અનકમ્ફર્ટેબલ’ અનુભવે છે. નેહરુનો તર્ક હતો કે સરકારે કોઈ ધાર્મિક બાંધકામ કરવું જોઈએ નહીં, કારણ કે તેમ કર્યું તો અન્ય મજહબો-પંથો માટે પણ કરવું પડશે. અહીં નેહરુ આર્થિક સ્થિતિનો પણ ઉલ્લેખ કરે છે અને કહે છે કે દેશની પરિસ્થિતિ હમણાં ઠીક નથી અને આવા વખતે આટલા મોટા પાયે કોઈ મંદિરનું બાંધકામ કરવાનો કોઈ અર્થ જણાતો નથી.
1951નો માર્ચ આવતાં સુધીમાં પુનર્નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે આવ્યું અને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટેની તૈયારીઓ થવા માંડી. આ તરફ મંદિર નિર્માણ સામે જેમને પહેલેથી વાંધો હતો એ જવાહરલાલ નેહરુની તકલીફો પણ વધતી ગઈ. દરમ્યાન જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહજીએ સોમનાથ મંદિરે આયોજિત થનારા કાર્યક્રમમાં સામેલ થવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને નિમંત્રણ પાઠવ્યું હતું. રાજેન્દ્ર પ્રસાદે આ બાબતની જાણ એક પત્ર મારફતે વડા પ્રધાન નેહરુને કરી. રાજેન્દ્ર પ્રસાદ પત્રમાં લખે છે કે કાર્યક્રમમાં જવામાં તેમને કોઈ વાંધો નથી. પણ વાંધો નહેરુને હતો.
નેહરુ 2 માર્ચ, 1951ના પત્રમાં રાજેન્દ્ર પ્રસાદને લખે છે કે, ‘મારે એ સ્વીકારવું જોઈએ કે સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં જવાનો તમારો વિચાર મને પસંદ આવ્યો નથી. કારણ કે આ માત્ર એક મંદિરની મુલાકાત નથી. મંદિરની સામાન્ય મુલાકાત હોત તો તમે કે બીજી વ્યક્તિ કોઈ પણ લઈ જ શકી હોત. પરંતુ આ કાર્યક્રમ સામાન્ય નથી. તેમાં ભાગ લેવાનાં ઘણાં પરિણામો આવી શકે છે. અંગતપણે મને લાગે છે કે સોમનાથમાં આટલા મોટાપાયે કામ કરવાનો અત્યારે સમય ન હતો. એ સમયાંતરે અથવા તો પછીના સમયમાં પણ થઈ શક્યું હોત. હવે થઈ જ ગયું છે તો હું માનું છું કે તમે આ કાર્યક્રમમાં ભાગ ન લો એ વધુ યોગ્ય રહેશે.’

આ પત્રના જવાબમાં રાજેન્દ્ર પ્રસાદે 10મી માર્ચ, 1951એ નેહરુને એક બીજો પત્ર લખ્યો. આ પત્રમાં રાજેન્દ્ર પ્રસાદ લખે છે કે સોમનાથ મંદિર લોકોના પૈસે બન્યું છે અને તેના કાર્યક્રમમાં પોતે ભાગ લે તેમાં તેમને કોઈ સમસ્યા જણાતી નથી. સાથે રાષ્ટ્રપતિ કહે કે સોમનાથ મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ પણ નકારી ન શકાય અને એ તથ્ય પણ ધ્યાન લેવું પડે કે આમંત્રણ મંદિર ટ્રસ્ટના ચૅરમેન અને સૌરાષ્ટ્રના રાજપ્રમુખ જામસાહેબ દિગ્વિજય સિંઘ તરફથી મળ્યું છે.
રાજેન્દ્ર પ્રસાદે સારી ભાષામાં, વિનમ્રતાપૂર્વક નેહરુની ડાહ્યી-ડાહ્યી અને સુફિયાણી વાતો નકારી દીધી અને કહ્યું કે પોતે કાર્યક્રમમાં જવા માટે ઇચ્છુક છે. આટલું ઐતિહાસિક અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું મંદિર ખુલ્લું મૂકાતું હોય અને તેના માટે આમંત્રણ મળતું હોય તો એ સૌભાગ્યની વાત કહેવાય અને ના ન પડાય એટલી સમજ તત્કાલીન રાષ્ટ્રપતિનામાં હતી. વડા પ્રધાનનામાં કેટલીક હતી એ આ પત્રો દર્શાવે છે.
11મી માર્ચે નેહરુએ તત્કાલીન ગૃહ પ્રધાન સી. રાજગોપાલાચારીને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેઓ રાષ્ટ્રપતિ સાથે સોમનાથ મંદિરના કાર્યક્રમ મુદ્દે થયેલા પત્રવ્યવહારનો સંદર્ભ આપીને લખે છે કે, “હું ઇચ્છું છું કે રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં ભાગ ન લે.” આગળ નેહરુએ રાજગોપાલાચારીનો મત માગ્યો હતો અને પૂછ્યું કે શું તેમણે રાષ્ટ્રપતિને ન જવાનો આગ્રહ કરવો જોઈએ કે કેમ. અંતે તેઓ લખે છે, ‘જોકે હું હજુ માનું છું કે તેમણે ન જવું જોઈએ.’
નેહરુએ છેક સુધી પ્રયાસો કરી જોયા પણ પછીથી નમતું મૂક્યું અને 13 માર્ચે રાજેન્દ્ર પ્રસાદને બીજો એક પત્ર લખ્યો. આ પત્રમાં નેહરુ રાજેન્દ્ર પ્રસાદને કહે છે કે આ મુદ્દે પોતે પહેલાં જ મત વ્યક્ત કરી ચૂક્યા છે, પણ રાષ્ટ્રપતિને લાગતું હોય કે આમંત્રણ નકારવું યોગ્ય નથી તો હવે પોતે વધુ દબાણ નહીં કરે.
આખરે 11 મે, 1951ના દિવસે સોમનાથ મંદિર તેના વર્તમાન સ્વરૂપમાં ખુલ્લું મૂકાયું. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હાજર રહ્યા. ક. મા મુનશી પણ હતા. સરદાર પટેલનું 1950ના અંતમાં અવસાન થયું અને તેઓ આ ઐતિહાસિક ક્ષણો જોવા માટે ન રહ્યા પણ તેમના સંકલ્પે આ મંદિર બની શક્યું હતું. નેહરુના અને અન્ય અનેક કોંગ્રેસીઓના વિરોધ છતાં મંદિર બન્યું, ભવ્યાતિભવ્ય બન્યું. આજે આપણે સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે ઇતિહાસની આ બાબતો પણ યાદ કરતા જઈએ એ એટલું જ જરૂરી છે.
સોમનાથ મંદિર પરના નેહરુના બાકીના પત્રોની ચર્ચા આવતા ભાગમાં.


