ભારતની પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ તે ભારતની અજેય આત્મા, અવિનાશી શ્રદ્ધા અને સાંસ્કૃતિક સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. ‘સોમનાથ’ એટલે કે ચંદ્રના સ્વામી. પૌરાણિક ગ્રંથોમાં જેને ‘પ્રભાસ ક્ષેત્ર’ કહેવામાં આવ્યું છે, તે ભૂમિ સદીઓથી ભારતની આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહી છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથનો ઇતિહાસ સંઘર્ષ, બલિદાન અને પુનરુત્થાનની એવી ગાથા છે, જે વિશ્વમાં અન્ય ક્યાંય જોવા મળતી નથી.
આગામી 11 મેના રોજ સોમનાથ મંદિરના આધુનિક પુનઃનિર્માણ અને પ્રાણ-પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્ર એક ઐતિહાસિક ઉત્સવનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 11 મે, 1951ના રોજ જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી, ત્યારે તે માત્ર એક મંદિરનું નિર્માણ નહોતું, પણ ભારતની અજેય આત્માનું પુનઃપ્રગટીકરણ હતું. આજે આ અમૃતકાળમાં આ યાત્રાને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની પવિત્ર ધરતી પર આવી રહ્યા છે. આ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર સોમનાથનો ભવ્ય ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરીએ.
પૌરાણિક પૃષ્ઠભૂમિ અને સ્થાપના
પૌરાણિક માન્યતા અનુસાર સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ચંદ્રદેવ (સોમ) દ્વારા કરવામાં આવી હતી. દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના વિવાહ ચંદ્ર સાથે કર્યા હતા, પરંતુ ચંદ્ર માત્ર રોહિણી પ્રત્યે જ વિશેષ અનુરાગ રાખતા હતા. આ અન્યાયથી ક્રોધિત થઈ દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ‘ક્ષય’ પામવાનો શ્રાપ આપ્યો, જેના કારણે તેમનું તેજ હણાઈ ગયું. શ્રાપમુક્તિ માટે બ્રહ્માજીની સલાહથી ચંદ્રદેવે પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી, હિરણ અને કપિલા નદીના સંગમ સ્થાને મહામૃત્યુંજય મંત્ર સાથે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને શ્રાપમાંથી આંશિક મુક્તિ આપી અને અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા, જે ‘સોમનાથ’ (ચંદ્રના સ્વામી) તરીકે જગવિખ્યાત થયા.
સોમનાથ મંદિરના નિર્માણ સાથે ચાર યુગોની રોમાંચક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે સોમનાથનું પ્રથમ મંદિર સતયુગમાં ચંદ્રદેવે સોનાનું બનાવ્યું હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં ચાંદીનું, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સુખડના લાકડાનું અને કલિયુગમાં ગુજરાતના સોલંકી રાજા ભીમદેવે પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આમ, સોમનાથ એ માત્ર એક ભૌતિક બાંધકામ નથી, પરંતુ કરોડો વર્ષોથી ચાલી આવતી ભારતની અવિરત અને અખંડ આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર છે, જેનો ઉલ્લેખ શિવપુરાણ અને સ્કંદપુરાણ જેવા અતિ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે.
આરબ આક્રમણની શરૂઆત અને પ્રથમ વિધ્વંસ
સોમનાથ પર આક્રમણનો પ્રારંભ 8મી સદીમાં થયો હતો. ઉમય્યદ ખિલાફત દરમિયાન સિંધના ગવર્નર અલ-જુનૈદે ઈ.સ. 725ની આસપાસ પશ્ચિમ ભારત પર આક્રમણ કરીને સોમનાથના ભવ્ય મંદિરનો વિધ્વંસ કર્યો અને તેની અઢળક સંપત્તિ લૂંટી લીધી હતી, જે સોમનાથ પર થયેલો પ્રથમ મોટો ઇસ્લામી હુમલો માનવામાં આવે છે. આ વિનાશના દાયકાઓ બાદ, ઈ.સ. 815માં ગુર્જર પ્રતિહાર સમ્રાટ નાગભટ્ટ દ્વિતીયે આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી અને મંદિરની જર્જરિત અવસ્થા જોઈ તેને ફરીથી બેઠું કરવાનો સંકલ્પ કર્યો. તેમણે લાલ બલુઆ પથ્થરનો (Red Sandstone) ઉપયોગ કરીને મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ કરાવ્યું, જેણે ભારતની સાંસ્કૃતિક ચેતના અને આક્રાંતાઓ સામેના અજેય પ્રતિરોધની પરંપરાને પુનઃસ્થાપિત કરી હતી.
મહમૂદ ગઝનવીની ક્રૂરતા અને રક્તપાત
સોમનાથના ઇતિહાસનો સૌથી કાળો અને ભયંક અધ્યાય ઈ.સ. 1025-26માં મહમૂદ ગઝનવીના આક્રમણ સાથે લખાયો. ગઝનવીએ મંદિરની અજોડ સમૃદ્ધિ અને હીરા-ઝવેરાતની લાલચમાં હજારો માઇલનું અંતર કાપીને હુમલો કર્યો હતો. લોકવાયકા મુજબ જ્યારે ગઝનવીની સેનાએ મંદિરને ઘેર્યું, ત્યારે નિઃશસ્ત્ર બ્રાહ્મણો અને પૂજારીઓએ આસ્થાના જોરે પ્રતિકાર કર્યો. પરંતુ ક્રૂર સેનાએ મંદિરમાં ઘૂસીને આશરે 50,000 જેટલા નિર્દોષ શ્રદ્ધાળુઓની હત્યા કરી. ગઝનવીએ માત્ર ધન જ ન લૂંટ્યું, પણ પવિત્ર જ્યોતિર્લિંગના ટુકડા કરી તેને અપમાનિત કર્યું. ઉપરાંત તેણે આ પવિત્ર અવશેષો જામા મસ્જિદમાં ચણાવી દીધા હતા. ગઝનવીના આ ભયાનક આક્રમણ બાદ સોમનાથ મંદિર ખંડેર જેવી હાલતમાં મુકાઈ ગયું હતું.
અલાઉદ્દીન ખિલજી અને તૂર્કી સલ્તનતનો કહેર
ઈ.સ. 1299માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીતવાના ઈરાદે ઉલુગ ખાનના નેતૃત્વમાં એક વિશાળ ઇસ્લામી સેના મોકલી હતી, જેણે વાઘેલા વંશના અંતિમ શાસક કર્ણદેવને પરાજિત કરી અણહિલવાડ પાટણ અને સોમનાથ સહિતના સમૃદ્ધ શહેરોમાં ભયાનક તબાહી મચાવી હતી. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર વાજા-રાઠોડ ક્ષત્રિય યોદ્ધા માલસૂતા અને પદમાલા તૂર્કીઓ સામે લડતા બલિદાન થઈ ગયા હતા. આક્રાંતાઓએ મંદિરને ધ્વસ્ત કરી પચાસ હજાર જેટલા હિંદુઓનો નરસંહાર કર્યો હતો. અમીર ખુશરો અને હસન નિઝામી જેવા ઇતિહાસકારોએ આ લૂંટ અને નરસંહારની પ્રશંસા કરતા નોંધ્યું છે કે હજારો ગૌવંશ અને ગુલામોને બંદી બનાવી સોમનાથની ગરિમાને હણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જ્યારે ખિલજીની સેના લૂંટેલું શિવલિંગ અને હજારો હિંદુ કેદીઓને લઈને દિલ્હી તરફ જઈ રહી હતી, ત્યારે જાલોરના વીર રાજકુમાર વીરમદેવ અને તેમના પિતા કાન્હડદેવે આક્રાંતાઓ પર હુમલો કરી શિવલિંગ પરત મેળવ્યું અને કેદીઓને મુક્ત કરાવ્યા હતા. આ પરાજયથી રોષે ભરાયેલા ખિલજીએ જાલોર પર આક્રમણ કર્યું, જ્યાં બે વર્ષ સુધી ચાલેલા ભીષણ યુદ્ધમાં વીરમદેવ અને કાન્હડદેવ વીરગતિ પામ્યા અને અનેક રાજપૂત સ્ત્રીઓએ જૌહર કરીને પોતાના સ્વમાનની રક્ષા કરી હતી. ખિલજીએ આખરે શિવલિંગ મેળવી તેના ટુકડા કરાવી દિલ્હીમાં અપમાનિત કરવાના પ્રયાસો કર્યા, જે ઇસ્લામી શાસકોની સાંસ્કૃતિક કટ્ટરતાની પરાકાષ્ઠા દર્શાવે છે.
ગુજરાતના સુલતાનો અને પોર્ટુગીઝોનો આતંક
14મી સદી પછી ગુજરાતમાં સ્થાનિક સુલતાનોનું શાસન આવ્યું. ઝફર ખાન અને મહમૂદ બેગડા જેવા શાસકોએ પણ સોમનાથ પર પોતાની કટ્ટરતાની મહોર મારી હતી. ઈ.સ. 1395માં ઝફર ખાને મંદિરને નષ્ટ કરીને ત્યાં મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહમૂદ બેગડાએ પણ મંદિર પર હુમલો કર્યો હતો. 16મી સદીમાં ભારતના પશ્ચિમ કિનારે પોર્ટુગીઝોનું વર્ચસ્વ વધ્યું. પોર્ટુગીઝોએ પણ સોમનાથ પર સમુદ્રી માર્ગે અનેક હુમલા કર્યા અને મંદિરની વધેલી-ઘટેલી સંપત્તિની લૂંટ ચલાવી. આ સમયગાળો સોમનાથ માટે સતત સંઘર્ષ અને અસ્થિરતાનો રહ્યો હતો.
ઔરંગઝેબનો અંતિમ પ્રહાર અને કટ્ટરતાની પરાકાષ્ઠા
ઇસ્લામી આક્રમણોના આ યુગમાં સૌથી મોટો પ્રહાર મુઘલ બાદશાહ ઔરંગઝેબે કર્યો. 17મી સદીમાં (1665માં) ઔરંગઝેબે સોમનાથ મંદિરને સંપૂર્ણપણે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેની કટ્ટરતા એટલી હદે હતી કે તેણે 1704માં ફરીથી આદેશ જારી કર્યો કે જો હિંદુઓ ત્યાં પૂજા કરતા જોવા મળે તો આખા મંદિરનો એવો વિનાશ કરવો કે તેનું નામોનિશાન ન રહે. ઔરંગઝેબના સમયમાં સોમનાથના જર્જરિત અવશેષો પર ફરી પૂજા કરવી અશક્ય બની ગઈ હતી, જેના કારણે આસ્થાના આ કેન્દ્ર પર લાંબા સમય સુધી સન્નાટો છવાયેલો રહ્યો હતો.
સોમનાથનું પુનર્નિર્માણ અને જીર્ણોદ્ધાર
8મીથી 14મી સદીની વચ્ચે પશ્ચિમ ભારતમાં સોમનાથ પર અનેક વખત હુમલા થયા. આ હુમલાનો એકમાત્ર હેતુ મંદિરને તોડી ધન લૂંટવાનો નહોતો, પરંતુ એક સંસ્કૃતિના કેન્દ્રને અપમાનિત કરવાનો હતો. આ દરમિયાન સોમનાથ મંદિરના રક્ષણ કાજે થયેલા બલિદાનો અને શૌર્યની ગાથા એટલી વિશાળ છે કે તેને લખવા માટે શબ્દો ઓછા પડે.
મૂળરાજ સોલંકી: સંગઠિત સત્તાનો પાયો
સોમનાથની રક્ષાનો પાયો 10મી સદીમાં મૂળરાજ સોલંકીએ નાખ્યો હતો. તેમણે અણહિલવાડ પાટણને રાજધાની બનાવીને ગુજરાતમાં એક મજબૂત અને સંગઠિત હિંદુ સત્તાની સ્થાપના કરી. આ તે સમય હતો જ્યારે પશ્ચિમી તટો પર આરબ આક્રમણો સતત વધી રહ્યા હતા. મૂળરાજનું સૌથી મોટું યોગદાન તલવાર કરતાં વધુ ‘રાજકીય સ્થિરતા’ આપવાનું હતું. એક મજબૂત અને સ્થિર રાજ્ય વિના કોઈ પણ સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ લાંબો સમય શક્ય નથી અને મૂળરાજે સ્થાપેલી આ સત્તા જ આગળ જતાં સોમનાથ માટે સુરક્ષા કવચ બની.
ભીમદેવ પ્રથમ: વિધ્વંસ પછીનું નવસર્જન
ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીના ભયાનક આક્રમણ પછી જ્યારે ગુજરાતમાં ભય અને નિરાશાનું વાતાવરણ હતું, ત્યારે ભીમદેવ પ્રથમે શાસન સંભાળ્યું. ગઝનવીએ માત્ર મંદિર જ નહોતું તોડ્યું, પરંતુ પ્રજાના આત્મબળ પર પણ પ્રહાર કર્યો હતો. ભીમદેવે સૌરાષ્ટ્રમાં ફરીથી વહીવટી નિયંત્રણ મેળવ્યું અને હિંદુ અધિકારની પુનઃસ્થાપના કરી. તેમણે સંદેશ આપ્યો કે આક્રમણથી ઇમારતો તૂટી શકે છે, પણ રાજ્ય કે સંસ્કૃતિ સમાપ્ત થતી નથી. તેમના જ નેતૃત્વમાં સોમનાથનું પ્રથમ મોટું રાજકીય પુનઃનિર્માણ થયું.
સિદ્ધરાજ જયસિંહ: સૈન્ય શક્તિ અને રાજકીય ગૌરવ
ત્યારબાદ સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે સોમનાથને માત્ર પૂજાનું સ્થળ નહીં, પણ રાજ્યની પ્રતિષ્ઠાનું કેન્દ્ર બનાવ્યું. તેમના સમયમાં સોમનાથ પર હુમલો એ સમગ્ર ગુજરાત પર હુમલો ગણાતો હતો. તેમણે સૌરાષ્ટ્ર અને સોમનાથ વિસ્તારમાં એવી મજબૂત સૈન્ય વ્યવસ્થા ઊભી કરી કે આક્રમણખોરો માટે ત્યાં પહોંચવું દુષ્કર બની ગયું. તેમણે મંદિરમાં અનેકવાર જીર્ણોદ્ધાર કાર્યો કરાવ્યા અને તીર્થયાત્રીઓની સુવિધા તેમજ સુરક્ષા માટે રાજ્યના સંસાધનો ફાળવ્યા.
રાણી નાયકી દેવીએ ઘોરીને હરાવ્યો
1178 ઈ.સ.માં જ્યારે મોહમ્મદ ઘોરી ગુજરાતને કચડવાના ઈરાદે આગળ વધ્યો, ત્યારે રાણી નાયકી દેવીએ કયાદરાના મેદાનમાં તેને કારમી હાર આપી. આ વિજય સોમનાથના ઇતિહાસ માટે નિર્ણાયક સાબિત થયો. જો તે દિવસે નાયકી દેવીએ ઘોરીને ન રોક્યો હોત તો સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર ફરી એકવાર ભયાનક વિધ્વંસનો ભોગ બન્યું હોત.
રાજા ભોજ પરમાર: સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રણેતા
ગઝનવીએ સોમનાથને આપેલા ઘા બાદ માળવાના રાજા ભોજનું સોમનાથ પ્રત્યેનું યોગદાન અનન્ય છે. ગઝનવીના હુમલા પછી જ્યારે શૈવ પરંપરા પર જોખમ હતું, ત્યારે રાજા ભોજે તેને રાજકીય અને બૌદ્ધિક સંરક્ષણ પૂરું પાડ્યું. તેમણે ભીમદેવ સોલંકી સાથે મળીને મંદિરના પુનઃનિર્માણમાં આર્થિક અને તકનીકી મદદ કરી હોવાના ઉલ્લેખો મળે છે. ભોજ પરમારે એ સાબિત કર્યું કે મંદિરની રક્ષા માત્ર તલવારથી જ નહીં, પરંતુ જ્ઞાન, શાસ્ત્રીય પરંપરા અને સાહિત્યિક સંરક્ષણ દ્વારા પણ કરવામાં આવે છે.
કુમારપાળ સોલંકી: સભ્યતાગત એકતાનું ઉદાહરણ
12મી સદીમાં કુમારપાળે સોમનાથ મંદિરના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી. રસપ્રદ વાત એ છે કે કુમારપાળ જૈન ધર્મના અનુયાયી હોવા છતાં તેમણે સોમનાથની પવિત્રતા અને સુરક્ષા માટે વહીવટી સહયોગ આપ્યો. આ ઘટના દર્શાવે છે કે સોમનાથની રક્ષા એ કોઈ એક સંપ્રદાયનો વિષય નહોતો, પણ સમગ્ર ભારતીય સભ્યતાના અસ્તિત્વનો પ્રશ્ન હતો. તેમણે ભાવ બૃહસ્પતિ જેવા વિદ્વાનોને પ્રોત્સાહન આપીને સોમનાથને જ્ઞાન અને આરાધનાનું કેન્દ્ર બનાવ્યું.
વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ
સોમનાથના રક્ષણ માટે માત્ર રાજાઓ જ નહીં, પણ અનેક નાના શાસકો અને લોકવીરોએ બલિદાન આપ્યા છે. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે લાઠીના યુવાન રાજવી હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા માટે નીકળ્યા. તેમની સાથે વેગડાજી ભીલ અને અન્ય અનેક યોદ્ધાઓ જોડાયા. તેમણે સંખ્યાબળમાં અનેકગણી મોટી સેના સામે ટક્કર લીધી અને મંદિરની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા. આજે પણ સોમનાથના દ્વાર પાસે તેમની દેરી (સ્મારક) તેમના બલિદાનની સાક્ષી પૂરે છે.
રાજા મહિપાલ દેવ અને રા’ ખેંગાર
14મી અને 15મી સદીના ગાળામાં જ્યારે મુસ્લિમ સુબાઓનો આતંક વધી રહ્યો હતો, ત્યારે ચુડાસમા શાસકો મહિપાલ દેવ અને રા’ ખેંગારે પ્રભાસ ક્ષેત્રનું રક્ષણ કર્યું. તેમણે ઇસ્લામી સેનાઓને અનેકવાર પરાજિત કરી સોમનાથમાં પૂજા-પાઠની પરંપરાને જીવંત રાખવા માટે સંઘર્ષ કર્યો. રાજા મહિપાલે તો સ્થાનિક પ્રજાને પણ યુદ્ધકળાની તાલીમ આપી હતી જેથી દરેક નાગરિક મંદિરનો રક્ષક બની શકે. વિધ્વંસ પછી પણ હિંમત હાર્યા વિના તેમણે પૂજા ચાલુ રખાવી હતી.
અહલ્યાબાઈ હોલકર: ભક્તિની જ્યોત પ્રગટાવી રાખી
18મી સદીમાં જ્યારે મુઘલ કટ્ટરતાને કારણે સોમનાથની સ્થિતિ દયનીય હતી, ત્યારે મહારાણી અહલ્યાબાઈ હોલકરે સૌથી પડકારજનક સમયમાં ભક્તિની પરંપરાને પુનર્જીવિત કરી. રાજકીય મર્યાદાઓને કારણે મૂળ સ્થાન પર ભવ્ય મંદિર બનાવવું અશક્ય હતું, તેથી તેમણે મૂળ સ્થાનની નજીક જ એક સુંદર મંદિર બનાવ્યું. તેમણે એ વાતનો પુરાવો આપ્યો કે ભૌતિક ઈમારતો ભલે નષ્ટ થાય, પણ શ્રદ્ધા અને ભક્તિને કોઈ આક્રાંતા રોકી શકતો નથી. તેમની આ પહેલને કારણે જ સોમનાથમાં જ્યોતિર્લિંગની પૂજા અવિરત ચાલુ રહી.
સ્વતંત્ર ભારત અને સરદાર પટેલનો સંકલ્પ
સ્વતંત્ર ભારત અને સરદાર પટેલનો સંકલ્પ સોમનાથના ઇતિહાસનો સૌથી નિર્ણાયક અને ભાવનાત્મક વળાંક ગણાય છે. 13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના ભારતમાં વિલીનીકરણ બાદ ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની મુલાકાત લીધી હતી. પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં મંદિરની જર્જરિત અને અપમાનિત અવસ્થા જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તે જ દિવસે દિવાળીના પાવન અવસરે અરબી સમુદ્રના કિનારે ઊભા રહીને તેમણે હાથમાં સમુદ્રનું જળ લીધું અને ભીની આંખે મક્કમ અવાજે પ્રતિજ્ઞા લીધી કે, “આ નૂતન વર્ષનો અમારો નિશ્ચય છે કે સોમનાથનું ભવ્ય પુનઃનિર્માણ થશે.” આ સંકલ્પ માત્ર એક મંદિરના બાંધકામ માટે નહોતો, પરંતુ સેંકડો વર્ષોની ગુલામીની માનસિકતાને ખંખેરીને સ્વતંત્ર ભારતના આત્મગૌરવ અને સાંસ્કૃતિક સ્વાભિમાનને પુનઃસ્થાપિત કરવાનો એક રાષ્ટ્રીય ઉદ્ઘોષ હતો.
સરદાર પટેલનો આ સંકલ્પ ભગીરથ કાર્ય સમાન હતો, કારણ કે તે સમયે દેશના વડા પ્રધાન પંડિત નેહરુ સહિતના કેટલાક નેતાઓ આ બાબતને ‘હિંદુ પુનરુત્થાનવાદ’ કહીને તેનાથી દૂર રહેવા માંગતા હતા. તેમ છતાં સરદાર પટેલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને સ્પષ્ટ કર્યું કે આ કાર્ય સરકારી તિજોરીના પૈસાથી નહીં, પરંતુ જનતાના પરસેવાના અને શ્રદ્ધાના પૈસાથી કરવામાં આવશે. તેમણે કનૈયાલાલ મુનશી જેવા વિદ્વાનોને સાથે રાખીને સોમનાથ ટ્રસ્ટની રચના કરી. કમનસીબે, 1950માં મંદિર પૂર્ણ થાય તે પહેલાં જ સરદાર પટેલે આ દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ તેમણે વાવેલા સંકલ્પના બીજ એટલા મજબૂત હતા કે નેહરુના વિરોધ છતાં સોમનાથનું ભવ્ય નિર્માણ થયું. સરદાર પટેલનો આ સંકલ્પ આજે પણ ભારતની એકતા અને અજેય આસ્થાના પ્રતીક તરીકે સોમનાથના આકાશમાં લહેરાઈ રહ્યો છે.
11 મે, 1951: ગૌરવશાળી પુનઃસ્થાપના
11 મે, 1951નો દિવસ આધુનિક ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક પુનરુત્થાનના સુવર્ણ અક્ષરે અંકિત થયેલો દિવસ છે. આ દિવસે વૈશાખ સુદ પાંચમના પવિત્ર મુહૂર્તે, હજારો વર્ષોના વિધ્વંસ અને સંઘર્ષ બાદ સોમનાથ મંદિરના નૂતન શિખર પર પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નેહરુના રાજકીય વિરોધ અને દબાણને બાજુ પર રાખીને આ સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે દેશના સર્વોચ્ચ બંધારણીય વડાએ ગંગા, યમુના અને સરસ્વતી સહિતની પવિત્ર નદીઓના જળથી અને વિશ્વભરમાંથી લાવવામાં આવેલી માટીના ઉપયોગ સાથે જ્યોતિર્લિંગની પૂજા કરી, ત્યારે તે દ્રશ્ય માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ સેંકડો વર્ષોના અપમાન પછી ભારતની અપરાજિત આત્માના વિજયનો મહોત્સવ બની ગયું હતું.
આ ઐતિહાસિક અવસરે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરને સરદાર પટેલના અખંડ ભારતના સપનાનું સાકાર સ્વરૂપ ગણાવ્યું હતું. આ લોકાર્પણ સાથે જ સોમનાથ ‘વિધ્વંસથી સર્જન’ સુધીની યાત્રાનું જીવંત સ્મારક બની ગયું, જેણે આવનારી પેઢીઓને શીખવ્યું કે ભારત પોતાની ઓળખ અને સાંસ્કૃતિક વિરાસતને કોઈપણ ભોગે જાળવી રાખવા સક્ષમ છે. આ દિવસે સોમનાથની ભૂમિ પરથી ઉઠેલો શંખનાદ સમગ્ર વિશ્વમાં ભારતના આત્મગૌરવના પુનઃજાગરણનો સાક્ષી બન્યો હતો.
75 વર્ષની યાત્રા અને પીએમ મોદીનું વિઝન
11 મે, 1951ના રોજ થયેલા ઐતિહાસિક લોકાર્પણથી લઈને 2026 સુધીની આ 75 વર્ષની યાત્રા સોમનાથ માટે આસ્થાના પુનઃસ્થાપનથી લઈને વૈશ્વિક ગૌરવ સુધીની યાત્રા રહી છે. આ સાત દાયકાઓમાં સોમનાથે ભારતની બદલાતી તસવીર જોઈ છે, પરંતુ છેલ્લા એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ તીર્થધામનો જે કાયાકલ્પ થયો છે તે અભૂતપૂર્વ છે. પીએમ મોદીએ ‘વિકાસ પણ, વારસો પણ’ના મંત્રને આત્મસાત કરી સોમનાથને માત્ર એક ધાર્મિક સ્થળ તરીકે નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક શક્તિના આધુનિક કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે મંદિરના પરિસરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, ભવ્ય વોક-વે, મ્યુઝિયમ અને બહેતર કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે, જેથી નવી પેઢી આ પવિત્ર ભૂમિના સંઘર્ષ અને વિજયના ઇતિહાસને વૈજ્ઞાનિક અને આધુનિક દૃષ્ટિકોણથી સમજી શકે.
PM મોદીનું વિઝન સોમનાથને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનું મુખ્ય મથક બનાવવાનું છે. તેમના મતે સોમનાથથી લઈને અયોધ્યા અને કાશી સુધીના આધ્યાત્મિક કેન્દ્રોનો વિકાસ એ માત્ર પ્રવાસન વધારવા માટે નથી, પરંતુ તે ભારતના આત્મવિશ્વાસને જગાડવાનું અભિયાન છે. 75મી વર્ષગાંઠના આ અવસરે સોમનાથનો વિકાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ભારત હવે પોતાના ભવ્ય ભૂતકાળને સ્વીકારવામાં સંકોચ અનુભવતું નથી, પરંતુ તેને ગર્વ સાથે ભવિષ્યની પ્રગતિ સાથે જોડે છે. આજે જ્યારે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથના સમુદ્રતટે ઊભા રહીને નવી સુવિધાઓ વચ્ચે પ્રાચીન આરતીનો નાદ સાંભળે છે, ત્યારે તેમને પીએમ મોદીના એ વિઝનનો સાક્ષાત્કાર થાય છે જેમાં ભારતની પ્રાચીન આત્મા આધુનિક શરીર ધારણ કરીને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહી છે. આ 75 વર્ષની મજલ એ ભારતની અપરાજિત પરંપરા અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચેનો અતૂટ સેતુ છે.
સોમનાથ મંદિરનો વૈશ્વિક સંદેશ એ વિધ્વંસ સામે સર્જન અને ભૌતિક વિનાશ સામે આધ્યાત્મિક વિજયની અવિનાશી ગાથા છે. આ પવિત્ર ધામ સમગ્ર વિશ્વને એ શીખવે છે કે સમયના ક્રૂર આઘાતો કે આક્રમણખોરોના હુમલા ભલે ગમે તેટલા વિકરાળ કેમ ન હોય, પરંતુ જે સમાજ પોતાની આસ્થા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના મૂળિયાં સાથે જોડાયેલો રહે છે, તેને ક્યારેય ભૂંસી શકાતો નથી. સોમનાથની ગૌરવશાળી પરંપરા અને તેના દરિયાકાંઠાની અથડાતી લહેરો એ વાતનો જીવંત ઉદ્ઘોષ કરે છે કે સત્ય અને શ્રદ્ધા શાશ્વત છે, તે પરાજયને પચાવીને ફરીથી બેઠા થવાની અને અંધકારને ચીરીને નવસર્જન કરવાની માનવીય ચેતનાની સર્વોચ્ચ શક્તિનું પ્રતીક છે. આજના વિભાજિત વિશ્વમાં સોમનાથ એકતા, સભ્યતાગત નિરંતરતા અને અજેય આત્મબળનો એવો પ્રેરણાદાયી સંદેશ આપે છે, જે ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના અને અપરાજિત અસ્તિત્વને વૈશ્વિક પટલ પર પ્રસ્થાપિત કરે છે.


