Monday, February 10, 2025
More
    હોમપેજદેશ75 વર્ષ પહેલાં આજના જ દિવસે બંધારણ સભાએ ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત...

    75 વર્ષ પહેલાં આજના જ દિવસે બંધારણ સભાએ ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે આપી હતી માન્યતા: વાંચો ઇતિહાસ, નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે પણ છે કનેક્શન

    24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક યોજાઈ, જેમાં અધ્યક્ષે ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે અને ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકૃતિ આપી હતી. આ સિવાય બેઠક પૂર્ણ થઇ પછી પ્રથમ વખત ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત તરીકે તથા ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન તરીકે ગાવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કોઈ પણ દેશનું રાષ્ટ્રગીત તે દેશની ઓળખનું પ્રતીક હોય છે. એવી જ રીતે ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ છે, જેના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. સ્વતંત્રતા પછી બંધારણ સભાની છેલ્લી બેઠક દરમિયાન જાન્યુઆરી, 1950માં ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતી મળી હતી. અહીં આ ‘જન ગણ મન’ અંગેના કેટલાંક તથ્યો પર નજર કરીએ.

    ભારતની સ્વતંત્રતા બાદ ભારતીય બંધારણની રચના કરવા માટે એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. આ બંધારણ સભાએ આજથી બરાબર 75 વર્ષ પહેલાં 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાએ ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. જોકે 14-15 ઑગસ્ટ, 1947ની મધ્ય રાત્રિએ બંધારણ સભાની બેઠક મળી ત્યારે સર્વસંમતિથી ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું.

    24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક યોજાઈ, જેમાં અધ્યક્ષે ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે અને ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકૃતિ આપી હતી. આ સિવાય બેઠક પૂર્ણ થઇ પછી પ્રથમ વખત ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત તરીકે તથા ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન તરીકે ગાવામાં આવ્યું હતું. જેની સાથે જ બંધારણ સભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

    - Advertisement -
    બંધારણ સભામાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સત્તાવાર ઘોષણા કરી હતી

    સ્વીકૃતિ ભલે છેલ 1950માં મળી હોય, પરંતુ તે પહેલાં પણ ‘જન ગણ મન’ પ્રચલિત હતું. કહેવાય છે કે સૌપ્રથમ વખત વર્ષ 1911માં કલકત્તામાં યોજાયેલા કોંગ્રેસના એક અધિવેશનમાં સૌપ્રથમ વખત ગાવામાં આવ્યું હતું. આ સિવાય ‘જન ગણ મન’નો ઇતિહાસ જર્મની સાથે પણ જોડાયેલો છે. એવું કહેવાય છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ડો-જર્મન એસોસિએશન બનાવવા માંગતા હતા, જેની શરૂઆત 11 સપ્ટેમ્બર, 1942ના રોજ જર્મનીની હેમ્બર્ગની હોટેલ એટલાન્ટિકમાં થઈ હતી. આ પ્રસંગે હેમ્બર્ગના મેયર, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જર્મન સરકારના પ્રતિનિધિઓ સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા.

    1942માં નેતાજીની હાજરીમાં જર્મનીમાં પ્રથમવાર વાગ્યું હતું ‘જન ગણ મન’

    આ દરમિયાન હેમ્બર્ગ રેડિયો સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ જર્મનીનું રાષ્ટ્રગીત તેમજ ફ્રી ઇન્ડિયા સેન્ટરના રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ પ્રથમ વાર વગાડ્યું હતું. ફ્રી-ઈન્ડિયા સેન્ટરને જર્મની અને ઇટાલી જેવા દેશોએ માન્યતા આપી હતી. ફ્રી ઇન્ડિયા સેન્ટર એ 1943માં સિંગાપોરમાં રચાયેલી આઝાદ હિંદ ફોજનું પુરોગામી સંગઠન હતું.

    આ સિવાય ફ્રી-ઈન્ડિયા સેન્ટરના સભ્ય એન.જી. ગણપુલે એવા વ્યક્તિ હતા જેમણે રાષ્ટ્રગીતની ધૂન સૌપ્રથમ વખત ટેપ પર રેકોર્ડ કરી હતી. ગણપુલેના મૃત્યુ પછી આ ટેપ ઓલ ઇન્ડિયા રેડિયોને સોંપવામાં આવી હતી. તેનું પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા 1980માં ‘National Anthem born in Exile’ નામના કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

    આ સિવાય જર્મનીમાં રહેતા નેતાજીના પૌત્ર સૂર્યકુમાર બોઝે પણ વર્ષ 2008માં પત્રકારોની સામે રાષ્ટ્રગીતની આ મૂળ ટેપ વગાડી હતી. તેમણે કહ્યું હતું કે, “ઘણા લોકો જાણતા નથી કે રાષ્ટ્રગીતનો જન્મ કેવી રીતે થયો.” નોંધનીય છે કે સુભાષચંદ્ર બોઝની જીવનીનો ઊંડો અભ્યાસ કરનાર અને તેમના જીવન પર અનેક પુસ્તકો લખનારા લેખક-પત્રકાર અનુજ ધરે 26 જાન્યુઆરી, 2022ના રોજ સોશિયલ મીડિયા માધ્યમ X પર એક થ્રેડ લખ્યો હતો.

    નેતાજીના પૌત્ર જે સૂર્યકુમાર બોઝનો હવાલો આપી ધરે લખ્યું હતું કે, “1947માં આપણી પાસે રાષ્ટ્રગીત નહોતું. જાન્યુઆરી 1950માં એક ભારતીય પ્રતિનિધિમંડળે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપી. જેમાં પ્રતિનિધિમંડળના એક સભ્ય તેમની સાથે ‘જન ગણ મન’નું રેકોર્ડિંગ પણ લઇ ગયા હતા. આ રેકોર્ડિંગ સિંગાપોરમાં આઝાદ હિંદ સરકારે તૈયાર કર્યું હતું. તેમણે આ રેકોર્ડિંગ સંયુક્ત રાષ્ટ્ર ઓર્કેસ્ટ્રાને સોંપ્યું હતું.” તેમણે એવું પણ લખ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું, જેની જાણકારી પ્રતિનિધિમમંડળે પરત ફર્યા બાદ જવાહરલાલ નહેરુને આપી હતી.

    રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં કરી હતી રચના

    ‘જન ગણ મન’ની રચના રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોરે 1911માં બંગાળી ભાષામાં કરી હતી. બાદમાં સુભાષ ચંદ્ર બોઝની વિનંતી પર આબિદ અલીએ તેનો હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો. આ સિવાય રવિન્દ્રનાથ ટાગોરે પોતે 1919માં આ ગીતનો અંગ્રેજીમાં ‘ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા’ તરીકે અનુવાદ કર્યો હતો. જેને અંગ્રેજી સંગીતકાર હર્બર્ટ મુરિલે ઓર્કેસ્ટ્રાની ધૂન પર ગાયું હતું.

    નોંધનીય છે કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલ ગીતમાં પાંચ પદ છે. જેના ફક્ત પહેલા પદને રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. ‘જન ગણ મન’ સૌપ્રથમ 1912માં તત્વબોધિની નામના સામયિકમાં પ્રકાશિત થયું હતું. ત્યારે તેનું નામ ભારત ભાગ્ય વિધાતા રાખવામાં આવ્યું હતું. 1919માં આંધ્રપ્રદેશની બેસન્ટ થિયોસોફિકલ કોલેજમાં રવિન્દ્રનાથ ટાગોરે પોતે પહેલી વાર આ ગીત ગાયું હતું. જેને કોલેજ પ્રશાસને મોર્નિંગ પ્રેયરમાં સામેલ કર્યું હતું. આ સિવાય 1945ની ફિલ્મ ‘હમરાહી’માં પ્રથમવાર તેનો ઉપયોગ થયો હતો.

    રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. આરોપ એવો પણ લગાવવામાં આવે છે કે તેને જ્યોર્જ પંચમની પ્રશસ્તિમાં લખવામાં આવ્યું હતું, પણ આ ભ્રમણા હોવાનું જાણકારો કહે છે. આ ઉપરાંત તેમાં આવતા શબ્દ ‘સિંધ’ ને કાઢી નાખવાની માંગ પણ ઉઠેલી છે કારણ કે સિંધ હવે ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનનો ભાગ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ ચૂકી છે. આ સિવાય ‘જન ગણ મન’ની જગ્યાએ ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત ઘોષિત કરવા મામલેનો પણ વિવાદ છે.

    જોકે ‘વંદે માતરમ’નો સ્વીકાર રાષ્ટ્રગાન તરીકે કરવામાં આવ્યો હતો. તેની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ 7 નવેમ્બર, 1876ના રોજ બંગાળના કંટાલ પાડા ગામમાં કરી હતી. તેનાં પહેલાં બે પદો સંસ્કૃતમાં હતાં અને બાકીનાં પદો બંગાળી ભાષામાં હતાં. રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતને સ્વર આપ્યા હતા. જેને સૌપ્રથમ 1996માં કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં ગવાયું હતું. પાછળથી તેનો અરબિંદો ઘોષએ તેનો અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ આરિફ ખાને ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં