Tuesday, March 31, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિકુરુક્ષેત્રથી કળિયુગ સુધી, આધુનિક ભારતના પડકારોનો શાશ્વત ઉત્તર: શ્રીમદ્ ભગવદ્ ગીતા

    કુરુક્ષેત્રથી કળિયુગ સુધી, આધુનિક ભારતના પડકારોનો શાશ્વત ઉત્તર: શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ગીતા જયંતિ માત્ર ઉત્સવ નથી, એ તે ક્ષણની સ્મૃતિ છે જ્યારે ભગવાન કૃષ્ણએ માનવતાને કહ્યું હતું— 'ઉત્તિષ્ઠ, અર્જુન.',  ઉઠ અને પોતાનો ધર્મ નિભાવ. અને આ જ સંદેશ આજે પણ કોટિ કોટિ હિંદુઓને ધર્મનાં રક્ષણ માટેનું બળ આપે છે.

    - Advertisement -

    સમય: સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે. માગશીર્ષ સુદ એકાદશી. સ્થળ: કુરુક્ષેત્રની રણભૂમિ. પાંડવો અને કૌરવો સામસામે ઊભા છે. પરિજનો, ગુરુજનો અને ભાઈઓને સામે જોઈ હતાશ થયેલો અર્જુન હાથમાંથી ગાંડિવ ફેંકી ગોઠણભર બેસી વિલાપ કરે છે કે જે માણસોએ મોટો કર્યો, પાળ્યો, પોષણ આપ્યું, જ્ઞાન આપ્યું અને સમજણ આપી, એ જ માણસો સામે શસ્ત્રો કઈ રીતે ઉઠાવી શકાય? અર્જુનના સારથિ બનેલા પરબ્રહ્મ કૃષ્ણ કમરબંધ પર બંને હાથ રાખી એક-એક સૈનિકને નિહાળી રહ્યા હતા. અર્જુનનો વિલાપ સાંભળી તેઓ ફર્યા અને તેમના મુખારવિંદમાંથી શરૂ થઈ જ્ઞાનની અમૃતધારા, જેને નામ મળ્યું શ્રીમદ્ ભગવદ્ગીતા. શ્રીહરિ ભગવાને ગાયેલું અનન્ય ગીત એટલે ગીતા.

    આજે સાડા પાંચ હજાર વર્ષ બાદ માગશીર્ષ સુદ એકાદશી આવી છે. ભારત ગીતા જયંતીની ઉજવણી કરી રહ્યું છે. વિશ્વના કરોડો હિંદુઓ માટે આ દિવસ પવિત્ર માનવામાં આવ્યો છે. કારણ કે આ એ જ દિવસ છે, જે દિવસે ઈશ્વરે મનુષ્ય સભ્યતાને જીવન જીવવાનો એક માર્ગ બતાવ્યો હતો. ગીતા વિશ્વનો એવો એકમાત્ર ધર્મગ્રંથ છે, જેની જયંતી ઉજવાય છે, જે સ્વયં વિશ્વના સર્જનહારના મુખારવિંદમાંથી વહેતું થયેલું માધુર્ય છે. 

    એકમાત્ર પુસ્તક જેમાં વારંવાર श्री भगवान उवाच એટલે સ્વયં ભગવાન કહે છે એવો ઉલ્લેખ આવે છે. એકમાત્ર પુસ્તક જેમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન સમાયેલું છે. એકમાત્ર પુસ્તક જેને ગમે તેટલી વાર વાંચો પરંતુ દર વખતે તેમાં નાવીન્ય લાગે છે. એ પુસ્તક જેણે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં सिदन्ती मम गात्राणि કહી अकर्मण्य બનેલા દ્વાપરના અર્જુનને રાહ બતાવી હતી, જે હાલ કળિયુગના અર્જુનને રાહ બતાવી રહ્યું છે.

    - Advertisement -

    ગીતા જયંતિ માત્ર કેલેન્ડર પર અંકિત કોઈ ધાર્મિક તિથી નથી. તે એ ક્ષણ છે, જ્યારે માનવ સભ્યતાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ અવતારે એક મનુષ્યને અને તેના માધ્યમથી સમગ્ર માનવતાને જીવનના સૌથી કઠિન પ્રશ્નોના શાશ્વત ઉત્તર આપ્યા હતા. આજથી હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં અર્જુનનો ઊભો થયેલો દ્વંદ્વ માત્ર એક યોદ્ધાનો ભ્રમ નહોતો, તે દરેક યુગના મનુષ્યનો પ્રશ્ન હતો. અને કૃષ્ણ દ્વારા અપાયેલું જ્ઞાન માત્ર એક ક્ષણિક સમાધાન નહીં, પરંતુ માનવ સભ્યતાની દિશા નક્કી કરનારો સંદેશ હતો. 

    ગીતા માત્ર ધર્મગ્રંથ નહીં, રાષ્ટ્રનું ચરિત્ર અને હિંદુઓની સભ્યતા

    ભગવદ્ગીતા હિંદુઓનો ધર્મગ્રંથ ચોક્કસ છે, પણ તેને ધર્મની સીમાઓમાં બાંધવો તેના ગૌરવને ક્ષીણ કરવા જેવું છે. વાસ્તવમાં ગીતા રાષ્ટ્રનું ચરિત્ર છે, હિંદુ સભ્યતાની તાર્કિક-મનોવૈજ્ઞાનિક શક્તિ છે અને ભારતની સામૂહિક ચેતનાની આત્મા પણ છે. એ જ કારણ છે કે ગીતા કોઈ એક કાળ માટે નહીં, કોઈ એક સમુદાય માટે નહીં, પણ સંપૂર્ણ માનવ જાતિ માટેનો એક સનાતન સિદ્ધાંત છે. સાડા પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુન માટે ગીતા જેટલી અગત્યની હતી, એટલું જ ઔચિત્ય તેનું આજે પણ છે. 

    જ્યારે અર્જુન પોતાના સગા-સંબંધીઓ, ગુરુજનો અને પ્રિયજનોને યુદ્ધભૂમિમાં સામે જોઈને વ્યાકુળ થઈ ગયો, ત્યારે તેનું સંકટ માત્ર ભાવનાત્મક નહોતું. એ તે જીવનનું સંકટ હતું જ્યાં મનુષ્ય કર્તવ્ય અને કરુણા, ધર્મ અને મોહ, ન્યાય અને સંબંધોની વચ્ચે ફસાઈ જાય છે. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હતું— 

    ‘क्लैब्यं मा स्म गमः पार्थ’ — ‘હે પાર્થ આ કાયરતાને ધારણ ન કર’

    આ વાક્ય માત્ર અર્જુનને અપાયેલો આદેશ નહોતો, એ મનુષ્યના ભીતરના ભ્રમને કાપી નાખનારો પહેલો પ્રહાર હતો. એ જ તે ક્ષણ છે જ્યાંથી ગીતા ‘ગ્રંથ’ ન રહીને ‘જીવનનું શાસ્ત્ર’ બનીને ઊભરી આવે છે. કૃષ્ણનો પહેલો સંદેશ એ જ હતો કે મનુષ્ય પોતાના નિર્ણયોનો સ્વામી છે અને સંકટની ક્ષણોમાં ભાગી જવું એ ધર્મ નથી. ગીતાની આ જ આત્મા આજના સમયમાં પણ સંપૂર્ણપણે પ્રાસંગિક છે—જ્યાં આધુનિક મનુષ્ય જવાબદારીઓ અને વિક્ષેપોની વચ્ચે ખોવાઈને માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યો છે. 

    મનુષ્યને આદેશ નહીં, વિકલ્પ આપે છે ગીતા

    દુનિયાના મોટાભાગના મજહબી-પંથી કે અન્ય મતના ગ્રંથો મનુષ્યને આદેશ આપે છે—  શું કરવું, શું ન કરવું. પણ ગીતાની અદ્ભુત વિશેષતા એ છે કે કૃષ્ણ અર્જુનને કોઈ બંધનકર્તા આદેશ નથી આપતા. 

    કૃષ્ણ કહે છે — ‘विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु’ અર્થાત, ‘મેં તને સંપૂર્ણ સત્ય કહી દીધું. હવે તને જે યોગ્ય લાગે એ કરવા તું સ્વતંત્ર છે.’

    આ વાક્ય માનવ સ્વતંત્રતાનું સૌથી મોટું ઘોષણાપત્ર છે. ગીતા મનુષ્ય પર આદેશ નથી થોપતી, ન તો ભયથી ચલાવે છે. તે સત્ય અને અસત્યનો માર્ગ બતાવે છે અને વિકલ્પ મનુષ્યને સોંપીને તેના વિવેક પર વિશ્વાસ વ્યક્ત કરે છે. એ જ કારણ છે કે ગીતાને ‘Way of Life’ કહેવામાં આવે છે— એક એવી જીવનશૈલી, જ્યાં મનુષ્ય પોતાના કર્મ, વિચાર અને નિર્ણયનો સ્વામી રહે છે. 

    આધુનિક ભારતમાં ગીતાની પ્રાસંગિકતા

    આજનો મનુષ્ય એ અર્જુનથી જુદો નથી જેણે ધનુષ્ય હાથમાં લીધું હોવા છતાં શંકાઓથી ઘેરાઈ ગયો હતો. ફરક માત્ર એટલો છે કે અર્જુનનું રણક્ષેત્ર કુરુક્ષેત્ર હતું અને આજનું રણક્ષેત્ર જીવન, કંપનીઓનાં ટેબલો, કોડિંગની સ્ક્રીનો, ઑફિસનો તણાવ, સોશિયલ મીડિયાનું દબાણ અને ઝડપી ચાલતું આધુનિક જીવન. કૃષ્ણએ અર્જુનને જે તટસ્થતા અને કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી, એ આધુનિક મનુષ્યના મેન્ટલ હેલ્થ, પ્રોડક્ટિવિટી, ડિસિઝન-મેકિંગ અને સંબંધો માટે અમૃત સમાન છે. 

    કૃષ્ણ કહે છે — ‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन’ અર્થાત ‘તારો અધિકાર માત્ર કર્મ પર છે, તેના ફળ પર નહીં.’ 

    આ શ્લોક આજના કોર્પોરેટ વર્લ્ડથી લઈને સ્ટાર્ટ-અપ કલ્ચર સુધી દરેક જગ્યાએ લાગુ પડે છે. કામનો આનંદ અને ગુણવત્તા, પરિણામનો અવસાદ કે અહંકાર નહીં. એ જ મનુષ્યને સ્થિતપ્રજ્ઞ રાખે છે. આજે લીડરશિપના નામે દુનિયાભરમાં હજારો પુસ્તકો છપાઈ રહ્યાં છે, સ્ટોઇસિઝમથી લઈને સાયકોલોજી સુધી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે સિદ્ધાંતો આધુનિક પુસ્તકોમાં નિષ્કર્ષ તરીકે સામે આવે છે, તે ગીતામાં પહેલેથી જ સ્થાપિત હતા. 

    આત્માનાં મૂળ સુધી પહોંચે છે ગીતા

    ગીતા આત્માનાં મૂળ સુધી પહોંચે છે. દુનિયાનો કોઈપણ ગ્રંથ આત્માનું સૂક્ષ્મ ચિંતન કરી શક્યો નથી. આધુનિક વિજ્ઞાન આત્માને એક ઉર્જા માને છે. વિજ્ઞાન અનુસાર, એનર્જીને મારી નથી શકાતી, તેને સળગાવી નથી શકાતી, ઉર્જા સનાતન છે. તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. વીજળી પણ એક ઉર્જા છે. તેનો ઉપયોગ આપણે અનેક સ્વરૂપમાં પરિવર્તિત કરીને કરીએ છીએ. આધુનિક સાયન્સ આત્માને પણ ઉર્જા માને છે. જે વાત વિજ્ઞાને હમણાં સાબિત કરી છે. તે જ વાત ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં સિદ્ધ કરી હતી.

    ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે,

    नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
    न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। 2-23।।

    અર્થાત:- “આ આત્માને (ઉર્જાને) કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી. આત્મા નિત્ય સનાતન અવિનાશી છે.”

    ગીતાના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે,

    वासांसि जीर्णानि यथा विहाय
    नवानि गृह्णाति नरोऽपराणि ।

    तथा शरीराणि विहाय जीर्णा-
    न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।।

    અર્થાત:- “જેવી રીતે મનુષ્ય, જૂનાં વસ્ત્રો બદલીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જીર્ણ અને પ્રાચીન શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે.”

    મોર્ડન સાયન્સ અને ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે! સાયન્સ કહે છે કે, ઉર્જા અમર છે, તે મરી શકે નહીં, તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. જ્યારે આ જ સિદ્ધાંત હિંદુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષો પહેલાં કહેવાય ચૂક્યો છે. ગીતા કહે છે, આત્મા અવિનાશી છે, સનાતન છે. તેને મારી ન શકાય તે માત્ર શરીર બદલે છે. આવી હજારો વાતો ગીતામાં પહેલાં કહેવાય ચૂકી છે, ત્યારબાદ વિજ્ઞાને સાબિત કરી છે.

    અહિંસા નહીં, ધર્મનું રક્ષણ છે ગીતાનો સંદેશ

    મોહનદાસ ગાંધી અને ત્યારબાદ લેફ્ટ-લિબરલ વર્તુળો વર્ષોથી એ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે ગીતા ‘અહિંસાનું પાલન કરવાનો’ આદેશ આપે છે. પણ હકીકત તો એ છે કે ગીતામાં શ્રીકૃષ્ણએ છેક સુધી અર્જુનને એકપણ આદેશ આપ્યો નથી. તેમણે માત્ર સત્ય-અસત્ય વચ્ચેનો ભેદ ઉકેલ્યો છે અને નિર્ણય અર્જુન પર છોડ્યો છે. ગીતામાં અહિંસાનું સમર્થન નથી, ધર્મ-રક્ષણનો સિદ્ધાંત છે. કૃષ્ણ કહે છે- ‘ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે’ — “હું ધર્મની સ્થાપના માટે યુગે-યુગે અવતાર ધારણ કરું છું.” આ સંદેશ એ નથી કહેતો કે હિંસા જ સમાધાન છે, પરંતુ એ કહે છે કે જ્યારે અન્યાય અને અત્યાચાર ધર્મના પાયાને નષ્ટ કરી નાખે, ત્યારે તેની સામે લડવું જ ધર્મ છે. ગીતાનો ધર્મ ન્યાય છે અને તેનું યુદ્ધ અન્યાય વિરુદ્ધનો સંઘર્ષ.

    ગીતાએ ભારતને માત્ર ધાર્મિક ઓળખ જ નથી આપી, પરંતુ બૌદ્ધિક ઓળખ પણ આપી છે. યોગ, અધ્યાત્મ, વિવેક, યુદ્ધ-નીતિ, ન્યાય, સંતુલન, કર્મ, ત્યાગ, આ બધાનો જે સમન્વય ગીતામાં છે, એ જ ભારતના રાષ્ટ્રીય ચરિત્રનાં મૂળ છે. ગીતા ભારતની રાજકીય ચેતના, સાંસ્કૃતિક સ્મૃતિ અને સભ્યતાગત ધૈર્યનો આધાર છે. એ જ કારણ છે કે હજારો વર્ષની ગુલામી, સંઘર્ષ, હુમલા અને વિનાશ પછી પણ ભારત પોતાની આત્માને ખોઈ ન શક્યો. કારણ કે તેની આત્મા ગીતામાં સંરક્ષિત હતી. 

    ગીતા ન તો અતીત છે, ન તો ઇતિહાસ. એ કાલાતીત છે. જ્યાં મનુષ્ય રહેશે, ત્યાં કર્મ રહેશે. જ્યાં કર્મ રહેશે, ત્યાં નિર્ણય રહેશે અને જ્યાં નિર્ણય રહેશે, ત્યાં ગીતા રહેશે. કુરુક્ષેત્ર આજે યુદ્ધભૂમિ નથી, પરંતુ જીવન છે અને કૃષ્ણ આજે અવતાર નથી, પરંતુ એ આત્મિક અવાજ છે, જે યોગ્ય ક્ષણે મનુષ્યને સાચી દિશા બતાવે છે. ગીતા મનુષ્યને આદેશ નથી આપતી, એ મનુષ્યને જગાડે છે અને એ જ જાગૃતિ ભારતની સનાતન શક્તિ છે.

    ગીતા જયંતિ માત્ર ઉત્સવ નથી, એ તે ક્ષણની સ્મૃતિ છે જ્યારે ભગવાન કૃષ્ણએ માનવતાને કહ્યું હતું— ‘ઉત્તિષ્ઠ, અર્જુન’,  ઉઠ અને પોતાનો ધર્મ નિભાવ. આ જ સંદેશ આજે પણ કોટિ કોટિ હિંદુઓને ધર્મના રક્ષણ માટેનું બળ આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં