Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજેનામાં વ્યક્તિને જડમૂળથી પરિવર્તિત કરવાની છે ક્ષમતા, જાણો ગીતા જયંતિ પર શ્રીમદ્દ...

    જેનામાં વ્યક્તિને જડમૂળથી પરિવર્તિત કરવાની છે ક્ષમતા, જાણો ગીતા જયંતિ પર શ્રીમદ્દ ભગવદ ગીતાના દિવ્ય માહાત્મ્યને

    મોર્ડન સાયન્સ અને શ્રીમદ્દ ભગવદ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે! સાયન્સ કહે છે કે, ઉર્જા અમર છે, તે મરી શકે નહીં, તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. જ્યારે આ જ સિદ્ધાંત હિંદુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષો પહેલાં કહેવાય ચુક્યો છે.

    - Advertisement -

    ભારત સાહિત્યિક સમૃદ્ધિમાં વિશ્વના અન્ય તમામ દેશો કરતા આગળ છે. ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથોનો ઉદ્ભવ થયો છે કે જેણે યુગો-યુગો સુધી વિશ્વને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. તેમાંનો એક વિશેષ ગ્રંથ છે મહાભારત. મહાભારતના ઇતિહાસ વિશે સૌ કોઈ જાણે છે. મહાભારતમાં 18 પર્વ છે અને તેમાંનો એક પર્વ છે ‘ભીષ્મપર્વ’ જેમાંથી વિશ્વગ્રંથ શ્રીમદ્દ ભગવદ ગીતાની ઉત્પત્તિ થઈ છે. આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તે પવિત્ર દિવસ હતો માગશીર્ષ સુદ અગિયારસ. ત્યારથી લઈને આજ સુધી વિશ્વમાં તે દિવસ ગીતા જયંતિ તરીકે ઓળખાય છે. આ વર્ષે 22 ડિસેમ્બરે ગીતા જયંતિની ઉજવણી થશે. ત્યારે આ શુભ અવસર પર આપણે હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ્દ ભગવદ ગીતા વિશેના મહત્વને સમજવા પ્રયાસ કરીશું.

    પૃષ્ઠભૂમિ

    કુરુક્ષેત્રના સમરાંગણમાં પાંડવપુત્ર અર્જુન હતાશ થઈને ઉભો છે. ભગવાન કૃષ્ણ સાથે દલીલો કરી રહ્યો છે કે, “હું જેની સાથે લડવા જઈ રહ્યો છું, તે મારા જ ભાઈઓ છે. પિતાતુલ્ય દાદા ભીષ્મ પર હું કઈ રીતે બાણ ચલાવી શકું?” આટલું કહીને અર્જુનના હાથમાંથી ગાંડીવ નીચે પડે છે અને અસમંજસમાં મુકાયેલો અર્જુન હિંમત હારીને બેસી જાય છે. કુંતીપુત્ર પાર્થની આવી હાલત જોઈને ભગાવન કૃષ્ણ તેને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે. જગતગુરુના મુખારવિંદમાંથી નીકળેલું આ પવિત્ર અમૃત એટલે શ્રીમદ્દ ભગવદ ગીતા. સમગ્ર ગીતા જ્ઞાન સાંભળીને અર્જુનમાં શક્તિનો નવસંચાર થાય છે.

    ભગવાન કૃષ્ણ હાંકલ કરે છે કે, “तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः, હે કુંતીપુત્ર અર્જુન ઉઠ અને યુદ્ધ કરવાનો દ્રઢ નિશ્ચય કર.” આટલું સાંભળીને અર્જુન હાથમાં ગાંડીવ ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થાય છે અને ઘમાસાણ ધર્મયુદ્ધ બાદ સત્યનો વિજય થાય છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે એટલે શ્રીમદ્દ ભગવદ ગીતા. ગીતા માત્ર હિંદુઓનો જ ધર્મગ્રંથ જ નથી, પરંતુ સમગ્ર માનવસમાજનો ગ્રંથ છે. ત્યારે આપણે પવિત્ર ગીતા જયંતિ પર સમજીએ કે કઈ રીતે શ્રીમદ્દ ભગવદ ગીતા આપણને જીવન જીવવાનો રાહ ચીંધે છે.

    - Advertisement -

    Way of Life…. શ્રીમદ્દ ભગવદ ગીતા

    ભગવદ ગીતા એ માત્ર એક ધર્મગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. ગીતાના સિદ્ધાંતો ‘સનાતન સત્ય’ છે. એટલે કે ભૂત,ભવિષ્ય અને વર્તમાનથી પરે છે. ગમે તે યુગમાં તેના વિચારો યોગ્ય અને બંધ બેસતા જ હોય છે. ગીતાના વિચારોને ટાંકીને સ્વાધ્યાય પરિવારના સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કહેતા કે, “મનુષ્ય ગરીબ હોય શકે, મનુષ્ય અસ્વસ્થ હોય શકે, મનુષ્ય રોગી હોય શકે, મનુષ્ય અસ્વચ્છ હોય શકે, પરંતુ મનુષ્ય ક્યારેય અસ્પૃશ્ય ના હોય શકે.” માણસને માણસની દ્રષ્ટિથી જોવાની શક્તિ આપણને શ્રીમદ્દ ભગવદ ગીતા આપે છે.

    હિંદુ વૈદિક સનાતન ધર્મમાં અનેક પુસ્તકો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. તેને વેદો અને ઉપનિષદોનો નિચોડ માનવામાં આવે છે. મનુષ્યના જીવનના તમામ ક્ષેત્રોને આવરીને એક માણસ તરીકે જીવન જીવવાનો સંદેશ આપણને ગીતા આપે છે. ગીતામાં અર્જુન માનવસમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

    પવિત્ર ગીતાગ્રંથ કોઈ અન્ય મઝહબી પુસ્તકોની જેમ આ કરવું અને આ ના કરવુંનો આગ્રહ નથી કરતો. પરંતુ યોગ્ય અને સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે. શ્રીમદ્દ ભગવદ ગીતામાં 700 શ્લોક અને 18 અધ્યાયોનો સમાવેશ થાય છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ.

    ‘આત્મા અને કર્મ શાશ્વત છે’

    શ્રીમદ્દ ભગવદ ગીતા આત્માના મૂળ સુધી પહોંચે છે. દુનિયાનો કોઈપણ ધર્મગ્રંથ આત્માનું સૂક્ષ્મ ચિંતન કરી શક્યો નથી. આધુનિક વિજ્ઞાન આત્માને એક ઉર્જા માને છે. વિજ્ઞાન અનુસાર, એનર્જીને મારી નથી શકાતી, તેને સળગાવી નથી શકાતી, ઉર્જા સનાતન છે. તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. વીજળી પણ એક ઉર્જા છે. તેનો ઉપયોગ આપણે અનેક સ્વરૂપમાં પરિવર્તિત કરીને કરીએ છીએ. આધુનિક સાયન્સ આત્માને પણ ઉર્જા માને છે. જે વાત વિજ્ઞાને હમણાં સાબિત કરી છે. તે જ વાત ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં સિદ્ધ કરી હતી.

    શ્રીમદ્દ ભગવદ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે,

    नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
    न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। 2-23।।

    અર્થાત:- “આ આત્માને (ઉર્જાને) કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી. આત્મા નિત્ય સનાતન અવિનાશી છે.”

    ભગવદ ગીતાના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે,

    वासांसि जीर्णानि यथा विहाय
    नवानि गृह्णाति नरोऽपराणि ।

    तथा शरीराणि विहाय जीर्णा-
    न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।।

    અર્થાત:- “જેવી રીતે મનુષ્ય, જુના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્માં જીર્ણ અને પ્રાચીન શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે.”

    મોર્ડન સાયન્સ અને શ્રીમદ્દ ભગવદ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે! સાયન્સ કહે છે કે, ઉર્જા અમર છે, તે મરી શકે નહીં, તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. જ્યારે આ જ સિદ્ધાંત હિંદુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષો પહેલાં કહેવાય ચુક્યો છે. ગીતા કહે છે, આત્મા અવિનાશી છે, સનાતન છે. તેને મારી ન શકાય તે માત્ર શરીર બદલે છે. આવી હજારો વાતો શ્રીમદ્દ ભગવદ ગીતામાં પહેલાં કહેવાય ચૂકી છે, જે બાદ વિજ્ઞાને સાબિત કરી છે. માટે જ વિશ્વના મહાન અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ભગવદ ગીતા અને વેદોનો અભ્યાસ કરીને રિસર્ચ કરે છે.

    આ જ પ્રકારે ભગવદ ગીતામાં કર્મ (Karma) વિશે માહિતી આપી છે. ભગવદ ગીતા એવું નિશ્ચયપૂર્વક કહે છે કે, મનુષ્યે મૃત્યુ સુધી નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. પણ ખાસ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમે જેવું કર્મ કરશો તેવું જ તમને પરિણામ પણ મળશે. ખરાબ કર્મનું પરિણામ ખરાબ મળશે. ભગવદ ગીતામાં ક્યારેય કોઈને ચોક્કસ કર્મ જ કરવા માટે આગ્રહ નથી કરાયો. માંસાહાર પર પણ ભગવાને સત્ય સમજાવ્યું છે કે, માણસ કોઈપણ પ્રકારનું ભોજન લઈ શકે છે, પરંતુ જેવો મનુષ્યનો આહાર હશે, તેવો મનુષ્યનો વિચાર હશે. છેલ્લે કર્મની થિયરી અહીં પણ લાગુ પડે છે. ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે, મનુષ્યે નિષ્કામ કર્મ કરવું જોઈએ. નિષ્કામ કર્મ એટલે નિસ્વાર્થ ભાવે થતું કર્મ.

    ભગવાન કહે છે કે,

    कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
    मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ 2.47

    અર્થાત:- “મનુષ્ય પાસે માત્ર કર્મ કરવાનો અધિકાર છે, કર્મના ફળનો નહીં. એવા વ્યક્તિ ન બનો જે સતત પોતાના કર્મના પરિણામો પર ધ્યાન ધરે છે. (આસક્ત થાય છે).”

    ભગવાન કૃષ્ણ નિષ્કામ કર્મનું મહત્વ સમજાવે છે. જ્યારે આપણે કોઈ અપેક્ષા સાથે કાર્ય કરીએ છીએ તો તેમાં પવિત્રતા નથી રહેતી પરંતુ જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ કર્મ કરીએ તો તેનું ચોક્કસ ફળ મળે છે.

    આ ઉપરાંત ભગવદ ગીતા મનુષ્ય જીવનમાં એક યોગ્ય પથદર્શક તરીકેનું કાર્ય કરે છે. કોર્પોરેટ જગતથી લઈને વિજ્ઞાન સુધી. મનુષ્ય જીવનથી લઈને રાજકારણ સુધી, તમામ ક્ષેત્રોમાં શ્રીમદ્દ ભગવદ ગીતાના સચોટ અને સનાતન સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે. ઓપનહાઇમર હોય કે સ્ટીવ જોબ્સ. નરેન્દ્ર મોદી હોય કે સ્વામી વિવેકાનંદ. તમામ મહાન વ્યક્તિઓ પાછળ એક ગ્રંથ હંમેશા હોય છે. તે છે શ્રીમદ્દ ભગવદ ગીતા. આપણે અહીં માત્ર એક અંશ તરીકે ભગવદ ગીતનો અભ્યાસ કર્યો છે. જો હૃદયપૂર્વક તેનું પઠન કરવામાં આવે તો વિશ્વના તમામ રહસ્યો પરથી પરદો ઉઠી શકે છે. શ્રીમદ્દ ભગવદ ગીતા જ્ઞાનનો વિશાળ દરિયો છે અને આજેગીતા જયંતિ પર આપણે તેના એક ટીપાં જેટલો પણ અભ્યાસ નથી કર્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં