માગશર શુક્લ એકાદશી એટલે ગીતાજયંતી. લગભગ આજથી 5,000 વર્ષ પહેલાં તેનો ઉદ્ભવ થયો, જેણે માનવજીવનના પ્રાચીન-અર્વાચીન દરેક પ્રશ્નોના ઉત્તર આપ્યાં. હા ઉદ્ભવ કારણ કે જન્મ તો તુચ્છ જીવનો થાય, પરંતુ દૈવી શક્તિનું કાં તો અવતરણ થાય કાં તો ઉદ્ભવ થાય. આ દૈવી શક્તિ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા, જેમાં સ્વયં વિશ્વના સર્જનહારે માનવને આશ્વાસન આપ્યું, માનવ પર વિશ્વાસ મુક્યો, પોતાનો ઉદ્ધાર કરવા હાક મારી, કર્મનો સિદ્ધાંત સમજાવ્યો, માનવીને તેનું અસ્તિત્વ સમજાવ્યું. ગીતાને કોઈ કાવ્ય કહે છે, કોઈ ભગવાનની વાણી કહે છે, કોઈ 700 શ્લોકનો સમૂહ કહે છે. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ત્રિકાલાબાધિત તત્વજ્ઞાન છે, જેનો કોઈ એક અક્ષર પણ માનવી તેના જીવનમાં સાર્થક કરી શકે તો માનવજીવન સફળ બની જાય. અરે! ગીતા એટલે જે માનવીના રક્ષણનું વચન આપે છે, જે માણસને બાંધતી નથી પણ यथेच्छसि तथा कुरूનો આત્મવિશ્વાસ ઉભો કરે છે, જે માણસને પાપ-પુણ્યના નામે ડરાવતી નથી, જે માણસને ‘જન્નત’ આપવાના બહાને સંહાર કરવાનું સૂચવતી નથી. ગીતામાં ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્રનો નીચોડ છે. એટલે જ તો વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સિવાય એવો કોઈ ગ્રંથ નથી જેની જયંતિ ઉજવાતી હોય.
આજથી 5,000 વર્ષ પહેલાં બાર-બાર વર્ષના તપથી તપ્ત થયેલ યુદ્ધ માટે વ્યાકુળ અર્જુન, જયારે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા અને धर्मसंस्थापन અર્થે થયેલ યુદ્ધની ભૂમિ પર सेनयोरुभयोर्मध्ये ઉભો છે અને મૂંઝવણમાં સપડાયો છે. दृष्टवेमं स्वजनं कृष्ण કહી ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ તેની મનોસ્થિતિ રજૂ કરે છે અને અર્જુનના વિષાદનો ઉકેલ આપવા સ્વયં સૃષ્ટિના સર્જનહારના મુખારવિંદમાંથી વહેતું થાય છે ત્રિકાલાબાધિત તત્વજ્ઞાન શ્રીમદ્ ભગવદ્ ગીતા. જેમાં પ્રાચીન અને અર્વાચીન અર્જુનના પ્રશ્નોના ઉત્તર હતા. જોકે, પ્રાચીન પાર્થની મૂંઝવણો દૂર થઈ એનું કારણ હતું તેની शिष्यस्तेहंની તૈયારી. જોકે, આ તૈયારી પછી પણ ગીતાએ ધનંજયને બાંધ્યો નહોતો.
સનાતન સંસ્કૃતિની ભવ્યતા..
આ જ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા છે કે જ્યાં સ્વયં સૃષ્ટિનિર્માતા એક માનવીનો મિત્ર બને છે, આ જ ભારતીય સંસ્કૃતિની દિવ્યતા છે, જ્યાં વિશ્વનો સર્જનહાર એક યોદ્ધાનો સારથી બને છે. માત્ર સનાતનમાં જ માણસને ભગવાન સમક્ષ પ્રશ્ન પૂછવાનો અને એ પ્રશ્નનો ઉત્તર માંગવાનો અધિકાર છે. જો ભારતીય સંસ્કૃતિ અને સનાતનની વિશાળતા જાણવી હોય તો કોઈ હજારો પુસ્તકો ખંગાળવાની આવશ્યકતા નથી. માત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા જ સમજવાનો પ્રયત્ન કરી શકીએ તો સનાતનને સરળતાથી સમજી શકીશું.
આજે જયારે વિવિધ સંપ્રદાયો માનવીને પાપ-પુણ્યનો ભય બતાવે છે, અન્ય ધર્મ કે સંપ્રદાયના લોકોને પાપી ગણવામાં આવે છે, જે ‘ગોડ’ની પ્રાર્થના ન કરતો હોય એ પાપી બની જાય છે. ત્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતા अपिचेत्सुदुराचारोના માધ્યમથી ગમે તે ધર્મ સંપ્રદાયનો હોય, પાપી હોય, દુરાચારી હોય કે પછી વિશ્વની બધી જ અપવિત્રતા તેનામાં હોય છતાં તેનો સ્વીકાર કરે છે. તથા તેને સદમાર્ગે પણ લઈ જાય છે.
માણસમાં ઉભું કરે છે આત્મગૌરવ
આજે જ્યારે મઝહબના નામે ઝેર ઓંકવામાં આવી રહ્યું છે અને અન્ય સંપ્રદાયના લોકોને ‘કાફિર’ ગણવામાં આવી રહ્યા છે ત્યારે ઐક્ય અને માનવતાની તો વાત જ ક્યાં રહી. પરંતુ આ ઝેરનો ઉત્તર પણ ગીતા સ્વરૂપી અમૃતમાં રહેલો છે. જેમાં ભગવાન કહે છે सर्वस्य चाहं हृदि सन्निविष्टो. અર્થાત હું દરેકના હૃદયમાં વસેલો છું. જ્યારે બ્રહ્માંડનિર્માતા મારા અને દરેકના હૃદયમાં વસેલો હોય તો કોઈ ‘કાફિર’ કેવી રીતે હોય શકે. ભગવાન કહે છે ममैवांशो जीवलोके जीवभूतः सनातनः અર્થાત ‘સમગ્ર સૃષ્ટિ પર જેટલાં પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે, તે તમામ મારો અંશ છે.’ આ કહીને ગીતા માનવી તો શું પ્રાણી માત્ર પર પણ પ્રેમ ઉભો કરે છે, માનવ માત્રમાં અસ્મિતા ખીલવે છે, પરસન્માનની ભાવના ઉભી કરે છે, માણસમાં આત્મગૌરવ ઉભું કરે છે.
આજે જ્યારે માનવી શારીરિક, માનસિક, કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભગવદ્ ગીતા युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु કહી માનવીની શારીરિક સમસ્યાનું, मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशयથી માનસિક સમસ્યા, અને परस्परं भावयन्तः દ્વારા કૌટુંબિક સમસ્યાનું સમાધાન આપે છે. છતાંય ઘણા લોકોને પ્રશ્ન થાય કે, આજે તો મારું બાઈક પંચર થયું તો શું ગીતા પાસે એનો ઉકેલ પણ છે? હા ગીતા પાસે એનો ઉકેલ પણ છે. उद्धरेदात्मनात्मानं કહી ગીતા કહે છે કે, દરેક મુશ્કેલીમાં પોતાનો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે.
વિશ્વની દરેક સમસ્યાનું સમાધાન આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા
પ્રાચીન અર્જુનમાં આત્મવિશ્વાસ હતો કે, एतान्न हन्तुमिच्छामि અર્થાત ‘હું આ લોકોને હણવા નથી માંગતો’, અર્જુનને વિશ્વાસ હતો કે, તે આ બધા જ મહારથીઓને હણવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે પોતાના ગુરુજનો, ભાઈ-ભાંડુઓ વિરુદ્ધ યુદ્ધ નહોતો કરવા માંગતો, ત્યારે ભગવાન તેને કહે છે निमित्त मात्रं भव सव्यसाचिन्, અર્થાત ‘આ બધાંને તો હું હણી જ ચૂક્યો છું, તું તો માત્ર નિમિત્ત છે.’ અરે! આ જ ગીતાના વિચારોથી તૃપ્ત થઈને ઈમર્સન તેને માથે મૂકીને નાચે તો ઓપન હાઇમર તેનું સંશોધન પૂર્ણ કરે. જ્ઞાનેશ્વરનું જ્ઞાન દ્રશ્યમાન થાય તો વિશ્વ ધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી આવેલા વિવેકાનંદનો વિવેક દેખાય. આજે પર્યાવરણવાદના નામે ઝંડા લઈને ફરી રહેલ ‘પર્યાવરણવાદીઓ’ દેખાય છે, ત્યારે अश्वत्थ: सर्ववृक्षाणां કહી પર્યાવરણનું રક્ષણ કરતો ભગવાન દેખાય છે. નારીવાદના ઝંડા લઈને ફરી રહેલ લોકોને कीर्तिः श्रीर्वाक्च नारीणां કહી સાચો નારીવાદ સમજાવે છે. કાર્લ માર્ક્સની Have અને Have Notની મૂંઝવણનો જવાબ, મૂડીવાદ અને સમાજવાદનો જવાબ इष्टान्भोगान्हि वो देवाથી આપે છે.
પ્રવર્તમાન સમયમાં વહેતા થયેલા ભ્રાંત વિચારોના પગલે વિશ્વને માર્ગ ચીંધતી રહેલ સનાતન સંસ્કૃતિના લોકો વિશ્વના સર્જનહારના અસ્તિત્વ પર પ્રશ્ન કરવા લાગ્યા છે, કહે છે ક્યાં છે, તમારો ભગવાન જરા બતાવો ને! આ સમસ્યાનો ઉત્તર પણ ગીતામાં જ છુપાયેલો છે. જ્યાં શ્રી યોગેશ્વર કહે છે, पिताहमस्य जगतो माता धाता पितामहः, અર્થાત ‘સમગ્ર જગતનો પિતા હું જ છું’, કહીને જગતપિતાનો પરિચય કરાવે છે, अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः દ્વારા કહે છે કે, ‘મને ક્યાંય શોધવાની આવશ્યકતા નથી, હું તો તારા જ પેટમાં વૈશ્વાનર સ્વરૂપે રહીને તારું ભોજન પચાવું છું.’
શીખવે છે સાચી ભક્તિ
આજની ભક્તિમાં જ્યારે ભગવાન ઓછો અને વેપાર વધારે છે, ભગવાનને પણ લાંચ આપવાના પ્રયાસો થઇ રહ્યા છે, અંધશ્રદ્ધાને ભક્તિનું નામ અપાઈ રહ્યું છે, ત્યારે पत्रं पुष्पं फलं तोयं કહી ગીતા સાચી ભક્તિનો માર્ગ બતાવે છે. આજે દરેક વ્યક્તિ પોતાને ભગવાનનો ભક્ત ગણાવે છે, પણ શું એને ભક્તનું એક લક્ષણ પણ ખબર છે કે કેમ એ પર્શ્ન રહ્યો. ત્યારે ગીતા ભક્તના લક્ષણો જણાવે છે અને કહે છે જે દ્વેષ વિનાનો, સ્વાર્થ વિના સૌની સાથે દયાભાવ રાખનારો, અહંકાર વિનાનો, ક્ષમાશીલ, સંતુષ્ટ, દ્રઢ નિશ્ચયવાળો, મન-ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારો, અપેક્ષા વિહીન, બાહ્ય-આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો, જે કદી હર્ષ કે દ્વેષ કરતો નથી, ના શોક કરે છે, ના કશાયની કામના કરે છે, જે શત્રુ-મિત્રમાં, માન-અપમાનમાં, ઠંડી-ગરમી, સુખ-દુઃખ આ બધા જ દ્વંદ્વમાં સ્થિર અને આસક્તિ વિનાનો, નિંદા-સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ, સ્થિરબુદ્ધિનો છે, તે यो मद्भक्तः स मे प्रियः અર્થાત ‘એવો ભક્ત મને પ્રિય’ છે.
ગીતા માત્ર ભક્ત બનાવીને અટકી નથી જતી પરંતુ न मे भक्तः प्रणश्यति કહીને ભક્તનું રક્ષણ કરવાનું વચન આપે છે. ગીતા વર્તમાનમાં પ્રવર્તી રહેલી સામાજિક સમસ્યાનો ઉત્તર चातुर्वर्ण्यं मया सृष्टं કહી, योगक्षेमं वहाम्यहम्થી અધ્યાત્મિક સમસ્યાનો ઉત્તર, कृषिगौरक्ष्यवाणिज्यंથી આર્થિક સમસ્યાનો ઉત્તર, राजविद्या राज गुह्यंથી રાજકીય સમસ્યાનો ઉત્તર આપે છે. આજનો માનવી જયારે નાની નાની બાબતોથી નિરાશ થતો રહેલો છે, અસંતોષી બન્યો છે ત્યારે ગીતા तुष्यन्ति च रमन्ति च કહી તેનું જીવન ખીલવે છે. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં લડવા અને દ્રઢ બનવા युद्धाय कृतनिश्चय:નો પાઠ આપે છે.
અન્ય મઝહબની જેમ માત્ર ઈશ દૂતનું નહીં પરંતુ સ્વયં પરમશક્તિના અવતારનું વચન
આજે જ્યારે વિવિધ પંથો અને મઝહબમાં માત્ર ઈશ શક્તિના દૂતની જ કલ્પના છે, ત્યારે ગીતા આ ભૂમિ પર થઈ ગયેલા અને થનારા અવતારોનું જ્ઞાન આપે છે. ભારતીય સંસ્કૃતિમાં ઈશ શક્તિના દૂત બનીને આવનાર તો તુકારામ, નરસિંહ મહેતા, કુમારિલ ભટ્ટ, નાંબી, નામદેવ સુધીના ગણતા-ગણતા તો અંક ખૂટી પડે એટલા નામ છે. પરંતુ સૃષ્ટિના સર્જન અને વિકાસને સમજાવતા થઇ ગયેલા અને આવનાર સમયમાં થનાર અવતારોની વાત જ નિરાળી છે. સનાતન સિવાય કોઈ પંથ કે સંસ્કૃતિમાં એવી તાકાત નથી, જ્યાં ભગવાન સ્વયં આવે અને તેના ભક્તોને રાહ ચીંધે. શ્રીરામની મર્યાદાથી માણસને મર્યાદા સમજાવે તો શ્રીકૃષ્ણની પૂર્ણતાથી માનવીને પૂર્ણપુરૂષોત્તમના દર્શન કરાવે.
અન્ય મઝહબ અને પંથોને જોશો તો ધ્યાને આવશે કે, એમાં જે ઈશ શક્તિના દૂતો થયા છે એમણે કહ્યું છે કે, ‘બસ હવે હું છેલ્લો છું જે તમને ઈશ શક્તિનું ભાન કરાવવા અને તેમના સંદેશા આપવા આવ્યો હતો. હવે મારા પછી કોઈ આવવાનું નથી.’ ત્યારે ગીતામાં ન તો ‘શ્રીકૃષ્ણ ઉવાચ’ શબ્દ છે અને ના તો ‘શ્રીયોગેશ્વર ઉવાચ’ શબ્દ છે. ગીતામાં વારંવાર ‘શ્રીભગવાન ઉવાચ’ શબ્દ છે. પોતાને ભગવાન કહેવાની અને પોતાના સાકાર સ્વરૂપમાં દર્શન આપવાની શક્તિ માત્ર આ જ સંસ્કૃતિમાં છે. અર્જુન જ્યારે તેની મનોસ્થિતિ વર્ણવે, ભગવાન તેના દરેક પ્રશ્નના ઉત્તર આપે, અર્જુનની શિષ્ય બનવાની તૈયારી છતાં અર્જુનની બુદ્ધિ પર વિશ્વાસ મુકીને यथेच्छसि तथा कुरू કહેવાની તાકાત પણ માત્ર આ સનાતન સંસ્કૃતિમાં જ છે.
संभवामि युगे युगेનું વચન
જ્યારે અન્ય પંથ-સંપ્રદાયોમાં ઈશના દૂતને જ છેલ્લો માનીને તેને બ્રહ્મવાક્ય ગણવામાં આવે છે, ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાને માણસની બુદ્ધિ પર મૂકેલો વિશ્વાસ યાદ આવે. ગીતા मम वर्त्मानुवर्तन्ते કહી જીવન જીવવાનો રસ્તો બતાવે છે પણ તે જ રસ્તો અપનાવવા બાંધતી નથી. માનવીની બુદ્ધિ-શક્તિ પર જેટલો વિશ્વાસ ગીતા મુકે છે, એટલો વિશ્વાસ બીજા કોઈ મઝહબના પુસ્તકો મૂકી શકતા નથી. ત્યાં તો બસ ઈશના દૂતે કહ્યું એટલું જ સાચું અને એ પણ હવે નવું શીખવાડવા કે નવી રાહ બતાવવા ફરીથી આવવાનો નથી. ત્યારે આજથી હજારો વર્ષ પહેલાં ગીતાનું એ કથન દ્રશ્યમાન થાય કે, ‘હું તો ઈશ્વર જ છું અને મારા આ અવતાર પહેલાં પણ અન્ય અવતારો થઈ ચૂક્યા છે, પણ યાદ રાખજો જ્યારે પણ સાધુવૃત્તિ પર સંકટ આવશે અને ધર્મનું પતન થશે ત્યારે હું ધરતી પર અવતરીશ..’ આવા સમયે धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगेના વચનમાં બંધાયેલો ભગવાન યાદ આવે છે.