Tuesday, September 17, 2024
More
    હોમપેજઇન્ડોલોજી'संभवामि युगे युगे…'ના વચન માટે ધારણ કર્યો હતો અવતાર, ભગવાનના ધરતી પર...

    ‘संभवामि युगे युगे…’ના વચન માટે ધારણ કર્યો હતો અવતાર, ભગવાનના ધરતી પર અવતરવાના કારણોની મીમાંસા: જન્માષ્ટમી પર જાણો શા માટે ભગવાન શ્રીકૃષ્ણને કહેવાય છે ‘પૂર્ણ પુરુષોત્તમ’

    પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ તરીકે અવતાર લઈ ભગવાન વિશ્વના સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ ગીતાની ભેટ આપે છે, તો બુદ્ધ અવતાર દ્વારા સંસ્કૃતિના કર્મકાંડોને દૂર કરી તેમાં નવી ચેતના ભરતા દેખાય છે. संभवामि यूगे यूगेનું વચન તો ભગવાન સાકાર કરતાં જ રહ્યા છે, પરંતુ શ્રીકૃષ્ણ અવતાર પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવી પોતે જ ભગવાન છે તે સિદ્ધ કરે છે અને મહાભારતના યુદ્ધના માધ્યમથી ધર્મની સ્થાપના કરે છે.

    - Advertisement -

    વિશ્વનું એકમાત્ર ધર્મપુસ્તક જેની જયંતી ઉજવાય છે. જે સ્વયં વિશ્વના સર્જનહારના મુખારવિંદમાંથી વહેતું થયેલું માધુર્ય છે. એક માત્ર પુસ્તક જેમાં વારંવાર श्री भगवान उवाच એટલે સ્વયં ભગવાન કહે છે એવો ઉલ્લેખ છે. એક માત્ર પુસ્તક જેમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન સમાયેલું છે. એક માત્ર પુસ્તક જેને ગમે તેટલી વાર વાંચો પરંતુ દર વખતે તેમાં નાવીન્ય જ લાગે છે. એ પુસ્તક જેણે 5000 વર્ષ પહેલા ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં सिदन्ती मम गात्राणि કહી अकर्मण्य બનેલા દ્વાપરના અર્જુનને રાહ બતાવી હતી, જે હાલ કળિયુગના અર્જુનને રાહ બતાવી રહ્યું છે. એવું न भूतो न भविष्यति પુસ્તક એટલે શ્રીમદ ભગવદ ગીતા.

    ભગવદ ગીતામાં સ્વયં ભગવાન સમગ્ર સૃષ્ટિને संभावमि युगे युगे એવું વચન આપે છે. ત્યારે આ જ વચન સાકાર કરવા, સમાજનું માર્ગદર્શન કરવા ભગવાન સ્વયં ધરતી પર અલગ અલગ સ્વરૂપે અવતાર ધારણ કરી આવે છે. મોટાભાગના સંપ્રદાયોમાં અવતારની કલ્પના ઓછાવત્તા અંશે જોવા મળે છે પરંતુ ભારતીય સંસ્કૃતિ તેનું સાક્ષાત ઉદાહરણ છે. ઘણા સંપ્રદાયોમાં એવી કલ્પના છે કે ઈશ્વરના દૂત સ્વરૂપે, કે સંદેશવાહક તરીકે વ્યક્તિ જન્મ લઈને આવે છે અને સમાજમાં ઈશવિચારો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

    અવતારની સંકલ્પના

    સામાન્ય રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો આપણે રોજ બરોજના જે કપડાં પહેરીએ છીએ તે આપણાં જેવા સામાન્ય મનુષ્યો સમાન છે, ઓફિસ જવા સમયે જે સ્વચ્છ ઇસ્ત્રીવાળા કપડાં પહેરીએ છીએ તે એટલે મહાપુરુષો જે દૈવી અંશો છે. જેમકે મહર્ષિ વેદવ્યાસ, મહર્ષિ પતંજલિ, મહર્ષિ વાલ્મીકિ. જ્યારે લગ્નમાં કે કોઈ ખાસ પ્રસંગમાં પહેરવા માટે જે સ્વચ્છ, જરીવાળા સંગ્રહી રાખેલા વિશેષ કપડાં હોય છે તે એટલે ભગવાનનો પુર્ણાવતાર.

    - Advertisement -

    ભગવાન કઈ રોજ અવતાર લેતા નથી, એમને જ્યારે આવશ્યકતા લાગે કે સાધુવૃત્તિ સમાપ્ત થઈ રહી છે, તેનું રક્ષણ કરનાર કોઈ બચ્યું નથી, સમાજ માત્ર ભોગ-વિલાસમાં રચ્યો પચ્યો રહેનારો બન્યો છે, રાજસત્તા પાશવીઓના હાથે ગઈ છે, ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે. સમાજમાં ધર્મની, ઈશવિચારોની સ્થાપના કરે છે. ભારતીય સંસ્કૃતિમાં જ એવી કલ્પના છે કે વિશ્વનો સર્જનહાર સ્વયં તેના ભક્તો માટે સૃષ્ટિમાં કોઈક સ્વરૂપ ધારણ કરીને જન્મ લે છે.

    પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ

    આવો જ ભગવાનનો પૂર્ણપુરુષોત્તમ તરીકેનો આઠમો અવતાર એટલે કૃષ્ણાવતાર છે. શ્રીકૃષ્ણ નામ આવતા જ ભારત દેશના લોકો ભવિભોર બની જાય છે, ભગવાનના પ્રેમમાં ગાંડાઘેલા થઈ જાય છે. આનો પર્યાય કોઈ અંધભક્તિ નથી, પરંતુ શ્રીકૃષ્ણનો તેમના સમગ્ર જીવનપર્યંત માનવ પર કરેલો નિ:સ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમ છે. તેઓ સંપૂર્ણ હતા તેથી પૂર્ણપુરુષોત્તમ કહેવાયા.

    આમ જોવા જઈએ તો વૈદિક સંસ્કૃતિમાં દસ અવતારોની સંકલ્પના છે. જેમાં ભગવાન શ્રીરામ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા, પરંતુ શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ કહેવાયા. શ્રીકૃષ્ણ પહેલા જે અવતાર થયા તે કોઈ એક ગુણ, તત્વ, ધ્યેયને સમર્પિત હતા. પરંતુ શ્રીકૃષ્ણ આ સમગ્ર ગુણ, તત્વ, ધ્યેયનો સમન્વય હતા. યશસ્વી, મુત્સદ્દી, ધર્મ સામ્રાજ્યના ઉત્પાદક, ધર્મના મહાન પ્રવાચનકાર, ક્રાંતિકારી, વિજયી યોદ્ધા, માનવ મૂલ્યોને સમજાવનાર ઉદગાતા, વૈશ્વિક તત્વજ્ઞાનન જનક જગદગુરુ શ્રીકૃષ્ણમાં બધા જ ગુણો, કળાઓ, જ્ઞાનનો સમન્વય એક સાથે હતો. તેથી જ તેઓ પૂર્ણપુરુષોત્તમ કહેવાયા.

    અધ:પતિત થયેલો સમાજ

    તે વખતના સમાજમાં ભ્રષ્ટ રાજતંત્રના પાપી નેતૃત્વ નીચે અધ:પતિત થયેલી સચિવ સંસ્થા હતી. સમાજ અને ધર્મ દુર્બળ બન્યો હતો, શાસનકર્તા ધારે તે કરી શકતો હતો, તે જે કહે તે ધર્મ, તે જે કહે એ જ તત્વજ્ઞાન. ઈશવિચારો માત્ર દુર્બળો પૂરતા મર્યાદિત બન્યા હતા, શાસક અને ધર્મને કોઈ લેવાદેવા બચી નહોતી. કંસ, જરાસંધ, કાલયવન, નરકાસુર, દુર્યોધન, શિશુપાલ જેવા શાસકોન શાસન હેઠળ ધર્મ અને જીવનદર્શન ફક્ત પુસ્તકો પૂરતા મર્યાદિત બન્યા હતા. તેજસ્વી તત્વજ્ઞાન અને જીવનસ્પર્શી ધર્મ જાણે અંતર્ધ્યાન થયેલો હતો.

    આ જ અધર્મીઓ અને શાસકોનો વધ કરી ભારતવર્ષમાં ધર્મના પુન:સ્થાપન માટે ભગવાન વિષ્ણુએ શ્રાવણ વદ અષ્ટમીની મધ્યરાત્રે કંસની બહેન દેવકીના ખોળે આઠમા સંતાન સ્વરૂપે જન્મ લીધો. જન્મતાની સાથે જ દુષ્ટોનો સંહાર તેમણે શરૂ કરી દીધો હતો. કૃષ્ણને મારવા કંસે મોકલેલા પૂતનાથી લઈ બધા જ અસુરોનો વધ કૃષ્ણએ બલ્યાવસ્થામાં જ કર્યો હતો. આ પાશવી કાળમાં જ્યારે સત્તા અને સંપતિના મોહમાં મસ્ત બની સાત-સાત સમ્રાટો ઉન્મત્ત બની નાચતા હતા, ત્યારે શ્રીકૃષ્ણની પવૃત્તિએ આ શાસકોને ઝકઝોળી મૂક્યા હતા.

    परित्राणाय साधूनां

    ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે परित्राणाय साधूनां અર્થાત, સાધુઓનું રક્ષણ કરવા માટે ભગવાન સ્વયં ધરતી પર અવતાર લે જ છે. તે વખતના સમાજમાં પણ જરાસંધ, કંસ કાલયવન, નરકાસુર, દુર્યોધન જેવા દુષ્ટો હતા, તો પાંડવો જેવા સાધુવૃત્તિવાળા સજજનો પણ હતા જ. શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા દરમિયાન જ તેમણે સમાજમાં ઈશવિચારોનું પુન:સ્થાપન શરૂ કરી દીધું હતું.

    વૃંદાવનમાં ઇન્દ્રપૂજાની રૂઢ થઈ ગયેલી પરંપરાઓને તોડીને ગોવર્ધન પૂજા માટે સમગ્ર ગોકુળવાસીઓને સહમત કરવા, એ શ્રીકૃષ્ણનો જનતાની રક્ષા કરવાનો ધ્યેય જ બતાવે છે. નરકાસુરે જ્યારે પોતાના ઉપભોગ માટે 16000 સ્ત્રીઓને બંધક બનાવી હતી, ત્યારે કૃષ્ણએ તેને હરાવી બધી જ સ્ત્રીઓને મુક્ત કરાવી. જ્યારે સમાજે આ સ્ત્રીઓનો અસ્વીકાર કર્યો ત્યારે માત્ર કૃષ્ણ જ તેમની સાથે ઊભા હતા, અને 16000 સ્ત્રીઓનો પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી સમાજમાં સ્થાન અપાવ્યું હતું.

    શકુનિ અને દુર્યોધનના ષડયંત્રમાં જ્યારે જ્યારે પાંડવો ફસાયા ત્યારે શ્રીકૃષ્ણએ પાંડવોને રાહ બતાવી હતી. હસ્તિનાપુરની રાજ્યસભામાં ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય સહિતના ધર્મના જ્ઞાતાઓ અને ધુરંધરો વચ્ચે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે ભગવાને તેના ચીર પૂર્યા હતા. सिदन्ती मम गात्राणि કહી બેસેલા અર્જુનને युद्धाय कृतनिश्चयનું માર્ગદર્શન આપી યુદ્ધ કરી ધર્મની સ્થાપના કરવા પ્રેરણા આપી શ્રીકૃષ્ણએ આપી હતી.

    विनाशय च दुष्कृताम

    શ્રીકૃષ્ણએ તેમના જીવનમાં ઘણા રાજાઓનો સંહાર કર્યો પરંતુ તેમનો હેતુ સામ્રાજ્ય વધારવાનો નહોતો. તેમણે જે પણ રાજાઓના સંહાર કર્યા તેમાંથી કોઈના રાજ્ય પર અધિકાર જમાવ્યો નહોતો. જ્યારે તેઓ કંસનું વધ કરે છે ત્યારે કંસનો અંગરક્ષક, મંત્રી કે મથુરાની પ્રજા કોઈ તેનો વિરોધ કરતું નથી, તેનું કારણ કૃષ્ણએ વ્યક્તિ પર કરેલ નિરપેક્ષ પ્રેમ હતો. કંસ વધ બાદ પણ કૃષ્ણ મથુરાનું રાજ્ય ભોગવતા નથી. મથુરાના પ્રમુખ તરીકે કંસના પિતા ઉગ્રસેનની પુન:નિયુક્તિ કરી પરત ફરી જાય છે.

    કૃષ્ણ અને ભીમ જ્યારે યોજના પૂર્વક જરાસંધનો વધ કરે છે ત્યારે જરાસંધએ નરમેધ યજ્ઞ માટે બંદી બનાવેલા 86 રાજાઓને મુક્ત કરી તેમને તેમના રાજ્ય પરત અપાવે છે. ધર્મનો ઉપયોગ નીતિમૂલ્યો માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે કરનાર અને પાંડવોના જીવનમાં તકલીફો અને સમસ્યાઓ ઉત્પન્ન કરનાર શકુનિ અને કૌરવ વધ પણ માનવ્યના કલ્યાણ માટે જ હતો.

    પાશવી સત્તાઓનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે શ્રીકૃષ્ણએ અવાતાર લીધો હતો. અવતાર કાર્ય પૂર્ણ કરવા જ મહાભારતનું યુદ્ધ આવશ્યક હતું, કૌરવ પક્ષે બધી જ પાશવી સત્તાઓ અને પાંડવ પક્ષે સજજનો હતા. તેથી જ કૌરવ પક્ષનો વિજય થાત તો આગામી હજારો વર્ષો સુધી સમાજ અને માનવતા પર ખતરો ઊભો થાત. તેથી જ શ્રીકૃષ્ણએ અર્જુનને હાથે કર્ણનો અને ભીમના હાથે દુર્યોધનનો વધ કરાવ્યો.

    धर्मसंस्थापनार्थाय

    ધર્મની સ્થાપના કરવા જ ભગવાન અવતાર લેતા હોય છે. મહાભારતમાં જ જોઈએ તો અધર્મના પક્ષે પણ ઘણા ધુરંધરો અને ધર્મજ્ઞાતાઓ હતા જ. મહામહિમ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કુળગુરુ કૃપાચાર્ય સહિતના ધર્મ જ્ઞાતાઓ કૌરવ પક્ષે જ હતા. પરંતુ ત્યારે દરેકે પોતાના વ્યક્તિગત કર્તવ્ય અને ધર્મને મહત્વ આપ્યું. અર્જુન પણ જ્યારે રણભૂમિમાં પોતાના સ્વજનોને જોઈને મોહમાં સપડાય છે ત્યારે ભગવાન તેને સામાજિક ધર્મ સમજાવે છે.

    અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાના માધ્યમથી જ્ઞાન, કર્મ, ભક્તિ, મોક્ષ, કર્મ, અકર્મ, સગુણ ઉપાસના, નિર્ગુણ ઉપાસના, આત્મા, આનાત્મા, જીવ, જગત, અને જગદીશનું તાર્કિક તત્વજ્ઞાન સમજાવે છે, અને ધર્મની પુન:સ્થાપના માટે निमित्त मात्र भव सव्यसाचिन કહી અર્જુનને યુદ્ધ માટે કૃતનિશ્ચયી બનાવે છે. માત્ર શ્રીકૃષ્ણ જ નહીં પરંતુ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બૌદ્ધ બધા જ અવતારના મૂળમાં ધર્મની સ્થાપના જ સમાયેલી છે. હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, તડાકા, રાવણ, કંસ, જરાસંધ બધા જ અસુરોના વધ ભગવાને ધર્મની સ્થાપના કરવા જ કરેલા છે.

    संभवामि युगे युगे

    વૈદિક સંસ્કૃતિમાં થયેલા ભગવાનના અવતાર જોઈએ તો એમાં ઉત્ક્રાંતિવાદ દેખાય છે. ભગવાન પ્રથમ અવતાર મત્સ્ય તરીકે લઈ જીવસૃષ્ટિનું નિર્માણ કરતાં દેખાય છે, તો કૂર્મ અવતાર દ્વારા સૃષ્ટિનું સંતુલન જાળવતા નજરે પડે છે. વરાહ અવતાર સંસ્કૃતિમાં ઘૂસેલા જડતાના મૂળિયાં દૂર કરી માનવ્ય માટે મજબૂત પાયો તૈયાર કરે છે, નૃસિંહ અવતાર સ્વરૂપે ભગવાન આ જ પાયા પર ચણતર કરતા લાગે છે.

    વામન અવતાર દ્વારા સંસ્કૃતિનું ચિંતન થતું દેખાય છે અને સંસ્કૃતિમાં ઘૂસેલા કર્મકાંડોથી છુપાયેલી તેજસ્વિતા ફરીથી ઝળહળતી દેખાય છે. પરશુરામ અવતાર દ્વારા ભગવાન શાસન વ્યવસ્થાને ઝકઝોળે છે તો મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનો અવતાર લઈ આદર્શ શાસન વ્યવસ્થા, આદર્શ શિક્ષણ વ્યવસ્થા અને આદર્શ કુટુંબ વ્યવસ્થાના દર્શન કરાવે છે.

    પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ તરીકે અવતાર લઈ ભગવાન વિશ્વના સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ ગીતાની ભેટ આપે છે, તો બુદ્ધ અવતાર દ્વારા સંસ્કૃતિના કર્મકાંડોને દૂર કરી તેમાં નવી ચેતના ભરતા દેખાય છે. संभवामि युगे युगेનું વચન તો ભગવાન સાકાર કરતાં જ રહ્યા છે, પરંતુ શ્રીકૃષ્ણ અવતાર પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવી પોતે જ ભગવાન છે તે સિદ્ધ કરે છે અને મહાભારતના યુદ્ધના માધ્યમથી ધર્મની સ્થાપના કરે છે.

    વર્તમાન પરિસ્થિતિ પણ કઈક એવી છે જેમાં લોકો ભગવાન પર પ્રશ્ન ઉઠાવતા થયા છે. સાધુવૃત્તિ તો શોધે મળે એમ નથી, જડવાદને નમસ્કાર કરીને કૃષ્ણનું તત્વજ્ઞાન માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત કરી દીધું છે. માણસ ડરી ડરીને જીવી રહ્યો છે, માનવતા લુપ્ત થઈ રહી છે, આસુરી વૃત્તિ અને પાશવી વૃત્તિ એની પરાકાષ્ઠાએ પહોંચતી હોય એમ લાગી રહ્યું છે. ધર્મની વ્યાખ્યા બદલાઈ છે અને આ અધર્મની વચ્ચે મા સંસ્કૃતિ કોઈક અંધારે ખૂણે આંસુ સારતી બેઠી છે.

    સમાજ કલ્કીની આશાએ બેઠો છે ત્યારે કલ્કી પુરાણ અનુસાર કલ્કી સ્વરૂપે ભગવાન અવતાર લેશે અને સર્વશ્રેષ્ઠ ધર્મગુરુ અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિને માનવવંશના શાસક તરીકે નિયુક્ત કરશે. કલ્કી સ્વરૂપે અવતાર લઈ કલંકરહિત સમાજ ઊભો કરી, ધર્મની સ્થાપના કરી સતયુગની શરૂઆત કરી ભગવાન ગીતામાં આપેલું संभवामि यूगे यूगेનું વચન પૂર્ણ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં