હોમપેજદેશપાકિસ્તાનની માંગ, મુસ્લિમ લીગનું ષડ્યંત્ર અને હજારો હિંદુઓની કત્લેઆમ: ‘ડાયરેક્ટ એક્શન ડે’...

પાકિસ્તાનની માંગ, મુસ્લિમ લીગનું ષડ્યંત્ર અને હજારો હિંદુઓની કત્લેઆમ: ‘ડાયરેક્ટ એક્શન ડે’ પર શું બન્યું હતું?

16મીની સવારથી હિંદુઓને નિશાન બનાવવાના શરૂ કરી દેવામાં આવ્યા. કૉલેજ સ્ટ્રીટ, હેરિસન રોડ, કેલા બાગાન, રાજા બજાર વગેરે અનેક વિસ્તારોમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમનાં ઘરો સળગાવાયાં. દુકાનોને આગ ચાંપી દેવામાં આવી. હિંદુ મહિલાઓની સ્થિતિ અત્યંત કપરી હતી. હજારો મહિલાઓના બળાત્કાર કરવામાં આવ્યા. હત્યા કરવામાં આવી. 

- Advertisement -

15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને સ્વતંત્રતા મળી. ઇતિહાસનાં પાનાંમાં આ તારીખ સુવર્ણ અક્ષરે અંકિત થઈ છે. થવી પણ જોઈએ. પણ તેના બરાબર એક વર્ષ પહેલાંની એક તારીખ છે 16 ઑગસ્ટ, 1946, જેને પૂરતું સ્થાન મળ્યું નથી. આ દિવસે શું થયું હતું? હજારો હિંદુઓની કત્લેઆમ થઈ હતી. હિંદુ નરસંહાર થયો હતો. ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના મુહમ્મદ અલી ઝીણાએ ‘ડાયરેક્ટ એક્શન ડે’ની ઘોષણા કર્યા બાદ કલકત્તામાં બંગાળ પ્રાંતની મુસ્લિમ લીગની સરકારના સમર્થનથી કટ્ટરપંથી ઇસ્લામીઓએ જે આતંક મચાવ્યો હતો, હજારો નિર્દોષ હિંદુઓનો નરસંહાર કર્યો હતો, એ ઘટના પર તાજેતરમાં ‘ધ બેંગાલ ફાઈલ્સ’ નામની ફિલ્મ આવી. 

ફિલ્મની એક મર્યાદા હોય છે. તેમાં બે-ત્રણ કલાકમાં બધું આવરી લેવું પડે છે. સાથે આવા વિષયો, જેની પૃષ્ઠભૂમિની સામાન્ય જનતામાં નહિવત સમજ હોય, તેમાં આગળ-પાછળની સમજણ પણ આપવી પડે છે. જોકે તેમ છતાં નિર્માતા-દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ સાડા ત્રણ કલાક લાંબી આ ફિલ્મમાં ઘણુંખરું આવરી લીધું છે. 

મુસ્લિમ લીગની ડાયરેક્ટ એક્શન ડેની ઘોષણા 

થોડા ઇતિહાસમાં જઈએ તો 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું પછી ભારતમાં બ્રિટિશ શાસનના અંતિમ દિવસો ગણાવાના શરૂ થઈ ગયા હતા. બ્રિટિશ સરકારે પણ સત્તા હસ્તાંતરણ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન એટલીએ ત્રણ સભ્યોનું એક દળ પણ મોકલ્યું હતું. 

- Advertisement -

આ કેબિનેટ મિશને મે, 1946માં કોંગ્રેસ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને નક્કી થયું કે સત્તા હસ્તાંતરિત કરીને સ્વતંત્ર ભારતની સ્થાપના કરવામાં આવશે. પણ અહીં મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભાગમાં મુસ્લિમો માટે એક સાર્વભૌમ રાજ્યની માંગ ઉઠાવી– પાકિસ્તાન. પછીથી જુલાઈ 1946ના રોજ મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને ઘોષિત કરી દીધું કે મુસ્લિમ લીગ અલગ દેશ ‘પાકિસ્તાન’ માટે લડવા માટે તૈયાર છે અને નહીં આપવામાં આવે તો તેઓ ‘ડાયરેક્ટ એક્શન ડે’ને અંજામ આપશે. તારીખ નક્કી કરવામાં આવી 16 ઑગસ્ટ, 1946. 

1946ની ચૂંટણી, બંગાળ પ્રાંતમાં મુસ્લિમ લીગની સરકાર 

આ જ 1946ના શરૂઆતના મહિનાઓમાં પ્રાંતીય ચૂંટણીઓ યોજાઈ હતી, જે સ્વતંત્રતા પહેલાંની અંતિમ ચૂંટણી હતી. બ્રિટિશ શાસનની વ્યવસ્થા મુજબ હિંદુ-મુસ્લિમ સમુદાયના મતવિસ્તારો પ્રમાણે ચૂંટણી થઈ હતી. કુલ 1585 બેઠકોમાંથી કોંગ્રેસને 923 બેઠકો મળી. મુસ્લિમ લીગ 425. અગત્યની વાત એ છે કે લીગ લડી હતી 429 બેઠકો પર. જેમાંથી 425 બેઠકો પર જીત મળી હતી. 

બંગાળ પ્રાંતની કુલ 250 બેઠકો હતી, જેમાંથી 119 મુસ્લિમ બેઠકો હતી અને મુસ્લિમ લીગ જીતી હતી 113 સીટ. મુસ્લિમ લીગનો હુસૈન શહીદ સુહરાવર્દી એપ્રિલ 1946માં બંગાળ પ્રાંતનો વડા પ્રધાન બન્યો. (ત્યારે પ્રાંતની સરકારના વડાઓ વડા પ્રધાન {પ્રાઈમ મિનિસ્ટર} કહેવાતા) બંગાળ ઉપરાંત મુસ્લિમ લીગ પંજાબ અને સિંધમાં પણ જીતી હતી. 

પાકિસ્તાનની માંગ સાથે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ‘ડાયરેક્ટ એક્શન ડે’ની ઘોષણા કરી હતી, પણ 16 ઑગસ્ટની સવાર સુધી એ ખબર ન હતી કે આ દિવસે થશે શું. ઘોષણા તો સમગ્ર દેશમાં કરવામાં આવી હતી, પણ એ પણ એક હકીકત હતી કે મુસ્લિમ લીગની સરકાર બંગાળ પ્રાંતમાં જ હતી, જ્યાં સુહારાવર્દી વડા પ્રધાન હતો. મુસ્લિમ લીગના માણસોની બહુમતી હતી. સુહારાવર્દીના ઈશારે પછીથી ભીષણ હિંદુ નરસંહારને અંજામ આપવામાં આવ્યો. પછીથી આ શખ્સ ‘બુચર ઑફ બેંગાલ’ (બંગાળનો કસાઈ) તરીકે કુખ્યાત બન્યો. 

16 ઑગસ્ટ, 1946ના દિવસે શું બન્યું હતું 

16 ઑગસ્ટ, 1946ની સવાર સુધી સ્થિતિ સામાન્ય હતી, પણ બપોર આવતાં સુધીમાં કોલકાતાના (ત્યારે કલકત્તા) અનેક ઠેકાણેથી તોડફોડ, પથ્થરમારો અને આગચંપીના સમાચારો આવવા માંડ્યા. ત્યાં સુધી પણ એ ખબર ન હતી કે આ ઘટનાઓ હિંદુ નરસંહારમાં ફેરવાશે. પણ મુસ્લિમ લીગે પહેલેથી તૈયારીઓ કરી રાખી હતી. પ્લાનિંગ પહેલેથી હતું. કલકત્તા અને આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ ભીડ એકઠી થવા માંડી હતી. 

બપોરની નમાજનો સમય થયો અને હજારોની સંખ્યામાં મુસ્લિમો એકઠા થવા માંડ્યા અને મોટાભાગના લોકોના હાથમાં હથિયારો હતાં. કેટલા લોકો એકઠા થયા હતા તેની સંખ્યા બધે જુદી-જુદી દર્શાવવામાં આવે છે. અમુક ઠેકાણે આ સંખ્યા લાખોમાં હતી તેવું કહેવાય છે. અહેવાલો એવું પણ જણાવે છે કે ટ્રકોમાં ભરીને બહારથી મુસ્લિમ લીગના માણસોને લાવવામાં આવ્યા હતા. હથિયારો એકઠા કરવામાં આવ્યાં હતાં. મુસ્લિમ લીગના માણસોએ, નેતાઓએ ભડકાઉ ભાષણો આપવા માંડ્યાં. કાફિરો વિરુદ્ધ પેમ્ફલેટ વહેંચવામાં આવ્યાં. જેમાં કાફિરોના બહિષ્કારની, તેમને મારવાની, તેમને સમર્થન કરનાર મુસ્લિમોને ‘સજા’ આપવાની વાત કરવામાં આવી. ત્યારપછી ‘કાફિરો’ના લોહીનાં તરસ્યાં બનેલાં ટોળાં કલકત્તાના રસ્તાઓ પર ઉતરી પડ્યાં. 

હિંદુઓને નિશાન બનાવવાના શરૂ કરી દેવામાં આવ્યા. કૉલેજ સ્ટ્રીટ, હેરિસન રોડ, કેલા બાગાન, રાજા બજાર વગેરે અનેક વિસ્તારોમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમનાં ઘરો સળગાવાયાં. દુકાનોને આગ ચાંપી દેવામાં આવી. હિંદુ મહિલાઓની સ્થિતિ અત્યંત કપરી હતી. હજારો મહિલાઓના બળાત્કાર કરવામાં આવ્યા. હત્યા કરવામાં આવી. 

ઘટનાને નજરે જોનારાઓ કહે છે કે હિંદુ યુવતીઓના બળાત્કાર કરીને, તેમની હત્યા કરીને લાશો હૉસ્ટેલની બારીઓ પર લટકાવી દેવામાં આવી હતી. ઘણાં શરીર ઓળખાય તેવી સ્થિતિમાં રહ્યાં ન હતાં. જમીન પર લોહીની નદીઓ વહી રહી હતી. રાજા બજારની અનેક બીફની દુકાનો પર હિંદુ મહિલાઓની નગ્ન લાશ લટકતી જોવા મળી હતી. આ ઘટનાઓ ફિલ્મમાં પણ લેવામાં આવી છે. એ લેખક-દિગ્દર્શકની કલ્પના નથી, સત્ય ઘટનાઓ છે. ક્રૂર હકીકત છે. 

જે-તે સમયે જેમણે આ ઘટનાઓ નજરે જોઈ હતી તેઓ કહે છે કે એ દિવસે કલકત્તાના રસ્તાઓ ઉપર માત્ર ‘અલ્લાહુ અકબર’ અને ‘લડ કે લેંગે પાકિસ્તાન’ના નારાઓ જ સંભળાતા હતા. 

16 ઑગસ્ટથી શરૂ થયેલો નરસંહાર 20 ઑગસ્ટ સુધી ચાલતો રહ્યો. હિંદુઓ કલકત્તા છોડીને પલાયન કરવા માંડ્યા. કેટલાય હિંદુઓને મારીને લાશો નદીમાં ફેંકી દેવામાં આવી હતી. જેમની ગણના ક્યારેય મૃતકોના આંકડામાં થઈ ન શકી. પ્રાંતીય સરકારે મૃતકોનો આંકડો અત્યંત ઓછો જણાવ્યો હતો, પણ સૈન્ય આંકડો હજારોમાં હતો. નદીમાં ફેંકેલી લાશોની કોઈ ગણતરી ન થઈ. ભીષણ આગજનીની ઘટનાઓમાં જીવતા સળગાવાયેલા લોકોની ક્યારેય ગણના ન થઈ. કેટલાય લોકોના ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ એક વધુ ઘટના હતી, જેમાં હિંદુઓનાં મોતનો આંકડો ઇતિહાસનાં પાનાંમાં સમેટાઈને રહી ગયો.  

મુસ્લિમ લીગની માંગ માટે જે ડાયરેક્ટ એક્શન ડેની ઘોષણા કરવામાં આવી હતી, તેમાં નિર્દોષ હિંદુઓનો ભોગ લેવામાં આવ્યો. આ માનસિકતા પછી 1990માં કાશ્મીરમાં જોવા મળી. જ્યાં લાખો હિંદુઓએ રાતોરાત ઘર છોડીને ભાગવું પડ્યું. પછી એ જ 2002માં ગોધરામાં જોવા મળી, જ્યાં 57 નિર્દોષ હિંદુઓને માત્ર એટલા માટે જીવતા સળગાવી દેવાયા હતા, કારણ કે તેઓ તેમના આરાધ્યના મંદિરની માંગ કરી રહ્યા હતા. તેમાં 27 મહિલાઓ હતી, 10 બાળકો હતાં. આ જ માનસિકતા બાંગ્લાદેશમાં પણ જોવા મળી, જ્યાં શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ નિર્દોષ હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ જ માનસિકતા પાકિસ્તાનમાં જોવા મળે છે. 

‘ડાયરેક્ટ એક્શન ડે’ વિશે મુખ્યધારાનાં ઇતિહાસનાં પુસ્તકોમાં ખાસ લખાયું નથી. કારણ કે ડાબેરી ઇતિહાસકારોને ક્યારેય આ બધું જણાવવામાં રસ રહ્યો નથી. જો જણાવ્યું હોત તો તેમનું સેક્યુલરિઝમ જોખમાઈ જાત. વિવેક રંજન અગ્નિહોત્રીનો આભાર માનવો રહ્યો, જેમણે આ ઘટનાઓને મોટા પડદે દર્શાવવાનું સાહસ દર્શાવ્યું. 

(ડાયરેક્ટ એક્શન ડેના પ્રતિકાર સ્વરૂપે ગોપાલ પાઠાના નેતૃત્વમાં હિંદુઓએ કઈ રીતે લડત આપી હતી, આવતા અંકમાં જોઈએ).

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં