ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો માટેની સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) 13 જાન્યુઆરીએ બહાર પાડેલા અમુક નિયમોએ દેશભરમાં વિવાદ સર્જી નાખ્યો છે. સોશિયલ મીડિયાથી માંડીને મીડિયામાં ચારેકોર ચર્ચાનો વિષય બનેલા આ નિયમો લાવવામાં આવ્યા હતા શિક્ષણ સંસ્થાઓમાંથી જાતિગત ભેદભાવ દૂર કરવાના આશયથી, પણ તેની અમુક જોગવાઈઓથી લોકોમાં નારાજગી વ્યાપી ગઈ અને ખાસ કરીને જનરલ કાસ્ટને ‘જાતિગત ભેદભાવ’ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવવાના કારણે વિવાદે વેગ પકડ્યો.
વિવાદ વચ્ચે મંગળવારે (27 જાન્યુઆરી) કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક વિધાન કરીને એમ કહ્યું કે આ નિયમો હેઠળ કોઈની સાથે ભેદભાવ નહીં થાય. પણ લોકોને આ ઠાલાં વચનો લાગ્યાં. લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે, તમામ જાતિ-વર્ગ-સમુદાયને એક સમાન ગણવામાં આવે અને ખોટી ફરિયાદો પર કાર્યવાહી જેવી જોગવાઈઓ ઉમેરવામાં આવે. સરકાર આ મામલે હવે શું કરે એની રાહ આખા દેશને છે.
બીજી બાજુ ઘણી જાણકારીઓ બહાર આવી રહી છે. ચર્ચા સતત ચાલી રહી છે. મેગેઝિન સ્વરાજ્યએ હમણાં એક લેખ પ્રકાશિત કર્યો, જેમાં કહેવાયું છે કે UGC રેગ્યુલેશનનો જે મૂળ ડ્રાફ્ટ હતો (જે 2025માં આવ્યો હતો) તેમાં પ્રમાણમાં સંતુલિત એપ્રોચ રાખવામાં આવ્યો હતો, પણ પછીથી સુધારા થતા ગયા તેમાં અમુક એવી ચીજો ઘૂસી ગઈ, જે હવે વિવાદનું કારણ બની છે.
પૃષ્ઠભૂમિ
આગળ વધતાં પહેલાં એ જાણીએ કે આ નિયમો આવ્યા ક્યાંથી. વાસ્તવમાં તો આવા નિયમો આગળ પણ અસ્તિત્વમાં હતા જ. 2012માં UGCએ ભેદભાવો દૂર કરવા મામલે દિશાનિર્દેશો તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આપ્યા હતા અને છેક હમણાં સુધી આ નિયમો અમલમાં હતા. પરંતુ પાછલા દાયકામાં બનેલા અમુક કેસો પછી આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં થતા ‘ભેદભાવ’નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ કેસો એટલે રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસો. વેમુલાના કેસમાં તો જોકે પછીથી જાતિગત ભેદભાવનો કોઈ એન્ગલ મળ્યો નહીં અને ક્લોઝર રિપોર્ટમાં તેલંગાણા પોલીસે તમામ બાબતો સ્પષ્ટ કરી દીધી. પરંતુ ત્યાં સુધીમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યો હતો. કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી કે UGC ભલે નવા નિયમો ન બનાવે, પણ જે નિયમો છે તેનું કડકપણે અમલીકરણ કરાવે.
સુપ્રીમ કોર્ટે UGC પાસે જવાબ માગ્યો અને સુનાવણીઓને અંતે કહેવામાં આવ્યું કે UGC આ ભેદભાવ દૂર કરવા મામલેના નિયમોમાં, માળખામાં ફરીથી કામ કરે અને થોડા અસરકારક, વ્યવસ્થિત, કડક નિયમો લાગુ કરે. આખરે ફેબ્રુઆરી 2025માં UGCએ પહેલો ડ્રાફ્ટ બહાર પાડ્યો અને લોકોનાં સૂચનો મગાવ્યાં.
કટ ટૂ જાન્યુઆરી 2026. આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા. તારીખ 13 જાન્યુઆરી 2026. આ વિવાદ આ નિયમોને લઈને છે. જોકે ડ્રાફ્ટમાં અને લાગુ કરવામાં આવેલા નિયમોમાં અમુક વિષમતાઓ જોવા મળે છે.
ફેબ્રુઆરી 2025નો મૂળ ડ્રાફ્ટ
ફેબ્રુઆરીમાં જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં પ્રમાણમાં વ્યવહારુ અને સંતુલિત વલણ અપનાવવામાં આવ્યું હતું. એક તરફ જાતિ આધારિત ભેદભાવો પર પણ લગામ લાગે, આવી કોઈ ફરિયાદો મળે તો તેનું નિવારણ પણ આવે અને બીજી તરફ કોલેજ-યુનિવર્સિટી કેમ્પસો પર જાતિ હાવી ન થઈ જાય એનું પણ ધ્યાન રખાયું હતું. નિયમો સદંતર બદલી નાખવાના સ્થાને યોગ્ય પ્રક્રિયા હેઠળ, સંસ્થાકીય સ્વાયત્તતા જળવાય રહે એ રીતે મામલાનું નિરાકરણ લાવવામાં આવે એ રીતે ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો.
PILમાં જે પ્રકારે માંગ કરવામાં આવી હતી એ પ્રમાણે SC/ST વિદ્યાર્થીઓને જાતિ આધારિત ભેદભાવોથી રક્ષણ આપવામાં આવ્યું હતું અને અન્ય કોઈ કેટેગરી સામેલ કરવામાં આવી ન હતી. વ્યાખ્યામાં એ ઉમેરો કરવામાં આવ્યો કે કોઈની સાથે જાતિ આધારિત પૂર્વગ્રહયુક્ત, અયોગ્ય અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તો તેને જાતિ આધારિત ભેદભાવ ગણવામાં આવશે. જોકે આમાં 2012ના નિયમોની જેમ માર્ક આપવામાં પૂર્વગ્રહ અને હોસ્ટેલ/મેસમાં થતા ભેદભાવ વગેરે જેવી બાબતો દૂર કરી દેવાઈ હતી, જેથી વ્યાખ્યા જો વ્યાપક રાખવામાં આવે તો સંસ્થાઓ પોતાની રીતે, જે-તે ઘટનાનો સંદર્ભ જોઈને કાર્યવાહી કરી શકે અને કાયદાકીય શબ્દોનું અવળું અને વધુ પડતું અર્થઘટન કરવામાંથી બચી શકાય.
આ ડ્રાફ્ટમાં એક અગત્યની બાબત એ ઉમેરવામાં આવી હતી કે ખોટી ફરિયાદો થાય તો એ ખોટી ફરિયાદ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય, દંડ વસૂલી શકાય. આનાથી જેન્યુઇન પીડિતોને કોઈ નુકસાન ન હતું અને બીજી તરફ તેના દુરુપયોગ પર પણ લગામ લગાવી શકાય. કારણ કે આવા સંવેદનશીલ કેસો, નિયમોનો દુરુપયોગ થવાની સંભાવના પણ રહે છે.

અન્ય જોગવાઈ એવી હતી કે ઇક્વિટી કમિટીના અધ્યક્ષ સંસ્થાના વડા રહેશે અને સમિતિમાં દસ સભ્યો રહેશે, જેમાંથી એસસી/એસટી સમુદાયમાંથી ઓછામાં ઓછા એક હોવા જોઈએ. ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, વહીવટી સ્ટાફ વગેરેને પણ સામેલ કરવા કહેવાયું હતું.
અન્ય જોગવાઈઓ એવી હતી કે ફરિયાદોને યોગ્ય પ્રક્રિયા હેઠળ તપાસવામાં આવે, બંને પક્ષોને સમાન તકો આપવામાં આવે અને પુરાવાઓ રજૂ કરવા પણ પૂરતી તકો અપાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજું, કોઈ ઓટોમેટિક પનિશમેન્ટ ન હતી. આ ફ્રેમવર્કમાં સજાના સ્થાને સંસ્થાકીય સુધારા પર વધારે ધ્યાન અપાયું હતું. એટલે જ તેમાં અવેરનેસ પ્રોગ્રામ, એન્યુઅલ ઇક્વિટી રિપોર્ટિંગ વગેરેની પણ જોગવાઈ હતી.
આ નિયમો દેશભરની શિક્ષણ સંસ્થાઓ માટે લાગુ થવાના હતા, એટલે અમુક બાબતો સંસ્થાઓ પર પણ છોડવામાં આવી હતી અને તેમણે ફરજિયાત આ કરવું અને આ ન કરવું જેવી બાબતો પહેલેથી ઓછી રખાઈ હતી. એટલે સંસ્થાઓ જવાબદારીમાંથી છટકી પણ ન શકે અને તેમની ઉપર કામ વગરનું ભારણ પણ નાખી ન દેવાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ઈન્દિરા જયસિંગે સૂચવેલા સુધારાઓ પછી સ્વરૂપ બદલાયું
પરંતુ જેમ-જેમ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી ગઈ એમ આ ડ્રાફ્ટમાં ફેરફાર આવતા ગયા. કારણ એ હતું કે અરજદારોનાં વકીલ ઇન્દિરા જયસિંગે પછીથી કોર્ટમાં આ ડ્રાફ્ટનો વિરોધ કર્યો અને અમુક સુધારાઓ સૂચવ્યા. આ સુધારાઓ નાખવા ગઈ ત્યાં UGC એવો ડ્રાફ્ટ તૈયાર કરી બેઠી, જેનો હાલ ભરપૂર વિરોધ ચાલી રહ્યો છે.
ઈન્દિરા જયસિંગે સપ્ટેમ્બર 2025ની સુનાવણીમાં મૂળ ડ્રાફ્ટમાં દસેક સુધારાઓ સૂચવ્યા હતા. જેમાં ફરિયાદ નિવારણ સમિતિ બનાવવી, તેમાં પણ અનામત રાખવું, જો સંસ્થાઓ નિયમો નહીં માને તો ગ્રાન્ટ અટકાવી દેવી વગેરે જેવા સુધારાઓ સામેલ હતા. કોર્ટે આ સૂચવેલા સુધારાઓની નોંધ લઈને મૂળ ડ્રાફ્ટમાં જરૂરી ફેરફાર કરવા માટે UGCને ફરી આઠ સપ્તાહનો સમય આપ્યો.

આખરે જ્યારે 13 જાન્યુઆરીએ UGCએ નિયમો નોટિફાય કર્યા તો તેમાં મૂળ ડ્રાફ્ટથી ઘણીખરી ચીજો બદલાઈ ગઈ હતી. ઈન્દિરા જયસિંગે સૂચવેલા ઘણાખરા ફેરફારોએ તેમાં સ્થાન લઈ લીધું હતું. જેમકે દોષિતોને ડીબાર કરવાની સંસ્થાઓને શક્તિ આપવી, ઇક્વિટી સમિતિમાં ઓબીસી, દિવ્યાંગ, મહિલાઓને સામેલ કરવી, ગોપનીયતા જાળવવા અમુક પગલાં લેવાં, સંસ્થા પ્રમુખોની જવાબદારીઓ નક્કી કરવી, અનિવાર્ય કાઉન્સેલિંગ, ઇક્વિટી સ્ક્વૉડ અને ઇક્વિટી એમ્બેસેડરની વ્યવસ્થા કરવી વગેરે.
નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોની વ્યાખ્યામાં SC/ST ઉપરાંત OBC અને અન્ય વર્ગો નાખવામાં આવ્યા, પણ જનરલ કેટેગરી બાકાત રાખવામાં આવી. જેથી જાતિ આધારિત ભેદભાવો સામે રક્ષણમાંથી આ જાતિઓ પહેલાં જ બહાર થઈ ગઈ.
મૂળ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહીની જે જોગવાઈ હતી તેને સદંતર દૂર કરી દેવામાં આવી. જેનાથી એક મોટા વર્ગ સામે નિયમોના દુરુપયોગનો, પ્રક્રિયાઓને અસર થવાનો ભય અનેકગણો વધી ગયો. મૂળ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહીની જોગવાઈ છે, નોટિફાય થયેલા નિયમોમાં તેનું નામનિશાન નથી. વિરોધ વચ્ચે એક મૂળ માંગ એ જ છે કે આ જોગવાઈ લાગુ કરવામાં આવે.
ટૂંકમાં કહીએ તો UGCએ શરૂઆતમાં યોગ્ય જ માર્ગ પકડ્યો હતો, પણ પછીથી કાયદાકીય દબાણના કારણે, અમુક વકીલોના દબાણના કારણે, આંતરિક રીતે અમુક બાબતોની સ્પષ્ટતા ન હોવાના કારણે એવું માળખું તૈયાર કરી દેવાયું, જે વિવાદનું કારણ બન્યું.


