Monday, May 20, 2024
More
  હોમપેજરાજકારણ'રામ નવમી પર પ્રતિબંધ, હનુમાન ચાલીસા સાંભળવી ગુનો, કોંગ્રેસના રાજમાં દુશ્મનો આપણા...

  ‘રામ નવમી પર પ્રતિબંધ, હનુમાન ચાલીસા સાંભળવી ગુનો, કોંગ્રેસના રાજમાં દુશ્મનો આપણા સૈનિકોના માથા વાઢીને લઇ જતા’: રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુરમાં ગરજ્યા વડાપ્રધાન મોદી

  વડાપ્રધાન મોદીએ આ મંચ પરથી જ દેશની જનતાને હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે 'બજરંગબલી કી જય'ના જયઘોષ પણ કરાવ્યા હતા. આ ઉપલક્ષે તેમણે કહ્યું કે આજે તેઓ જે ઉત્સાહ જોઈ રહ્યા છે, તે મજબુત ભારત માટે એક આશીર્વાદ છે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસી નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટના ગઢ એવા રાજસ્થાનના ટોંક અને સવાઈ માધોપુર ખાતે એક વિશાળ જનસભા સંબોધી. મંગળવારના (23 એપ્રિલ 2024) રોજ માધોપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતીના પાવન અવસરે શુભકામનાઓ પાઠવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીને સાંભળવા સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. તેમણે કહ્યું હતું કે રાજસ્થાને દર વખતે ભાજપને ભરપુર આશીર્વાદ આપ્યા છે.

  માધોપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી જ દેશની જનતાને હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે ‘બજરંગબલી કી જય’ના જયઘોષ પણ કરાવ્યા હતા. આ ઉપલક્ષે તેમણે કહ્યું કે આજે તેઓ જે ઉત્સાહ જોઈ રહ્યા છે, તે મજબુત ભારત માટે એક આશીર્વાદ છે. તેમણે જણાવ્યું કે એટલે જ દરેક બાજુ એક જ ગુંજ છે- ફિર એક બાર, મોદી સરકાર! તેમણે જણાવ્યું કે રાજસ્થાન સારી રીતે જાણે છે કે સુરક્ષિત રાષ્ટ્ર અને સ્થાયી સરકાર કેટલી જરૂરી છે, એટલા માટે જ 2014 હોય કે 2019 રાજસ્થાને એકજૂથ થઈને ભાજપની તાકતવર સરકાર બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.

  એકતા રાજસ્થાનની સહુથી મોટી સંપત્તિ- પીએમ મોદી

  પીએમ મોદીએ યાદ કર્યું કે કેવી રીતે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ ભાજપને 25માંથી 25 સીટો અપાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, “એકતા રાજસ્થાનની સૌથી મોટી સંપત્તિ છે. યાદ રાખો, જ્યારે પણ આપણા ભાગલા પડ્યા છે, ત્યારે દેશના દુશ્મનોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. અત્યારે પણ રાજસ્થાનના ભાગલા પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાને આ અંગે સાવચેત રહેવાની જરૂર છે.” પીએમ મોદીએ કહ્યું કે 2014માં તમે મોદીને દિલ્હીમાં સેવા કરવાની તક આપી હતી, ત્યારબાદ દેશે એવા નિર્ણયો લીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

  - Advertisement -

  માધોપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કહ્યું કે, જો 2014 પછી પણ અને આજે પણ દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હોત તો શું થાત? ત્યારે તેમણે જવાબ આપ્યો કે જો એવું હોત તો આજે પણ જમ્મુ-કાશ્મીરમાં આપણી સેનાઓ પર પથ્થર ફેંકાયા હોત, આજે પણ દુશ્મનો સરહદ પારથી આવીને આપણા સૈનિકોના માથા કાપી નાખત, ન તો વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) આપણા સૈનિકો માટે લાગુ પડત કે ન તો આપણા ભૂતપૂર્વ સૈનિકોને ₹1 લાખ કરોડ મળ્યા હોત.

  કોંગ્રેસના રાજમાં મહિલા અત્યાચારમાં રાજસ્થાન નંબર 1- વડાપ્રધાન મોદી

  પીએમ મોદીએ ટોંક-સવાઈ માધોપુરમાં કહ્યું, “રાજસ્થાનના મારા ભાઈ-બહેનો થોડા મહિના પહેલા જ કોંગ્રેસના પંજામાંથી મુક્ત થયા છે. સત્તામાં રહીને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ઘા આપવામાં આવ્યા છે તેને રાજસ્થાનની જનતા ક્યારેય ભૂલી શકે તેમ નથી. મહિલાઓ પર અત્યાચારના મામલે કોંગ્રેસે રાજસ્થાનને નંબર-1 બનાવ્યું હતું અને કમનસીબે જુઓ કે કોંગ્રેસના લોકો વિધાનસભામાં બેશરમીથી કહેતા હતા કે આ રાજસ્થાનની ઓળખ છે. તમે પણ જાણો છો કે ટોંકમાં કયા અસામાજિક તત્વોએ અહીંનો ઉદ્યોગ બંધ કરાવી દીધો. પણ, તમે અમારા ભજનલાલ શર્માને સેવા કરવાની તક આપી છે.”

  કોંગ્રેસના રાજમાં રામનવમી પર પ્રતિબંધ, હનુમાનચાલીસા સાંભળવી ગુનો- પીએમ મોદી

  પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારથી ભજનલાલ શર્મા અને તેમની ટીમ કામમાં લાગી છે, ત્યારથી માફિયાઓ અને ગુનેગારોને રાજસ્થાન છોડીને ભાગી રહ્યા છે. તેમણે હનુમાન જયંતી પર યાદ અપાવ્યું કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એક નાના દુકાનદારને માત્ર એટલા માટે ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કારણ કે તે પોતાની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમે કલ્પના કરી શકો છો, કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બની જાય છે.

  પીએમ મોદીએ સભામાં કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાનમાં રામનવમી પર પ્રતિબંધ લગાવ્યો હતો, શોભા યાત્રાઓ પર પથ્થરમારો કરનારાઓને સરકારી સુરક્ષા આપી હતી, તુષ્ટિકરણ માટે માલપુરા, કરૌલી, ટોંક અને જોધપુરને રમખાણોની આગમાં નાખી દીધા હતા. વડાપ્રધાને આક્રોશથી કહ્યું કે, હવે ભાજપ સરકાર આવ્યા બાદ લોકોની આસ્થા પર સવાલ ઉઠાવવાની કોઈનામાં હિંમત નથી, હવે તમે પણ શાંતિથી હનુમાન ચાલીસા ગાઇને રામનવમી મનાવશો – આ ભાજપની ગેરંટી છે.

  વડાપ્રધાને રાજસ્થાનના બાંસવાડામાં આપેલા પોતાના ભાષણને યાદ કર્યું

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં આપેલા પોતાના ભાષણને પણ યાદ કર્યું હતું, જેમાં તેમણે યાદ અપાવ્યું હતું કે મનમોહન સિંઘે કેવી રીતે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પહેલો અધિકાર છે. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, તે નિવેદનથી સમગ્ર કોંગ્રેસ અને INDI ગઠબંધનમાં ભાગદોડ મચી ગઈ છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે દેશની સામે સત્યને મૂકી દીધું હતું કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવી લેવા અને તેના ખાસ લોકોને વહેંચવા માટે એક મોટું કાવતરું રચીને બેઠી છે.

  તેમણે કહ્યું, “મેં કોંગ્રેસની આ વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. આનાથી કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમને એટલી ઠંડી પડી ગઈ છે કે તેઓ દરેક જગ્યાએ મને અપશબ્દો કહેવામાં વ્યસ્ત છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તેઓ સત્યથી આટલા બધા કેમ ડરે છે? કોંગ્રેસ શા માટે તેની નીતિઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? કોંગ્રેસ વોટબેંકની રાજનીતિના ચક્કરમાં એટલી હદે ઓતપ્રોત થઈ ગઈ છે કે તેને બાબા સાહેબના બંધારણની પણ પરવા નથી. તેમણે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે અમે તમારી સંપત્તિનો સર્વે કરીશું, અમારી માતાઓ અને બહેનો પાસે જે મંગળસૂત્ર છે તેનો સર્વે કરીશું.”

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં યાદ અપાવ્યું કે કોંગ્રેસના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે એક્સ-રે કરવામાં આવશે. તેમણે યાદ અપાવ્યું કે 2011 માં, કોંગ્રેસે તેને દેશભરમાં લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. એસસી/એસટી અને ઓબીસીને મળેલા અધિકારો છીનવીને વોટબેંકની રાજનીતિ માટે અન્યોને આપવાની રમત રમી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે એ જાણીને આટલા પ્રયત્નો કર્યા કે આ બધું બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે, પરંતુ કોંગ્રેસને બંધારણની ચિંતા નથી.

  કોંગ્રેસ દલિતો અને ઓબીસીનો અધિકાર મુસ્લિમોને આપવા માંગે છે- વડાપ્રધાન મોદી

  પીએમ મોદીના જણાવ્યા અનુસાર જ્યારે કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધન સત્તામાં હતા ત્યારે આ લોકો દલિતો અને ઓબીસીના અનામતમાં ભંગ કરીને પોતાની ખાસ વોટબેંકને અલગથી અનામત આપવા માંગતા હતા, જ્યારે બંધારણ સંપૂર્ણપણે તેની વિરુદ્ધ છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબાસાહેબે દલિતો, પછાતો અને આદિવાસી સમાજને જે અનામતનો અધિકાર આપ્યો છે, તેમાં કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધન ધર્મના આધાર પર મુસલમાનોને આપવા માંગે છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસના આ ષડયંત્રો વચ્ચે મોદી આજે ખુલ્લા મંચ પરથી તમને ગેરેંટી આપી રહ્યો છે કે દલિતો, પછાતો અને આદિવાસી સમાજની અનામતનો અંત નહીં આવે અને ન તો ધર્મના નામે ભાગલા પાડવા દેવામાં આવશે. તેમણે પુનરોચ્ચાર કર્યો – આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી હંમેશા તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિ રહી છે, 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ તેનું પહેલું કામ હતું – આંધ્રપ્રદેશમાં એસસી/એસટીની અનામતને ઓછી કરીને મુસ્લિમોને આપવાનો પ્રયાસ.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં