Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટNEET-UG વિવાદ: PG પ્રવેશ પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રાલયે ગેરરીતિની તપાસ CBIને સોંપી;...

  NEET-UG વિવાદ: PG પ્રવેશ પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રાલયે ગેરરીતિની તપાસ CBIને સોંપી; NTAના નવા DG તરીકે પ્રદીપ સિંઘ ખરોલાની નિયુક્તિ

  NEET-UG વિવાદ વચ્ચે શનિવારે સરકારે અનેક ઘોષણાઓ કરી હતી. ગેરરીતિની તપાસ CBIને સોંપવી, NTAના નવા DGની નિયુક્તિ જેવી અનેક ઘોષણા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે (23 જૂન) યોજાનારી NEET-PG પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી છે.

  - Advertisement -

  NEET-UG પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTAના) ડાયરેક્ટર જનરલ (DG) સુબોધ સિંઘને પદ પરથી હટાવી દીધા છે. હવે કર્ણાટક કેડર 1985 બેન્ચના રિટાયર્ડ IAS અધિકારી પ્રદીપ સિંઘ ખરોલાને DG તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જૂન, 2023માં DG બનેલા સુબોધ સિંઘને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. દરમિયાન જ શિક્ષણ મંત્રાલયે NEET-UGમાં થયેલી ગેરરીતિની તપાસ CBIને સોંપી દીધી છે.

  મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, NEET-UG પરીક્ષામાં ગેરરીતિ, છેતરપિંડી અને પેપર લીક જેવા મામલાઓ સામે આવ્યા છે. તેથી પરીક્ષા સિસ્ટમને પારદર્શી બનાવવા અને તેની વ્યાપક તપાસ માટે આ કેસ CBIને સોંપી દેવામાં આવે છે. આ સાથે જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, “કથિત ગેરરીતિ મામલે અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે. સરકાર કોઈપણ કિંમત પર વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.”

  NEET-UG વિવાદ વચ્ચે શનિવારે (22 જૂન) સરકારે અનેક ઘોષણાઓ કરી હતી. ગેરરીતિની તપાસ CBIને સોંપવી, NTAના નવા DGની નિયુક્તિ જેવી અનેક ઘોષણા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે (23 જૂન) યોજાનારી NEET-PG પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી છે. મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય પરીક્ષાની પવિત્રતાને બનાવી રાખવા માટે જરૂરી હતો. આ પરીક્ષાનું આયોજન આયુર્વિજ્ઞાનમાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ કરે છે. આ વખતે PG પરીક્ષામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.

  - Advertisement -

  વિવાદ વચ્ચે ઉચ્ચસ્તરીય કમિટીની પણ રચના

  NEET પરીક્ષા વિવાદ વચ્ચે શનિવારે (22 જૂન) કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વધુ એક કાર્યવાહી પણ હાથ ધરી હતી. મંત્રાલયે NEET-UG 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગે NTAના કેસમાં ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. પરીક્ષાઓ પારદર્શક, સુચારુ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાંતોની આ ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. ISROના પૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુર BoGના અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિ પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને NTAની સંરચના અને કાર્યપ્રણાલી અંગેની ભલામણો કરશે.

  સમિતિમાં અધ્યક્ષ તરીકે ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે. તે સાથે તેમાં 6 સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નામ સામેલ છે. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે. રાવને પણ સમિતિમાં સ્થાન મળ્યું છે. IIT મદ્રાસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમેરેટસ પ્રો. રામામૂર્તિ પણ સમિતિના સભ્ય છે. પંકજ બંસલ, સહ-સ્થાપક, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર – કર્મયોગી ભારત પણ આ સમિતિમાં સામેલ છે. સમિતિમાં IIT દિલ્હીના ડીન સ્ટુડન્ટ અફેર્સ આદિત્ય મિત્તલ પણ સામેલ છે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલને પણ સભ્ય સચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

  નોંધનીય છે કે, મેડિકલમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા NEET પર આ દિવસોમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં, 5 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષામાં એક-બે નહીં પરંતુ 67 બાળકોએ ટોપ કર્યું હતું, જે આશ્ચર્યજનક બાબત છે. સાથે જ કથિત પેપર લીકનો પણ ખુલાસો થયો છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકારે હવે સખત કાર્યવાહી હાથ ધરી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં