થોડા સમય પહેલાં કેરળમાં એક ગામમાં વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કરીને ખેડૂતોની જમીનને પોતાની સંપત્તિ ગણાવી હતી. હવે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે. અહીં લાતૂરમાં (Latoor) સ્ટેટ વક્ફ બોર્ડે 300 એકર જમીન પર દાવો કરીને 103 ખેડૂતોને આ જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી છે. બીજી તરફ, પોતાને વારસામાં મળેલી જમીન અને આજીવિકાના એક માત્ર સંસાધનને ખોવાના ડરથી ખેડૂતોએ હવે સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે.
ખેડૂતોનો આરોપ છે કે વક્ફ બોર્ડ તેમની જમીન પચાવી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે. આ માટે કુલ 103 ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસમાં જમીનનો કબજો છોડીને તેને વક્ફને સોંપવા માટેના આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં જમીનને વક્ફ અધિનિયમ અંતર્ગત વક્ફ બોર્ડની સંપત્તિ હોવાનું ઘોષિત કરી દેવામાં આવ્યું છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી આ જમીન ખેડી રહ્યા છે અને વક્ફનો તેની ઉપર કોઈ અધિકાર નથી.
નોટિસ મળ્યા બાદ ખેડૂતોમાં ફફડાટ, સરકાર પાસે માંગ્યો ન્યાય
આ પ્રકારની નોટિસ મળ્યા બાદથી ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમણે સરકાર અને લાતૂર પ્રશાસન પાસે પોતાની જમીનો બચાવવા અરજ કરી છે. આ મામલો વક્ફ ટ્રિબ્યુનલ સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે.
આ મામલે ખેડૂતોએ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. પહેલાં 2 સુનાવણીઓ થઈ ચૂકી છે અને આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થનાર છે. આ મામલે એક ખેડૂતે મીડિયાને જણાવ્યું હતું કે, આ જમીનો કોઈ સંજોગોમાં વક્ફ સંપત્તિ નથી, આ તેમની વડીલોપાર્જિત સંપત્તિ છે. તેમણે મહારાષ્ટ્ર સરકાર પાસે ન્યાય માંગીને પોતાની જમીનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અરજ કરી છે.
કેરળમાં વકફ બોર્ડે 404 એકર જમીન પર કર્યો હતો દાવો
નોંધવું જોઈએ કે આ પહેલાં આવો જ એક કિસ્સો કેરળના એર્નાકુલમ જિલ્લાના મુનામ્બમથી સામે આવ્યો હતો. અહીં મુનામ્બમમાં લગભગ 600 હિંદુ અને ખ્રિસ્તી પરિવારોની 404 એકર જમીન પર વક્ફ બોર્ડે દાવો કરીને તેમને ગામ છોડી દેવા કહ્યું હતું. વક્ફ બોર્ડનું કહેવું છે કે આ જમીન 1950માં વક્ફ પ્રોપર્ટી તરીકે રજીસ્ટર કરવામાં આવી હતી, જ્યારે અહીં રહેતા લોકો દાવો કરે છે કે તેમણે દાયકાઓ પહેલાં જમીન કાયદેસર રીતે ખરીદી હતી.