અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ ‘વંદે માતરમ્’ પાર્ટી પ્લોટમાં તાજેતરમાં એક હિંદુ પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ભયાનક હુમલાની ઘટના બની હતી. આ હુમલો માત્ર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે લગ્ન દરમિયાન ભગવાન શ્રી રામનું નામ લેવામાં આવ્યું હતું અને રામ ધૂન વગાડવામાં આવી હતી. ઑપઇન્ડિયાએ ઘટના સ્થળ પર જઈને જાણકારી મેળવી તો અનેક ઘટસ્ફોટ થયા. પીડિત પરિવારે પણ પોતાની આપવીતી જણાવી અને સમગ્ર ઘટના શું બની હતી એ પણ કહ્યું.
શું હતી સમગ્ર ઘટના
21 ફેબ્રુઆરીની રાત્રે ‘વંદે માતરમ્’ પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલી રહ્યાં હતાં. આ દરમિયાન ભગવાન શ્રીરામના નામનું ગીત વગાડવામાં આવતા જ પાસે નિર્મળપુરા સોસાયટી પાસે આવેલી ચાલીમાં રહેતા અમુક મુસ્લિમ સમુદાયના માણસોએ વાંધો ઉઠાવ્યો હતો. ટોળાએ પાર્ટી પ્લોટમાં જઈને હોબાળો કર્યો હતો અને વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી.
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. ઘટના બાદ હિંદુ-મુસ્લિમ બંને પક્ષે સામસામી FIR નોંધાવી હતી. આ મામલે પોલીસે 7 લોકોની ધરપકડ પણ કરી હતી.
ઑપઇન્ડિયાને શું જાણવા મળ્યું?
વિશ્વ હિંદુ પરિષદના જગદીશ તિવારીએ જણાવ્યું હતું કે, “વડોદરાથી આવેલી જાનનું સ્વાગત થઈ રહ્યું હતું અને જ્યારે વરરાજા મંડપમાં પ્રવેશ્યા ત્યારે ‘જમાઈ રાજા રામ મિલા’ ગીત વાગ્યું હતું. આ ગીત અને રામ ધૂન વાગતાં જ આસપાસના મુસ્લિમ વિસ્તારોમાંથી ટોળું એકઠું થઈ ગયું હતું. તેમણે આગળથી અને પાછળથી બંને દરવાજોથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેમણે જાનૈયાઓના વાહનોમાં તોડફોડ કરી, આ બધું જોઇને સ્થાનિકો ભાગી ગયા હતા. જાનૈયાઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા PCR આવી હતી. PCR આવતાં 10 મિનીટમાં બધું શાંત થઈ ગયું, પણ પછી ફરીથી પાર્ટી પ્લોટની પાછળથી પથ્થરો આવવા લાગ્યા.”
આગળ જણાવ્યું કે, મુસ્લિમોએ વાંધો એ ઉઠાવ્યો હતો કે રમજાન દરમ્યાન તેમના વિસ્તારમાં આવાં ગીતો કેમ વગાડવામાં આવે છે? આ બાબતે બોલાચાલી થયા બાદ અચાનક જ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. તિવારી અનુસાર આ બધું જોઇને લગ્નમાં આવેલા મહેમાનો પણ ડરી ગયા હતા અને વરપક્ષ લગ્ન કરવા પણ તૈયાર ન હતો. આ સમયે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ વચ્ચે પડીને તેમને સમજાવ્યા અને ત્યારબાદ લગ્ન સંપન્ન કરવામાં આવ્યાં.
કન્યાની દાદી સાથેની વાતચીત
ત્યારબાદ ઑપઇન્ડિયા કન્યાના ઘરે પહોંચ્યું હતું અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન કન્યાની દાદીએ જણાવ્યું કે,
અમે લોકો જાન લઈને ત્યાં પહોંચ્યા, બંને પક્ષો સામસામે આવ્યા અને બંને વેવાઈઓ એકબીજાને મળ્યા. ત્યારબાદ અમે અંદર ગયા અને થોડી જ વારમાં જયમાલાનો સમય થયો. વર-કન્યા બંને સ્ટેજ પર ચડી ગયાં અને હાર પહેરાવવાની તૈયારી ચાલતી હતી. એટલામાં અચાનક ટોળું તૂટી પડ્યું. અમે લોકો ડરી ગયા અને અમારી પાસે જે સોના-ચાંદીના દાગીના હતા તે બચાવવા માટે માટીમાં છુપાવી દીધા. ઘરના સભ્યોએ અમને સુરક્ષા માટે અંદર ધકેલી દીધા. અમે ખૂબ ગભરાઈ ગયા હતા, કારણ કે ટોપી પહેરેલા પુરુષો અને સ્ત્રીઓ પણ કોટ કૂદી-કૂદીને અંદર આવવા લાગ્યાં હતાં.
મેં સાંભળ્યું છે કે લોકો કહે છે કે આ બધું ડીજેને કારણે થયું, પણ ડીજેમાં એવું કંઈ નહોતું. અમે ફક્ત ‘જય શ્રી રામ’ બોલ્યા હતા કે ‘જાન આવી ગઈ છે, જય શ્રી રામ’. બસ, આ સાંભળતા જ તેઓ ભડકી ગયા અને અચાનક હુમલો કરી દીધો. એમને એ વાતની તકલીફ થઈ કે અમે રામનું નામ કેમ લીધું.
આ બધું જોઈને અમે ગભરાઈ ગયા, જયમાલા રોકાઈ ગઈ અને લગ્ન પણ અટકી ગયા. વર પક્ષના લોકો પણ ડરી ગયા અને કહેવા લાગ્યા કે અમે જઈ રહ્યા છીએ. અમે તેમને સમજાવ્યા અને છેવટે ડરના માર્યા ઉતાવળમાં ખાલી સિંદૂર પુરાવી દીધું અને જાનવાળા ભાગી ગયા.”
મહિલાનું કહેવું છે કે હુમલો કરનારાઓ છરીઓ, પાવડા અને તલવારો લઈને આવ્યા હતા. ટોળામાં મહિલાઓ પણ હતી, જે બેફામ ગાળાગાળી કરી રહી હતી.
તેમણે આગળ કહ્યું, “ત્યારબાદ હિંદુ સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદના લોકો અમને મળ્યા, અમારી સાથે વાત કરી અને સહયોગ આપ્યો. એ અનુભવ સારો રહ્યો. તિવારીજી અને સમાજના સંગઠનના લોકો આવ્યા હતા, તેમની સાથે બધી વાત થઈ.” આગળ જણાવતાં કહ્યું કે, “જ્યારે હુમલો થયો ત્યારે ધાબા ઉપરથી અને બારીઓમાંથી પથ્થરો આવી રહ્યા હતા. તેઓ ઉપર ચડીને ફોટા અને વીડિયો બનાવી રહ્યા હતા અને પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે અમે બૂમો પાડી અને પોલીસે પંડિતજીને લગ્ન કરાવવા માટે સુરક્ષા આપી. પોલીસવાળા મોટા ડંડા લઈને આવ્યા ત્યારે એ લોકો ભાગ્યા.”
કન્યાના પિતાએ જણાવી આપવીતી
કન્યાના પિતાએ જણાવ્યું કે, “અમારું બહુ નુકસાન થયું છે, બધું તોડફોડ થઈ ગયું અને બધા ડરી ગયા હતા. ચારેબાજુ પથ્થરમારો ચાલતો હતો અને તલવારો બતાવવામાં આવતી હતી. ડરના માર્યા લગ્ન કરાવતા પંડિતજી પણ ઊભા થઈને ચાલ્યા ગયા હતા. પરંતુ હિંદુ સંગઠનના નેતાઓ આવ્યા અને તેમણે સપોર્ટ કર્યો.” તેમનું કહેવું છે કે શરૂઆતમાં પોલીસની બે ગાડીઓ આવી હતી પણ તેઓ પણ ડરના માર્યા ભાગી ગયા હતા, પછીથી 16-17 ગાડીઓ આવી ત્યારે મામલો થાળે પડ્યો હતો.
કન્યાના કાકાએ જણાવ્યું કે..
અમે તો લગ્નમાં વ્યસ્ત હતા, પણ એમને એવું લાગ્યું કે રામજીની ધૂન કેમ વાગી? જ્યારે કન્યા અને વરરાજાની એન્ટ્રી થાય અને હાર પહેરાવે ત્યારે રામજીની ધૂન વાગતી હોય છે. એમને એમ થયું કે અહીં રામજીની ધૂન કેમ વાગી રહી છે? એ લોકોએ ધમકી આપી કે ‘રામજીની ધૂન વગાડવી હોય તો તમારા ઘરે જઈને વગાડો, આજ પછી આ હોલમાં દેખાતા નહીં, નહીંતર અહીંથી એક પણ માણસ જીવતો પાછો નહીં જાય.’ બસ, આ જ એમના શબ્દો હતા.
હાલ આ મળે પોલીસ FIR દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે.


