હોમપેજગુજરાતકૉમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં: કઈ રીતે 2036ની ઓલમ્પિક બિડ માટે ભારતનો પક્ષ...

કૉમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં: કઈ રીતે 2036ની ઓલમ્પિક બિડ માટે ભારતનો પક્ષ મજબૂત કરશે આ સ્પોર્ટ્સ ઇવેન્ટ?

અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે એ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ગુજરાત સરકાર પણ આમાં સક્રિયપણે રસ દાખવી રહી છે. તેની તૈયારીઓ પણ ઘણા સમયથી ચાલી રહી છે. અમદાવાદને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણાં વર્ષોથી મળીને કામ કરી રહ્યાં છે.

- Advertisement -

2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની લગભગ નક્કી છે અને હવે માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે. ભારત તરફથી તાજેતરમાં બિડ રજૂ કરવામાં આવી હતી. એક રજૂઆત નાઈજીરિયા તરફથી પણ આવી હતી. આખરે બુધવારે (15 ઑક્ટોબર) યોજાયેલી બેઠકમાં કૉમનવેલ્થ એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદના નામ પર મહોર મારીને ભલામણ કરી. હવે તેને નવેમ્બર 2025માં ગ્લાસગોમાં આયોજિત કૉમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં ઔપચારિક મંજૂરી માટે રજૂ કરવામાં આવશે અને સત્તાવાર રીતે લીલી ઝંડી અપાશે.

આ નિર્ણય વિશે ઓલમ્પિક એસોશિએશન ઇન્ડિયાનાં અધ્યક્ષ પી. ટી ઉષાએ જણાવ્યું કે, “ભારત માટે અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી ગર્વની બાબત કહેવાશે. આ ગેમ્સ ન માત્ર ભારતની વિશ્વસ્તરીય આયોજન ક્ષમતા દર્શાવશે, પરંતુ વિકસિત ભારત 2047ની યાત્રામાં પણ અગત્યની ભૂમિકા ભજવશે. અમે 2030ની આ કૉમનવેલ્થ ગેમ્સને યુવાનોને પ્રેરિત કરવા, આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવા અને કૉમેનવેલ્થ દેશોના સહિયારા ભવિષ્યમાં યોગદાન આપવા માટેની એક સુવર્ણ તક તરીકે જોઈ રહ્યા છીએ.”

અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે એ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ગુજરાત સરકાર પણ આમાં સક્રિયપણે રસ દાખવી રહી છે. તેની તૈયારીઓ પણ ઘણા સમયથી ચાલી રહી છે. અમદાવાદને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણાં વર્ષોથી મળીને કામ કરી રહ્યાં છે.

- Advertisement -

કઈ રીતે અમદાવાદમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર?

તેના જ ભાગરૂપે અમદાવાદમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. જેની ક્ષમતા એક લાખ કરતાં વધુ પ્રેક્ષકોની છે. ઉપરાંત આ સ્ટેડિયમ જેનો ભાગ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે 650 એકરમાં ફેલાયેલો છે.

હાલ નિર્માણાધીન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ નવાં 10 સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, જ્યાં જિમ્નેસ્ટિક્સ, સ્કેટબોર્ડિંગ, સોફ્ટબૉલ, ટેનિસ વગેરે રમતો માટે કાયમી અને હંગામી ધોરણે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ તમામ સ્ટેડિયમોનાં બાંધકામનું કામ સરકારી એજન્સી ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સંભાળી રહી છે.

આ જ એન્ક્લેવમાં ફૂટબોલ સ્ટેડિયમની પણ વ્યવસ્થા હશે અને એથ્લેટ્સ વિલેજ અને હોટેલ્સ પણ બનાવવામાં આવશે. વિલેજ ક્ષમતા ત્રણ હજાર ખેલાડીઓની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સિવાય તાજેતરમાં જ ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના જ નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અનેક રમતો માટે સ્થળ-વ્યવસ્થાઓ પૂરાં પાડશે. આ સંકુલ કૉમનવેલ્થ ગેમ્સનાં ધોરણોને અનુરૂપ જ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ રમતોને આવરી લેવામાં આવશે. આ કોમ્પ્લેક્સ પાછળ સરકારે ₹824 કરોડ ખર્ચ્યા છે.

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. 2030 સુધીમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સેવા પણ શરૂ થઈ જશે. આ સિવાય સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર એક લાખ સ્ક્વેર મીટરમાં મોટાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું પણ આયોજન છે. સાબરમતી રિવરફ્રન્ટ પણ રિડેવલપમેન્ટ ફેઝમાં છે, જ્યાં પણ અમુક વૉટર સ્પોર્ટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.

કઈ રીતે મજબૂત કરશે ઓલમ્પિક બિડ માટે ભારતનો પક્ષ?

આ તમામ તૈયારીઓના કેન્દ્રમાં 2036નો ઓલમ્પિક્સ છે, જે ભારતમાં યોજવા માટે સરકાર ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. પરંતુ ઓલમ્પિક્સના જેવા વિશ્વકક્ષાના રમત મહોત્સવના આયોજન પહેલાં અમુક અન્ય ઇવેન્ટ થાય એ જરૂરી છે. એ જ કારણ છે કે ભારતે 2030ની કૉમનવેલ્થ ગેમ્સ માટે પણ એટલી જ સક્રિયતા દાખવી છે.

કૉમનવેલ્થ ગેમ્સ ભારતને રમતજગતની દુનિયા સમક્ષ એ દર્શાવવાની તક પૂરી પાડશે કે ભારત પણ આવી મોટી ઇવેન્ટ માટે એક કાર્યક્ષમ અને સક્ષમ દેશ છે અને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને રાજનીતિક ઈચ્છાશક્તિ અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ– કોઈની અહીં અછત નથી.

આ જરૂરી એટલા માટે પણ છે કે કારણ કે ભૂતકાળમાં 2010માં જ્યારે ભારતમાં પ્રથમ વખત કૉમનવેલ્થ ગેમ્સ (દિલ્હીમાં) યોજાઈ હતી ત્યારે નબળું આયોજન, નાણાકીય અનિયમિતતાના આરોપો અને UPA સરકારનાં કૌભાંડોના કારણે દેશની છબીને સારું એવું નુકસાન પહોંચ્યું હતું અને ત્યારબાદ એવી કોઈ મોટી ઇવેન્ટ ભારતમાં થઈ પણ નથી.

હવે જ્યારે નવેસરથી સરકાર સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે મથી રહી છે અને દુનિયામાં ભારતની એક અલગ, પરિપક્વ રાષ્ટ્ર તરીકેની, જવાબદાર રાષ્ટ્ર તરીકેની છબી ઘડી રહી છે ત્યારે કોમનવેલ્થ અને અન્ય ઇન્ટરનેશનલ ઇવેન્ટ તેમાં મદદરૂપ થશે.

કૉમનવેલ્થ યોજાય એ પહેલાં 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અમદાવાદમાં જ યોજાશે. જેમાં વિશ્વભરની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ભાગ લે છે અને દસેક હજાર ખેલાડીઓ આવે છે. તે પહેલાં 2027માં વિમેન્સ વૉલિબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજવામાં આવશે. 2028માં વર્લ્ડ U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં જ યોજાઈ રહી છે. આ વર્ષે અમદાવાદમાં કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (જે કૉમનવેલ્થ માટેની ક્વોલિફાઈંગ ઇવેન્ટ છે) અને એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ પણ યોજાશે, જે નવનિર્મિત નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં યોજાઈ રહી છે.

મોદી સરકારના ટ્રેકરેકોર્ડને જોતાં, ગુજરાત સરકારના ટ્રેકરેકોર્ડને જોતાં હવે પછી આવી મોટી રમતોમાં કોઈ ગડબડ ગોટાળા થાય તેની શક્યતાઓ નથી. મોદી સરકાર આવી બધી બાબતોમાં કેટલી ગંભીર રહે છે તે G20ના સફળ અને ભવ્ય આયોજનથી સાબિત કરી ચૂકી છે. જેમાં વિશ્વભરના નેતાઓ ભારત આવ્યા હતા અને એક સફળ આયોજન થઈ શક્યું હતું. અમદાવાદની આ તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ આ જ રીતે, આટલી જ ગંભીરતાથી અને આટલા જ પૂર્વઆયોજન સાથે યોજવામાં આવશે, જેનાથી સ્પોર્ટ્સની દુનિયામાં ભારતનું સ્થાન ઊંચું જ આવશે.

એક શક્યતા જોકે એ પણ છે કે 2030માં કૉમનવેલ્થ યોજાય તે પહેલાં જ ઓલમ્પિકસ 2036 માટે યજમાન નક્કી કરી દેવામાં આવશે. પરંતુ ત્યાં સુધીમાં પણ ભારતના આ પ્રયાસોની, અન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટની વિશ્વભરમાં નોંધ લેવાઈ ચૂકી હશે, જેથી તે ઓલમ્પિક્સ માટેની બિડ માટે ફાયદો જ કરાવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં