14 સપ્ટેમ્બર, 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shahe) અમદાવાદના (Ahmedabad) નારણપુરા (Naranpura) વિસ્તારમાં નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનું લોકાર્પણ (Veer Savarkar Sports Complex) કર્યું. આ ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ છે, જે રાજ્યના યુવાનો, ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે મહત્વનું કેન્દ્ર પણ બનશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2022માં ગૃહમંત્રી અમિત શાહે જ કર્યો હતો. જે બાદ હવે લોકાર્પણ પણ તેમના હાથે થઈ રહ્યું છે.
मोदी सरकार में भारत खेलों में भी ग्लोबल लीडर बन रहा है। अहमदाबाद के नारणपुरा में निर्मित स्टेट ऑफ द आर्ट वीर सावरकर स्पोर्ट्स कॉम्प्लेक्स के उद्घाटन समारोह से लाइव…
— Amit Shah (@AmitShah) September 14, 2025
નારણપુરામાં બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહથી લાઈવ. https://t.co/5nvlpLkbCW
ફેબ્રુઆરી 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ કોમ્પ્લેકસનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ રાખ્યું હતું. આ કોમ્પ્લેકસ ભારતની 2036 ઓલિમ્પિક્સ અને 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીનો મુખ્ય ભાગ છે. આ કોમ્પ્લેકસ ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરશે. તેમાં તમામ સુવિધાઓ પણ વર્લ્ડ-ક્લાસ કેટેગરીની રાખવામાં આવી છે.
કેટલું વિશાળ છે કોમ્પ્લેકસ?
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર નજીક વિકસાવવામાં આવ્યું છે. તે 21 એકર (લગભગ 82,507 વર્ગ મીટર) જમીન પર ફેલાયેલું છે. જેમાં કુલ બિલ્ટ-અપ એરિયા 1.18 લાખ વર્ગ મીટરથી વધુ છે. આ સંકુલમાં ચાર મુખ્ય ઇમારતો અને 6 પ્રવેશદ્વારો છે, જે તેને શહેરી વિસ્તારમાં સુલભ બનાવે છે. તેની ડિઝાઇન પણ આંતરરાષ્ટ્રીય ધોરણોને (IOC અને CGF) અનુરૂપ છે. તેમાં ઇકો-ફ્રેન્ડલી બાંધકામ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગનો સમાવેશ થાય છે.
મુખ્ય સુવિધાઓમાં એકવાટિક પૂલ (50 મીટર લાંબો, 25 મીટર પહોળો), 400 મીટરનું એથ્લેટિક્સ ટ્રેક, અને 105×68 મીટરનું ફુટબોલ/હોકી ફિલ્ડ સામેલ છે. SG હાઇવે સાથે જોડાયેલું આ સંકુલ 1,650 વાહનો (850 ટુ-વ્હીલર, 800 ફોર-વ્હીલર) માટે પાર્કિંગ ધરાવે છે.
શું છે વિશેષતા?
આ સંકુલ 20થી વધુ સ્પોર્ટ્સને આવરે છે, જે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સનાં ધોરણોને અનુરૂપ છે. તેની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે:
એક્વાટિક કોમ્પ્લેક્સ: FINA-માન્ય 51.5×25 મીટરનો એડજસ્ટેબલ પૂલ, જે ડાઇવિંગ, વોટર પોલો અને સિંક્રોનાઇઝ્ડ સ્વિમિંગ માટે યોગ્ય છે. તેમાં અંડરવોટર કેમેરા, વોર્મ-અપ પૂલ અને 2,000 દર્શકો માટે ગેલેરી પણ છે.
ઇન્ડોર એરેનાઓ: ઇન્ડોર એરેનામાં 8 બેડમિન્ટન કોર્ટ્સ, 16 ટેબલ ટેનિસ ટેબલ્સ, જિમ્નાસ્ટિક્સ ફ્લોર (40×40 મીટર), બોક્સિંગ રિંગ, 2 વૉલીબોલ કોર્ટ્સ અને મલ્ટી-પર્પઝ હૉલનો (બાસ્કેટબોલ/હેન્ડબોલ માટે) સમાવેશ થાય છે.
આઉટડોર એરેનાઓ: આઉટડોર એરેનામાં 400 મીટરનું એથ્લેટિક્સ ટ્રેક, 105×68 મીટરનું ફુટબોલ/હોકી ફિલ્ડ, 6 ટેનિસ કોર્ટ્સ (ક્લે/હાર્ડ) અને ક્રિકેટ પ્રેક્ટિસ નેટ્સ તથા બાસ્કેટ બોલ કોર્ટનો સમાવેશ થાય છે.
ફિટ ઇન્ડિયા ઝોન: આ ઝોનમાં 5,000 ચોરસ મીટરમાં યોગ, એરોબિક્સ, 2 કિમી વૉકિંગ ટ્રેક અને ફિટનેસ ક્લાસ માટે ખુલ્લા વિસ્તારનો સમાવેશ થાય છે.
સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ (CSE): 200 ખેલાડીઓ માટે રહેવા અને તાલીમની સુવિધા, ફિઝિયોથેરાપી, ડોપિંગ ટેસ્ટિંગ લેબ અને AI-બેઝ્ડ ટ્રેનિંગ મોનિટરિંગનો સમાવેશ થાય છે.
તે સિવાય આ સંકુલમાં 5,200 દર્શકો માટે ગેલેરી, LED સ્ક્રીન અને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સિસ્ટમ છે, જે આધુનિક ટેકનોલોજીનો સાથે લોકોને સુલભ સેવાઓ આપે છે. ભારત 2036 ઓલિમ્પિક્સ અને 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે તૈયારી કરી રહ્યું છે અને આ સંકુલ તેનું મુખ્ય કેન્દ્ર બનશે. તે IOC અને CGF ધોરણોને અનુરૂપ છે, જેમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ અને ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ છે. કોમનવેલ્થ ગેમ્સ ડેલિગેટ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમે તેની મુલાકાત લઈ તેને ‘વર્લ્ડ-ક્લાસ’ ગણાવ્યું હતું.
આ સંકુલ ખેલાડીઓને પ્રી-ઓલિમ્પિક ટ્રેનિંગ આપશે. ખાસ કરીને ગુજરાતી ખેલાડીઓ આ સંકુલના કારણે ભારતના મેડલ કાઉન્ટમાં વધારો કરશે. એક્વાટિક પૂલ એશિયન એક્વેટિક્સ જેવી ઇવેન્ટ્સ માટે પણ આ સંકુલ ખૂબ ઉપયોગી છે.
કેટલા ખર્ચે બન્યું કોમ્પ્લેકસ?
આ સંકુલનો કુલ ખર્ચ ₹824 કરોડ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ સામેલ છે. AMC મુજબ, શરૂઆતી અંદાજ 2022માં ₹631.77 કરોડ હતો, પરંતુ અદ્યતન સુવિધાઓ, વધેલો વિસ્તાર અને બાંધકામ ખર્ચ વધવાને કારણે આ રકમ પણ વધી ગઈ છે. આ પ્રોજેક્ટને ‘સ્વર્ણિમ ગુજરાત’ યોજના હેઠળ ગુજરાત સરકાર અને AMCના બજેટમાંથી પણ ફંડ મળ્યું છે, જેમાં બાંધકામ, સાધનો, લેન્ડસ્કેપિંગ અને પ્રારંભિક મેઇન્ટેનન્સનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પર અસર
આ સંકુલ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરશે. રાજ્યમાં મોટેરા (ક્રિકેટ), કારણા (એથ્લેટિક્સ) અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, પરંતુ આ સંકુલ વધુ વ્યાપક અને શહેરી વિસ્તારમાં સુલભ છે. તે ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂત કરશે, હજારો યુવાનો અને ખેલાડીઓને આકર્ષશે અને ગુજરાતમાંથી મેડલ વિજેતાઓની સંખ્યા પણ વધારશે. આ ઉપરાંત તે ટૂરિઝમ અને ઇકોનોમીને પણ બુસ્ટ આપશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ અમદાવાદને વૈશ્વિક નકશા પર લાવશે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્ન બનશે, જે રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરશે. આ સંકુલ ખેલાડીઓને વર્લ્ડ-ક્લાસ ટ્રેનિંગ પૂરી પાડશે અને સામાન્ય નાગરિકોમાં ફિટનેસ તથા સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. ઉપરાંત આ કોમ્પ્લેકસ દ્વારા ગુજરાત ભારતના સ્પોર્ટ્સ વિકાસમાં અગ્રેસર રહેશે અને ભવિષ્યના ઓલિમ્પિયન્સને પણ તૈયાર કરશે.


