
2030ની કૉમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાની પર મહોર મારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ખેલ મહોત્સવ 2030માં અમદાવાદના આંગણે યોજાશે. ભારત સરકારે દાખલ કરેલી બિડને કૉમનવેલ્થ એસોશિએશન દ્વારા બુધવારે (15 ઑક્ટોબર) મંજૂરી આપવામાં આવી હતી.
A day of immense joy and pride for India.
— Amit Shah (@AmitShah) October 15, 2025
Heartiest congratulations to every citizen of India on Commonwealth Association's approval of India's bid to host the Commonwealth Games 2030 in Ahmedabad. It is a grand endorsement of PM Shri @narendramodi Ji's relentless efforts to…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પોસ્ટ કરીને આજના દિવસને ભારત માટે ગર્વનો દિવસ ગણાવ્યો અને જાણકારી આપતાં ઉમેર્યું કે, ભારતને વિશ્વના સ્પોર્ટ્સ મેપ પર સ્થાપિત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોનું આ પરિણામ છે.
અમિત શાહે શૅર કરેલી કૉમનવેલ્થ સ્પોર્ટ્સની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કૉમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે 2030ના રમત મહોત્સવ માટે યજમાન તરીકે અમદાવાદ, ભારતની ભલામણ કરવાની પુષ્ટિ કરી છે.
હવે આ ભલામણ આગળ મોકલવામાં આવશે અને 26 નવેમ્બરના રોજ ગ્લાસગોમાં યોજાનારી કૉમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કૉમનવેલ્થ તરફથી જણાવવામાં આવ્યું કે, અમદાવાદનો પ્રસ્તાવ ભારતની કૉમનવેલ્થનાં મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમજ એ પણ પ્રતિબિંબિત કરે છે કે તે મોટી કક્ષાએ અને વૈવિધ્યપૂર્ણ રમતોની યજમાની કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે.
આ નિર્ણય વિશે કૉમનવેલ્થ ગેમ્સ એસોશિએશન ઇન્ડિયાનાં અધ્યક્ષ પી. ટી ઉષાએ જણાવ્યું કે, ભારત માટે અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી ગર્વની બાબત કહેવાશે. આ ગેમ્સ ન માત્ર ભારતની વિશ્વસ્તરીય આયોજન ક્ષમતા દર્શાવશે, પરંતુ વિકસિત ભારત 2047ની યાત્રામાં પણ અગત્યની ભૂમિકા ભજવશે. અમે 2030ની આ કૉમનવેલ્થ ગેમ્સને યુવાનોને પ્રેરિત કરવા, આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવા અને કૉમેનવેલ્થ દેશોના સહિયારા ભવિષ્યમાં યોગદાન આપવા માટેની એક સુવર્ણ તક તરીકે જોઈ રહ્યા છીએ.

