Wednesday, September 18, 2024
More
    હોમપેજસ્પેશ્યલપહેલાં સામાજિક અને પછી રાજકીય રંગ અપાયો, હવે ધર્મપરિવર્તન સુધી પહોંચી વાત:...

    પહેલાં સામાજિક અને પછી રાજકીય રંગ અપાયો, હવે ધર્મપરિવર્તન સુધી પહોંચી વાત: જાણો શું છે ગોંડલ-જૂનાગઢ વિવાદ, જેમાં કોંગ્રેસી નેતાએ ઉચ્ચારી છે રાજુમાંથી રફીક બનવાની ચિમકી!

    રાજુ સોલંકી વિરુદ્ધ વર્ષ 2014થી 2023 સુધીમાં પોલીસ પર હુમલો, હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર, અપહરણ, અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ તેમના પુત્ર અને NSUIના નેતા સંજય સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અલગ-અલગ 3 ગુના નોંધાયેલા છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગોંડલ અને જૂનાગઢ વિવાદોમાં છે. બે વ્યક્તિઓ વચ્ચે થયેલો ઝઘડો પહેલાં રાજકીય મુદ્દા, પછી સામાજિક અને હવે ધર્મ સુધી પહોંચી ગયો છે. વાત છે ગોંડલના પૂર્વ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજા અને જૂનાગઢ કોંગ્રેસના નેતા, પૂર્વ કોર્પોરેટર અને દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના દીકરા અને NSUI નેતા સંજય સોલંકી વચ્ચેના ઝઘડાની. વિવાદ એટલે સુધી પહોંચ્યો છે કે કોંગ્રેસી નેતા રાજુ સોલંકીએ પોતાના પરિવાર સહિત ઇસ્લામ કબૂલ કરી લેવાની ધમકી આપી છે. જે હાલ ચર્ચામાં છે.

    આગળ વધતાં પહેલાં સંજય અને તેના પિતા રાજુ સોલંકી અને તેમના પરિવાર વિશે જાણી લઈએ. સંજય સોલંકી જૂનાગઢના NSUIના નેતા છે. તેના પિતા રાજુ સોલંકી દલિત સમાજના અગ્રણી છે અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે. રાજુ સોલંકીનાં પત્ની એટલે કે સંજયનાં માતા ગીતાબેન સોલંકી પણ જૂનાગઢમાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે. તેઓ 1 વખત ભાજપમાંથી અને બાદમાં પક્ષ બદલો કરીને 2 ટર્મ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યાં હતાં. હાલ જેમણે ધર્મ પરિવર્તનની ધમકી આપી છે, તે રાજુ સોલંકી પોતાને આંબેડકરવાદી ગણાવે છે. જાહેર મંચો પર દલિત સમાજને શિક્ષિત અને સંગઠિત થવાનો સંદેશ પાઠવતા રાજુએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ પોતાના પૂર્વજોને ક્ષત્રિય ગણાવે છે. અખબાર દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં રાજુ સોલંકીએ પોતાના પરિવારને મૂડીવાદી ગણાવ્યો હતો.

    ક્યાંથી આખો વિવાદ શરૂ થયો?

    ઘટના છે 30 મે 2024ની. ગોંડલ રહેતા ગણેશ જાડેજા કોઈ કામથી જૂનાગઢ ગયા હતા. દરમિયાન ટ્રાફિકમાં વાહન ચલાવવાને લઈને તેમને NSUIના નેતા અને કોંગ્રેસ નેતા રાજુ સોલંકીના દીકરા સંજય સાથે રકઝક થઈ હતી. દરમિયાન બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સંજયે પોલીસ ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે ગણેશ જાડેજાએ તેમને ગાડીમાં ઉઠાવી જઈ માર માર્યો અને તેમનો આપત્તિજનક વિડીયો બનાવ્યો. આરોપ છે કે તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માર મારી, જાતિસૂચક શબ્દો કહી અને ધમકી આપી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ ફરિયાદ બાદ જૂનાગઢ A ડિવીઝન પોલીસ અને LCBએ ગણેશ જાડેજા સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તમામને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે માંગ ફગાવી દેતા તમામને ન્યાયિક કસ્ટડીમાં (જેલ) મોકલી આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ગણેશ ગોંડલ સહિતના તમામ લોકોએ કોર્ટમાં જામીન મેળવવા પણ અરજી કરી હતી, જોકે કોર્ટે તેમની માંગ ફગાવી દીધી હતી. તમામ વિરુદ્ધ હાલ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અને હાલ તમામ લોકો જેલમાં જ છે.

    આખા ઝઘડાને પહેલાં સામાજિક અને બાદમાં રાજકીય રંગ આપવામાં આવ્યો

    એક તરફ ન્યાયતંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. જે મુજબ ફરિયાદ કરવામાં આવી છે, તે મુજબ ગણેશ ગોંડલ અને તેમના સહયોગીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમની જામીન અરજી પણ નામંજૂર થઈ છે, જે એ વાતનું પ્રમાણ છે કે ન્યાયપ્રણાલી પોતાનું કામ બરાબર રીતે કરી રહી છે. તો બીજી તરફ રાજુ સોલંકી અને તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલા દલિત સંગઠનો સતત ન્યાય ન મળી રહ્યો હોવાનું રટણ રટી રહ્યાં છે. બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડાને લઈને બે સમાજને સામસામે લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. રાજુ સોલંકી અને અન્ય કેટલાક તથાકથિત દલિત નેતાઓની આગેવાનીમાં જૂનાગઢથી ગોંડલ સુધી રેલીઓ કાઢવામાં આવી.

    દરમિયાન ગોંડલની શેરીઓમાં ફરીફરીને બે સમાજ વચ્ચે તણાવ ઉત્પન્ન થાય તે પ્રકારની હરકતો કરવામાં આવી. ગોંડલ ખાતે રાજુ સોલંકી દ્વારા દલિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું. જ્યાં મંચ પરથી એવી અનેક વાતો કરવામાં આવી જેનાથી બે સમાજ વચ્ચે વિવાદ ઘટવાના બદલે વિવાદ વધે. આટલું જ નહીં, આ આખા પ્રદર્શનને હળવેકથી રાજકીય રંગ આપવાનો પણ પ્રયત્ન થયો. રાજુ સોલંકીએ માંગ કરી કે આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે. રાજુ સોલંકીએ દાવો કર્યો હતો કે જયરાજસિંહની દોરવણીથી જ ગણેશ ગોંડલે તેમના દીકરાને માર માર્યો. સોલંકીએ માંગ કરી હતી કે કલમ 120 B હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જોકે પોતાની વાત સાબિત કરવા તેમણે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી રજૂ કર્યા.

    વાત આટલેથી જ ન અટકી, જયરાજસિંહની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ હજુ ચાલુ જ હતી કે, રાજુ સોલંકીએ ગણેશનાં માતા અને ગોંડલનાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામાંની માંગ કરી. તેમણે માંગ કરી હતી કે જો ગીતાબા જાડેજા ભાજપના ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે, અથવા તો રાજ્ય સરકાર તેમનું પદ પરત નહીં લે તો તેઓ ગાંધીનગર પહોંચશે અને દલિત સમાજને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. જાહેર મંચ પર કોઈ પાર્ટીનો સહયોગ ન હોવાની વાત કરતા રાજુ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં પોતે જ જણાવ્યું હતું કે કોંગ્રેસી નેતા જીગ્નેશ મેવાણી અને ઉત્તર પ્રદેશના તથાકથિત દલિત નેતા ચંદ્રશેખર રાવણ તેમના સંપર્કમાં છે.

    સામાજિક અને રાજકીય બાદ ઝઘડાને ધાર્મિક રંગ આપી ઇસ્લામ કબૂલ કરવાની ધમકી

    આ માંગો એક તરફ કરવામાં આવી રહી છે અને બીજી તરફ કાયદો પણ તેનું કામ કરી રહ્યો છે અને ગણેશ જાડેજા તેનો સામનો કરી રહ્યા છે. ત્યારે પોતાની દાળ ન ગળતી જોઈ રાજુ સોલંકીએ નવો કીમિયો અપનાવ્યો. અલગ-અલગ સોશિય મીડિયા એકાઉન્ટ અને મીડિયામાં તેમણે વિડીયો ફરતા કર્યા કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે ઇસ્લામ કબૂલ કરી દેશે. તેમણે દાવો કર્યો હતો કે તેમની સાથે તેમના કુટુંબના 150 જેટલા પરિવારો પણ ઇસ્લામ કબૂલ કરી લેશે.

    તાજેતરમાં જ તેમણે પોતાના બે-ત્રણ સહયોગીઓ સાથે જઈને કલેકટર કચેરીથી ધર્મ પરિવર્તન માટેનું ફોર્મ પણ મેળવ્યું હતું. અનેકવાર મંચ પરથી સમાજમાં પરિવર્તન લાવવા ખપી જવાની વાત કરતા રાજુ તાજેતરમાં કહેતા સાંભળવા મળ્યા હતા કે તેઓ હિંદુ ધર્મથી કંટાળી ગયા છે. પોતાને ન્યાય ન મળી રહ્યો હોવાની વાતનું રટણ કરીને તેઓ મીડિયામાં બાઈટ આપી રહ્યા છે કે આગામી 15 ઓગસ્ટ સુધીમાં જો તેમની માંગ સ્વીકારીને જયરાજસિંહની ધરપકડ અને ગીતાબાનું ધારાસભ્ય પદ ન લેવામાં આવ્યું તો તેઓ પોતાના કુટુંબના 150 જેટલા પરિવારો સાથે ઇસ્લામ કબૂલ કરી દેશે. જોકે તેમની આ વાતથી મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી છે અને વ્યક્તિગત ઝઘડામાં ઇસ્લામને વચ્ચે ન લાવવા મુસ્લિમ નેતાઓએ કહ્યું છે.

    અમે ‘દોઢ દરબાર’, અમારા દાદાએ જૂનાગઢના નવાબના માણસોને નગ્ન કરીને માર્યા હતા: રાજુ સોલંકી

    આ બધા વચ્ચે રાજુ સોલંકીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયોમાં કોંગ્રેસી નેતા રાજુ સોલંકી મંચ પરથી બે સમાજ વચ્ચે ઝેર ભેળવાય તેવા નિવેદનો કરતા સાંભળવા મળ્યા હતા. તેમણે તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “તમે તો બંધારણ બન્યા બાદથી લડો છો, મારા બાપદાદાએ તો આઝાદી પહેલાં રાજાશાહી વખતે રાજાના માણસોને મારેલા છે અને હું એમનો દીકરો છું. મારા દાદાના બાપુ બેચર બાપાનું વર્ષો પહેલાં જૂનાગઢમાં મર્ડર થયું થું, શું કામ થયું હશે? રાજાશાહી વખતમાં મારા દાદા સોમભાઈ નવાબના માણસોને નગ્ન કરીને મારતા. મારું સ્ટેટ્સ જયરાજ કરતાં વધુ છે. તારાથી (જયરાજસિંહ) સવાયો હતો એટલે હું ગોંડલ આવ્યો હતો.” પોતાને બાબાસાહેબ આંબેડકરના અનુયાયી ગણાવીને રાજુ સોલંકી જયરાજસિંહને પડકારો ફેંકીને જાતિ પર વાત લઇ જતાં કહે છે કે, “તું દરબાર ભલે હોય, અમે દોઢ દરબાર છીએ.” આગળ વિડીયોમાં ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ કબૂલ કરવાની અને રાજુમાંથી રફીક બની જવાની વાત પણ કહે છે.

    પોલીસ પર હુમલો, હત્યાના પ્રયાસ, અપહરણ- શું કહે છે રાજુ સોલંકી અને તેમના દીકરા સંજયની ગુનાહિત કુંડળી

    નોંધનીય છે કે સરકાર દ્વારા અન્યાય અને ભાજપ સાથે જોડાયેલા પરિવારની ગુંડાગીરીની વાતો કરતા રાજુ સોલંકી પર જ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. માત્ર રાજુ જ નહીં, તેમના પરિવારના પણ કેટલાક સભ્યો વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયા છે. ભાસ્કરના રિપોર્ટ અનુસાર, રાજુ સોલંકી વિરુદ્ધ વર્ષ 2014થી 2023 સુધીમાં પોલીસ પર હુમલો, હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર, અપહરણ, અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ તેમના પુત્ર અને NSUIના નેતા સંજય સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અલગ-અલગ 3 ગુના નોંધાયેલા છે. સાથે જ રાજુના દીકરા દેવ સોલંકી પર પણ 2 ગુના નોંધાયેલા છે.

    રાજુ સોલંકીની વાત કરીએ તો 8 જુલાઈ 2014માં તેમના વિરુદ્ધ મારામારી અને અપહરણનો પ્રથમ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ 8 ઓકટોબર, 2014માં તેમની વિરુદ્ધ પોલીસ જવાન પર હુમલો કરવા બદલ ગુનો નોંધાયો હતો. ઓક્ટોબર મહિનામાં જ 29 તારીખે તેમના પર ઘોડી પાસના જુગારનો ગુનો નોંધાયો. આ વખતે જ દરોડા દરમિયાન તેમણે ફરી એકવાર પોલીસ પર હુમલો કર્યો અને સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું જેનો પણ અલગથી ગુનો નોંધાયો. ત્યારબાદ 12 માર્ચ 2016ના રોજ તેમના પર હુમલો અને જાનથી મારી નાખવાનો ગુનો નોંધ્યો હતો.

    રિપોર્ટ અનુસાર (આર્કાઈવ) રાજુ સોલંકીની કરમકુંડલી આટલે જ નથી પૂરી થતી. 2016માં જ 4 એપ્રિલે તેના પર અપહરણ, ગભીર માર અને લૂંટનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં 23 સપ્ટેમ્બરના રોજ તેના વિરુદ્ધ હુમલો કરીને મારામારીનો ગુનો નોંધાયો હતો આ દરમિયાન તેમની પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવતાં આર્મ્સ એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ડિસેમ્બર, 2017માં હુમલો અને જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધાયો. 2 જૂન, 2020ના રોજ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી, 1 ફેબ્રુઆરી 2022ના રોજ હુમલો અને જાનથી મારી નાંખવાની ધમકી, ત્યારબાદ 16 ઓગસ્ટ 2022ના રોજ માર મારવાનો ગુનો નોંધ્યો. રાજુ સોલંકી પર 12મો ગુનો 27 સપ્ટેમ્બર, 2023ના રોજ હત્યાનો પ્રયાસ કરવા બદલ નોંધાયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં