Saturday, December 7, 2024
More
    હોમપેજમિડિયામહારાષ્ટ્ર ચૂંટણીની મતગણતરીમાં ભૂલ હોવાનું સાબિત કરવા ‘ધ વાયર’ના 'પત્રકારો'એ કર્યું બુદ્ધિનું...

    મહારાષ્ટ્ર ચૂંટણીની મતગણતરીમાં ભૂલ હોવાનું સાબિત કરવા ‘ધ વાયર’ના ‘પત્રકારો’એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, ચૂંટણી પંચની સ્પષ્ટતાથી ખુલી ગઈ પોલ

    રિપોર્ટ આવ્યા બાદ દર વખતની જેમ એક ઇકોસિસ્ટમે ફરીથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન ચૂંટણી પ્રક્રિયા કે ગણતરીમાં ઘાલમેલ કરીને જીત્યું છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં (Maharashtra Elections) મહાયુતિના ભવ્ય વિજય બાદ કોંગ્રેસ અને સહયોગી પાર્ટીઓએ ફરી એક વખત EVMવાળું તૂત ઊભું કરવા માંડ્યું છે. તેમના આ એજન્ડાને આગળ ધપાવવાનું કામ કરે છે અમુક મીડિયા સંસ્થાઓ. ભૂતકાળમાં પણ પોતાના નબળા ગણિતથી ફજેતી કરાવી ચૂકેલા પ્રોપગેન્ડા આઉટલેટ ‘ધ વાયર’ના (The Wire) ‘પત્રકારો’એ ફરી એક વખત બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જેના કારણે મહારાષ્ટ્ર ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરવી પડી હતી અને પછી દર વખતે જેમ થાય છે તે જ રીતે ‘ધ વાયર’નો લેખ અસ્તિત્વ ગુમાવી ચૂક્યો હતો. 

    મહારાષ્ટ્રનાં પરિણામો બાદ ‘ધ વાયર’ પર એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક છે- ‘5,04,313 ‘વધારાના’ વોટ? મહારાષ્ટ્રનો ડેટા જેટલા મતો પડ્યા અને જેટલા ગણાયા તેમાં દર્શાવે છે વિસંગતતા.’ 

    આ રિપોર્ટ આવ્યા બાદ દર વખતની જેમ એક ઇકોસિસ્ટમે ફરીથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન ચૂંટણી પ્રક્રિયા કે ગણતરીમાં ઘાલમેલ કરીને જીત્યું છે. જેનાથી વર્ષોથી કોંગ્રેસ હારે ત્યારે ચલાવવામાં આવતા EVMવાળા નરેટિવને પણ બળ મળ્યું. 

    - Advertisement -

    ‘ધ વાયર’ના રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?  

    વાયરનો આ રિપોર્ટ કહે છે કે, “ચૂંટણી પંચના ડેટા અનુસાર, મતદાનની ટકાવારી 66.05% થઈ હતી અને કુલ 64,088,195 મત પડ્યા હતા. પરંતુ જેટલા મતોની ગણતરી થઈ તેનો સરવાળો માંડીએ તો 64,592,508 થાય છે, જે જેટલા મતો પડ્યા તેના કરતાં 5,04,313 મત વધારે છે.”

    આગળ કહેવામાં આવ્યું કે “આઠ બેઠકો પર જેટલા મતની ગણતરી કરવામાં આવી તેની સંખ્યા જેટલા મત પડ્યા હતા તેના કરતાં ઓછી હતી. જ્યારે બાકીની 280 બેઠકો પર જેટલા મત પડ્યા તેના કરતાં ગણતરી જેટલા મતની થઈ હતી તેની સંખ્યા વધારે હતી. આગળ આષ્ટિ વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપીને કહેવામાં આવ્યું કે, અહીં જેટલા પડ્યા હતા તેના કરતાં 4,538 મત વધુ ગણાયા. જ્યારે ઉસ્માનાબાદમાં 4,155 મત વધુ ગણવામાં આવ્યા હતા. 

    ચૂંટણી પંચે ખોલી પોલ 

    વાસ્તવમાં આ રિપોર્ટ બીજું કશું જ નહીં પણ ‘ધ વાયર’ના પત્રકારોમાં સામાન્ય સમજનો અભાવ દર્શાવે છે. રિપોર્ટ લખનારે બે જુદા-જુદા પેરામીટરને સરખાવીને કશુંક ક્રાંતિકારી કામ કર્યું હોવાનું સાબિત કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા છે. બન્યું છે એવું કે રિપોર્ટમાં પોસ્ટલ બેલેટની પણ ગણતરી કરી લેવામાં આવી છે, પણ જ્યારે મતદાનના આંકડા જાહેર કરવામાં આવે ત્યારે પોસ્ટલ બેલેટનો તેમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે જ પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે પણ EVMના અને પોસ્ટલ બેલેટના મતોને અલગ જ દર્શાવવામાં આવે છે. 

    ચૂંટણી પંચે પછીથી જણાવ્યું કે, તમામ 288 બેઠકો પર EVMમાં જેટલા મત પડ્યા હતા તેની સંખ્યા 6,40,88,195 જેટલી હતી. હવે આ માત્ર EVMમાં પડેલા મતો છે. બાકીના 5,38,225 મત બેલેટ પેપર થકી આવ્યા હતા. પણ વાયરના રિપોર્ટમાં EVMના મતોને જ અંતિમ આંકડો બતાવવામાં આવ્યો છે અને બેલેટ મતો ક્યાંય ધ્યાને લેવામાં જ નહતા આવ્યા. જો પોસ્ટલ બેલેટ પણ ઉમેરવામાં આવે તો સંખ્યા 6,46,26,420 થાય છે. અને કુલ મતો ગણાયા હતા એની સંખ્યા 6,45,92,508 જેટલી છે. એટલે જેટલા મત ગણાયા છે એની સંખ્યા જેટલા મત પડ્યા એના કરતાં વધારે હોવાનો દાવો સદંતર ખોટો અને પાયાવિહોણો છે. 

    અહીં પ્રશ્ન એવો પણ થઈ શકે કે અમુક બેઠકો પર પડ્યા હતા તેના કરતાં ઓછા મતની ગણતરી કેમ કરવામાં આવી? તેનો જવાબ પણ ચૂંટણી પંચે આપ્યો છે. કમિશને જણાવ્યું કે, “જો અમુક મશીનમાં મોક પૉલનો ડેટા ક્લિયર કરવામાં આવ્યો ન હોય તો તેની ગણતરી કરવામાં આવતી નથી. ઉપરાંત, કન્ટ્રોલ યુનિટની ડિસ્પ્લે પેનલ પર ન બતાવાતું હોય કે 17C ફોર્મમાં જે ડેટા હોય તે અને EVMમાં જે મત પડ્યા હોય તેમાં વિસંગતતા હોય તો (જે માનવીય ભૂલના કારણે થઈ શકે) તો તેટલા મત ગણાતા નથી. પરંતુ જીતનું માર્જિન ઘણું વધારે હોય છે એટલે VVPAT સ્લીપ ગણવામાં આવતી નથી. જો માર્જિન નજીવું હોય તો VVPAT સ્લીપ ગણીને અંતિમ આંકડો મેળવી લેવામાં આવે છે.

    આષ્ટિ અને ઉસ્માનાબાદ બેઠકનો ‘ધ વાયર’ના રિપોર્ટમાં ઉલ્લેખ છે, જે બાબતે પણ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. આંકડાઓ સાથે જણાવવામાં આવ્યું કે, આષ્ટિમાં EVMમાં કુલ 2,82,246 મત પડ્યા હતા. પોસ્ટલ બેલેટ 5,013 આવ્યા હતા, જેમાંથી 475 રદ થયા હતા. જેથી 4,538 વેલિડ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ. હવે આ એ જ સંખ્યા છે, જે મત ‘વધારાના’ પડ્યા હોવાનો વાયરે દાવો કર્યો છે. પણ વાસ્તવમાં તો એ પોસ્ટલ બેલેટ હતા. 

    ઉસ્માનાબાદમાં પણ EVM મત કુલ 2,38,840 જેટલા હતા. 4,330 મત પોસ્ટલ બેલેટ થકી આવ્યા હતા, જેમાંથી 175 રદ થવાથી 4,155 વેલિડ પોસ્ટલ મત ગણાયા. એટલે અહીં પણ વધારાના મત ગણાય હોવાની કોઈ વાત નથી. 

    ચૂંટણી પંચે આટલી વિગતો અને સ્પષ્ટતા આપીને ‘ધ વાયર’ના રિપોર્ટને ખોટો, ભૂલભરેલો અને પાયાવિહોણો ગણાવ્યો હતો અને કહ્યું કે, આ વિગતો હવે રિપોર્ટમાં ઉમેરી દેવામાં આવે એ જરૂરી છે, જેથી વાચકો ગેરમાર્ગે ન દોરાય. ચૂંટણી પંચે કહ્યું કે, ઉતાવળમાં, યોગ્ય તપાસ કર્યા વિના આ પ્રકારે નિષ્કર્ષ પર પહોંચી જવાના કારણે ખોટા નરેટિવ સર્જાઈ શકે, જે માત્ર ચૂંટણીના વાતાવરણને જ અસર નહીં કરે પણ ખોટી, પાયાવિહોણી વાતોને પણ બળ આપે છે. 

    ‘ધ વાયર’નો રિપોર્ટ અસ્તિત્વ ગુમાવી ચૂક્યો

    ચૂંટણી પંચે સુધારો કરવા માટે જ જણાવ્યું હતું, પણ વાયરના પત્રકારોએ પછીથી આખો રિપોર્ટ જ ઉડાવી દીધો હતો. તેમના તંત્રી સિદ્ધાર્થ વરદરાજને જે મોટા ઉપાડે લિંક ફેરવી હતી તે પોસ્ટ પણ ડિલીટ કરવી પડી હતી. 

    જોકે, આ પહેલી વખત નથી. લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ પણ ‘ધ વાયર’ પર આવો જ એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. તેનું પછીથી ફેક્ટચેક થઈ ગયા બાદ રિપોર્ટ એડિટ કરવામાં આવ્યો તો તેમાં પણ ભૂલ નીકળી હતી. આખરે તે રિપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં