અમેરિકાના (USA) રાજ્ય કેલિફોર્નિયામાં આવેલા (California) લોસ એન્જલસમાં (Los Angeles) લાગેલી આગ (Fire) હવે વિનાશકારી સ્વરૂપ ધારણ કરીને સતત આગળ વધી રહી છે. અમેરિકી ફાયર વિભાગ હજુ સુધી આગને નિયંત્રણમાં લઈ શક્યો નથી. જંગલોમાં લાગેલી આ આગ હવે માનવ વસાહતોમાં વિનાશ પાથરી રહી છે. હમણાં સુધીમાં 11 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે અને 10,000થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લોસ એન્જલસના ઇતિહાસની આ સૌથી વિનાશકારી આગ છે. સેંકડો લોકોના ઘર બળીને ખાખ થઈ ગયાં છે અને હજુ સુધી આગ પર નિયંત્રણ મેળવી શકાયું નથી. નિયંત્રણ તો દૂર, પણ આગને પહોંચી વળવા માટે પણ અમેરિકી તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
માહિતી અનુસાર, કેલિફોર્નિયામાં લાગેલી આગના કારણે 3 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. BBC ન્યૂઝ અનુસાર, આબોહવાની સ્થિતિ અને ક્લાઇમેટ ચેન્જના કારણે આવનારા દિવસોમાં આગ વધુ ભડકી ઉઠે તેવી તીવ્ર સંભાવનાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત અમેરિકી તંત્ર પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકવા માટે નિષ્ફળ જઈ રહ્યું છે. અધિકારીઓ અનુસાર, મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે.
હમણાં સુધીમાં કેટલું થયું નુકસાન અને શું છે તાજેતરના સમાચાર?
તાજેતરના સમાચારની વાત કરવામાં આવે તો લોસ એન્જલસ કાઉન્ટીમાં શુક્રવારે (10 જાન્યુઆરી) લગભગ 153,000 લોકોને ઘર ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો માત્ર એટલો જ સામાન લઈને નીકળી ગયા હતા, જેટલો તેઓ લઈને જઈ શકવા માટે સક્ષમ હતા. બાકીનો તમામ સામાન તેઓ ઘરમાં જ મૂકી રાખીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હતા. આ ઉપરાંત અન્ય 166,000 લોકોને ઘર ખાલી કરવા માટેની ચેતવણી પણ આપવામાં આવી છે. આગના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો એક અનુમાન અનુસાર, આ ઘટનાને લઈને 8 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે.
'IMMEDIATE THREAT': A large brush fire broke out in the Pacific Palisades neighborhood of Los Angeles, California, prompting mandatory evacuations and affecting tens of thousands of people. https://t.co/xyE3RQ9zyZ pic.twitter.com/RPoYiPJMgS
— Fox News (@FoxNews) January 8, 2025
આ ઉપરાંત આ ઘટનાને લઈને ગુરુવારે બપોરે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. કારણ કે, સ્થાનિક લોકોનો એવો આરોપ હતો કે, તે વ્યક્તિ ફરીથી આગ લગાડવાના પ્રયાસો કરી રહ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી પર પ્રોબેશન ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ તેના પર આગ લગાડવાના આરોપ માટે પૂરતાં કારણો હાલ પોલીસ પાસે ઉપલબ્ધ નથી. તેથી વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે તેવું પણ જણાવ્યું છે કે, આગ લાગવાના મૂળ કારણ સુધી હજુ પહોંચી શકાયું નથી.
હમણાં સુધીની જાણકારી અનુસાર, ચાર દિવસથી લાગેલી કેલિફોર્નિયાની આગ 40 હજાર એકર સુધીમાં ફેલાઈ ગઈ છે. તેમાંથી 29 હજાર એકર વિસ્તાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. પ્રશાસને ચેતવણી આપી છે કે, શનિવાર સુધીમાં આગ વધુ ફેલાઈ શકે છે. આ સમગ્ર ઘટના પર લોસ એન્જલસના કાઉન્ટી શેરિફ (જિલ્લા CEO) રોબર્ટ લૂનાએ જણાવ્યું છે કે, ‘આગ જોઈને એવું લાગી રહ્યું છે કે, આ વિસ્તારોમાં પરમાણુ બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હોય.”
શું હોય શકે છે કારણો?
અમેરિકાના કેલિફોર્નિયામાં આગ લાગવાના મૂળ કારણ સુધી હજુ પહોંચી શકાયું નથી. પરંતુ વિવિધ એજન્સીઓ અને મીડિયા અહેવાલો અનેક શંકાસ્પદ કારણો વિશે વાત કરી રહ્યા છે. હાલ તો એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, વીજળીના તારના કારણે આગ લાગી હતી. પરંતુ પૂર્ણ સત્ય તો તપાસ બાદ જ સામે આવી શકે છે. કેલિફોર્નિયા ફાયર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ અનુસાર, મંગળવારે (7 જાન્યુઆરી) સવારે 10:30 વાગ્યાની આસપાસ સૌથી પહેલાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. લોસ એન્જલસના પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી તે આગ હમણાં વિકરાળ વિનાશ વેરી રહી છે. અધિકારીઓ આગ લાગવાના પ્રાથમિક કારણોની તપાસ કરી રહ્યા છે. કેલિફોર્નિયામાં સામાન્ય રીતે જૂન અને જુલાઈ મહિના દરમિયાન જંગલમાં આગ લાગવાના સમાચાર સામે આવે છે.
ઘણી વખત ઑક્ટોબર મહિના સુધી પણ આગના સમાચાર સામે આવતા રહે છે. જોકે, આ વખતે ઇતિહાસની સૌથી ભયાનક આગો પૈકીની એક આગ જાન્યુઆરી મહિનામાં ભડકી ઉઠી છે. તેનું સૌથી મોટું એક કારણ અહીંની શુષ્ક હવા (સૂકી હવા) હોવાનું કહેવાય રહ્યું છે. આ હવા સિવાય પણ અનેક કારણો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે કારણો વિશેની માહિતી મેળવવા પ્રયાસો કરીશું.
સેન્ટ એનાને વર્તાવ્યો છે કહેર
દક્ષિણ કેલિફોર્નિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી દુષ્કાળની સ્થિતિ છે અને મહિનાઓથી અહીં વરસાદ પણ પડ્યો નથી. US હવામાન એજન્સીઓ અનુસાર, કેલિફોર્નિયાના ચાર ટકાથી પણ ઓછા વિસ્તારમાં ગયા વર્ષે દુષ્કાળની અસર ઊભી થઈ હતી. જ્યારે આ વર્ષે તે 60 ટકાની આસપાસ છે. યુએસ એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીના (EPA) એક રિપોર્ટ અનુસાર, ક્લાઇમેટ ચેન્જના કારણે આવી ઘટનાઓમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ, આ વિસ્તારમાં સામાન્ય રીતે ફૂંકાતી શુષ્ક અને ગરમ હવા (સેન્ટ એના)ના કારણે શુષ્ક પરિસ્થિતિ (સૂકી સ્થિતિ) બની છે અને આગ લાગવાનું સૌથી મોટું કારણ પણ તે જ છે.
કેલિફોર્નિયાનાં જંગલોમાં સૂકી રણની હવા પ્રદેશના આંતરિક ભાગમાંથી દરિયાકાંઠા તરફ જાય છે. તેના શુષ્ક (સૂખા) સ્વભાવના કારણે તે વાતાવરણમાં રહેલા થોડા-ઘણા ભેજને પણ નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. જેના કારણે તાપમાન વધવાથી જંગલોમાં આગ લાગવાની સંભાવના વધી જાય છે. આવા સંજોગોમાં એક સ્પાર્ક (ચમકારો) પણ આગની શરૂઆત કરી શકે છે. અહીં સિગારેટની નાની બટ, વાહનો અને વીજ વાયરોમાંથી નીકળતી નાની સ્પાર્ક પણ મોટા પ્રમાણમાં વિનાશનું કારણ બની શકે છે. આ પહેલાં પણ કેલિફોર્નિયાના જંગલોમાં સેન્ટ એના હવાઓએ ભારે તબાહી મચાવી હોવાના દાખલા છે. નવેમ્બર, 2018માં વૂલ્સીમાં લાગેલી આગનું મુખ્ય કારણ પણ આ સૂકી હવાઓ જ હતી.
ક્લાઇમેટ ચેન્જના કારણે પણ લાગી હોય શકે આગ
તેજ શુષ્ક હવાઓ અને વરસાદની ઉણપ આગ લાગવાનું એક કારણ હોય શકે છે. પરંતુ તજજ્ઞોનું માનવું છે કે, ક્લાઇમેટ ચેન્જ પણ પૃષ્ઠભૂમિની સ્થિતિઓને બદલવા માટે જવાબદાર છે અને આવી ઘટનાઓ તેના કારણે પણ વધી રહી છે. કેલિફોર્નિયા સહિતના પશ્ચિમી વિસ્તારોમાં દાયકાઓથી દુષ્કાળ જેવી સ્થિતિ છે. જેના કારણે તે વિસ્તાર પણ અસુરક્ષિત થઈ ગયો છે. હાલના વર્ષોમાં સૂકા અને ભેજવાળા વાતાવરણના મિશ્રણ દરમિયાન અનેક સૂકી વનસ્પતિ પણ ઉત્પન્ન થઈ હતી, જે આગ પકડવા માટે સૌથી મહત્વપૂર્ણ ફાળો આપે છે. ઉનાળાના સમયમાં તો ક્લાઇમેટ ચેન્જના કારણે આગ લાગી જ શકે છે. પરંતુ હવે શિયાળામાં પણ આ ઘટનાઓ વધી રહી છે. કારણ કે, વરસાદ ન હોવાના કારણે જંગલોને પૂરતો ભેજ મળી શકતો નથી. જેના કારણે વનસ્પતિ સૂકી રહે છે અને આગ લાગવાનું કારણ બને છે.
શું વધતી જ રહેશે આગ? પ્રશાસનની શું છે તૈયારી?
આગને ઝડપી ફેલાવવા માટે કારણભૂત સેન્ટ એનાની હવાઓ શુક્રવારે (10 જાન્યુઆરી) થોડી ઓછી થઈ હતી. જેના કારણે ફાયર વિભાગે તરત જ કાર્યવાહી વધારી દીધી હતી અને થોડી-ઘણી આગ પર કાબૂ પણ મેળવી લીધો હતો. તજજ્ઞોના મતે શનિવાર સાંજ સુધી સેન્ટ એનાની હવાની માત્રા ઓછી રહેશે. આ બાબતને ધ્યાને રાખીને અમેરિકાના ફાયર વિભાગને એક લાંબો બ્રેક પણ મળી ગયો છે, જેથી કરીને તે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી શકે છે. પરંતુ તેમ છતાં સૌથી વિનાશકારી આગ હજુ સુધી પ્રશાસનના નિયંત્રણની બહાર છે. આ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, તેમની હાલની સૌથી મોટી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની અને સંપત્તિઓનું રક્ષણ કરવાની છે.
શનિવાર બાદ સેન્ટ એનાની હવાઓ વધુ ગતિમાં આગળ વધી શકે છે. જેના કારણે આગ વધુ ભડકી શકે છે અને વધુ વિનાશ વેરી શકે છે. પરંતુ અમેરિકાના અધિકારીઓના મતે હાલ તેમની પ્રાથમિકતા આગ પર કાબૂ મેળવવાની નહીં, પરંતુ લોકોને અને સંપત્તિઓને બચાવવાની છે. લોસ એન્જલસના ફાયર વિભાગના ચીફ એન્થની માર્નોએ કહ્યું છે કે, સોમવારે આગની સ્થિતિ વધુ વિનાશક બનવાને લઈને તેઓ તૈયાર છે અને તે દિશામાં તમામ કાર્યવાહી કરી રહ્યા છે. આ ઉપરાંત એવું પણ કહેવાય રહ્યું છે કે, આગને ઓલવવા માટે અને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે પણ અમેરિકી એજન્સીઓ કાર્ય કરી રહી છે.
અમેરિકાનું રાજકારણ પણ ગરમાયું, ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન સરકાર પર લગાવ્યા આરોપ
અમેરિકામાં લાગેલી આગની ઘટના વચ્ચે જ ત્યાંનું રાજકારણ પણ તે આગની જ્વાળાઓમાં ગરમ થઈ ગયેલું જોવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન સમર્થકોએ આ ઘટના માટે કેલિફોર્નિયાના ગવર્નરને દોષી ઠેરવ્યા છે. કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂજોમ પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, આગને ઓલવવા માટે તેઓ જરૂરી પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત લોસ એન્જલસના મેયરની પણ આકરી ટીકા કરવામાં આવી છે. આ તમામ આરોપો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને બાયડન સરકાર પર આવા આરોપો લગાવ્યા હતા.
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે આ આગને વિકરાળ બનાવવા માટે હાલની બાયડન સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે બાયડન સરકાર અને લોસ એન્જલસના ગવર્નર-મેયર પર અનેક આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “બાયડન મારા માટે આ જ છોડીને જઈ રહ્યા છે.” જોકે, અનેક ડેમોક્રેટિક નેતાઓ અને સમર્થકોએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.