હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની જ કેમ હોય છે? જાણો દારુ બ્રહ્મ, નવકલેબર...

ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની જ કેમ હોય છે? જાણો દારુ બ્રહ્મ, નવકલેબર અને સનાતનના શાશ્વત દર્શનનો ઇતિહાસ

થી મોટો પ્રશ્ન એ નથી કે ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની જ કેમ બને છે. સાચો પ્રશ્ન એ છે કે સનાતન પરંપરાએ પરમાત્માને નાશવંત શરીરમાં કેમ સ્થાપિત કર્યા? જવાબ પુરીના શ્રીમંદિરની પરંપરામાં જ છુપાયેલો છે. શરીર બદલાય છે, બ્રહ્મ નહીં. મૂર્તિ બદલાય છે, આરાધ્ય નહીં. સમય બદલાય છે, સત્ય નહીં.

- Advertisement -

ભારતમાં હજારો વર્ષ જૂનાં મંદિરો છે. ક્યાંક કાળા પથ્થરમાં કોતરાયેલ શિવલિંગ છે, ક્યાંક એક જ શિલામાંથી નિર્મિત વિષ્ણુની મૂર્તિ છે તો ક્યાંક ધાતુમાં ઢળેલી દેવપ્રતિમાઓ સદીઓથી અડીખમ ઊભી છે. સમય બદલાય છે, રાજવંશો બદલાય છે, આક્રમણો થાય છે, સામ્રાજ્યો તૂટી પડે છે, પરંતુ આ મૂર્તિઓ ત્યાં જ રહે છે. જાણે સમયની સામે મૌન સાક્ષી બની ઊભી હોય.

પરંતુ પુરીમાં એક એવા ભગવાન છે, જેમનું શરીર જ કાયમનું નથી. હા, શરીર.

કારણ કે જગન્નાથ પરંપરામાં ભગવાનની મૂર્તિને માત્ર મૂર્તિ કહેવામાં આવતી નથી. તેને શરીર માનવામાં આવે છે અને જેમ મનુષ્યનું શરીર એક દિવસ જૂનું થાય છે, તેમ ભગવાનનું શરીર પણ સમયાંતરે બદલાય છે. જૂનું શરીર વિદાય લે છે, નવું શરીર ધારણ થાય છે, પરંતુ જે ચૈતન્ય તેમાં વસે છે, તે યથાવત રહે છે. પ્રથમ વખત આ વાત સાંભળનારને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. આખરે કરોડો હિંદુઓના આરાધ્ય ભગવાનનું શરીર લાકડાનું જ કેમ? પથ્થર કેમ નહીં? ધાતુ કેમ નહીં? શું આ માત્ર પ્રાચીન કારીગરીનું પરિણામ છે કે પછી તેની પાછળ સનાતનના અત્યંત ઊંડા દર્શન છુપાયેલા છે?

- Advertisement -

આ પ્રશ્નનો જવાબ શોધવા માટે માત્ર શ્રીમંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવું પૂરતું નથી. તેના માટે ઇતિહાસના અનેક દ્વાર ખખડાવવા પડે છે. પુરાણોની કથાઓ સાંભળવી પડે છે. આદિવાસી પરંપરાઓને સમજવી પડે છે. નવકલેબરની રહસ્યમય વિધિઓને ઓળખવી પડે છે અને સૌથી અગત્યનું ભગવદ્ગીતાના એ શ્લોકને ફરી એકવાર વાંચવો પડે છે, જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ઉતારીને નવાં ધારણ કરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે.

કદાચ એ જ શ્લોક પુરીમાં દર કેટલાક વર્ષોએ જીવંત બની જાય છે. આ કારણે જ જગન્નાથની કથા લાકડાથી શરૂ થતી નથી. તે શરૂ થાય છે શ્રીકૃષ્ણથી.

જ્યારે દ્વારકાથી નીકળેલી એક કથા પુરીના કિનારે આવી પહોંચી

મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું. દ્વારકાનો વૈભવ હજુ અખંડ હતો, પરંતુ સમય પોતાનું કાર્ય શરૂ કરી ચૂક્યો હતો. શ્રીકૃષ્ણનો પોતાની ધરતીલીલા પૂર્ણ કરવાનો સમય આવી ગયો હતો. પ્રભાસક્ષેત્રમાં જરા નામના પારધીએ ભૂલથી છોડેલું બાણ તેમના ચરણમાં વાગ્યું અને ત્યારબાદ તેમની અવતારલીલા પૂર્ણ થઈ. ભારતીય પરંપરાઓમાં આ પ્રસંગના અનેક વર્ણનો મળે છે, પરંતુ જગન્નાથ પરંપરામાં આ ઘટનાની આગળ એક એવી કથા શરૂ થાય છે, જે આખરે પુરી સુધી પહોંચી જાય છે.

શ્રીકૃષ્ણના દેહસંસ્કાર પછી તેમનો એક દિવ્ય અંશ (બ્રહ્મ પદાર્થ- ભગવાન શ્રીકૃષ્ણનું ધબકતું હ્રદય) અગ્નિમાં ભસ્મ થયો નહીં. તે સમુદ્રને સમર્પિત કરવામાં આવ્યો અને જળપ્રવાહ સાથે તરતો-તરતો પૂર્વ દિશામાં નીકળી પડ્યો. સદીઓથી કહેવાતી આ કથા મુજબ અંતે એ દિવ્ય અંશ ઓડિશાના કિનારે આવી પહોંચ્યો. સામાન્ય લાકડાના થડ જેવો દેખાતો એ અંશ સામાન્ય નહોતો. તેની આસપાસ એક અલૌકિકતા અનુભવાતી હતી. કોઈ તેને ઊંચકી શકતું નહોતું, કોઈ તેને કાપી શકતું નહોતું. જાણે તે કોઈની રાહ જોઈ રહ્યો હોય.

અહીંથી જગન્નાથ પરંપરાનું બીજું મહત્ત્વનું પાત્ર પ્રવેશ કરે છે રાજા ઇન્દ્રદ્યુમ્ન.

કહેવાય છે કે રાજાને સ્વપ્નમાં આજ્ઞા મળી કે સમુદ્રકિનારે પડેલું એ દારુ (કાષ્ટ, લાકડું) સામાન્ય વૃક્ષનું નથી. એમાંથી પરમાત્માનું નવું સ્વરૂપ પ્રગટ થવાનું છે. રાજા સમુદ્રકિનારે પહોંચ્યા. તેમની સાથે ઋષિઓ હતા, બ્રાહ્મણો હતા, સેવકો હતા. પરંતુ તેઓ માત્ર લાકડું લેવા આવ્યા નહોતા. તેઓ એક એવી પરંપરાનો આરંભ કરવા આવ્યા હતા, જે હજારો વર્ષ પછી પણ અખંડિત રહેશે.

એ જ ક્ષણથી ‘દારુ’ માત્ર લાકડું રહ્યું નહીં. તે ‘દારુ બ્રહ્મ’ બની ગયું અને કદાચ અહીંથી જ સૌથી મોટો પ્રશ્ન જન્મે છે. આખરે એવું શું હતું આ દારુમાં કે સનાતન પરંપરાએ પથ્થરને છોડીને લાકડાને ભગવાનનું શરીર બનાવ્યું?

દારુ બ્રહ્મ: જ્યારે લાકડું માત્ર લાકડું રહેતું નથી

સામાન્ય રીતે કોઈપણ વૃક્ષ કાપીને ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવી શકાય, એવી માન્યતા ક્યારેય રહી નથી. શ્રીમંદિરની પરંપરામાં તેને ‘દારુ’ કહેવામાં આવે છે, પરંતુ આ શબ્દનો અર્થ માત્ર લાકડું નથી. જગન્નાથ પરંપરામાં તે ‘દારુ બ્રહ્મ’ છે, એવું પવિત્ર દારુ, જેમાં પરમાત્માના અધિષ્ઠાનની માન્યતા જોડાયેલી છે. આ કારણે જ મૂર્તિ બનાવવા માટેનું વૃક્ષ શોધવાની પ્રક્રિયા પણ સામાન્ય નથી. તેની શરૂઆત થાય છે એક એવી યાત્રાથી, જેને ‘બનજાગા યાત્રા’ કહેવામાં આવે છે.

દર બારથી ઓગણીસ વર્ષના અંતરે અધિક આષાઢના કારણે નવકલેબરનો સમય આવે છે ત્યારે શ્રીમંદિરમાંથી દૈતા સેવકો, બ્રાહ્મણો અને અન્ય નિર્ધારિત સેવાયતોની એક વિશેષ ટુકડી બહાર નીકળે છે. તેઓ કોઈ જંગલમાં લાકડું લેવા જતા નથી, તેઓ ભગવાનના નવા શરીરની શોધમાં નીકળે છે. યાત્રા શરૂ થાય તે પહેલાં ભગવાનની આજ્ઞા લેવામાં આવે છે. ‘આજ્ઞામાળા’ પ્રાપ્ત થયા પછી જ આ શોધનો પ્રારંભ થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં ધાર્મિક વિધિઓ, મંત્રોચ્ચાર અને સદીઓથી ચાલતી સેવાપદ્ધતિનું એટલું કડક પાલન થાય છે કે એક પણ પગલું પરંપરાથી બહાર જતું નથી.

પછી શરૂ થાય છે સૌથી રસપ્રદ અધ્યાય. ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્ર ચારેય માટે અલગ-અલગ વૃક્ષોની શોધ થાય છે. પરંતુ કોઈપણ લીમડાનું વૃક્ષ ચાલતું નથી. પરંપરા અનુસાર દારુમાં અનેક વિશિષ્ટ લક્ષણો હોવા જોઈએ. વૃક્ષની નજીક નદી કે તળાવ હોવું જોઈએ, નજીક સ્મશાન અથવા આશ્રમ જેવા ચોક્કસ સંકેતો હોવાં જોઈએ, તેના પર શંખ, ચક્ર, ગદા કે પદ્મ જેવા ચિહ્નો દેખાતાં હોવાની માન્યતા છે, તેની આસપાસ સાપનો નિવાસ હોવાનો પણ ઉલ્લેખ મળે છે અને સૌથી અગત્યની વાત કે તે વૃક્ષમાં કોઈ સ્પષ્ટ ખામી કે રોગ ન હોવો જોઈએ. આ તમામ લક્ષણો પૂર્ણ થયા પછી જ તેને દારુ તરીકે સ્વીકારવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર પરંપરાગત શ્રદ્ધા નથી, તે શ્રીમંદિરની સદીઓથી જીવંત રહેલી સેવાપદ્ધતિનો અભિન્ન ભાગ છે.

વૃક્ષ મળી જાય પછી પણ તેને તરત કાપવામાં આવતું નથી. પ્રથમ તેની પૂજા થાય છે. તેને પ્રણામ કરવામાં આવે છે. જાણે જંગલમાં ઊભેલું એ વૃક્ષ હવે વૃક્ષ ન રહ્યું હોય પરંતુ ભગવાનનાં ભાવિ શરીર તરીકે તેનું સન્માન શરૂ થઈ ગયું હોય. ત્યારબાદ વિશેષ વિધિઓ વચ્ચે તેનું છેદન થાય છે અને અતિશય આદર સાથે તેને પુરી લાવવામાં આવે છે. અહીં એક અત્યંત સુંદર ભાવ છુપાયેલો છે. ભારતીય પરંપરામાં પ્રકૃતિને જીતવાની નહીં, પ્રણામ કરવાની સંસ્કૃતિ છે. તેથી જ ભગવાનનું શરીર બનનાર વૃક્ષને પણ પહેલાં વંદન કરવામાં આવે છે, પછી તેનો ઉપયોગ.

શ્રીમંદિરમાં પહોંચ્યા પછી પણ આ દારુ તરત મૂર્તિમાં બદલાઈ જતું નથી. મંદિર પરિસરમાં આવેલા કોયલી વૈકુંઠમાં, જ્યાં સામાન્ય ભક્તોને પ્રવેશ મળતો નથી, ત્યાં નિર્ધારિત વિશ્વકર્મા મહારાણા અને સેવાયતો બંધ દરવાજાઓ પાછળ નવી મૂર્તિઓનું નિર્માણ કરે છે. બહારના વિશ્વને ખબર હોય છે કે ભગવાનનું નવું શરીર ઘડાઈ રહ્યું છે, પરંતુ અંદર શું ચાલી રહ્યું છે, તેની સંપૂર્ણ વિગતો આજે પણ પરંપરાની મર્યાદામાં જ રહે છે. કદાચ આ જ કારણ છે કે નવકલેબર વિશે જેટલી ભક્તિ છે, એટલી જ જિજ્ઞાસા પણ છે.

પરંતુ અહીં એક પ્રશ્ન ફરી જન્મે છે.

જો ભગવાનનું નવું શરીર તૈયાર થઈ જાય છે તો પછી જૂની મૂર્તિનું શું થાય છે? શું નવી મૂર્તિ સ્થાપિત થતાં જ બધું પૂર્ણ થઈ જાય છે? ના. જગન્નાથ પરંપરાનો સૌથી રહસ્યમય અને સૌથી પવિત્ર અધ્યાય તો હજુ શરૂ થયો નથી. કારણ કે એક ક્ષણ એવી આવે છે, જ્યારે જૂના શરીરમાંથી કંઈક એવું નવા શરીરમાં સ્થાનાંતરિત થાય છે, જેને શ્રીમંદિરની પરંપરા ‘બ્રહ્મ પદાર્થ’ (ભગવાન શ્રીકૃષ્ણનું ધબકતું હ્રદય) તરીકે ઓળખે છે. એ ક્ષણને જોવા તો દૂર, તેના વિશે વિગતે બોલવાની પણ પરંપરામાં મર્યાદા છે અને કદાચ એ જ જગ્યાએ આવીને જગન્નાથની લાકડાની મૂર્તિઓ પાછળનો સૌથી ઊંડો આધ્યાત્મિક અર્થ ધીમે-ધીમે ખુલવા લાગે છે.

જ્યારે શરીર બદલાય છે, પરંતુ બ્રહ્મ યથાવત રહે છે

નવકલેબરની આખી પરંપરામાં સૌથી વધુ ચર્ચા જો કોઈ બાબતની થતી હોય તો તે છે ‘બ્રહ્મ પરિવર્તન’. શ્રીમંદિરની પરંપરામાં આ ક્ષણને એટલી પવિત્ર માનવામાં આવે છે કે તેની વિધિ આજે પણ સંપૂર્ણ ગુપ્તતામાં સંપન્ન થાય છે. મધ્યરાત્રિનો સમય પસંદ કરવામાં આવે છે. મંદિરના દ્વાર બંધ થઈ જાય છે. આખા શહેરની વીજળી પ્રશાસન દ્વારા કાપી નાખવામાં આવે છે. સામાન્ય ભક્તો તો દૂર, મંદિરના મોટાભાગના સેવકોને પણ ત્યાં રહેવાની પરવાનગી હોતી નથી. માત્ર નિર્ધારિત દૈતા સેવકો જ આ વિધિમાં સામેલ થાય છે. પરંપરા અનુસાર તેઓ પણ આંખે પટ્ટી બાંધીને અને હાથમાં કપડું લપેટીને આ કાર્ય કરે છે. શ્રીમંદિરની માન્યતા એવી છે કે જૂની પ્રતિમામાં રહેલો ‘બ્રહ્મ પદાર્થ’ નવી પ્રતિમામાં સ્થાનાંતરિત થાય છે.

અગાઉ એક સેવકે એ ઘટસ્ફોટ કર્યો હતો કે બ્રહ્મ પદાર્થને સ્પર્શ કરતી વખતે અસીમિત તેજ અનુભવાય છે અને કંપન અનુભવાય છે. હાથમાં જાણે કોઈ ઉછળતો પદાર્થ મુકાયો હોય એવો ભાસ થાય છે. આ બ્રહ્મ શું છે, તેનું ચોક્કસ સ્વરૂપ શું છે અથવા તે કેવું દેખાય છે તે અંગે મંદિર પરંપરા ક્યારેય જાહેર વર્ણન કરતી નથી. એટલા માટે જ તેના વિશે અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે, પરંતુ પરંપરા પોતે મૌન જાળવે છે.

જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપિત થતો બ્રહ્મ પદાર્થ

આ મૌનને સમજવું જરૂરી છે. ઘણી વખત લોકો આ પ્રસંગને ચમત્કાર કે રહસ્યના ચશ્માથી જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ શ્રીજગન્નાથની પરંપરા માટે આ કોઈ જાહેર પ્રદર્શનનો વિષય નથી. અહીં ભાર એ વાત પર છે કે ભગવાનનું શરીર બદલાય છે, પરંતુ તેમનું ચૈતન્ય અવિચલ રહે છે. એટલે જ જૂની પ્રતિમાઓને પણ સામાન્ય વસ્તુની જેમ દૂર કરવામાં આવતી નથી. તેમને શ્રીમંદિર પરિસરમાં આવેલા કોયલી વૈકુંઠમાં પૂર્ણ સન્માન સાથે સમાધિ આપવામાં આવે છે. એક અર્થમાં આ અંતિમ સંસ્કાર છે, પરંતુ બીજા અર્થમાં આ નવી શરૂઆત પણ છે. કારણ કે એ જ ક્ષણે નવાં શરીરમાં ભગવાનની સેવા આરંભ થઈ ચૂકી હોય છે.

અહીં આવીને જગન્નાથ પરંપરા આપણને ભગવદ્ગીતાના એક એવા શ્લોક સામે ઊભા કરે છે, જે લગભગ દરેક હિંદુએ સાંભળ્યો હશે, પરંતુ કદાચ બહુ ઓછા લોકોએ તેને જીવંત સ્વરૂપમાં જોયો હશે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં ધારણ કરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. સામાન્ય રીતે આપણે આ શ્લોકને જીવન અને મૃત્યુના દાર્શનિક અર્થમાં વાંચીએ-સમજીએ છીએ. પરંતુ પુરીમાં આ વિચાર માત્ર ગ્રંથના પાનાંઓમાં નથી રહેતો, તે દર નવકલેબરમાં જીવંત થઈ જાય છે. ભગવાનનું શરીર બદલાય છે, પરંતુ ભગવાન બદલાતા નથી. મૂર્તિ નવી બને છે, પરંતુ આરાધ્ય એ જ રહે છે. કદાચ આથી વધુ સુંદર રીતે ‘શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે’ આ વિચારને વ્યક્ત કરવો શક્ય પણ નથી.

આ જ કારણ છે કે જગન્નાથની લાકડાની મૂર્તિઓને માત્ર કારીગરીનું પરિણામ માનવું મોટી ભૂલ થશે. જો હેતુ માત્ર સદીઓ સુધી ટકી રહે એવી પ્રતિમા બનાવવાનો હોત તો પથ્થર શ્રેષ્ઠ વિકલ્પ હતો. જો ભવ્યતા જ દર્શાવવી હોત તો ધાતુમાં પણ અદ્ભુત મૂર્તિઓ ઘડી શકાય. પરંતુ જગન્નાથ પરંપરાએ જાણે ઇરાદાપૂર્વક એવું શરીર પસંદ કર્યું, જે એક દિવસ ક્ષીણ થશે. કારણ કે આ પરંપરા મૂર્તિની અમરતાનો નહીં, બ્રહ્મની અમરતાનો ઉત્સવ મનાવે છે.

અને કદાચ અહીંથી જ આખી કથાનો સૌથી ઊંડો અર્થ બહાર આવવા લાગે છે. ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની છે એટલે તે નબળી નથી, તે એટલા માટે લાકડાની છે કે સનાતન પરંપરા આપણને સતત યાદ અપાવી શકે કે જે નાશ પામે છે તે શરીર છે, જે ક્યારેય નાશ પામતું નથી તે બ્રહ્મ છે. પુરીમાં દર નવકલેબરે ભગવાન માત્ર નવું સ્વરૂપ ધારણ કરતા નથી, તેઓ જાણે સમગ્ર સમાજને ફરી એકવાર એ જ શાશ્વત પાઠ ભણાવે છે, જે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જુનને સંભળાવ્યો હતો.

લાકડાની મૂર્તિઓ પાછળ છુપાયેલું સનાતન શાશ્વત દર્શન

જો આ આખી પરંપરાને માત્ર ધાર્મિક વિધિઓની શ્રેણી તરીકે જોવામાં આવે તો કદાચ એટલું જ સમજાશે કે પુરીમાં ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની બને છે, થોડાં વર્ષો પછી બદલાય છે અને નવકલેબર નામની એક વિશેષ વિધિ થાય છે. પરંતુ થોડું ઊંડાણમાં ઊતરીએ તો સમજાય છે કે આ પરંપરાનો ઉદ્દેશ્ય માત્ર નવી મૂર્તિ બનાવવાનો નથી. તેનો ઉદ્દેશ્ય માણસને જીવનનું એવું સત્ય યાદ અપાવવાનો છે, જે કદાચ તે રોજિંદા જીવનમાં ભૂલી જાય છે. શરીર બદલાય છે, સમય બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ જે ચૈતન્ય સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલું છે, તે ક્યારેય બદલાતું નથી. જગન્નાથની લાકડાની મૂર્તિઓ જાણે આ જ શાશ્વત સત્યનું જીવંત પ્રતીક છે.

કદાચ એટલા માટે જ પુરીમાં ભગવાનને ક્યારેય નિર્જીવ પ્રતિમા તરીકે જોવામાં આવતા નથી. તેઓ સવારે જાગે છે, સ્નાન કરે છે, ભોગ સ્વીકારે છે, ઋતુ પ્રમાણે વસ્ત્રો બદલે છે, અનસર દરમિયાન અસ્વસ્થ પણ થાય છે અને નવકલેબરના સમયે નવું શરીર પણ ધારણ કરે છે. આ બધું કોઈ કલ્પિત નાટક નથી, પરંતુ ભારતીય મંદિર પરંપરામાં ભગવાનને જીવંત માનીને થતી સેવાનું વિસ્તૃત સ્વરૂપ છે. અહીં પૂજા કરતાં પણ મોટો શબ્દ છે સેવા. કારણ કે સેવા ત્યાં જ શક્ય બને છે, જ્યાં સંબંધ હોય. જગન્નાથ પરંપરામાં ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ એટલો આત્મીય છે કે ભગવાનને સમયની અસરથી પર રાખવામાં આવતા નથી, તેઓ પણ જીવનની ગતિ સાથે ચાલતા જોવા મળે છે.

આ જ જગ્યાએ જગન્નાથ પરંપરા સનાતનના બીજા એક મહત્ત્વના વિચાર સાથે પણ જોડાઈ જાય છે. ભારતીય દર્શનમાં શરીરનું ક્યારેય અંતિમ સત્ય તરીકે વર્ણન થયું નથી. ઉપનિષદોથી લઈને ભગવદ્ગીતા સુધી એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે નાશવંત વસ્તુને શાશ્વત માની લેવી એ અજ્ઞાન છે. કદાચ તેથી જ પુરીના શ્રીમંદિરમાં પથ્થરની અમર મૂર્તિ ઊભી કરવાને બદલે લાકડાનું એવું શરીર પસંદ કરવામાં આવ્યું, જે એક દિવસ બદલાઈ જશે. જાણે ભગવાન પોતે જ પોતાના ભક્તોને કહી રહ્યા હોય કે જો મારું શરીર પણ બદલાય છે તો પછી મનુષ્ય પોતાના શરીરના અભિમાનમાં શા માટે બંધાઈ રહે?

આ જ કારણ છે કે નવકલેબર માત્ર ઓડિશાનો ઉત્સવ નથી અને જગન્નાથ માત્ર એક પ્રાદેશિક દેવતા નથી. આ પરંપરા સમગ્ર ભારતીય સંસ્કૃતિને સ્પર્શે છે. અહીં શ્રીકૃષ્ણની કથા છે, પુરાણોની સ્મૃતિ છે, આદિવાસી પરંપરાઓનો અંશ છે, વૈષ્ણવ ભક્તિ છે અને સાથે જ ઉપનિષદોનું શાશ્વત તત્ત્વચિંતન પણ છે. આ બધું એકસાથે ભળીને ‘દારુ બ્રહ્મ’માં જીવંત થઈ જાય છે. એટલા માટે જ જગન્નાથને સમજવા માટે માત્ર શ્રીમંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવું પૂરતું નથી, તેમના દર્શન સુધી પહોંચવા પહેલાં તેમના દર્શન પાછળના દર્શનને સમજવું પડે છે.

આખરે, સૌથી મોટો પ્રશ્ન એ નથી કે ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની જ કેમ બને છે. સાચો પ્રશ્ન એ છે કે સનાતન પરંપરાએ પરમાત્માને નાશવંત શરીરમાં કેમ સ્થાપિત કર્યા? જવાબ પુરીના શ્રીમંદિરની પરંપરામાં જ છુપાયેલો છે. શરીર બદલાય છે, બ્રહ્મ નહીં. મૂર્તિ બદલાય છે, આરાધ્ય નહીં. સમય બદલાય છે, સત્ય નહીં અને એટલા માટે જ પુરીના શ્રીજગન્નાથ આજે પણ માત્ર ભગવાન તરીકે નહીં, પરંતુ સનાતનના શાશ્વત દર્શનનાં સૌથી જીવંત પ્રતીક તરીકે કરોડો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્ર બનીને ઉભા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં