ભારત લગભગ હજારો વર્ષો સુધી વૈચારિક ગુલામ રહ્યું. પહેલાં વિદેશી આક્રાંતાઓ આવ્યા અને તેમણે ભારતમાં શાસન સ્થાપ્યું, બાદમાં અંગ્રેજો આવ્યા અને તેમણે પણ એ જ કર્યું. 7 દાયકા વીતી ગયા સ્વતંત્ર થયાને. ઘણા બદલાવો જોયા, શાળાઓ જોઈ, શિક્ષણતંત્ર જોયું. પણ એક પરિવર્તન ન દેખાયું, એ હતું ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા. તેનું કારણ એકેડમિક એકમો પર વામપંથી વિચારધારાનો પ્રભાવ છે. કાયમ વામપંથી ઇતિહાસકારો, અર્થશાસ્ત્રીઓ અને અન્ય ‘બુદ્ધિજીવીઓએ’ ભારતીય પેઢીઓમાં ‘કાયરતા’, ‘નિર્બળતા’ અને ‘વિશ્વાસહિનતા’ની ભાવનાનાં બીજ રોપ્યાં, જે આજે પણ જોવા મળે છે.
6 ડિસેમ્બર, 2025ના રોજ વડા પ્રધાન મોદી હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ 2025ના 23મા સંસ્કરણને સંબોધિત કરવા માટે ગયા હતા. જ્યાં તેમણે ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતમાં આર્થિક સંકટ હતું, અર્થવ્યવસ્થા આગળ નહોતી વધી રહી અને ધીમી હતી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થાને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ નામ આપવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ શબ્દ ભારતની આસ્થાને કલંકિત, અપમાનિત કરવા માટે ઘડવામાં આવ્યો હતો. તે ગુલામીની માનસિકતાનું પ્રતીક હતું.
આગળ તેમણે એવું પણ કહ્યું કે આજે વિશ્વ આર્થિક મંદીમાંથી નીકળી રહ્યું છે. લગભગ તમામ દેશોની અર્થવ્યવસ્થા સંકટમાં હિલોળા લઈ રહી છે. તેવામાં ભારતીય અર્થવ્યવસ્થા અડીખમ છે, મજબૂત છે અને ઝગપથી આગળ વધી રહી છે. તો સકરાત્મક સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થાને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ નામ નથી અપાયું, માત્ર નકારાત્મક બાબતોમાં જ ભારતના વિકાસ સાથે હિંદુઓની આસ્થાને જોડી દેવામાં આવે છે અને આખી સભ્યતાને ‘નિર્બળ’ ગણાવવામાં આવે છે.
શું છે ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’?
પીએમ મોદીએ માત્ર ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ શબ્દની ટીકા નથી કરી, તેમણે તે માનસિક ગુલામી, વામપંથી એકેડમિક ઘૂસણખોરી અને તે વૈચારિક કાવતરાં પર પ્રહાર કર્યો હતો, જેણે દાયકાઓ સુધી હિંદુ સમાજને મંદ, નિષ્ક્રિય અને પછાતપણાનું પ્રતીક ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આજે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત હોવાથી આ શબ્દ પોતાનું ઔચિત્ય ગુમાવી બેઠો છે. તેમ છતાં આ શબ્દ સાથે સમગ્ર હિંદુ સભ્યતાને જોડીને તેને ‘વિશ્વાસહિન’ ગણાવી દેવાનું આ કાવતરું આજે પણ જીવંત છે.
સૌથી પહેલા સમજીએ કે આ શબ્દ છે શું અને તેનો શું અર્થ થાય છે. ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’નો અર્થ માત્ર એટલો હતો કે 1950-1980 વચ્ચે ભારતની GDP ગ્રોથ માત્ર લગભગ 3-4% રહેતી હતી, જે ઘણી ધીમી ગણવામાં આવતી હતી. પરંતુ તેને ‘ધીમી’ કે ‘નિયંત્રિત અર્થવ્યવસ્થાની નિષ્ફળતા’ ગણાવવાની જગ્યાએ એક ‘વિશેષ અર્થશાસ્ત્રી’એ તેને હિંદુઓની ‘નિર્બળતા’ ગણાવી દીધી હતી. સવાલ એ છે કે ધીમી વૃદ્ધિ હિંદુ ધર્મે કે તેના અનુયાયીઓએ નક્કી કરી હતી કે પછી સરકારે?
શું લાયસન્સ-પરમિટ રાજ હિંદુઓના શાસ્ત્રોમાં લખાયો હતો? ભ્રષ્ટાચાર અને સમાજવાદના નિયમો ગીતાએ લાગુ કર્યા હતા? નહીં. પરંતુ વામપંથી એકેડમિક જગતને પોતાના પ્રોપગેન્ડા ઘડવા માટે એક સરળ ટાર્ગેટ જોઈતો હતો. અને જેવું દરવખતે થતું આવ્યું છે કે આ દેશની દરેક નિષ્ફળતાનું ઠીકરું ફોડવા માટે ‘હિંદુ’ શબ્દને પસંદ કરી દેવામાં આવે છે, એવું જ તે વખતે પણ થયું.
કોણે ઘડ્યો હતો આ શબ્દ?
આ શબ્દ 1978માં ‘અર્થશાસ્ત્રી’ રાજ કૃષ્ણએ ઘડ્યો હતો, જે પોતે વામપંથી હતા. હવે એ સમજવું જરૂરી છે કે આ તે સમય હતો જ્યારે યુનિવર્સિટીઓ પર લેફ્ટ એકેડમિકનો કબજો હતો. ભારતીય સમાજવાદની નિષ્ફળતાને સ્વીકાર કરવાની જગ્યાએ આ ‘બુદ્ધિજીવીઓ’એ નીતિગત અસફળતાઓનો દોષ હિંદુ સભ્યતા પર નાખી દીધો. અહીંથી જ પેદા થયો ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ શબ્દ. જોકે, ધીમી અર્થવ્યવસ્થાનું કારણ હિંદુ સભ્યતા કે હિંદુઓ નહોતા, પણ તે સમયની સરકારોની નીતિ હતી, જેમણે ભારતને એક પાંજરામાં પૂરી દીધું હતું.
ભારતનાં પછાતપણાના મૂળમાં સરકારી નીતિઓ હતી, જેમ કે સમાજવાદી બંધન, લાયસન્સ રાજ, પ્રાઇવેટ ક્ષેત્ર પર રોક અને દુનિયાના વેપાર સામે વાંધો. પરંતુ આ બધાનો દોષ નેતાઓ, નીતિઓ અને સરકાર પર નાખવાની જગ્યાએ તે સરળ હતું કે એવું કહેવામાં આવે, “ભારત એટલા માટે પછાત રહી ગયું કારણ કે હિંદુ સમાજ નિષ્ક્રિય છે, નિર્બળ છે અને આળસુ છે.” એટલે કે આર્થિક નિષ્ફળતાને પણ હિંદુઓનાં ગળામાં બાંધી દેવામાં આવી.
વડા પ્રધાને પોતાના ભાષણમાં જે ‘બુદ્ધિજીવીઓ’નો કટાક્ષ કર્યો હતો એ જ વામપંથી ‘બુદ્ધિજીવીઓ’એ હિંદુ સમાજને ‘ધીમી પ્રગતિનો ધર્મ’ ગણાવવાનું કાવતરું રચ્યું હતું. આ તે જ ગુલામીની માનસિકતા હતી, જેણે હંમેશા હિંદુ સમાજને કલંકિત કરવાના અને હિંદુઓને ઓછા આંકવાના પ્રયાસો કર્યા હતા. ક્યારેક ‘મનુવાદ’ કહીને, ક્યારેક ‘સાંપ્રદાયિક રાષ્ટ્રવાદ’, ‘હિંદુ રાષ્ટ્રવાદ’ કહીને અને અર્થવ્યવસ્થાની નિષ્ફળતાને ‘હિંદુ’ શબ્દ સાથે જોડીને.
એ સરળ અને સ્પષ્ટ તથ્ય છે કે ભારતીય અર્થવ્યવસ્થા તે સમયે સમાજવાદી જડતાના કારણે ધીમી હતી, તો એવું કહેવું જોઈતું હતું કે, ‘સોસિયાલિસ્ટ રેટ ઑફ ગ્રોથ’, પણ આવો શબ્દ ક્યારેય ઘડવામાં ન આવ્યો. કારણ કે તેનાથી સીધો તે વિચારધારા પર પ્રહાર થતો હતો, જે તે સમયે યુનિવર્સિટીઓમાં, પત્રકારત્વમાં અને ‘બૌદ્ધિક જગતમાં’ પ્રતિષ્ઠિત ગણવામાં આવતી હતી.
તેથી વામપંથીઓએ તેને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ કહી દીધો, જેથી ભારતીય અર્થવ્યવસ્થાની નિષ્ફળતાને હિંદુ ઓળખ સાથે જોડીને કલંકિત કરવામાં આવી શકે. પીએમ મોદીએ બિલકુલ યોગ્ય કહ્યું છે કે આસ્થા અને અર્થવ્યવસ્થાને એકસાથે જોડવું ગુલામીની માનસિકતા છે. વાસ્તવમાં આ શબ્દ અંગ્રેજી-શિક્ષિત, વામપંથી એકેડમિક વર્ગની માનસિક ગુલામીનો જ પ્રતીક છે. તે લોકોને ભારતમાં જે પણ નકારાત્મક બાબત લાગી, તેના માટે જવાબદાર હિંદુઓને ઠેરવી દીધા.
આ તે જ વિચારધારા હતી, જે 2014 પહેલાં કહેતી રહેતી હતી કે જનસંખ્યાની સમસ્યા હિંદુઓની વિચારસરણીથી છે, ગરીબી પણ હિંદુઓના ભાગ્યવાદથી છે, મહિલાઓ પર અત્યાચાર થવાનું કારણ પણ હિંદુઓ અને મનુસ્મૃતિ છે, સમાજવાદની નિષ્ફળતાનું કારણ પણ હિંદુ માનસિકતા છે. એટલે ભૂલ ભલે તેમની હોય, પણ દોષ કાયમ હિંદુ સમાજને આપવામાં આવતો હતો.
આજે અપ્રાસંગિક અને વૈચારિક કચરો છે આ શબ્દ
1991 બાદ ભારતની આર્થિક સંરચના બદલાઈ હતી. હિંદુઓ નહોતા બદલાયા, ન તેમની સંસ્કૃતિ, ન તેમનો ધર્મ, ન તો તેમની ‘માનસિકતા’ બદલાઈ હતી. તેમ છતાં દેશની અર્થવ્યવસ્થા અચાનક વધવા લાગી હતી, બદલાવ માત્ર નીતિઓમાં આવ્યો હતો. સમાજવાદનો ત્યાગ થયો, વૈશ્વિક બજારો ખૂલી, પ્રાઇવેટ સેક્ટર મજબૂત થયું અને લાયસન્સ રાજ બંધ થયો. મૂળ વાત એ છે કે આર્થિક ગતિ ન પકડાવાનું કારણ હિંદુ ધર્મ નહોતો, સમસ્યા વામપંથી આર્થિક નીતિઓમાં હતી.
2014 પછી આજે તો ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી આગળ છે. પણ હિંદુઓ તો એના એ જ છે. જો, અર્થવ્યવસ્થાની નિષ્ફળતાનો દોષ હિંદુઓને અપાયો અને નિષ્ફળતા પાછળ હિંદુઓને જવાબદાર ઠેરવાયા તો આજે મજબૂત અર્થવ્યવસ્થા પાછળ પણ હિંદુઓને શ્રેય આપવા માટે આ કથિત બુદ્ધિજીવી વામપંથીઓ કેમ આગળ નથી આવતા?
‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ માત્ર એક શબ્દ નહીં, પણ હિંદુવિરોધી વૈચારિક કલંક હતું, જેને હવે બાબરીની જેમ દફનાવી દેવાયું છે. ભારતીય અર્થવ્યવસ્થા ધીમી એટલા માટે હતી કારણ કે નીતિઓ નબળી હતી, શાસન સમાજવાદી હતું અને નેતૃત્વ દિશાહિન હતું. હિંદુ સભ્યતા સાથે તેનો કોઈ સંબંધ નહોતો. આ શબ્દ માત્ર એક હેતુ માટે ઘડાયો હતો કે કોઈપણ ભોગે હિંદુ સમાજને પછાત ગણાવી શકાય. આજે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે, આત્મવિશ્વાસ ભરપૂર છે અને ભવિષ્ય પણ વિકસિત છે. આ યાત્રમાં આવા શબ્દોને કચરાપેટીમાં ફેંકી દેવા જ ભારતીય આત્મસન્માનની પહેલી શરત છે.


