‘ભારતની ધીમી ગતિને ગણાવાતી ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’, હવે વધતી અર્થવ્યવસ્થાને આવું નથી કહેવાતું’: ગુલામીની માનસિકતા પર વરસ્યા પીએમ મોદી

વડા પ્રધાન મોદીએ શનિવારે (6 ડિસેમ્બર) હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ 2025ના 23મા સંસ્કરણને સંબોધિત કર્યું હતું. આ સમિટ દરમિયાન તેમણે કહ્યું કે વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતા વચ્ચે ભારત દુનિયામાં સૌથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. તેમણે જણાવ્યું કે દુનિયાની ગ્રોથ લગભગ 3% અને G7 દેશોની 1.5% આસપાસ છે, જ્યારે ભારત ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવાના મોડેલ તરીકે ઊભરી આવ્યું છે. 

તેમણે આગળ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં માત્ર આંકડામાં જ નહીં પરંતુ વિચારધારા, આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. સંબોધનમાં પીએમ મોદીએ ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ શબ્દ પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજે ભારતનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. શું તમે ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું કે કોઈ હિંદુ રેટ ઑફ ગ્રોથ કહે છે?” 

પીએમ મોદીએ આગળ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ તેવા સમયે કહેવામાં આવ્યું, જ્યારે ભારત 2-3%ની ગ્રોથ માટે તરસી રહ્યું હતું. કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને તેમાં રહેનારી આસ્થા સાથે જોડવી ગુલામીની માનસિકતાનું પ્રતિબિંબ છે અને તેણે સમગ્ર સમાજને ગરીબીમાં ધકેલી દીધો છે.” 

તેમણે કહ્યું કે, “એવો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારતના ધીમા વિકાસ દરનું કારણ આપણી હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિ છે. એવું સાબિત કરવાના પ્રયાસો થયા.” પીએમ મોદીએ આગળ કહ્યું કે, “આજે જે તથાકથિત બુદ્ધિજીવીઓ દરેક વાતમાં સાંપ્રદાયિકતા શોધતા રહે છે, તેમને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’માં સાંપ્રદાયિકતા દેખાઈ નહીં. એ ટર્મને તેમના સમયમાં પુસ્તકોમાં અને રિસર્ચ પેપર્સમાં સ્થાન આપી દેવાયું હતું.”

વડા પ્રધાને નાના શહેરો અને ગામડાંઓમાં ટેક્નોલોજીની પહોંચ, MSME હબનો ઉદય, ખેડૂતોનું વૈશ્વિક બજાર સાથે જોડાવું અને ભારતીય મહિલાઓની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે ભારતમાં સુધારા પ્રતિક્રિયાત્મક નહીં પણ સતત અને રાષ્ટ્રહિતમાં થઈ રહ્યા છે.

જૂની વ્યવસ્થા પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે પહેલાંની સરકારો નાગરિકો પર વિશ્વાસ નહોતી કરતી, જ્યારે આજે સ્વયં-પ્રમાણિત દસ્તાવેજો પણ માન્ય થાય છે. તેમણે કહ્યું કે ભારત હવે સંસ્થાનવાદી વિચારસરણીમાંથી માનસિક સ્વતંત્રતાની દિશામાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે.