ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સોમવારે (27 માર્ચ) ઔપચારિક હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. બંને દેશોએ માર્ચ 2025માં આ સમજૂતી પર વાતચીત શરૂ કરવાની જાહેરાત કરી હતી અને અનેક રાઉન્ડની વાટાઘાટો પછી આ ડીલ આખરે અંતિમ સ્વરૂપે પહોંચી છે. આ સમજૂતી ભારતની ઇન્ડો-પેસિફિક વેપાર વ્યૂહરચનાને મજબૂત કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ માટે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક સુધી વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરશે.
આ FTA સમજૂતી પર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર તેમજ રોકાણ મંત્રી ટૉડ મેકલેની હાજરીમાં ઔપચારિક હસ્તાક્ષર થયા છે. 26 એપ્રિલના રોજ પીયૂષ ગોયલે આ સમજૂતી વિશે જણાવતાં કહ્યું હતું કે, “આ FTA દ્વાર અને વિચાર બંને ખોલે છે. ઉદ્યોગે સામાન્યથી આગળ વિચારવું પડશે અને સમજૂતીના સંપૂર્ણ વ્યાપનો ઉપયોગ કરવો પડશે.” તેમણે એ પણ જણાવ્યું કે આ FTAથી બંને દેશોનાં વેપાર, રોકાણ અને રોજગારને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
A historic step towards #ViksitBharat2047 under Prime Minister @narendramodi
— PIB India (@PIB_India) April 27, 2026
➜ The India–New Zealand FTA unlocks a $20 billion long-term commitment over 15 years, powering manufacturing, infrastructure, innovation and job creation, accelerating growth
➜ A future-ready… pic.twitter.com/d19GXkwPGR
ભારતના નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં અનેક ઉત્પાદનો પર શુલ્ક-મુક્ત પહોંચ (ડ્યુટી-ફ્રી એક્સેસ) મળશે, જેથી કૃષિ, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇજનેરી જેવા ક્ષેત્રોને લાભ થશે. તેમજ ન્યૂઝીલેન્ડની કંપનીઓને ભારતના વિશાળ બજારમાં વધુ સારી તકો મળશે.
10 વર્ષ બાદ બંને દેશો વચ્ચે થયો મુક્ત વેપાર કરાર
વાસ્તવમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ FTAને લઈને 2010માં વાતચીત શરૂ કરવામાં આવી હતી. 9 રાઉન્ડની વાતચીત પછી 2015માં આ વાટાઘાટો પર લગામ લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ 2025માં FTA પર વાતચીતને ફરીથી શરૂ કરવામાં આવી, તે સમયે બંને દેશોએ ઔપચારિક રીતે FTA વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી. ત્યારપછી અનેક તબક્કાઓમાં વાતચીત થઈ, જેમાં વસ્તુઓ, સેવાઓ, રોકાણ, ડિજિટલ વેપાર અને વ્યાવસાયિકોની અવરજવર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. 10 મહિનાની વાતચીત પછી 22 ડિસેમ્બર 2025ના રોજ બંને પક્ષોએ મુખ્ય શરતો પર સહમતિ વ્યક્ત કરી અને સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના મતે આ સમજૂતી બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે અને દ્વિપક્ષીય વેપારને વધુ સારી રીતે પ્રોત્સાહન આપશે. હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 1.7 અરબ ડૉલરની આસપાસ છે, જેને આવતા વર્ષોમાં 5 અબજ ડૉલર સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સરકારે પણ આ કરારને પોતાના નિકાસકારો, રોકાણકારો અને સેવા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અવસર ગણાવ્યો છે.
ભારતને શું લાભ?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ સમજૂતી ભારતીય વેપાર, રોકાણ અને રોજગાર માટે એક મોટો અવસર લઈને આવી છે. સૌથી મોટો લાભ એ છે કે સમજૂતી અમલમાં આવતાં જ ભારતના તમામ 8,284 નિકાસ ઉત્પાદનોને ન્યૂઝીલેન્ડના બજારમાં 100 ટકા ડ્યુટી-ફ્રી પહોંચ મળી જશે. તે પહેલાં ભારતીય માલ પર સરેરાશ 2.2 ટકા શુલ્ક લાગતો હતો, જ્યારે લગભગ 450 ઉત્પાદનો પર તે 10 ટકા સુધી પહોંચી જતો હતો. હવે આ સંપૂર્ણપણે ખતમ થઈ જશે, જેથી ભારતીય ઉત્પાદનો ત્યાં વધુ સસ્તા અને સ્પર્ધાત્મક બનશે.
તેનો સીધો લાભ ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, લેધર, ફૂટવેર, ઇજનેરી ગુડ્સ, કેમિકલ્સ, ઇલેક્ટ્રિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ ઉત્પાદનોને મળશે. ખાસ કરીને આગ્રાના ચામડા ઉદ્યોગને મોટી રાહત મળશે, કારણ કે ત્યાં દેશના લગભગ 75 ટકા લેધર ફૂટવેરનું ઉત્પાદન થાય છે. લેધર અને ફૂટવેર પર લાગતો 5 ટકાનો કર હવે શૂન્ય થઈ જશે. કપડાં, હોમ ટેક્સટાઇલ, હેન્ડલૂમ અને મેન-મેઇડ ફાઇબરને પણ ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે.
ફાર્મા અને મેડિકલ ડિવાઇસ સેક્ટર માટે પણ આ સમજૂતી મહત્વપૂર્ણ છે. ન્યૂઝીલેન્ડ હવે ભારતીય કંપનીઓના GMP અને GCP પ્રમાણપત્રને માન્યતા આપશે. તેથી વારંવાર થતા નિરીક્ષણો ખતમ થશે, ખર્ચ ઘટશે અને ભારતીય દવાઓ તેમજ મેડિકલ ઉપકરણોને ત્યાં ઝડપથી મંજૂરી મળી શકશે. તેની સાથે AYUSH જેવા આયુર્વેદ, યોગ અને હોમ્યોપેથીને પણ આ સમજૂતીમાં વિશેષ માન્યતા આપવામાં આવી છે.
સાથે જ ભારતીય વ્યાવસાયિકો માટે વિશેષ વિઝા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રારંભિક ત્રણ વર્ષ માટે દર વર્ષે 1669 અસ્થાયી રોજગાર વિઝા જારી કરવામાં આવશે અને કુલ 5000 ભારતીય વ્યાવસાયિકો એક સમયે આ યોજનાનો લાભ લઈ શકશે.
MSME, સેવા ક્ષેત્ર અને 118 સેક્ટર્સને બુસ્ટ
સરકારની આ ડીલથી દેશના નાના-મધ્યમ ઉદ્યોગોને (MSME) વિશેષ લાભ પહોંચશે. ટેક્સટાઇલ, ઇજનેરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં નિકાસની અડચણો ઘટતા સ્થાનિક સ્તરે રોજગાર વધશે. તેની સાથે સેવા ક્ષેત્રને પણ વૈશ્વિક ઉડાન મળશે. IT, ટેલિકોમ, ફાઇનાન્સ, એજ્યુકેશન અને ટુરિઝમ સહિત કુલ 118 સેક્ટર્સમાં ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સને નવી બજાર પહોંચ મળશે. PIB અનુસાર આ સમજૂતી વિનિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને જોબ ક્રિએશનને નવી ગતિ આપશે.
ન્યૂઝીલેન્ડને શું લાભ થશે?
ભારત સાથેની મુક્ત વેપાર સમજૂતી ન્યૂઝીલેન્ડ માટે પણ ખૂબ સારી તક છે. આ સમજૂતી હેઠળ ભારત ન્યૂઝીલેન્ડમાંથી આવતા લગભગ 95 ટકા માલ પર આયાત શુલ્ક ઘટાડશે અથવા સંપૂર્ણપણે હટાવી દેશે. તેમાં કીવીફ્રૂટ, ચેરી, બ્લુબેરી, એવોકાડો, વાઇન, ઊન, લાકડું, સમુદ્રી ઉત્પાદનો, મનુકા હની અને કોલસા જેવાં મુખ્ય ઉત્પાદનો સામેલ છે. અનેક ઉત્પાદનોને સમજૂતી અમલમાં આવતાં જ ભારતમાં કોઈ શુલ્ક વગર પ્રવેશ મળી જશે. તેથી ન્યૂઝીલેન્ડની કંપનીઓ માટે ભારતીય બજારમાં વેપાર કરવો સરળ અને સસ્તો થઈ જશે.
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું ગ્રાહક બજાર છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના ખેડૂતો, બાગાયતી વેપારીઓ અને ખાદ્ય કંપનીઓને 140 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચ મળશે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ કરારને ‘પેઢીઓમાં એક વાર મળતો અવસર’ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ સમજૂતીથી દેશના કૃષિ, બાગાયત, વાઇન, સમુદ્રી ખાદ્ય અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને મોટો લાભ થશે.
આ સાથે ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષોમાં ભારતમાં 20 અરબ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ તકનીક, શિક્ષણ, પર્યટન અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં કરવામાં આવી શકે છે. તેથી ન્યૂઝીલેન્ડની કંપનીઓને ભારતમાં લાંબાગાળાના વેપાર વિસ્તારની તક મળશે. કુલ મળીને આ સમજૂતી ન્યૂઝીલેન્ડના નિકાસ, રોકાણ અને રોજગારને નવી ગતિ આપનારી સાબિત થઈ શકે છે.
વડા પ્રધાન મોદીના ‘વિકસિત ભારત’ વિઝન હેઠળ આ FTA ન માત્ર વેપારને બમણો કરવાનું લક્ષ્ય છે, પરંતુ બંને દેશો વચ્ચે લાંબાગાળાનો મજબૂત આર્થિક પુલ પણ બનાવશે. સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષા કરતા 100 ટકા ડ્યુટી-ફ્રી એક્સેસ આપનારી આ સમજૂતી ભારતના નિકાસકારો, MSME અને યુવા વ્યાવસાયિકો માટે ‘ગોલ્ડન ઓપર્ચ્યુનિટી’ છે. ગુજરાત જેવા ટેક્સટાઇલ, ડાયમંડ-જ્વેલરી, ફાર્મા અને ઇજનેરી હબ માટે આ વધુ મોટી તક છે, જ્યાં નિકાસ અને રોકાણ બંને વધશે.


