હોમપેજદેશસેશેલ્સનું ભારત સાથે શું કનેક્શન? જ્યારે ચાર દાયકા પહેલાં ભારતે ગુપ્ત ઑપરેશન...

સેશેલ્સનું ભારત સાથે શું કનેક્શન? જ્યારે ચાર દાયકા પહેલાં ભારતે ગુપ્ત ઑપરેશન હેઠળ એક પણ ગોળી ચલાવ્યા વગર બચાવી હતી મિત્ર સરકાર

1986ના ગુપ્ત અભિયાન પછી ભારત અને સેશેલ્સ વચ્ચેનો સંબંધ માત્ર રાજદ્વારી બેઠકો પૂરતો રહ્યો નથી. છેલ્લા ચાર દાયકામાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વિકાસ અને લોકો વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત માટે સેશેલ્સનું મહત્વ વધુ વધી ગયું છે.

- Advertisement -

હિંદ મહાસાગરના મધ્યમાં આવેલો એક નાનકડો ટાપુ દેશ. કુલ વસ્તી માંડ એક લાખની આસપાસ. વિશ્વના નકશામાં શોધવો હોય તોપણ થોડી મહેનત પડે એવો દેશ. છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ત્રણ દિવસની મુલાકાતે જાય છે, ત્યાંની સંસદને સંબોધિત કરે છે, સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપવાની વાત કરે છે. સ્વાભાવિક છે કે સામાન્ય ભારતીયના મનમાં એક સવાલ ઊભો થાય કે આખરે સેશેલ્સમાં એવું શું છે કે ભારત તેને આટલું મહત્વ આપે છે?

આ સવાલનો જવાબ માત્ર આજની કૂટનીતિમાં નથી. તેનો જવાબ લગભગ ચાર દાયકાં પહેલાં બનેલી એવી ઘટનામાં છુપાયેલો છે, જ્યારે ભારતે પોતાના હજારો કિલોમીટર દૂર આવેલા મિત્ર દેશને બચાવવા માટે એક ગુપ્ત ઑપરેશન ચલાવ્યું હતું. એ ઑપરેશનમાં એક પણ ગોળી ચાલી નહોતી, કોઈ યુદ્ધ થયું નહોતું, છતાં સત્તાપલટાનું આખું કાવતરું ધૂળમાં ભળી ગયું હતું. આ ઘટનાએ માત્ર સેશેલ્સને જ બચાવ્યું નહોતું, પરંતુ હિંદ મહાસાગરમાં ભારતની વિશ્વસનીયતા, તેની વ્યૂહાત્મક વિચારસરણી અને મિત્ર દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેવાની નીતિનો પણ પાયો નાખ્યો હતો.

આ ગુપ્ત કાર્યવાહીને દુનિયા આજે ‘ઑપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ’ તરીકે ઓળખે છે. પરંતુ આ ઑપરેશનને સમજવા પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે સેશેલ્સ ભારત માટે આટલું મહત્વનું કેમ છે. કારણ કે જ્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો અને હિંદ મહાસાગરમાં સેશેલ્સના સ્થાનનું મહત્વ સમજાશે નહીં ત્યાં સુધી ભારતે આટલું મોટું જોખમ શા માટે લીધું હતું તેનો જવાબ પણ અધૂરો જ રહેશે.

- Advertisement -

માત્ર દરિયાકિનારા અને રિસોર્ટનો દેશ નહીં, હિંદ મહાસાગરની ચાવી છે સેશેલ્સ

ઘણા લોકો માટે સેશેલ્સ એટલે સુંદર બીચ, વાદળી સમુદ્ર અને વૈભવી રિસોર્ટ. પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેની ઓળખ કંઈઅલગ જ છે. પૂર્વ આફ્રિકાના કિનારાથી દૂર આવેલા 115 ટાપુઓનો આ દેશ હિંદ મહાસાગરના એવા વિસ્તારમાં આવેલો છે, જ્યાંથી વિશ્વના સૌથી મહત્વના સમુદ્રી વેપાર માર્ગો પર નજર રાખી શકાય છે. પશ્ચિમ એશિયામાંથી નીકળતું તેલ, યુરોપ તરફ જતો વેપાર અને એશિયાને જોડતાં અનેક જહાજો આ જ સમુદ્રી માર્ગોમાંથી પસાર થાય છે. એટલે જ જે દેશ સેશેલ્સ સાથે મજબૂત સંબંધ રાખે તેને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વનો ફાયદો મળે છે.

શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ બંને આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારવા માંગતા હતા. નજીકમાં અમેરિકાનું ડિએગો ગાર્સિયા સૈન્ય મથક હતું બીજી તરફ સોવિયેત સંઘ પણ હિંદ મહાસાગરમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયત્નશીલ હતો. પરિણામે સેશેલ્સ જેવો નાનો દેશ પણ મહાસત્તાઓની ભૂરાજનીતિનો મહત્વનો ભાગ બની ગયો. આજે સમય બદલાયો છે પરંતુ સ્થિતિ બહુ બદલાઈ નથી. હવે ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારી રહ્યું છે અને એ જ કારણ છે કે ભારત માટે સેશેલ્સનું મહત્વ પહેલાં કરતાં વધુ વધી ગયું છે.

ભૌગોલિક સ્થાન સિવાય બંને દેશોને જોડતી બીજી પણ એક મહત્વની કડી છે લોકો. સેશેલ્સમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા નોંધપાત્ર છે. વિવિધ અંદાજો અનુસાર દેશનો લગભગ દરેક આઠમો નાગરિક ભારતીય મૂળનો છે. ગુજરાત, તમિલનાડુ અને અન્ય ભાગોમાંથી વર્ષો પહેલાં ત્યાં પહોંચેલા ભારતીયોએ વેપાર, શિક્ષણ, આરોગ્ય, સેવા ક્ષેત્ર અને જાહેર જીવનમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. એટલે ભારત અને સેશેલ્સનો સંબંધ માત્ર સરકારો વચ્ચેનો નથી, તે લોકો વચ્ચેનો પણ છે.

આ જ કારણ છે કે ભારતે વર્ષો દરમિયાન સેશેલ્સને માત્ર રાજદ્વારી સમર્થન જ પૂરતું આપ્યું નથી. પેટ્રોલ વેસલ, ડોર્નિયર એરક્રાફ્ટ, કોસ્ટલ સર્વેલન્સ રડાર સિસ્ટમ, સૈન્ય તાલીમ, આરોગ્ય, શિક્ષણ અને વિકાસ પ્રોજેક્ટોમાં પણ ભારત સતત તેની સાથે ઊભું રહ્યું છે. પરંતુ આ વિશ્વાસની શરૂઆત ક્યાંથી થઈ? તેનો જવાબ આપણને 1980ના દાયકામાં લઈ જાય છે, જ્યારે આખું સેશેલ્સ રાજકીય કાવતરાં અને સત્તાપલટાના પ્રયાસોથી ધ્રુજી રહ્યું હતું.

સત્તાપલટા, ભાડૂતી સૈનિકો અને શીત યુદ્ધ: સેશેલ્સ કેમ બન્યું મહાસત્તાઓનું યુદ્ધમેદાન?

સેશેલ્સને આજે સ્થિર લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સ્વતંત્રતા મળ્યા બાદના તેના શરૂઆતનાં વર્ષો અત્યંત અસ્થિર રહ્યાં હતાં. વર્ષ 1976માં બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળ્યા પછી જેમ્સ મેનચમ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. પરંતુ આ સરકાર એક વર્ષ પણ ટકી શકી નહીં. જૂન 1977માં જ્યારે મેનચમ વિદેશ પ્રવાસે હતા ત્યારે તેમના જ વડા પ્રધાન ફ્રાન્સ-આલ્બર્ટ રેનેએ લોહીનું ટીપું રેડ્યા વગર સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ ઘટના સેશેલ્સના રાજકીય ઇતિહાસનો સૌથી મોટો વળાંક સાબિત થઈ.

રેને સત્તા પર આવ્યા પછી સેશેલ્સે સમાજવાદી નીતિઓ અપનાવવાની શરૂઆત કરી. શીત યુદ્ધનો સમય હતો, દુનિયા અમેરિકા અને સોવિયેત સંઘ એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હિંદ મહાસાગરનું વધતું વ્યૂહાત્મક મહત્વ બંને મહાસત્તાઓને અહીં ખેંચી લાવતું હતું. પશ્ચિમ દેશોને આશંકા હતી કે સેશેલ્સ સોવિયેત સંઘ તરફ વધુ ઝૂકી રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની રંગભેદવાદી સરકાર પણ રેનેના શાસનથી ખુશ નહોતી. પરિણામે દેશની અંદર બેઠેલા વિરોધીઓ અને વિદેશમાં રહેલા નિર્વાસિત જૂથો સરકારને હટાવવાની તક શોધવા લાગ્યા.

આ તણાવનું સૌથી મોટું રૂપ વર્ષ 1981માં જોવા મળ્યું. વિશ્વવિખ્યાત ભાડૂતી સૈનિક માઇક હોરેના નેતૃત્વમાં લગભગ 40થી વધુ મર્સિનરીઝ સેશેલ્સ પહોંચ્યા. તેઓ પોતાને રગ્બી ટીમના ખેલાડીઓ તરીકે દર્શાવી દેશની અંદર ઘૂસ્યા હતા. યોજના એવી હતી કે હથિયારો કબજે કરીને રાષ્ટ્રપતિ રેનેની સરકારને પલટાવી દેવામાં આવે. પરંતુ એરપોર્ટ પર જ એક સુરક્ષા કર્મચારીને તેમની બેગમાંથી AK-47 રાઇફલ દેખાઈ ગઈ અને આખું કાવતરું ખુલ્લું પડી ગયું. ત્યારબાદ ભારે ગોળીબાર થયો પરંતુ આખરે ભાડૂતી સૈનિકોએ એક ભારતીય વિમાનનું અપહરણ કરીને દક્ષિણ આફ્રિકા ભાગી જવું પડ્યું. આ નિષ્ફળ કૂના પ્રયાસે સમગ્ર વિશ્વનું ધ્યાન સેશેલ્સ તરફ ખેંચી લીધું.

1981ની ઘટના પછી પણ ખતરો ટળ્યો નહોતો. સત્તાપલટાના પ્રયાસો અટકી ગયા હોય એવું લાગતું હતું, પરંતુ હકીકતમાં કાવતરાં અંદરખાને ચાલુ જ હતાં. વિવિધ ઐતિહાસિક અભ્યાસો અનુસાર વર્ષ 1986 સુધીમાં ફરી એકવાર સેશેલ્સની સરકાર વિરુદ્ધ ગુપ્ત તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ વખતે મામલો વધુ ગંભીર હતો કારણ કે આરોપો દેશની અંદરના જ કેટલાક પ્રભાવશાળી લોકો સુધી પહોંચતા હતા. અનેક વર્ણનોમાં તેને ‘ઑપરેશન ડિસ્ટન્ટ લૅશ’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે વિદેશી ભાડૂતી લડવૈયાઓ અને સ્થાનિક સમર્થકોની મદદથી ફરી એકવાર સરકારને ઉથલાવી દેવાની યોજના તૈયાર થઈ રહી હતી.

આ દરમિયાન ભારતની ગુપ્તચર એજન્સીઓ સુધી પણ આ ષડ્યંત્રની માહિતી પહોંચી. ભારત માટે આ માત્ર બીજા દેશની આંતરિક રાજનીતિનો પ્રશ્ન નહોતો. જો સેશેલ્સમાં ફરી સત્તાપલટો સફળ થાત તો હિંદ મહાસાગરમાં ભારતના સુરક્ષા હિતોને સીધી અસર થઈ શકતી હતી. એ જ ક્ષણે ભારતે એવો નિર્ણય લીધો, જે પછી તેના સમુદ્રી સુરક્ષા ઇતિહાસનો સૌથી રસપ્રદ અધ્યાય બનવાનો હતો.

થોડા જ દિવસોમાં ભારતીય નૌકાદળનું એક યુદ્ધજહાજ પોર્ટ વિક્ટોરિયાના બંદરે પહોંચવાનું હતું. બહારથી તે એક સામાન્ય સદ્ભાવના મુલાકાત લાગતી હતી, પરંતુ અંદરખાને ભારત એક એવા ગુપ્ત ઑપરેશનની તૈયારી કરી રહ્યું હતું, જે પછી ‘ઑપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ’ તરીકે ઇતિહાસમાં નોંધાવાનું હતું.

‘ઓપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ’: જ્યારે ભારતે એક પણ ગોળી ચલાવ્યા વગર નિષ્ફળ બનાવ્યો કૂ પ્રયાસ

વર્ષ 1986ના મધ્ય સુધીમાં સેશેલ્સમાં ફરી એકવાર અસામાન્ય હલચલ શરૂ થઈ ગઈ હતી. વિવિધ ઐતિહાસિક વર્ણનો અનુસાર ભારત અને સેશેલ્સની સુરક્ષા એજન્સીઓને એવી માહિતી મળી હતી કે રાષ્ટ્રપતિ ફ્રાન્સ-આલ્બર્ટ રેનેની સરકારને હટાવવા માટે ફરીથી ગુપ્ત તૈયારી ચાલી રહી છે. આ કાવતરામાં તે સમયના સંરક્ષણ પ્રધાન ઓગિલ્વી બર્લુઇસનું નામ પણ સામે આવતું હતું. સંશોધક ડેવિડ બ્રુસ્ટર અને કોમોડોર (નિવૃત્ત) રણજીત રાયના અભ્યાસ મુજબ લગભગ 30 વિદેશી ભાડૂતી લડવૈયાઓ અને 300થી વધુ સ્થાનિક સમર્થકોની મદદથી સરકારને ઉથલાવી દેવાની યોજના ઘડાઈ હતી. કાવતરાખોરોનો વિશ્વાસ હતો કે એકવાર રાજધાની અને મુખ્ય સરકારી સંસ્થાઓ પર કબજો મેળવી લેવામાં આવશે પછી સત્તા પરિવર્તન અટકાવવું લગભગ અશક્ય બની જશે.

પરંતુ આ વખતે તેમની સામે માત્ર સેશેલ્સની સરકાર નહોતી, ભારત પણ ઊભું હતું.

રાષ્ટ્રપતિ રેનેએ ભારત પાસે મદદ માગી. ભારત માટે આ માત્ર મિત્ર દેશનો પ્રશ્ન નહોતો. હિંદ મહાસાગરમાં આવેલી એવી વ્યૂહાત્મક જગ્યા દાવ પર હતી, જ્યાં અસ્થિરતા સર્જાય તો આખા વિસ્તારના સમીકરણો બદલાઈ શકે. ભારતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને પછી એવો નિર્ણય લીધો, જે આજે પણ ભારતીય નૌકાદળના સૌથી સફળ વ્યૂહાત્મક અભિયાનોમાં ગણાય છે.

તે સમયે ભારતીય નૌકાદળનું ફ્રિગેટ INS Vindhyagiri પહેલેથી જ પોર્ટ વિક્ટોરિયાની મુલાકાતે જવાનું નક્કી હતું. જહાજે પોતાની નિર્ધારિત મુલાકાત પૂર્ણ કર્યા બાદ પરત ફરવાને બદલે ત્યાં જ રોકાઈ જવાની યોજના બનાવી. બહારથી કારણ બતાવવામાં આવ્યું કે જહાજમાં તકનીકી ખામી આવી છે અને તેનું સમારકામ જરૂરી છે. પરંતુ અનેક સંશોધકોના જણાવ્યા મુજબ આ સમગ્ર વ્યૂહરચના ભારતના ગુપ્ત અભિયાનનો જ ભાગ હતી, જેથી ભારતીય યુદ્ધજહાજ વધુ સમય સુધી સેશેલ્સના બંદરમાં હાજર રહી શકે.

જહાજ માત્ર બંદરમાં ઊભું જ નહોતું. આગામી દિવસોમાં INS Vindhyagiri સતત હેલિકોપ્ટર ઉડાનો, દરિયાઈ કવાયતો અને અન્ય સૈન્ય ગતિવિધિઓ કરતું રહ્યું. બહારથી આ સામાન્ય નૌસેનાકીય પ્રવૃત્તિઓ લાગતી હતી, પરંતુ તેનો સંદેશ અત્યંત સ્પષ્ટ હતો કે ભારત સેશેલ્સમાં બનતી દરેક ઘટનાને નજીકથી જોઈ રહ્યું છે અને જરૂર પડશે તો મિત્ર સરકારની સુરક્ષા માટે આગળ આવતાં પણ ખચકાશે નહીં.

ડેવિડ બ્રુસ્ટર અને કોમોડોર રણજીત રાયના સંશોધન અનુસાર આ સમયગાળા દરમિયાન ભારતે એક વરિષ્ઠ નૌસેના અધિકારીને પણ સેશેલ્સ મોકલ્યા હતા, જ્યારે વિશેષ તાલીમ પ્રાપ્ત એન્જિનિયરિંગ ટીમને પણ તૈયાર રાખવામાં આવી હતી. જોકે આખા અભિયાનમાં સૌથી મહત્વની બાબત એ હતી કે ભારતે બળનો ઉપયોગ કરવાની જરૂર જ પડી નહીં. ભારતીય નૌકાદળની હાજરી અને ભારતના સ્પષ્ટ વલણથી જ કાવતરાખોરો પર એટલું દબાણ ઊભું થયું કે તેમણે પોતાનો પ્લાન અમલમાં મૂકવાનું જોખમ લીધું નહીં.

લગભગ બે અઠવાડિયાં સુધી ચાલેલી આ વ્યૂહાત્મક હાજરી બાદ આખરે કૂની યોજના નિષ્ફળ ગઈ. ન કોઈ યુદ્ધ થયું, ન કોઈ સૈનિકી અથડામણ થઈ અને ન કોઈ ગોળી ચાલી. છતાં ભારતે પોતાના મિત્ર દેશને બચાવવામાં સફળતા મેળવી. એ જ કારણ છે કે ઑપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ’ને માત્ર એક નૌસેનાકીય અભિયાન નહીં, પરંતુ ‘ગનબોટ ડિપ્લોમસી’ અને વ્યૂહાત્મક દબાણનું ઉદાહરણ પણ માનવામાં છે.

પરંતુ ભારતનું કામ અહીં પૂરું થવાનું નહોતું. પ્રથમ કૂ પ્રયાસ નિષ્ફળ ગયો હતો છતાં માત્ર બે મહિના પછી સેશેલ્સ ફરી એકવાર રાજકીય સંકટમાં ફસાવાનું હતું. આ વખતે પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુ ગંભીર હતી, કારણ કે દેશના રાષ્ટ્રપતિ પોતે સેશેલ્સમાં હાજર જ નહોતા.

પહેલો કૂ નિષ્ફળ ગયો, પરંતુ બે મહિના પછી ફરી એકવાર જોખમમાં આવી ગઈ સેશેલ્સની સરકાર

ભારતીય નૌકાદળની હાજરીને કારણે પહેલો સત્તાપલટાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. એવું લાગતું હતું કે હવે સેશેલ્સમાં રાજકીય સ્થિરતા પાછી આવશે. પરંતુ આ શાંતિ બહુ લાંબી ટકી નહીં. માત્ર બે મહિના બાદ ફરી એકવાર રાષ્ટ્રપતિ ફ્રાન્સ-આલ્બર્ટ રેનેની સરકાર વિરુદ્ધ કાવતરું રચાઈ રહ્યું હોવાની માહિતી સામે આવી. આ વખતે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે રેને તે સમયે સેશેલ્સમાં હાજર જ નહોતા.

તે દિવસોમાં રાષ્ટ્રપતિ રેને ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં યોજાયેલી ગૂટનિરપેક્ષ ચળવળની (Non-Aligned Movement) બેઠકમાં ભાગ લેવા ગયા હતા. આ દરમિયાન ભારત અને સોવિયેત સંઘની ગુપ્તચર એજન્સીઓને ફરીથી સત્તાપલટાની તૈયારી અંગે સંકેતો મળ્યા હોવાનું અનેક ઐતિહાસિક સંશોધનોમાં નોંધાયું છે. જો રેને દેશની બહાર હોય અને એ દરમિયાન કૂ સફળ થઈ જાય તો સેશેલ્સની સત્તા પળવારમાં બદલાઈ શકે તેવી સ્થિતિ હતી.

ભારતે ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરી. ભારતે રાષ્ટ્રપતિ રેનેને શક્ય તેટલી ઝડપથી અને સુરક્ષિત રીતે સેશેલ્સ પરત પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. કેટલીક જગ્યાએ એવો પણ દાવો કરવામાં આવે છે કે પોતાની ઓળખ છુપાવવા માટે રેને ભારતીય સાડી પહેરીને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા હતા. જોકે આ ઘટનાનો ઉલ્લેખ મુખ્યત્વે ડેવિડ બ્રુસ્ટર અને કોમોડોર (નિવૃત્ત) રણજીત રાય જેવા સંશોધકોના વર્ણનોમાં જોવા મળે છે. તેની અલગથી સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. પરંતુ લગભગ તમામ સંશોધનો એ બાબતે સહમત છે કે ભારતની સમયસરની મદદના કારણે રેને સુરક્ષિત રીતે સેશેલ્સ પહોંચી શક્યા અને કાવતરાખોરોને ફરી એકવાર નિષ્ફળતા મળી.

આ બીજા પ્રયાસ બાદ સેશેલ્સ સરકારે કાવતરામાં સંડોવાયેલા હોવાના આરોપસર સંરક્ષણ પ્રધાન ઓગિલ્વી બર્લુઇસ સહિત અનેક લોકો સામે કાર્યવાહી હાથ ધરી. બર્લુઇસને પદ પરથી દૂર કરવામાં આવ્યા અને તેઓ બાદમાં દેશ છોડીને લંડન ચાલ્યા ગયા. આ સાથે થોડા જ મહિનામાં સરકારને ઉથલાવી દેવાના બે મોટા પ્રયાસો નિષ્ફળ સાબિત થયા.

આજે ભારત અને સેશેલ્સના સંબંધો આટલા મજબૂત કેમ છે?

1986ના ગુપ્ત અભિયાન પછી ભારત અને સેશેલ્સ વચ્ચેનો સંબંધ માત્ર રાજદ્વારી બેઠકો પૂરતો રહ્યો નથી. છેલ્લા ચાર દાયકામાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વિકાસ અને લોકો વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત માટે સેશેલ્સનું મહત્વ વધુ વધી ગયું છે. ભારતે સેશેલ્સને કોસ્ટ ગાર્ડ માટે અનેક પેટ્રોલ વેસલ ભેટમાં આપી છે, ડોર્નિયર મેરિટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ આપ્યાં છે, કોસ્ટલ સર્વેલન્સ રડાર નેટવર્ક ઊભું કરવામાં મદદ કરી છે અને સેશેલ્સના સૈનિકોને ભારતીય સંસ્થાઓમાં તાલીમ પણ આપવામાં આવે છે. દરિયાઈ ચાંચિયાગીરી, ડ્રગ્સની દાણચોરી, ગેરકાયદે માછીમારી અને સમુદ્રી સુરક્ષા જેવા મુદ્દાઓ પર બંને દેશો સતત સાથે કામ કરી રહ્યા છે.

સંરક્ષણ સિવાય પણ ભારતે સેશેલ્સમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં યોગદાન આપ્યું છે. આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતે કરોડો રૂપિયાની સહાય પૂરી પાડી છે. સેશેલ્સના વિદ્યાર્થીઓ માટે ભારતની શિષ્યવૃત્તિ યોજનાઓ હોય કે સરકારી અધિકારીઓ માટેની તાલીમ, બંને દેશો વચ્ચેનો સંબંધ માત્ર વ્યૂહાત્મક નહીં પરંતુ સામાજિક અને વિકાસલક્ષી પણ છે.

પીએમ નરેન્દ્ર મોદીની વર્તમાન મુલાકાત પણ આ જ લાંબા સંબંધોની કડી છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા, બ્લૂ ઇકોનોમી, ક્ષમતાનિર્માણ, ટેક્નોલોજી અને વિકાસ સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારત નિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસલ સેશેલ્સને સોંપવામાં આવી છે અને હિંદ મહાસાગરમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ઊંડી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે સેશેલ્સ ભારત માટે માત્ર એક મિત્ર દેશ નથી, પરંતુ હિંદ મહાસાગરમાં વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદાર છે.

એટલે જ સેશેલ્સનો પ્રવાસ માત્ર વિદેશ પ્રવાસ નથી.

ભારતના વડા પ્રધાન જ્યારે અમેરિકા, ફ્રાન્સ કે જાપાન જાય છે ત્યારે તેનાં વ્યૂહાત્મક કારણો સમજવાં સરળ હોય છે. પરંતુ સેશેલ્સ જેવા નાના દેશના પ્રવાસ પાછળ પણ એટલો જ ઊંડો ઇતિહાસ છુપાયેલો છે. એક તરફ હિંદ મહાસાગરના સૌથી મહત્વના સમુદ્રી માર્ગો, બીજી તરફ ભારતીય મૂળની નોંધપાત્ર વસ્તી, ત્રીજી તરફ ચાર દાયકાથી વધુ જૂનો સંરક્ષણ સહયોગ અને ચોથી તરફ 1986માં ભારતે ચલાવેલું ‘ઑપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ’—આ બધું મળીને સેશેલ્સને ભારતની વિદેશ અને સુરક્ષા નીતિનો અત્યંત મહત્વનો ભાગ બનાવે છે.

આજે કદાચ ઘણા ઓછા લોકોને યાદ હશે કે ક્યારેક ભારતે આ જ દેશમાં એક પણ ગોળી ચલાવ્યા વગર મિત્ર સરકારને બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પરંતુ દેશો વચ્ચેનો વિશ્વાસ આવી જ ક્ષણોમાં જન્મે છે. કદાચ એટલા માટે જ ચાર દાયકા પછી પણ ભારત અને સેશેલ્સ વચ્ચેનો સંબંધ માત્ર કૂટનીતિક ઔપચારિકતા નથી, પરંતુ વિશ્વાસ, સહયોગ અને પરસ્પર સુરક્ષા પર ઊભેલી એવી ભાગીદારી છે, જે હિંદ મહાસાગરના બદલાતાં ભૂરાજકીય સમીકરણોમાં આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં