Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણપહેલાં તેજ પ્રતાપની હકાલપટ્ટી, હવે રોહિણી પર ફેંકાયાં ચપ્પલ: વિવાદ વચ્ચે ચર્ચામાં...

    પહેલાં તેજ પ્રતાપની હકાલપટ્ટી, હવે રોહિણી પર ફેંકાયાં ચપ્પલ: વિવાદ વચ્ચે ચર્ચામાં સંજય યાદવ અને રમીઝ– લાલુ પરિવારમાં ચાલી શું રહ્યું છે?

    રમીઝ વિશે કહેવાય છે કે તે RJDની કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી બનાવે છે અને સોશિયલ મીડિયા હેન્ડલની સાથે તેજસ્વી યાદવના કાર્યક્રમો પણ નક્કી કરે છે. જે રીતે સંજય યાદવ તેજસ્વીનું મગજ છે, એવી જ રીતે રમીઝ સંજયની આંખો છે.

    - Advertisement -

    જ્યારે કોઈ રાજકીય પરિવાર કારમી હાર બાદ ખુલ્લીને આંતરિક કલહમાં ફસાઈ જાય, ત્યારે માત્ર એક ચૂંટણી પરિણામ નહીં, પણ એક પરિવાર-રાજકારણ-સંઘર્ષનું દ્રશ્ય પણ સામે આવે છે. આવું જ દ્રશ્ય હવે લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં જોવા મળી રહ્યું છે. બિહારમાં હાર બાદ લાલુ યાદવની પુત્રી અને તેજસ્વીની બહેન રોહિણી આચાર્યે જાહેરાત કરી કે તે રાજકારણ છોડી રહી છે અને પોતાના પરિવાર સાથે પણ છેડો ફાડી રહી છે. આ જાહેરાત ચર્ચામાં આવી અને તેનાથી વધુ ચર્ચામાં આવ્યાં બે નામ, જે રોહિણીએ આ જાહેરાતમાં લીધાં હતાં. એક સંજય યાદવ અને બીજું રમીઝ. બંનેને રોહિણીના ભાઈ તેજસ્વીના નજીકના સલાહકાર માનવામાં આવે છે. 

    બિહારના રાજકારણમાં લાલુ પરિવાર અને પાર્ટીનો મેળ પહેલાં સ્વાભાવિક રહેતો હતો. લાલુ યાદવની આગેવાનીમાં RJDએ બિહારમાં જાતિ આધારિત રાજકારણ અને મુસ્લિમ તુષ્ટિકરણનું મોડેલ ઊભું કર્યું હતું. પરિવારમાં પુત્રો-પુત્રીઓ, પત્ની, સલાહકાર જૂથ બધા એક નેટવર્કમાં કામ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નેટવર્ક ખોરવાઈ ગયું છે, જે હાલ ચર્ચામાં છે. વિવાદ શરૂ થયો રોહિણી આચાર્યની એક જાહેરાતથી, જેમાં તેણે રાજકારણ અને પરિવારથી છેડો ફાડવાની વાત કરી હતી. 

    15 નવેમ્બરના રોજ રોહિણીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેનો સંબંધ પણ તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આવું જ કરવાનું કહ્યું હતું અને હું તમામ દોષ મારા પર લઈ રહી છું.” આ જાહેરાત બાદ સંજય યાદવ અને રમીઝ ચર્ચામાં આવ્યા. પોસ્ટ કર્યા બાદ રોહિણીએ દિલ્હી જતી ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં મીડિયા સાથે વાત કરી હતી. 

    - Advertisement -

    રોહિણીને આ સમગ્ર વિવાદ પર પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેનો કોઈ પરિવાર નથી. તેમણે મીડિયાને સંબોધીને એવું કહ્યું હતું કે મીડિયાએ આ બધા પ્રશ્નો તેજસ્વી યાદવ, સંજય યાદવ અને રમીઝને જઈને પૂછવા જોઈએ. તેમણે આગળ કહ્યું કે, “તેઓ કોઈ જવાબદારી નથી લેવા માંગતા. આખો દેશ પૂછી રહ્યો છે કે પાર્ટી આટલી ખરાબ રીતે કેમ હારી. તમે સંજય યાદવ અને રમીઝનું નામ લો છો તો તમને ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે અને અપમાનિત કરીને ગાળો આપવામાં આવે છે.” તેમણે આ વખતે પણ ફરી સંજય અને રમીઝનું નામ લીધું હતું. 

    તેમણે એક X પોસ્ટ કરીને એવો દાવો પણ કર્યો છે કે તેને અપમાનિત કરવામાં આવ્યાં છે, ગાળો આપવામાં આવી છે અને મારવા માટે તેમના પર ચપ્પલ પણ ઉગામી લેવાયાં છે. તેમણે અંતે એવું પણ કહ્યું છે કે, “મેં મારા સ્વમાન સાથે સમાધાન ન કર્યું અને સત્યનું સમર્થન કર્યું એટલે જ મારે અપમાનિત થવું પડી રહ્યું છે. એક દીકરી મજબૂરીમાં રડતાં-રડતાં પોતાના મા-બાપ-બહેનોને છોડીને આવી છે. મને અનાથ કરી દેવામાં આવી છે.”

    કોણ છે સંજય યાદવ અને રમીઝ? 

    આ ચર્ચામાં સામે આવેલા નામ સંજય યાદવથી લોકો પરિચિત છે. સંજય યાદવ મૂળ હરિયાણાનો છે અને તેજસ્વી યાદવનો સૌથી વફાદાર માણસ અને સલાહકાર માનવામાં આવે છે. તેને જ RJD માટે બિહાર ચૂંટણીની રાણીનીતિ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 2024માં RJDએ સંજય યાદવને રાજ્યસભાનો સાંસદ પણ બનાવ્યો હતો. જોકે, રમીઝ વિશે પ્રમાણે માહિતી ઓછી ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર, તે યુપીની નેપાળ સરહદ નજીકના બલરામપુરનો રહેવાસી છે અને હાલ તે બિહારમાં સ્થાયી થયો છે. 

    સમાજવાદી પાર્ટીના પૂર્વ બાહુબલી સાંસદ રિઝવાન ઝહીરનો તે જમાઈ છે. તેનું આખું નામ રમીઝ નેમત ખાન છે અને તેના અબ્બુનું નામ નિયમતુલ્લાહ ખાન છે. તેના પર બલરામપુરની તુલસીપુર નગરપાલિકાના ચેરમેન રહેલા ફિરોઝ પપ્પુની હત્યાનો આરોપ છે. નોંધવા જેવું છે કે પપ્પુની હત્યા 4 જાન્યુઆરી, 2024ના રોજ થઈ હતી. તે સિવાય ડઝનબંધ કેસ પણ રમીઝ વિરુદ્ધ નોંધાયેલા છે. રિઝવાન ઝહીરની પુત્રી ઝેબા રિઝવાનના તેની સાથે નિકાહ થયા હતા અને હાલ તે પટનામાં રહે છે.

    રમીઝ વિશે કહેવાય છે કે તે RJDની કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી બનાવે છે અને સોશિયલ મીડિયા હેન્ડલની સાથે તેજસ્વી યાદવના કાર્યક્રમો પણ નક્કી કરે છે. જે રીતે સંજય યાદવ તેજસ્વીનું મગજ છે, એવી જ રીતે રમીઝ સંજયની આંખો છે. પાર્ટીનો સરવે, ડેટા વિંગની જવાબદારી પણ રમીઝ પાસે છે. સ્થાનિક નેતાઓમાં એ વાતનો આક્રોશ છે કે હરિયાણાના સંજય અને યુપીના રમીઝને બિહારની પાર્ટીમાં રણનીતિ નક્કી કરવા માટે રખાયા છે.

    એવું નથી કે રોહિણીએ પહેલી વખત આ નામો લીધાં હોય. થોડા સમય પહેલાં ચૂંટણીના માહોલમાં RJDમાં આગળની સીટ પરત બેસવાને’ને લઈને પણ ભારે હોબાળો થયો હતો. હકીકતે રાજ્યમાં ‘બિહાર અધિકાર યાત્રા’ કાઢવામાં આવી રહી હતી. બસમાં આગળની સીટ (જેને નેતૃત્વની સીટ ગણવામાં આવે છે) પર તેજસ્વી યાદવના નજીકના માણસ સંજય યાદવને બેસાડવામાં આવ્યો હતો. રોહિણીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આ ઘટનાને લઈને પણ હુમલો કર્યો હતો. 

    તેમણે દાવો કર્યો હતો કે સંજય યાદવ પરિવારમાં હસ્તક્ષેપ કરે છે અને તેમને તેમના પિતા અને પરિવારથી દૂર કરે છે. રોહિણીનું કહેવું હતું કે સંજય યાદવને સાંસદ કે ધારાસભ્ય બનાવી દેવો જોઈએ, પરંતુ લાલુ યાદવની ખુરસી પર તેને બેસાડવો એ યોગ્ય નથી. રોહિણીનો દાવો છે કે રમીઝ અને સંજય યાદવે તેમને તેમના પરિવારથી દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી. 

    રોહિણીનાં આવા નિવેદનો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યાં હતાં. 2022માં પણ રોહિણીએ સંજય યાદવને ટાર્ગેટ કર્યો હતો અને બાદમાં પોસ્ટ ડિલીટ કરીને એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું હતું. તેના નિવેદનોએ તે સ્પષ્ટ કરી દીધું છે કે લાલુ પરિવારમાં આ માત્ર ચૂંટણી હારવાનો મુદ્દો નથી, પણ અંદરખાને પાવર, પ્રોપર્ટી અને આંતરિક વિશ્વાસનો પણ મુદ્દો છે. 

    તેજ પ્રતાપ યાદવથી શરૂ થયો હતો વિવાદ, હવે રોહિણી સુધી પહોંચ્યો

    લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં રાજકીય ઉત્તરાધિકારીનો પ્રશ્ન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. 2017માં જ્યારે લાલુ યાદવને ચારા કૌભાંડમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારે તેમણે પાર્ટીની કમાન તેમના નાના પુત્ર તેજસ્વી યાદવને સોંપી દીધી. આ કારણે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ નારાજ થયા અને બંને ભાઈઓ વચ્ચે રાજકીય સર્વોપરિતા માટે યુદ્ધ શરૂ થયું. તેજ પ્રતાપે વારંવાર પોતાને લાલુ પ્રસાદના ‘સાચા વારસદાર’ ગણાવ્યા છે અને તેનો વિરોધ કર્યો છે. 

    પારિવારિક વિવાદે નવો વળાંક ત્યારે લીધો, જ્યારે તેજ પ્રતાપે લગ્નના પાંચ મહિના બાદ પત્ની એશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અરજી કરી હતી. તેમણે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે તેમના પરિવારે તેમની કોઈ વાત સાંભળી નથી અને ‘આવું ગૂંગળામણભર્યું જીવન જીવવાનો કોઈ અર્થ નથી.’ ત્યારબાદ 2019માં લોકસભા ચૂંટણી પહેલાં તેજ પ્રતાપે RJDમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની પસંદના ઉમેદવારને ટિકિટ ન આપવાને લઈને જહાનાબાદ સીટ પર ચંદ્ર પ્રકાશને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો કર્યો અને RJD ઉમેદવારની હાર થઈ. 

    એ દરમિયાન જ રાબડી દેવી-ઐશ્વર્યા રાય વિવાદ પણ સામે આવ્યો. ઐશ્વર્યા રડતી-રડતી રાબડી આવાસમાંથી બહાર નીકળી અને રાબડી દેવી અને નણંદ મીસા ભારતી પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું હતું કે બંનેએ તેને પ્રતાડિત કરે છે અને ખાવાનું પણ આપતા નથી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેનું ભોજન પણ તેના ઘરેથી માંગવામાં આવી રહ્યું છે. 

    2022-23માં તેજ પ્રતાપે ઘણી વખત દાવો કર્યો હતો કે તેને રાજકીય રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમણે તેજસ્વી યાદવના સહયોગી સંજય યાદવ પર પોતાના વિરુદ્ધ કાવતરું રચવાનો આરોપ લગાવ્યો હતો અને સંજયને ‘જયચંદ’ પણ કહ્યો હતો. મે, 2025માં તેજ પ્રતાપે ફેસબુક પોસ્ટમાં એક મહિલા (અનુષ્કા યાદવ) સાથે 12 વર્ષથી સંબંધમાં હોવાનો દાવો કર્યો હતો, જેને લાલુ યાદવે ‘બેજવાબદાર વ્યવહાર’ ગણાવીને તેજ પ્રતાપને 6 વર્ષ માટે RJD અને પરિવારમાંથી નિષ્કાસિત કરી દીધા. ફરી તેજ પ્રતાપે સંજય યાદવ પર આરોપ લગાવ્યા અને તેને ‘જયચંદ’ ગણાવ્યો. 

    જોકે, હવે આ વિવાદ રોહિણી સુધી પહોંચી ગયો છે. રોહિણી પણ હવે તેજ પ્રતાપ યાદવના માર્ગ પર છે. તફાવત માત્ર એટલો છે કે તેજ પ્રતાપને લાલુ યાદવે નિષ્કાસિત કર્યા હતા અને છેડો ફાડ્યો હતો, જ્યારે રોહિણીએ પોતે પરિવાર અને પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ ઘટના બાદ તેજ પ્રતાપ યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ફરી ‘જયચંદો’ને ટાર્ગેટ કરતાં કહ્યું છે કે તેમની સાથે જે થયું તે તો તેઓ સહી શકશે, પણ તેમની બહેન સાથે જે થયું તે કોઈ કાળે સહન નહીં કરવામાં આવે. તેમણે અંતે કહ્યું હતું કે, “સાંભળી લેજો જયચંદો, પરિવાર પર વાર કર્યો તો જનતા માફ નહીં કરે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં