હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવર્ષના એ પંદર દિવસ જ્યારે દુનિયાથી અલિપ્ત રહે છે ભગવાન: સ્નાનયાત્રાથી રથયાત્રા...

વર્ષના એ પંદર દિવસ જ્યારે દુનિયાથી અલિપ્ત રહે છે ભગવાન: સ્નાનયાત્રાથી રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથની પૂજા કઈ રીતે થાય છે?

અહીં ભગવાનને દૂર બેઠેલા, અસ્પર્શ્ય દેવ તરીકે અનુભવવામાં આવતા નથી. તેઓ જીવનમાં પ્રવેશે છે. તેઓ જન્મે છે, બાળલીલાઓ કરે છે, મિત્ર બને છે, સારથિ બને છે, રાજા બને છે, ભોજન સ્વીકારે છે, વિશ્રામ કરે છે અને જરૂર પડે ત્યારે ભક્તની સેવા પણ સ્વીકારે છે.

- Advertisement -

રથયાત્રાના એક દિવસ પહેલાં પુરી પહોંચો તો તમને એક વિચિત્ર દૃશ્ય જોવા મળશે. મંદિરની બહાર ભીડ છે. દેશના ખૂણે-ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ સિંહદ્વાર તરફ નજર ઠેરવીને ઊભા છે. કોઈના હાથમાં તુલસીની માળા છે, કોઈના હોઠ પર ‘જય જગન્નાથ’નો જાપ છે તો કોઈ વર્ષો પછી મળેલા આ અવસરને આંખોમાં કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આટલી ભીડ હોવા છતાં આજે મંદિરની અંદરથી ભગવાન જગન્નાથના દર્શન નહીં થાય.

‘અનસર ચાલી રહ્યો છે.’

પુરીમાં આ બે શબ્દો પૂરતા છે. સ્થાનિકોને વધુ કંઈ કહેવાની જરૂર પડતી નથી. તેઓ જાણે છે કે ભગવાન જગન્નાથ હાલમાં જાહેર દર્શન આપશે નહીં. કારણ? દેવસ્નાન પૂર્ણિમાના મહાસ્નાન પછી તેમને તાવ આવ્યો છે. તેઓ આરામ કરી રહ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.

- Advertisement -

ભારતની બહારનો કોઈ પ્રવાસી આ વાત પહેલી વાર સાંભળે તો કદાચ હસી પડે. ભગવાન પણ બીમાર પડે? અને તેમની સારવાર પણ થાય? પરંતુ પુરીમાં આ પ્રશ્ન નથી, પરંપરા છે. એવી પરંપરા, જે આજે નહીં, સદીઓથી જીવંત છે. એવી પરંપરા, જેમાં ભગવાન માત્ર પૂજાતા નથી, તેમની સેવા થાય છે અને સેવા એટલી આત્મીયતાથી થાય છે કે તેમને માણસની જેમ આરામ પણ અપાય છે.

પરંતુ આ પંદર દિવસમાં ખરેખર શું થાય છે?

મંદિરના બંધ દરવાજા પાછળ કઈ દુનિયા વસે છે? શા માટે લાખો ભક્તો ભગવાનની એક ઝલક માટે રાહ જુએ છે? શા માટે કેટલાક સેવકો સિવાય કોઈને અંદર જવાની પરવાનગી મળતી નથી? અને આ આખી પરંપરા માત્ર ધાર્મિક માન્યતા છે કે તેની પાછળ સદીઓનો ઇતિહાસ અને એક અત્યંત ઊંડો દાર્શનિક વિચાર પણ છુપાયેલો છે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે રથયાત્રાના દિવસે નહીં, પરંતુ તેનાથી પંદર દિવસ પહેલાં પાછા જવું પડશે.

જ્યેષ્ઠ પૂર્ણિમાની તે સવાર તરફ. એ દિવસ જ્યારે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવે છે. સવારથી જ શ્રીમંદિરની અંદર અસાધારણ ચહલપહલ શરૂ થઈ જાય છે. દૈનિક સેવા કરતાં આ દિવસ સંપૂર્ણપણે અલગ હોય છે. મંદિરના સેવકો જાણે છે કે આજે ભગવાનને સ્નાનવેદી પર લાવવામાં આવશે. વર્ષ દરમિયાન આ એકમાત્ર પ્રસંગ છે, જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી ખુલ્લા મંડપમાં સ્થાપિત થાય છે અને હજારો ભક્તો તેમને મહાસ્નાન પહેલાંના સ્વરૂપમાં નિહાળી શકે છે. આ પ્રસંગને સ્નાનયાત્રા, જળયાત્રા અથવા દેવસ્નાન પૂર્ણિમા કહેવામાં આવે છે.

મંદિરની પરંપરા અનુસાર વિશેષ કૂવામાંથી વિધિપૂર્વક જળ લેવામાં આવે છે. ત્યારબાદ 108 કળશોથી ભગવાનનો મહાભિષેક થાય છે. પ્રથમ નજરે આ એક ભવ્ય ધાર્મિક વિધિ લાગે, પરંતુ પુરીમાં હાજર દરેક વ્યક્તિ જાણે છે કે આ દિવસ માત્ર ઉત્સવનો નથી. આ દિવસ એક એવા અધ્યાયની શરૂઆત છે જે થોડા કલાકોમાં મંદિરના દરવાજા બંધ કરાવી દેશે.

મહાસ્નાન પૂર્ણ થાય છે. જયઘોષ ધીમો પડે છે. ભગવાનને વિશેષ ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. અને પછી… એક ક્ષણ એવી આવે છે, જ્યારે સમગ્ર કથાનો સ્વર બદલાઈ જાય છે. ઉત્સવમાંથી સેવા તરફ. જાહેર દર્શનમાંથી એકાંત તરફ અને ભગવાનને અનસર ગૃહમાં લઈ જવામાં આવે છે.

અહીંથી શરૂ થાય છે એ પંદર દિવસ, જેના વિશે ભારતના કરોડો હિંદુઓ સાંભળે છે, પરંતુ ખૂબ ઓછા લોકો તેની અંદર છુપાયેલી પરંપરાને સાચા અર્થમાં જાણે છે.

જ્યારે ભગવાનને તાવ આવે છે

સ્નાનયાત્રાના દિવસે મહાસ્નાન પૂર્ણ થયા પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને અનસર ગૃહમાં લઈ જવામાં આવે છે. બહાર ઉભેલા ભક્તો માટે આ ક્ષણ કદાચ માત્ર એટલી જ હોય કે હવે દર્શન બંધ થઈ ગયા. પરંતુ મંદિરની અંદરથી જોવામાં આવે તો અહીંથી આખી પરંપરાનો સૌથી સંવેદનશીલ અધ્યાય શરૂ થાય છે. મહાસ્નાન પછી ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે છે અને એ સાથે જ ઉત્સવની જગ્યાએ સેવા કેન્દ્રસ્થાને આવી જાય છે. હવે ભગવાનને રાજાની જેમ નહીં, દર્દીની જેમ સંભાળવામાં આવે છે. તેમના દૈનિક નિયમોમાં ફેરફાર થાય છે, ભોગમાં ફેરફાર થાય છે, મુલાકાતોમાં ફેરફાર થાય છે અને સૌથી મહત્વની વાત એ કે મંદિરની અંદરનું જીવન એકદમ અલગ લયમાં ધબકવા લાગે છે.

આધુનિક માનસ માટે આ કલ્પના થોડી અસ્વાભાવિક લાગી શકે. કોઈ પૂછે કે શું ખરેખર ભગવાન બીમાર પડે? પરંતુ કદાચ આ પ્રશ્ન જ જગન્નાથ પરંપરાને સમજવામાં સૌથી મોટો અવરોધ છે. કારણ કે પુરીના શ્રીમંદિરમાં કોઈ ભગવાનની બીમારીને સાબિત કરવાનો પ્રયાસ કરતું નથી. અહીં તો સદીઓથી ભગવાનની સેવા કરવામાં આવે છે. સેવા અને તર્કનો સંબંધ હંમેશા એકસરખો હોતો નથી. સેવા સંબંધમાંથી જન્મે છે. માતા પોતાના બાળકને તાવ આવ્યો હોય ત્યારે જે કરે છે, પત્ની પોતાના પતિની સંભાળ રાખે ત્યારે જે કરે છે અથવા પરિવાર કોઈ વૃદ્ધ સભ્ય માટે જે ચિંતા કરે છે, એ જ ભાવ અહીં ભગવાન માટે વ્યક્ત થાય છે. જગન્નાથ સંપ્રદાયની સૌથી મોટી વિશેષતા કદાચ એ જ છે કે અહીં ભક્ત ભગવાનને દૂર બેઠેલા દેવ તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સૌથી વહાલા સભ્ય તરીકે અનુભવે છે.

એટલે જ અનસરના દિવસોમાં મંદિરની અંદર ભગવાન માટે વિશેષ પથ્ય તૈયાર થાય છે. સામાન્ય દિવસોની જેમ વિવિધ પ્રકારના મહાભોગ નહીં, પરંતુ હળવો અને પરંપરા અનુસાર યોગ્ય આહાર ધરાવવામાં આવે છે. સ્થાનિક પરંપરાઓમાં ઔષધીય ગુણ ધરાવતા કેટલાક પદાર્થો અને વિશેષ તૈયારીઓનો પણ ઉલ્લેખ મળે છે. રાજવૈદ્યની પરંપરા પણ આ જ સમય સાથે જોડાયેલી છે. આજે ભલે આ સમગ્ર પ્રક્રિયાને ધાર્મિક વિધિ તરીકે જોવામાં આવે, પરંતુ તેનો મૂળ ભાવ એક જ છે કે ભગવાન અસ્વસ્થ છે, એટલે તેમની સેવા પણ અસ્વસ્થ વ્યક્તિની જેમ જ થવી જોઈએ. આ વિચારને માત્ર વાંચી શકાય એવો નથી, તેને ભારતીય મંદિર સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં અનુભવો તો જ તેની ઊંડાઈ સમજાય.

આ સેવા દરમિયાન સૌથી મહત્વની જવાબદારી દૈતા સેવકોની હોય છે. જગન્નાથ મંદિરની સેવાપદ્ધતિ અત્યંત જટિલ છે અને તેમાં સેંકડો પ્રકારની સેવાઓ પેઢી દર પેઢી અલગ-અલગ પરિવારો દ્વારા નિભાવવામાં આવે છે. પરંતુ અનસર આવે ત્યારે દૈતા સેવકોનું સ્થાન વિશેષ બની જાય છે. પરંપરા અનુસાર તેઓ ભગવાનને પોતાના કુટુંબના સભ્યની જેમ સેવા આપે છે. એ સંબંધમાં ઔપચારિકતા કરતાં આત્મીયતા વધુ છે. કદાચ એ જ કારણ છે કે અનસરની ઘણી વિધિઓમાં તેમનું સ્થાન અનિવાર્ય માનવામાં આવે છે. મંદિરની પરંપરા આજે પણ આ સેવાઓને માત્ર ધાર્મિક ફરજ નહીં, પરંતુ વારસામાં મળેલી જવાબદારી તરીકે જાળવી રાખે છે.

અહીંથી જ અનસરમી સૌથી રહસ્યમય પાસું શરૂ થાય છે. આ દિવસોમાં મંદિરના દ્વાર બંધ રહે છે, પરંતુ અંદરનું જીવન અટકતું નથી. સેવા સતત ચાલુ રહે છે. આરતી થાય છે, ભોગ ધરાવવામાં આવે છે, નિયમોનું પાલન થાય છે, પરંતુ આ બધું હવે સામાન્ય ભક્તોની નજરથી દૂર રહે છે. બહાર ઉભેલો શ્રદ્ધાળુ માત્ર એટલું જ જાણે છે કે ભગવાન અનસરમાં છે, અંદર ચોક્કસ શું થાય છે તેની દરેક વિગત મંદિર પરંપરા જાહેર કરતી નથી. સદીઓથી કેટલીક વિધિઓ મર્યાદિત સેવકો સુધી જ સીમિત રાખવામાં આવી છે. આ મૌન જ અનસરને રહસ્યમય બનાવે છે. પરંતુ એ રહસ્ય કોઈ રોમાંચ ઊભો કરવા માટે રચાયેલું નથી, તે પરંપરાની મર્યાદામાંથી જન્મેલું છે. ભારતીય મંદિર પરંપરામાં કેટલીક સેવાઓ એવી હોય છે, જેને જાહેર પ્રદર્શનનો વિષય માનવામાં આવતી નથી.

પરંતુ આ દરમિયાન એક બીજું દૃશ્ય પણ સર્જાઈ રહ્યું હોય છે, જે કદાચ એટલું જ રસપ્રદ છે. મંદિરનાં દ્વાર બંધ થયા છે છતાં ભક્તિ અટકતી નથી. હજારો યાત્રાળુઓ, જેઓ ભગવાન જગન્નાથના દર્શન માટે પુરી પહોંચ્યા હોય છે તેઓ ખાલી હાથે પાછા ફરતા નથી. સદીઓ જૂની પરંપરા તેમને પુરીથી થોડે દૂર આવેલા અલારનાથ મંદિર સુધી લઈ જાય છે. માન્યતા એવી છે કે અનસર દરમિયાન ભગવાન અલારનાથ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. તેથી જ આ દિવસોમાં અલારનાથમાં અસામાન્ય ભીડ જોવા મળે છે. આ પરંપરા માત્ર વૈકલ્પિક દર્શનની વ્યવસ્થા નથી, તે સનાતન સંસ્કૃતિના એક સુંદર વિચારને વ્યક્ત કરે છે કે ભગવાન થોડા સમય માટે એકાંતમાં હોય શકે, પરંતુ ભક્ત સાથેનો તેમનો સંબંધ ક્યારેય તૂટતો નથી. માર્ગ બદલાય છે, સંબંધ નહીં.

અનસરના આ પંદર દિવસો ધીમે-ધીમે પૂર્ણતા તરફ વધે છે. બહાર રાહ જોતા ભક્તોને હજુ ખબર નથી કે મંદિરની અંદર બીજી એક મહત્વપૂર્ણ તૈયારી પણ ચાલી રહી છે. ભગવાન હવે ફરીથી ભક્તો સમક્ષ પ્રગટ થવાના છે. પરંતુ તે પહેલાં એક એવી વિધિ થશે, જેના વગર રથયાત્રાની શરૂઆત અધૂરી માનવામાં આવે છે. પંદર દિવસનો આ એકાંત હવે પૂર્ણ થવાનો છે અને ભગવાન ફરી એકવાર સમગ્ર જગત તરફ પોતાની દૃષ્ટિ ફેરવવાના છે.

નેત્રોત્સવથી રથયાત્રા સુધી: જ્યારે ભગવાન ફરી ભક્તોની વચ્ચે પરત ફરે છે

પંદર દિવસ… કદાચ વર્ષના સૌથી લાંબા પંદર દિવસ.

જે ભક્તો દરરોજ ભગવાનના દર્શન કર્યા વગર દિવસ પૂર્ણ નથી કરતા તેમના માટે આ રાહ માત્ર કેલેન્ડરની ગણતરી નથી. પુરીમાં આ દરમિયાન વાતચીતમાં વારંવાર એક જ પ્રશ્ન સંભળાય છે કે ભગવાનના દર્શન ક્યારે ખુલશે? રથયાત્રાની આતુરતા જેટલી હોય છે, એટલી જ આતુરતા આ પ્રશ્નની પણ હોય છે. કારણ કે જગન્નાથ પરંપરામાં રથયાત્રા ભગવાનના બહાર આવવાથી શરૂ થતી નથી, તે તો અનસરના છેલ્લા દિવસે જ શરૂ થઈ જાય છે.

પંદર દિવસની સેવા પૂર્ણ થયા પછી મંદિરની અંદર એક એવી વિધિ થાય છે, જેને ‘નેત્રોત્સવ’ તરીકે ઓળખવામાં આવે છે. જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃઅંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આ માત્ર શિલ્પ અથવા રંગરોગાનની પ્રક્રિયા લાગે, પરંતુ મંદિરની પરંપરામાં તેનો અર્થ ઘણો વિશાળ છે. ભગવાન હવે ફરી ભક્તોને દર્શન આપવા તૈયાર છે. જે દૃષ્ટિ થોડા દિવસોથી જગતથી અલિપ્ત હતી, તે ફરી સમગ્ર વિશ્વ તરફ ફરી રહી છે. તેથી જ નેત્રોત્સવ પછી થતા દર્શનોને માત્ર દર્શન નહીં, પરંતુ ‘નવયૌવન દર્શન’ કહેવામાં આવે છે. જાણે ભગવાન પંદર દિવસના આરામ પછી નવા તેજ, નવી ઊર્જા અને નવા યુવાન સ્વરૂપ સાથે ફરી પોતાના ભક્તો વચ્ચે આવ્યા હોય.

અહીં એક વાત નોંધવા જેવી છે. આખી અનસર પરંપરામાં ક્યાંય મૃત્યુ, શોક કે વિયોગનો ભાવ નથી. અહીં વિરામ છે, પરંતુ અંત નથી. અહીં એકાંત છે, પરંતુ ત્યાગ નથી. અહીં અસ્વસ્થતા છે, પરંતુ નિરાશા નથી. સ્નાનયાત્રાથી શરૂ થયેલી આ યાત્રા ભગવાનને ફરી રથ સુધી પહોંચાડે છે. એટલે જ જગન્નાથ પરંપરામાં અનસરને ક્યારેય દુઃખદ પ્રસંગ તરીકે જોવામાં આવ્યો નથી. આ તો જીવનની ગતિનો જ એક ભાગ છે- વિરામ પછી ફરી પ્રસ્થાન. કદાચ આ જ જગ્યાએ આવીને સૌથી મોટો પ્રશ્ન ફરી સામે ઊભો થાય છે.

ભગવાન સાથે આ બધું કેમ થાય?

જો ભગવાન સર્વશક્તિમાન છે તો તેમને તાવ કેમ આવે? જો તેઓ પરબ્રહ્મ છે તો તેમની સારવાર કેમ થાય? જો તેઓ સર્વવ્યાપી છે તો તેમને પંદર દિવસ માટે એકાંતમાં કેમ રાખવામાં આવે? આ પ્રશ્નોના જવાબ માત્ર જગન્નાથ મંદિરમાં નહીં મળે. તેના માટે સમગ્ર ભારતીય મંદિર પરંપરા તરફ જોવું પડે.

ભારતમાં મોટાભાગના પ્રાચીન મંદિરોમાં દેવતાને ‘જીવંત’ માનવાની પરંપરા છે. પ્રાણપ્રતિષ્ઠા પછી વિગ્રહ માત્ર શિલ્પ નથી, તે ઉપાસ્ય દેવતાનું સજીવ અધિષ્ઠાન બની જાય છે. એટલા માટે ભગવાનને જગાડવામાં આવે છે. તેમના દાંતણ, સ્નાન, વસ્ત્ર, ભોજન, વિશ્રામ અને શયન સુધીની સેવા થાય છે. ઋતુ બદલાય તો તેમનાં વસ્ત્રો બદલાય છે. ઉનાળામાં ચંદન અર્પણ થાય છે. શિયાળામાં ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેમને સંગીત સંભળાવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ શાસ્ત્રીય નૃત્ય અર્પણ થાય છે. આ બધું કોઈ ઔપચારિક વિધિ નથી, આ ભારતીય ભક્તિ પરંપરાની સૌથી ઊંડી અભિવ્યક્તિ છે– સેવા.

જગન્નાથની અનસર પરંપરા આ સમગ્ર વિચારનું સૌથી જીવંત અને સૌથી નાટ્યાત્મક સ્વરૂપ છે. અહીં ભગવાનને માત્ર ભોજન જ ધરાવવામાં આવતું નથી, પરંતુ તેઓ અસ્વસ્થ પણ થાય છે. માત્ર શણગાર જ થતો નથી, પરંતુ સારવાર પણ થાય છે. માત્ર આરતી જ થતી નથી, પરંતુ આરામ પણ અપાય છે. આ પરંપરા જાણે એક જ વાત કહે છે કે ભગવાનને સમજવાનો સૌથી નજીકનો માર્ગ તેમને દૂર બેસાડીને નહીં, પરંતુ પોતાના જીવનમાં આમંત્રિત કરીને ખુલ્લો થાય છે.

આ જ કારણ છે કે ભારતીય ભક્તિ સાહિત્યમાં ભગવાન અને ભક્તનો સંબંધ હંમેશા કોઈને કોઈ માનવીય સંબંધમાં વ્યક્ત થયો છે. ક્યાંક ભગવાન પુત્ર છે, ક્યાંક મિત્ર છે, ક્યાંક પતિ છે, ક્યાંક સ્વામી છે તો ક્યાંક અતિથિ. મીરાં માટે કૃષ્ણ પતિ હતા. યશોદા માટે તેઓ પુત્ર હતા. અર્જુન માટે સારથિ અને મિત્ર હતા. હનુમાન માટે શ્રીરામ સ્વામી હતા. દરેક સંબંધમાં એક વાત સમાન છે કે ભગવાનને દૂર રાખવામાં આવ્યા નથી. તેઓ જીવનનો ભાગ બન્યા છે.

જગન્નાથની અનસર પરંપરા પણ એ જ વાતને મંદિરની સેવાપદ્ધતિમાં રૂપાંતરિત કરે છે. અહીં ભગવાન બીમાર પડે છે, કારણ કે ભક્ત તેમની સેવા કરી શકે. તેઓ એકાંતમાં જાય છે, જેથી પુનર્મિલનની આતુરતા જન્મે. તેઓ ફરી બહાર આવે છે, જેથી રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં રહે, પરંતુ લાંબા વિરામ પછીના મિલનની ક્ષણ બની જાય.

એટલે જ કદાચ રથયાત્રાના દિવસે લાખો લોકો ભગવાનને માત્ર જોવા માટે રસ્તાઓ પર ઊભા રહેતા નથી. તેઓ તેમની રાહ જુએ છે. એ જ ભગવાનની, જેમણે છેલ્લા પંદર દિવસ મંદિરના બંધ બારણા પાછળ વીતાવ્યા હતા અને કદાચ એ જ કારણ છે કે જગન્નાથની રથયાત્રા માત્ર ભારતની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક નથી. તે ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધનો સૌથી જીવંત જાહેર ઉત્સવ પણ છે, જેની શરૂઆત રથથી નહીં, પરંતુ મંદિરના બંધ થઈ ગયેલા દરવાજાઓથી થાય છે.

બંધ દરવાજાઓ પાછળથી ખુલતો એક મોટો અર્થ

જો આ આખી પરંપરાને માત્ર ધાર્મિક વિધિઓની શ્રેણી તરીકે જોવામાં આવે તો કદાચ આપણે એટલું જ યાદ રાખીશું કે ભગવાન જગન્નાથને સ્નાન કરાવવામાં આવે છે, પછી તેઓ પંદર દિવસ માટે જાહેર દર્શન આપતા નથી અને ત્યારબાદ રથયાત્રામાં નીકળે છે. પરંતુ પુરીની આ પરંપરા સદીઓથી એટલા માટે જીવંત નથી રહી કે તેમાં કેટલીક અનોખી વિધિઓ છે. તે જીવંત રહી છે, કારણ કે તેની પાછળ ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધની એવી કલ્પના છે, જે ભારતીય સંસ્કૃતિના સૌથી સુંદર વિચારોમાંની એક છે.

ભારતીય પરંપરામાં મંદિર માત્ર પ્રાર્થના કરવાનું સ્થળ નથી. તે એક જીવંત ગૃહ છે. એટલા માટે જ મંદિરની ભાષામાં ‘પૂજા’ જેટલો જ મહત્વનો શબ્દ છે ‘સેવા’. પૂજા ક્ષણિક હોય શકે, સેવા સતત હોય છે. પૂજામાં ભક્ત ભગવાન સમક્ષ ઊભો રહે છે, જ્યારે સેવામાં ભગવાન ઘરના સભ્ય બની જાય છે. કદાચ એ જ કારણ છે કે દેશના અનેક પ્રાચીન મંદિરોમાં દેવતાના દિવસની શરૂઆત મંગળા આરતીથી થાય છે, પછી સ્નાન, વસ્ત્ર, ભોગ, વિશ્રામ અને શયન સુધીનો સંપૂર્ણ દૈનિક ક્રમ હોય છે. આ ક્રમ સદીઓથી જીવાતી એક સંસ્કૃતિ છે, જેમાં ભગવાનને માત્ર સર્વશક્તિમાન તરીકે નહીં, પરંતુ સ્નેહના કેન્દ્ર તરીકે પણ સ્વીકારવામાં આવ્યા છે.

જગન્નાથની અનસર પરંપરા આ વિચારને સૌથી સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. અહીં ભગવાન બીમાર પડે છે એટલે તેઓ અપૂર્ણ કે નબળા છે એવો સંદેશ નથી. અહીં ભગવાન અસ્વસ્થ થાય છે એટલે ભક્ત તેમની સેવા કરી શકે છે એવો ભાવ છે. અહીં તાવ કોઈ ચિકિત્સાકીય ઘટના નથી, પરંતુ સંબંધની ભાષા છે. માતા બાળકને જે રીતે પ્રેમથી દવા પીવડાવે છે, એ જ ભાવ અહીં ભગવાન પ્રત્યે વ્યક્ત થાય છે. ભક્તિ જ્યારે માત્ર શ્રદ્ધા રહેતી નથી અને સ્નેહમાં પરિવર્તિત થાય છે, ત્યારે અનસર જેવી પરંપરાઓ જન્મે છે.

કદાચ એટલા માટે જ રથયાત્રાનો આનંદ પણ આ પંદર દિવસ વિના અધૂરો છે. વિરહ વિના મિલનનું મૂલ્ય સમજાતું નથી. રાહ જોયા વિના આગમનની ખુશી જન્મતી નથી. અનસરના દિવસોમાં ભક્ત ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ કદાચ એ જ દિવસો તેમને ભગવાનની સૌથી નજીક લઈ જાય છે. કારણ કે દર્શન બંધ થઈ જાય છે, પરંતુ સ્મરણ નહીં. મંદિરના દ્વાર બંધ થઈ જાય છે, પરંતુ સંબંધ નહીં. બહાર ભગવાન દેખાતા નથી, પરંતુ અંદર તેમની સેવા સતત ચાલતી રહે છે.

જગન્નાથ પરંપરાનો ઇતિહાસ પણ આ વિચાર જેટલો જ અદ્ભુત છે. રાજવંશો બદલાયા, આક્રમણો થયાં, મૂર્તિઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી, રાજકીય સત્તાઓ બદલાતી રહી, છતાં આ પરંપરા તૂટી નહીં. તેનું કારણ માત્ર મંદિરની દીવાલો નહોતું, તેનું કારણ એ સમાજ હતો, જેણે મંદિરને ઇમારત તરીકે નહીં, પરંતુ જીવંત પરંપરા તરીકે સાચવ્યું. સેવા અટકી નહીં એટલે પરંપરા બચી રહી. આ જ કારણ છે કે આજે પણ સ્નાનયાત્રાથી રથયાત્રા સુધીનો દરેક દિવસ લગભગ એ જ શ્રદ્ધા અને એ જ ક્રમ સાથે ઉજવાય છે, જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો અને મંદિરની પરંપરાગત નોંધોમાં મળે છે.

આખરે કદાચ આ આખી યાત્રાનો સૌથી મોટો પ્રશ્ન એ નહોતો કે ભગવાન પંદર દિવસ ક્યાં રહે છે. સાચો પ્રશ્ન કદાચ એ હતો કે સનાતન પરંપરાએ ભગવાનને આટલા નજીક કેવી રીતે લાવી દીધા? જવાબ પણ કદાચ એ જ પરંપરામાં છુપાયેલો છે.

અહીં ભગવાનને દૂર બેઠેલા, અસ્પર્શ્ય દેવ તરીકે અનુભવવામાં આવતા નથી. તેઓ જીવનમાં પ્રવેશે છે. તેઓ જન્મે છે, બાળલીલાઓ કરે છે, મિત્ર બને છે, સારથિ બને છે, રાજા બને છે, ભોજન સ્વીકારે છે, વિશ્રામ કરે છે અને જરૂર પડે ત્યારે ભક્તની સેવા પણ સ્વીકારે છે. તેથી જ પુરીના શ્રીમંદિરમાં વર્ષમાં એકવાર ભગવાન અનસરમાં જાય છે અને આખો સમાજ તેમની રાહ જુએ છે, એ રાહમાં માત્ર ધાર્મિક આસ્થા નથી, એક આત્મીય સંબંધ પણ છે.

આખી અનસર પરંપરાને સમજ્યા પછી કદાચ સૌથી મોટો પ્રશ્ન એ રહેતો નથી કે ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી જાહેર દર્શન કેમ આપતા નથી. સાચો પ્રશ્ન એ બને છે કે સનાતન પરંપરાએ ભગવાનને ભક્તની આટલી નજીક કેવી રીતે લાવી દીધા? વિશ્વના બધા પંથોમાં ઈશ્વરને સર્વશક્તિમાન, અલિપ્ત અને માનવીય મર્યાદાઓથી પર માનવામાં આવે છે. જ્યારે સનાતન પરંપરામાં ભગવાન ભક્તના જીવનમાં એટલા આત્મીય બની જાય છે કે તેઓ જન્મ લે છે, બાળપણ જીવે છે, મિત્રતા કરે છે, લગ્ન કરે છે, વિયોગ અને શોકનો અનુભવ કરે છે અને પુરીની જગન્નાથ પરંપરામાં વર્ષમાં એકવાર બીમાર પણ થાય છે. આ પરંપરાઓ ભગવાનને માનવ બનાવવાનો પ્રયાસ નથી કરતી, તે ભક્તને ભગવાનની એટલી નજીક લઈ જાય છે કે બંને વચ્ચેનો સંબંધ માત્ર આરાધનાનો નહીં, પરંતુ આત્મીય સેવાનો બની જાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં