Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાઇઝરાયેલીઓને બચાવવા ગ્રેનેડ પાછો ફેંકી દીધો, અંત સુધી લડ્યા બાદ મોત વ્હાલું...

    ઇઝરાયેલીઓને બચાવવા ગ્રેનેડ પાછો ફેંકી દીધો, અંત સુધી લડ્યા બાદ મોત વ્હાલું કર્યું: કોણ છે બિપિન જોશી, જેઓ હમાસની કેદમાં હતા એકમાત્ર હિંદુ

    બિપિન જોશીની આ ઘટનાએ નેપાળમાં રાષ્ટ્રીય દુઃખનું સ્વરૂપ લીધું છે. નેપાળના મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમની હિંમત અને ત્યાગની ચર્ચા થઈ રહી છે. નેપાળી સમુદાયે તેમની યાદમાં પ્રાર્થના સભાઓ યોજી અને સ્થાનિક નેતાઓએ તેમના પરિવારને સમર્થન આપવાનું વચન પણ આપ્યું છે.

    - Advertisement -

    13 ઑક્ટોબરના રોજ હમાસે 2 વર્ષથી બંદી બનાવેલા ઇઝરાયેલના તમામ જીવિત બંધકોને મુક્ત કર્યા છે. હમાસે 20 બંધકોને મુક્ત કરી દીધા છે. આ બંધકોમાં એક નેપાળી યુવાન બિપિન જોશી પણ સામેલ હતા. જોકે, તે પરત ન આવતા ઇઝરાયેલની સેનાએ તેમના મૃત્યુ અંગે પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી અધિકારીઓએ 13 ઑક્ટોબરે નેપાળી અધિકારીઓને જાણ કરી હતી કે 7 ઑક્ટોબર 2023ના રોજ થયેલા હુમલા દરમિયાન હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નેપાળી વિદ્યાર્થી બિપિન જોશી બચી ગયેલા લોકોમાં સામેલ નથી.

    અહેવાલ અનુસાર, ઇઝરાયેલી સમય મુજબ સવારે 7:30 વાગ્યે IDFના અધિકારીઓએ વિડીયો કોલથી માહિતી આપી હતી. નેપાળી રાજદૂત ધન પ્રસાદ પંડિત, જોશીનાં બહેન પુષ્પા અને સંબંધી કિશોર જોશી વચ્ચે વિડીયો કૉન્ફરન્સ દરમિયાન આ માહિતી શેર કરવામાં આવી હતી. રાજદૂત પંડિતે કાઠમંડુ પોસ્ટને જણાવ્યું હતું કે બિપિનનું નામ જીવિત વ્યક્તિઓની યાદીમાં નથી. હમાસે તેમનો મૃતદેહ ઇઝરાયેલને સોંપી દીધો છે.

    બિપિન જોશી કેવી રીતે પહોંચ્યા ઇઝરાયેલ?

    22 વર્ષીય બિપિન જોશી મૂળ નેપાળના હતા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થી હતા. તેઓ નેપાળના એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તે એકમાત્ર હિંદુ બંધક તરીકે જાણીતા થયા હતા. તેઓ ‘લર્ન એન્ડ અર્ન’ (શીખો અને કમાઓ) કાર્યક્રમ હેઠળ ઇઝરાયેલ ગયા હતા. આ કાર્યક્રમ દ્વારા નેપાળી વિદ્યાર્થીઓને આધુનિક કૃષિ તકનીકો શીખવાની તક મળે છે અને તેઓ કામ પણ કરીને પોતાના ખર્ચા ચલાવે છે.

    - Advertisement -

    બિપિન અને તેમના 16 અન્ય નેપાળી વિદ્યાર્થીઓ કિબુત્ઝ આલુમિમમાં (ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં એક કૃષિ સમુદાય) કામ કરતા હતા. ત્યાં તેઓ કૃષિ કાર્યોમાં મદદ કરતા અને આધુનિક ખેતીના પાઠ શીખતા હતા. બિપિનના પરિવાર માટે આ એક મોટી આશા હતી – તેઓ વિચારતા કે બિપિન પરત આવીને તેમના ગામમાં આ તકનીકો લાવશે અને પરિવારને આર્થિક મદદ કરશે. પરંતુ આમાંથી કંઈ ન થયું, કારણ કે હમાસના હુમલાએ તેમના જીવનને એક અલગ જ વળાંક આપી દીધો.

    7 ઑક્ટોબરના હુમલામાં બન્યા બંધક

    ઉલ્લેખનીય છે કે 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના આતંકીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. કિબુત્ઝ આલુમિમ પર પણ આ હુમલો થયો, જ્યાં બિપિન અને તેમના સાથીઓ કામ કરતા હતા. હમાસના આતંકીઓએ કિબુત્ઝ પર હુમલો કર્યો અને ત્યાંના લોકોને પણ નિશાન બનાવ્યા હતા.

    બિપિન તે સમયે સુરક્ષિત રૂમમાં (સેફ રૂમ) પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર તેમણે હિંમતથી એક ગ્રેનેડને પાછો ફેંકીને અન્ય ઇઝરાયેલી લોકોના જીવ બચાવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહીં. હમાસના આતંકીઓએ તેમને કેદ કરી લીધા. તેમના 16 સાથી નેપાળી વિદ્યાર્થીઓમાંથી 10 માર્યા ગયા, 5 ઘાયલ થયા, 1 બચી ગયો અને બિપિન તથા એક થાઇ નાગરિકને બંધક બનાવવામાં આવ્યા હતા.

    તેમની માતા પદ્મા જોશી અને બહેન પુષ્પાએ તેમની મુક્તિ માટે દરેક સંભવિત પ્રયાસો કર્યા હતા. તેઓ ઇઝરાયલ ગયા અને ત્યાંના વરિષ્ઠ અધિકારીઓને પણ મળ્યા. નેપાળ સરકારે પણ આ મામલે સક્રિય ભૂમિકા ભજવી. નેપાળના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને વિદેશ મંત્રીએ ઇઝરાયેલી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાતચીત કરી હતી. નેપાળના રાજદૂત ધના પ્રસાદ પંડિતે બિપિનની મુક્તિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલો પણ કરી હતી. પરિવારે સોશિયલ મીડિયા અને મીડિયા કેમ્પેઈન દ્વારા બિપિનની વાતને વિશ્વ સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

    નવેમ્બર 2023માં IDFને એક વિડીયો મળ્યો હતો, જેમાં બિપિન જોવા મળ્યા હતા. આ વિડીયો ગાઝાની એક હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નહોતી. આ વિડીયો પર ઇઝરાયેલી સેન્સરશિપ હતી, તેથી તેને સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવ્યો ન હતો. પરંતુ બિપિનના પરિવારે તેને જાહેર કરવાની મંજૂરી મેળવી હતી. બિપિનની બહેન પુષ્પાએ કહ્યું હતું કે, “અમે ફક્ત બિપિનને પાછો મેળવવા માંગીએ છીએ. આ અમારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.” માતા પદ્માને આશા હતી કે તેમનો દીકરો પાછો આવશે.

    તાજેતરમાં શું થયું?

    13 ઑક્ટોબર 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલ શાંતિ કરાર હેઠળ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ હમાસે 20 જીવિત બંધકો અને 28 મૃતદેહો ઇઝરાયેલને સોંપ્યા છે. આ સમાચારે બિપિનના પરિવાર અને નેપાળી સમુદાયમાં આશા જગાડી કે બિપિન જીવિત હશે. પરંતુ હમાસના સશસ્ત્ર વિભાગે બિપિન જોશીનું નામ મૃત બંધકોની યાદીમાં સામેલ કર્યું. ઇઝરાયેલી સેનાએ પણ આ માહિતીની પુષ્ટિ કરી અને જણાવ્યું કે બિપિન હવે જીવિત નથી.

    ઇઝરાયેલી અધિકારીઓએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા નેપાળી રાજદૂત ધના પ્રસાદ પંડિત, બિપિનનાં બહેન પુષ્પા અને સંબંધી કિશોર જોશીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું કે બિપિનનો મૃતદેહ પરત કરવા અથવા તેમના મૃત્યુની વિગતો જાણવા માટેના પ્રયાસો ચાલુ છે. આ સમાચારથી બિપિનના પરિવારને મોટો આઘાત લાગ્યો છે. તેમનાં માતાએ કહ્યું છે કે “અમને આશા હતી કે બિપિન પરત આવશે, પણ હવે અમે અમારું બધું ખોઈ દીધું છે.”

    બિપિન જોશીની આ ઘટનાએ નેપાળમાં રાષ્ટ્રીય દુઃખનું સ્વરૂપ લીધું છે. નેપાળના મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમની હિંમત અને ત્યાગની ચર્ચા થઈ રહી છે. નેપાળી સમુદાયે તેમની યાદમાં પ્રાર્થના સભાઓ યોજી અને સ્થાનિક નેતાઓએ તેમના પરિવારને સમર્થન આપવાનું વચન પણ આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બિપિનની કરુણાંતિકાએ લોકોના હૃદયને સ્પર્શ્યા છે. ઇઝરાયેલના બ્લોગ્સ અને અખબારોમાં પણ બિપિનને ‘નિર્દોષ યુવાન’ તરીકે યાદ કરવામાં આવી રહ્યા છે, જે એક એવા યુદ્ધમાં ફસાઈ ગયા જેની સાથે તેમનું કંઈ લાગતું વળગતું નહોતું. હમાસે તેમનો મૃતદેહ ઇઝરાયેલને સોંપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં