Sunday, June 22, 2025
More
    હોમપેજદુનિયા13 હજાર કિલો વજન, જમીનમાં 200 ફૂટ નીચે જઈને કરે છે વિસ્ફોટ:...

    13 હજાર કિલો વજન, જમીનમાં 200 ફૂટ નીચે જઈને કરે છે વિસ્ફોટ: શું છે બંકર બસ્ટર બૉમ્બ, જેનાથી અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં ઉડાવ્યાં– એ B2 બૉમ્બર વિશે પણ જાણો, જેનાથી પાર પડાયું ઑપરેશન

    અમેરિકી સેનાએ ઈરાનના ફોર્ડો પરમાણુ ઠેકાણાં પર 6 MOP બૉમ્બથી હુમલો કર્યો હતો. તા દરમિયાન અમેરિકી નૌકાદળની સબમરીન દ્વારા નતાંઝ અને ઈસ્ફ્હાનને ટાર્ગેટ કરવા માટે 30 ટૉમહૉક લેન્ડ અટેક મિસાઈલો છોડવામાં આવી હતી.

    - Advertisement -

    ઈરાનના (Iran) ત્રણ પરમાણુ ઠેકાણાં (Nuclear sites) પર અમેરિકાના (USA) હુમલા બાદથી વિશ્વભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ઑપરેશન પૂર્ણ થયા બાદ ઈરાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે હવે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી તો તેનું પરિણામ ભયાનક આવશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકી સેનાએ ઉપયોગમાં લીધેલા શસ્ત્રોની ચર્ચા પણ ચોતરફ જોવા મળી રહી છે. અમેરિકી સેનાએ ઈરાનના પરમાણુ ઠેકાણાં પર બંકર બસ્ટર બૉમ્બ MOPથી (Bunker Buster Bomb MOP) હુમલો કર્યો હતો. MOPને વહન કરવાની ક્ષમતા પણ માત્ર B2 સ્પિરિટ બૉમ્બર (B2 Spirit Bomber) વિમાનમાં જ છે. 

    આ બંને શસ્ત્રોનો ઉપયોગ કરીને અમેરિકી સેનાએ લગભગ 10,000 KM દૂર ઈરાન પર ભારે તબાહી મચાવી છે. આ હુમલામાં અમેરિકી વાયુસેનાએ દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ B2 બૉમ્બર્સનો ઉપયોગ કર્યો છે. આ બૉમ્બર વિશે એવું કહેવાય છે કે તે હજારો કિલોગ્રામના બૉમ્બને વહન કરી શકે છે. અમેરિકાએ જે બૉમ્બ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં પર બ્લાસ્ટ કર્યાં તે પણ ખૂબ એડવાન્સ છે. બંને શસ્ત્રો વિશેની વિગતે માહિતી મેળવીએ. 

    શું છે બંકર બસ્ટર MOP? 

    અમેરિકી સેનાએ ઈરાન પર છોડેલા બૉમ્બને GBU-57 MOP એટલે કે મેસિવ ઑર્ડનેંસ પેનિટ્રેટર (Massive Ordnance Penetrator) કહેવામાં આવે છે. તેના વજન વિશે વાત કરવામાં આવે તો તે 13,607 કિલોગ્રામના હોય છે. તેને ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાંને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બૉમ્બ ખૂબ મજબૂત સ્ટીલ એલૉયથી બનેલા હોય છે, જે તેને જમીનની અંડર સેંકડો ફૂટ સુધી ઘૂસવાની ક્ષમતા આપે છે. ત્યારબાદ તે બૉમ્બ અંદર જઈને વિસ્ફોટ કરે છે, જેથી અંદરના ઠેકાણાંને સંપૂર્ણપણે તબાહ કરી શકાય છે. 

    - Advertisement -

    અમેરિકી વાયુસેના અનુસાર, આ બૉમ્બનું નિર્માણ બોઇંગ દ્વારા કરવામાં આવે છે અને તે GPS ગાઈડેડ હોય છે. તેને માત્ર B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બરથી જ લૉન્ચ કરી શકાય છે. હમણાં સુધી આ બૉમ્બના કોઈપણ યુદ્ધમાં ઉપયોગની આધિકારિક જાણકારી સાર્વજનિક નથી થઈ, પણ સૈન્ય નિષ્ણાતો માને છે કે આ બૉમ્બ પહેલાં કરતાં હવે વધુ ઉન્નત અને પ્રભાવી થઈ ચૂક્યા છે. રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બૉમ્બ લગભગ 200 ફૂટ સુધી જમીનમાં ઘૂસી શકે છે અને ત્યારબાદ બ્લાસ્ટ કરે છે. 

    મહત્વની વાત એ છે કે, ઇઝરાયેલ અને અમેરિકા સિવાય વિશ્વના કોઈપણ દેશ પાસે આવા બૉમ્બ નથી. જે જમીનના સ્તરની નીચે જઈને ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે. અમેરિકી વાયુસેનાની ફેક્ટશીટ અનુસાર, આ હથિયાર એક ખાસ સ્ટીલ એલૉયથી બંધાયેલું રહે છે, જેનો હેતુ તેને મોટા વિસ્ફોટક પેલોડને વહન કરવા માટે સક્ષમ બનાવવાનો છે. ફેક્ટશીટ અનુસાર, આ બૉમ્બની લંબાઈ 20.5 ફૂટ અને વ્યાસ 31.5 ઇંચ છે. વધુમાં તેમાં 5,300 પાઉન્ડ હાઇ-વિસ્ફોટ મટિરિયલ રાખી શકાય છે અને વિસ્ફોટ કરી શકાય છે. 

    એક તથ્ય એ પણ છે કે, આ બૉમ્બને માત્ર B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બર જ વહન કરી શકે છે અને લૉન્ચ કરી શકે છે. તેની પાછળનું કારણ બૉમ્બનો આકાર અને ભારે વજન છે. ઈરાનના મોટાભાગનાં પરમાણુ ઠેકાણાં જમીનની લગભગ 300 ફૂટ નીચે સ્થિત છે. તેથી તેને તબાહ કરવા માટે આ બંને શસ્ત્રોને જ ઉપયોગમાં લઈ શકાય તેમ હતા અને આ જ કારણ છે કે, અમેરિકાએ આ બંનેનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને તબાહ કરી નાખ્યો છે. 

    વિશ્વના સૌથી એડવાન્સ ફાઇટર જેટ- B2 સ્પિરિટ બૉમ્બર

    B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બર અમેરિકાનું સૌથી ઉન્નત ફાઇટર જેટ પૈકીનું એક છે, જે મજબૂત એર ડિફેન્સને તોડીને ટાર્ગેટમાં પ્રવેશ કરી શકે છે અને ઈરાનના પરમાણુ ઠેકાણાંના દફન નેટવર્ક જેવા અઘરા ટાર્ગેટ પર પણ સટીક હુમલા કરી શકે છે. તેની કિંમત લગભગ 2.1 બિલિયન ડોલર (17,000 કરોડ રૂપિયા) છે, જે તેને હમણાં સુધીનું સૌથી મોંઘું ફાઇટર જેટ બનાવે છે. નોર્થોપ ગ્રુમેં દ્વારા નિર્મિત આ બૉમ્બર તેની અત્યાધુનિક સ્ટીલ ટેકનોલોજી માટે જાણીતું છે. 1980ના દાયકામાં તેનું નિર્માણ શરૂ થયું હતું. પરંતુ સોવિયત યુનિયનના પતન બાદ તેનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું હતું. 

    પેન્ટાગોનના આયોજિત સંપાદન કાર્યક્રમને સમાપ્ત કર્યાં બાદ 21 વિમાનોનું નિર્માણ જ કરવામાં આવ્યું છે. કારણ કે, સોવિયત યુનિયનના પતન પછી અમેરિકાને વધુ વિમાન બનાવવાની કોઈ જરૂર નહોતી. તેથી પહેલાં જેટલા વિમાન બનાવવાની યોજના હતી, તેને ઓછાં કરીને માત્ર 21 વિમાન બનાવવામાં આવ્યાં હતાં. આ વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને રડાર પણ પકડી શકાતાં નથી. 

    વધુ વિશેષતાની વાત કરવામાં આવે તો ઈંધણ પૂર્યા વગર આ બૉમ્બર 6,000 નોટિકલ માઈલની (11,112 KM) રેન્જ સાથે અમેરિકાથી દુનિયાના કોઈપણ ખૂણા સુધી હુમલો કરવા માટે સક્ષમ છે. તે સાથે હવાઈ ફ્યુલિંગની સુવિધા આપવામાં આવે તો તે દુનિયા કોઈપણ લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. આવી ક્ષમતાઓ આ વિમાને ઘણા મિશનમાં દર્શાવી છે. જેમ કે, મિસૂરીથી અફઘાનિસ્તાન અને લીબિયા અને હવે ઈરાન સુધી. 

    આ વિમાન લગભગ 18,114 કિલોગ્રામના બૉમ્બ અને હથિયારો લઈને દુનિયાના કોઈપણ ખૂણા સુધી જઈ શકે છે. એટલે કે, તે ખૂબ ભારે અને ઘાતક બૉમ્બ લઈ જવા માટે સક્ષમ હોય છે, પછી તે સામાન્ય બૉમ્બ હોય કે પરમાણુ બૉમ્બ. વધુમાં આ વિમાનમાં બૉમ્બને અંદરના ભાગમાં રાખવામાં આવે છે, એવું એટલા માટે કારણ કે તે છુપાઈને હુમલો કરી શકે. આ ટેકનોલોજીના કારણે તેને રડાર પર પકડવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનો આકાર પણ એવો હોય છે કે, તે રડાર પર એક નાના પક્ષી જેવું જ દેખાય છે. 

    આ વિમાનમાં માત્ર બે પાયલોટની જરૂરિયાત હોય છે. તેવું એટલા માટે સંભવ છે કારણ કે, તેમાં એડવાન્સ ઓટોમેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, મોટાભાગના કામો તે પોતાની રીતે કરી નાખે છે. આ વિમાનનો ઉપયોગ ગુપ્ત મિશન માટે કરવામાં આવે છે, જેમ કે, ઈરાનના પરમાણુ ઠેકાણાંને તબાહ કરવા. વધુમાં આ વિમાન ટાર્ગેટથી 12 KM દૂર પહોંચવા પર બૉમ્બ છોડે છે, જેના કારણે બૉમ્બ સટીક ટાર્ગેટ પર જઈને બ્લાસ્ટ થાય છે. બૉમ્બમાં કોઈ એન્જિન કે ટેકનોલોજી ન હોવાથી તે ઝડપથી નીચે પડે છે. 

    હાલના સમયમાં આ વિમાનનો ઉપયોગ માત્ર MOP બૉમ્બ લઈ જવા માટે કરવામાં આવે છે. તે એક સાથે વધુમાં વધુ 2 MOP લઈ જવાની ક્ષમતા ધરાવે છે. B2 બૉમ્બરના આધુનિક પેલોડ વિશે વાત કરીએ તો તેમાં JDAM, JSOW, JASSM જેવા પેલોડ્સનો સમાવેશ થાય છે. JDAMના કારણે GPSથી સટીક બૉમ્બમારો કરી શકાય છે. આ પેલોડથી દુશ્મનના નજીકના ઠેકાણાંને તબાહ કરી શકાય છે. 

    JSOW પેલોડ હવામાં ગાઈડ કરનારા બૉમ્બ માટે કામ કરે છે. તેના કારણે દુશ્મનના વિસ્તારમાં ઘૂસ્યા વગર જ સટીક હુમલા કરી શકાય છે. તે સિવાય JASSM પેલોડ લાંબા અંતરની સ્ટીલ્થ મિસાઇલ માટે છે, તે 805 કિમી દૂરથી ટાર્ગેટને તબાહ કરી શકે છે. તે સિવાય આ વિમાન સરળતાથી પરમાણુ બૉમ્બનું વહન પણ કરી શકે છે અને તેને ટાર્ગેટ પર જઈને બ્લાસ્ટ પણ કરાવી શકે છે. 

    ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયાં હતાં આ હથિયારો

    ફોક્સ ન્યૂઝ સાથે વાતચીત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકી સેનાએ ઈરાનના ફોર્ડો પરમાણુ ઠેકાણાં પર 6 MOP બૉમ્બથી હુમલો કર્યો હતો. તા દરમિયાન અમેરિકી નૌકાદળની સબમરીન દ્વારા નતાંઝ અને ઈસ્ફ્હાનને ટાર્ગેટ કરવા માટે 30 ટૉમહૉક લેન્ડ અટેક મિસાઈલો છોડવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે, આ હુમલા બાદ ઈરાનના ત્રણેય પરમાણુ ઠેકાણાં પરની તમામ સુવિધાઓ નષ્ટ થઈ ગઈ છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, અમેરિકા સતત આ તમામ પરમાણુ ઠેકાણાં પર નજર ઠેરવીને બેઠું હતું. 

    ફોર્ડો ઈરાનનું એક ગુપ્ત અને મજબૂત પરમાણુ ઠેકાણું છે, જે કોમ શહેર પાસે પહાડોની અંદર બનાવવામાં આવ્યું છે. એવી શંકા હતી કે, અહીં યુરેનિયમના સંવર્ધનનું કામ થતું હતું, જે પરમાણુ બૉમ્બ બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે. આ ઠેકાણાંને સામાન્ય બૉમ્બથી ક્યારેય નષ્ટ કરી શકાય એમ નહોતું. રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે, આવા ઠેકાણાંને માત્ર MOP દ્વારા જ તબાહ કરી શકાય તેમ છે. તેથી અમેરિકાએ તે બૉમ્બનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ ઠેકાણાંને તબાહ કરી નાખ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં