ઈરાન અને ઇઝરાયેલ (Iran-Israel War) વચ્ચે ચાલતા સંઘર્ષમાં હવે અમેરિકાએ (America) પણ ઝંપલાવ્યું છે. શનિવારે (21 જૂન) અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો. આ બાબતની જાણકારી સ્વયં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “અમે એક સફળ ઑપરેશન પર પાડીને ઈરાનમાં ફોર્ડો, નાટાન્ઝ અને ઇસ્ફહાન ન્યુક્લિયર સાઇટો પર હુમલા કર્યા છે. તમામ વિમાનો હવે ઈરાનની એરસ્પેસમાંથી બહાર આવી ગયાં છે. મુખ્ય સાઇટ ફોર્ડો પર પૂરેપૂરી ક્ષમતાથી બૉમ્બમારો કરવામાં આવ્યો. તમામ વિમાનો હવે ઘરે આવવા પરત ફર્યાં છે. અમેરિકન જાંબાઝોને અભિનંદન. દુનિયાની બીજી કોઈ સેના આવું પરાક્રમ કરી શકે એમ નથી. હવે આ સમય શાંતિનો છે.”
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
અમેરિકાના સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે (ભારતીય સમયાનુસાર સવારે 7:30) ટ્રમ્પે એક રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે હુમલાઓ વિશે વધુ માહિતી આપી.
ટ્રમ્પે કહ્યું કે, “આજે હું દુનિયાને જણાવવા માટે આવ્યો છું કે અમેરિકાના હુમલાઓ સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે અને ઈરાનની મુખ્ય ન્યુક્લિયર ફેસિલિટીનું નામનિશાન કાઢી નાખવામાં આવ્યું છે.” અમેરિકન રાષ્ટ્રપતિએ આગળ ઉમેર્યું કે, “અમારો ઉદ્દેશ્ય ઈરાનનાં પરમાણુ ઠેકાણાં નષ્ટ કરીને આતંકવાદના આકાઓ દ્વારા દુનિયા સામે જે પરમાણુનું જોખમ ઊભું કરવામાં આવી રહ્યું હતું તેની ઉપર લગામ લગાવવાનો હતો.”
#WATCH | US strikes Iran's three nuclear facilities
— ANI (@ANI) June 22, 2025
US President Donald Trump says, "Tonight, I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated."
(Source: White… pic.twitter.com/8Ma1QMg4lq
ટ્રમ્પે ઈરાનને ચીમકી પણ આપી છે કે જો હવે તેઓ શાંત નહીં રહે તો ભવિષ્યમાં વધુ તીવ્રતાથી હુમલા કરવામાં આવશે. તેમણે કહ્યું, “ઈરાને હવે શાંતિ જાળવવી જ પડશે. જો તેઓ તેમ નહીં કરે તો ભવિષ્યમાં આનાથી મોટા હુમલાઓ કરવામાં આવશે. 40 વર્ષથી ઈરાન ઇઝરાયેલ સામે લડી રહ્યું છે. તેમણે અમારા માણસોને પણ માર્યા છે. હુમલાઓ કર્યા છે. મેં ઘણા સમય પહેલાં નક્કી કરી લીધું હતું કે આ થવા નહીં દઈએ.”
ટ્રમ્પે કહ્યું કે, “હવે આગળ કાં તો સંપૂર્ણ શાંતિ હશે અથવા ઈરાન માટે કપરો સમય શરૂ થશે અને હવે ગત રાત્રિએ જે થયું તેના કરતાં વધુ તીવ્ર જવાબ આપવામાં આવશે. એ યાદ રહે કે હજુ ઘણા ટાર્ગેટ બાકી છે. જોકે આજે રાત્રે જે ઠેકાણાં નિશાન બનાવવામાં આવ્યાં એ સૌથી કઠિન હતાં અને કદાચ સૌથી વિનાશક પણ. પરંતુ જો શાંતિપૂર્ણ સ્થિતિ નહીં આવે તો અમે અન્ય ઠેકાણાં પણ ટાર્ગેટ કરીશું અને આ એવી સાઇટ છે કે અમે મિનિટોમાં નષ્ટ કરી શકીએ તેમ છીએ.”
ટ્રમ્પે ઑપરેશન પાર પાડવા બદલ અમેરિકન સેનાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આશા રાખીએ કે હવે ભવિષ્યમાં તેમની સેવાની જરૂર નહીં પડે. સાથે ઇઝરાયેલી સેના અને વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણા દિવસથી ઇઝરાયેલી સેના ઈરાનમાં ઑપરેશનો કરી રહી છે.