Thursday, July 10, 2025
More

    ઇઝરાયેલે ઈરાનના વધુ બે કમાન્ડરોને ફૂંકી માર્યા: હમાસ સાથે હતું કનેક્શન, આતંકી સંગઠનોને પહોંચાડતા હતા ફન્ડિંગ

    ઈરાન વિરુદ્ધ શરૂ કરેલા ઑપરેશનમાં હવે ઇઝરાયેલી સશસ્ત્ર બળોએ મધ્ય પૂર્વીય દેશના વધુ બે કમાન્ડરોને ઠાર કર્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે ઈરાનની સેનાના બંને અધિકારીઓ હમાસ સાથે પણ સંકળાયેલા હતા અને 7 ઑક્ટોબરના હુમલામાં પણ સીધી કે આડકતરી ભૂમિકા હતી. 

    સઈદ ઇઝાદી નામના કુદ્સ ફોર્સ પેલેસ્ટાઇન કોર્પ્સના કમાન્ડરને ઇઝરાયેલે મારી નાખ્યો છે. IDFએ કહ્યું કે તે ઈરાનની સરકાર અને હમાસ વચ્ચેની મુખ્ય કડી હતો. ઉપરાંત 7 ઑક્ટોબરનો હુમલો કરાવવામાં પણ ભૂમિકા ભજવી હતી. તે IRGCના વરિષ્ઠ કમાન્ડરો અને ઈરાની સરકારના માણસોને હમાસ સાથે સંકલન સાધવામાં મદદ કરતો હતો. ઉપરાંત તે ઇઝરાયેલ વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે હમાસને ફન્ડિંગ પહોંચાડવામાં પણ મદદ પૂરી પાડતો હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    IDF અનુસાર, યુદ્ધ દરમિયાન ઇઝાદીએ હમાસના આતંકવાદીઓને લેબનોન મોકલીને ત્યાંથી ઇઝરાયેલ પર હુમલા કરાવ્યા હતા. હમાસ ગાઝામાં સક્રિય રહે તે માટે તે સતત પ્રયાસરત હતો. 

    અન્ય એક કુદ્સ ફોર્સ કમાન્ડર બેહનામ શહરિયારીને પણ ઠાર કરવામાં આવ્યો છે. તે વેપન ટ્રાન્સફર યુનિટનો કમાંડર હતો. પશ્ચિમ ઈરાનમાં ઇઝરાયેલી સેનાએ કરેલા હુમલામાં તે માર્યો ગયો છે. 

    કહેવાય છે કે તે ઇઝરાયેલ વિરુદ્ધ લડતી ઈરાનની પ્રોક્સીઓને હથિયારો પહોંચાડવામાં મદદ પૂરી પાડતો હતો. ઉપરાંત તે વિવિધ આતંકવાદી સંગઠનોને લાખો ડોલરનું ફંડ પહોંચાડવામાં પણ ભૂમિકા ભજવતો હતો. આ આતંકી સંગઠનો મોટેભાગે ઇઝરાયેલ વિરુદ્ધ કામ કરે છે. 

    શહરિયારી પશ્ચિમ ઈરાનમાં ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં તે માર્યો ગયો.