ભારતે ફરી એક વખત દુનિયાને એ યાદ અપાવ્યું છે કે તેની સૈન્ય ક્ષમતા હવે માત્ર સરહદોની રક્ષા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તે આધુનિક યુદ્ધ અને પરમાણુ પ્રતિરોધક શક્તિના એવા સ્તરે પહોંચી રહી છે જ્યાં ટેક્નોલોજી જ સૌથી મોટું હથિયાર હોય છે. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે અગ્નિ શ્રેણીની અદ્યતન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેમાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વ્હીકલ એટલે કે MIRV ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે મિસાઇલને વિવિધ પેલોડ સાથે છોડવામાં આવી હતી અને તેણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં એકબીજાથી દૂર આવેલા અલગ-અલગ ટાર્ગેટને સફળતાપૂર્વક હિટ કર્યા હતા.
ભારત માટે આ આ માત્ર એક મિસાઇલ ટેસ્ટ નથી, આ એવી ક્ષમતાનું પ્રદર્શન છે જે અત્યાર સુધી વિશ્વના ગણતરીના દેશો પાસે જ હતી. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશો જે કેટેગરીમાં આવે છે, ભારત હવે તેમાં વધુ મજબૂતીથી દેખાઈ રહ્યું છે. કારણ કે MIRV ટેક્નોલોજીનો અર્થ માત્ર ‘લાંબા અંતરની મિસાઇલ’ નથી, પરંતુ એક એવી સિસ્ટમ છે જે એક જ મિસાઇલમાંથી અનેક પરમાણુ હુમલા કરવાની ક્ષમતા આપે છે.
MIRV છે શું અને તે સામાન્ય મિસાઇલથી કેટલી અલગ છે?
પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલોમાં સામાન્ય રીતે એક જ વૉરહેડ હોય છે. મિસાઇલ લૉન્ચ થાય, નિર્ધારિત દિશામાં આગળ વધે અને પછી એક જ ટાર્ગેટ પર પ્રહાર કરે. પરંતુ MIRV ટેક્નોલોજી આ આખી વ્યાખ્યાને બદલી નાખે છે. તેમાં એક જ મિસાઇલ પોતાના સાથે અનેક વૉરહેડ લઈને જાય છે અને અંતરિક્ષની બહારના તબક્કે પહોંચ્યા પછી તે અલગ-અલગ દિશામાં છોડવામાં આવે છે. દરેક વૉરહેડ પછી પોતાના અલગ ટાર્ગેટ તરફ આગળ વધે છે.
સરળ ભાષામાં સમજીએ તો આ એવી ‘બસ’ જેવી વ્યવસ્થા છે જેમાં ઘણા પ્રવાસીઓ બેઠા હોય અને બસ પોતાના રસ્તામાં અલગ-અલગ સ્ટોપ પર તેમને ઉતારતી જાય. અગ્નિ-5ની MIRV ક્ષમતા પણ લગભગ એ જ રીતે કામ કરે છે. એક જ મિસાઇલ અનેક શહેરો, સૈન્ય ઠેકાણાં અથવા સ્ટ્રેટેજિક ઇન્સ્ટોલેશનને નિશાન બનાવી શકે છે. માહિતી અનુસાર આ સિસ્ટમ ચારથી પાંચ સુધીના વૉરહેડ લઈ જવાની ક્ષમતા ધરાવતી હોવાનું માનવામાં આવે છે, જોકે સરકારે સંરક્ષણ કારણોસર સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.
આ ટેક્નોલોજીનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે તે દુશ્મનની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભારે મૂંઝવણમાં મૂકી શકે છે. આજકાલ અનેક દેશો પાસે આવી રહેલી મિસાઇલને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા છે, પરંતુ જ્યારે એક જ મિસાઇલમાંથી અનેક વૉરહેડ અલગ-અલગ ગતિ અને દિશામાં આગળ વધે, ત્યારે તમામને એકસાથે રોકવા અત્યંત મુશ્કેલ બની જાય છે. એટલે MIRVને માત્ર હુમલો કરવાની ક્ષમતા તરીકે નહીં, પરંતુ ‘અટકાવી ન શકાય તેવી પ્રતિહુમલાની ક્ષમતા’ તરીકે જોવામાં આવે છે.
અગ્નિ-5: ભારતની લાંબા અંતરની પરમાણુ શક્તિનો મુખ્ય સ્તંભ
અગ્નિ-5 મિસાઇલ ભારતની સૌથી અદ્યતન લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોમાંની એક માનવામાં આવે છે. DRDO દ્વારા વિકસિત આ મિસાઇલ ત્રણ-સ્ટેજ સોલિડ-ફ્યુલ-એન્જિન પર આધારિત છે અને તેની રેન્જ 5,000 કિલોમીટરથી વધુ માનવામાં આવે છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ડિફેન્સ સ્ટડીઝ અનુસાર તેની વાસ્તવિક સ્ટ્રાઈક કેપિસિટી સત્તાવાર આંકડાથી વધુ પણ હોય શકે છે.
ભારતની અગ્નિ શ્રેણીમાં અગ્નિ-1થી લઈને અગ્નિ-4 સુધીની મિસાઇલો પહેલેથી જ સામેલ છે, પરંતુ અગ્નિ-5 એ ભારતને પ્રાદેશિક શક્તિથી આગળ લઈ જઈને લાંબા અંતરની સ્ટ્રેટેજિક ડિટરન્સ ધરાવતા દેશ તરીકે સ્થાપિત કર્યો છે. ચીનના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલ ભારતની ડિફેન્સ ડૉક્ટ્રિનમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.
માર્ચ 2024માં ભારતે પ્રથમ વખત MIRV ક્ષમતાવાળી અગ્નિ-5નું પરીક્ષણ કર્યું હતું, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મિશન દિવ્યાસ્ત્ર’ નામ આપ્યું હતું. હવે થયેલું તાજેતરનું પરીક્ષણ બતાવે છે કે ભારત આ ટેક્નોલોજીને ઑપરેશનલ મેચ્યોરિટી તરફ આગળ લઈ જઈ રહ્યું છે.
‘નો ફર્સ્ટ યુઝ’ છતાં ભારત માટે આ ટેક્નોલોજી કેમ મહત્વપૂર્ણ?
ભારતની પરમાણુ નીતિ 2003થી ‘નો ફર્સ્ટ યુઝ’ સિદ્ધાંત પર આધારિત છે. એટલે કે ભારત પહેલો પરમાણુ હુમલો નહીં કરે, પરંતુ જો તેના પર પરમાણુ હુમલો થાય તો તેનો જવાબ મેસિવ રિટેલિયેશનથી આપવામાં આવશે. આ નીતિનું મૂળ તત્વ ડિટરન્સ છે, એટલે કે દુશ્મન જાણે કે ભારત પર હુમલો કરવો એટલે પોતાના વિનાશને આમંત્રણ આપવું.
અહીં MIRV જેવી ટેક્નોલોજી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે જો કોઈ દેશ ભારતની પરમાણુ ક્ષમતાને પ્રથમ હુમલામાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો પણ ભારત પાસે એવી સર્વાઇવેબલ રિટેલિયેટરી કેપેબિલિટી હોવી જોઈએ જે પછી પણ વિનાશક જવાબ આપી શકે. અગ્નિ-5ની MIRV સિસ્ટમ એ જ સેકન્ડ-સ્ટ્રાઈક કેપેબિલિટીને વધુ મજબૂત બનાવે છે.
ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી હેઠળ જ કોઈ પણ પરમાણુ પ્રતિહુમલાનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં રાજકીય પરિષદનું નેતૃત્વ વડા પ્રધાન કરે છે, જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) પાસે હોય છે. એટલે આ સમગ્ર પ્રણાલી માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ રાજકીય નિયંત્રણ અને સ્ટ્રેટેજિક સ્થિરતાની સાથે જોડાયેલી છે.
જમીન, આકાશ અને સમુદ્ર: ભારતની ન્યૂક્લિયર ટ્રાયડ હવે કેટલી મજબૂત?
પરમાણુ શક્તિ માત્ર મિસાઇલ સુધી મર્યાદિત નથી રહેતી. વિશ્વની મોટી પરમાણુ શક્તિઓ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે ન્યુક્લિયર ટ્રાયડ. એટલે કે જમીન, હવામાં અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા.
ભારત હવે આ ત્રિસ્તરીય ક્ષમતાને સતત મજબૂત બનાવી રહ્યું છે. જમીન પરથી અગ્નિ જેવી મિસાઇલો, હવાઈ દળમાં ફાઇટર એરક્રાફ્ટ અને સમુદ્રમાં ન્યુક્લિયર-પાવર્ડ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન્સ, આ ત્રણેય સાથે ભારતની પ્રતિરોધક ક્ષમતા વધુ વિશ્વસનીય બને છે. તાજેતરમાં INS અરિદમન ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું, જેને ભારતની સમુદ્ર આધારિત પરમાણુ ક્ષમતા માટે મોટું પગલું માનવામાં આવ્યું હતું.
કારણ સ્પષ્ટ છે કે જો જમીન આધારિત મિસાઇલ સિસ્ટમ પર હુમલો થાય તોપણ સમુદ્રમાં રહેલી સી-બેઝ્ડ ન્યુક્લિયર કેપેબિલિટી જીવંત રહી શકે. એટલે દુશ્મન ક્યારેય ખાતરીપૂર્વક કહી શકતો નથી કે ભારતનો પરમાણુ જવાબ અટકાવી શકાય તેમ છે.
ચીન અને પાકિસ્તાન માટે સ્પષ્ટ સંદેશ
દક્ષિણ એશિયામાં ભારતના સુરક્ષા પડકારો માત્ર પાકિસ્તાન સુધી મર્યાદિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની આક્રમક સૈન્ય નીતિ, સરહદી તણાવ અને ઇન્ડો-પેસેફિકમાં તેની વધતી હાજરીએ ભારતને પોતાની લાંબા અંતરની સ્ટ્રેટેજિક ક્ષમતાઓ મજબૂત કરવાની જરૂરિયાત સમજાવી છે.
પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ MIRV અને લાંબા અંતરના સ્ટ્રેટેજિક મિસાઇલ પ્રોગ્રામ મામલે ભારત સ્પષ્ટ રીતે આગળ વધી ગયું છે. ચીન પાસે પહેલેથી જ અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ છે, એટલે ભારત માટે ક્રેડિબલ ડિટરન્સ જાળવી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અનેક સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે અગ્નિ-5 અને તેની MIRV ક્ષમતા ભારતને રિજનલ પાવર બેલેન્સમાં વધુ મજબૂત સ્થિતિ આપે છે. આ કારણે જ તાજેતરના પરીક્ષણ પછી ચીન અને પાકિસ્તાનમાં તેની ચર્ચા જોવા મળી છે. કારણ કે આ માત્ર એક મિસાઇલ નહીં, પરંતુ ભારતના વધતા વ્યૂહાત્મક આત્મવિશ્વાસનું પ્રતિક છે.
આત્મનિર્ભર ભારતથી સ્ટ્રેટેજિક ભારત સુધી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પરીક્ષણ બાદ DRDO, ભારતીય સેનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ ક્ષમતા ભારતની સંરક્ષણ તૈયારીને વધુ મજબૂત બનાવશે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ભારત હવે માત્ર હથિયાર ખરીદનાર દેશ રહેવા માંગતું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, મિસાઇલ સિસ્ટમ્સ, ડ્રોન્સ, રડાર, નેવલ પ્લેટફોર્મ્સ અને સ્વદેશી ટેક્નોલોજી ડેવલપમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અગ્નિ-5ની MIRV ક્ષમતા પણ એ જ લાંબા પ્રયાસોનું પરિણામ છે.
Raksha Mantri Shri @rajnathsingh has complimented DRDO, Indian Army, and Industry on the successful flight test of Agni with MIRV Capability and stated that this would add an incredible capability to country’s defence preparedness against the growing threat perceptions. https://t.co/Bbc3l9g7JU
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 9, 2026
એક સમયે વિશ્વના મોટા દેશો જે ટેક્નોલોજી ધરાવતા હતા, આજે ભારત તે ક્ષમતાઓ પોતાના વૈજ્ઞાનિકો, પોતાના ઉદ્યોગો અને પોતાની સંશોધન સંસ્થાઓના આધારે વિકસાવી રહ્યું છે. આ કારણે અગ્નિ-5નું તાજેતરનું પરીક્ષણ માત્ર સૈન્ય પરીક્ષણ નથી પરંતુ તે ભારતના વૈજ્ઞાનિક આત્મવિશ્વાસ, સ્ટ્રેટેજિક વિચારો અને બદલાતી વૈશ્વિક સ્થિતિમાં તેના વધતા પ્રભાવનું પ્રતીક પણ છે.


