Saturday, March 7, 2026
More
    હોમપેજરાજકારણ'મોદી ગૌમાંસ એક્સપોર્ટ કરે છે': AAPના ઈસુદાનનો વિડીયો વાયરલ, વડા પ્રધાનને 'બિન-હિંદુ'...

    ‘મોદી ગૌમાંસ એક્સપોર્ટ કરે છે’: AAPના ઈસુદાનનો વિડીયો વાયરલ, વડા પ્રધાનને ‘બિન-હિંદુ’ હોવાનું સર્ટિફિકેટ આપતા નેતાએ બફાટ પહેલાં અભ્યાસ કરવો કેમ જરૂરી- સમજો

    રહી વાત 'હિંદુ હોવા કે ન હોવાના સર્ટિફિકેટ'ની તો ઈસુદાન ગઢવી ગોપાલ ઈટાલિયાનાં જૂના કારસ્તાનો અને નિવેદનો તરફ નજર કરે, કેજરીવાલના રામ મંદિરનાં નિવેદનો પર નજર કરે. મોદીને 'હિંદુ ન માનવાથી' વાસ્તવિકતા નથી બદલાઈ જવાની.

    - Advertisement -

    તાજેતરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ઈસુદાન પીએમ મોદીને ‘હિંદુ ન હોવાનું’ સર્ટિફિકેટ આપી રહ્યા છે અને સાથે એવો દાવો કરી રહ્યા છે કે મોદી સરકાર ગૌ માતા અને ગૌવંશની કતલ કરાવે છે અને તેનું માંસ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. જોકે, શાણા માણસો કાયમ કહેતા રહેતા હોય છે કે, કોઈપણ ભાષણ કે નિવેદન આપ્યાં પહેલાં એક વખત અભ્યાસ કરવો અનિવાર્ય છે. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો તેમાંથી બાકાત રહે છે, કારણ કે તેમને પ્રોપગેન્ડા ચલાવવામાં રસ હોય છે.

    ઈસુદાન ગઢવી વિડીયોમાં કહી રહ્યા છે કે, “હું નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું કે હું તેમને હિંદુ નથી માનતો. હું જાહેરમાં કહું છું કે તેમને હું હિંદુ નથી ગણતો. કારણ કે જે વ્યક્તિ ગાયોને કતલખાને મોકલે, તેનાં માંસનો નિકાસ કરે, તેમાંથી કમાણી કરે અને તે કમાણીથી કમલમ્ બનાવતી હોય તો તે હિંદુ ન હોય શકે.” આ સાથે તેમણે ભાજપના કાર્યકર્તાઓને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓએ પ્રાયશ્ચિત કરવું જોઈએ, કારણ કે જે કમલમનાં ઉદ્ઘાટનમાં તેઓ જાય છે એ ગાયનાં માંસથી બનેલું છે.” 

    ઈસુદાન ગઢવીનો આ વિડીયો કયા સમયનો છે એ વિશેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે આ વિડીયોમાં ભારોભાર જુઠ્ઠાણું પીરસવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા સ્પષ્ટ શબ્દોમાં એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ગૌમાંસને એક્સપોર્ટ કરીને વિદેશ મોકલે છે. જોકે, તથ્યની દ્રષ્ટિએ તેમના આ દાવા પાયાવિહોણાં અને વાહિયાત છે. વિગતે સમજીએ. 

    - Advertisement -

    ભારતમાં પ્રતિબંધિત છે ગૌહત્યા અને ગૌમાંસની નિકાસ

    પહેલાં મૂળ વાત સ્પષ્ટ કરી લઈએ. ભારતમાં ‘કાઉ સ્લૉટર’ કોઈ સામાન્ય વેપારી પ્રવૃત્તિ નથી, બલ્કે બંધારણીય સ્તરે પણ તેને નિરુત્સાહિત કરવાની વાત કહેવામાં આવી છે. ભારતીય બંધારણના નીતિ-નિર્દેશક સિદ્ધાંતોમાં (Directive Principles) કલમ 48 સ્પષ્ટ રીતે રાજ્યોને કહે છે કે તેઓ ગાય તથા ગૌવંશની હત્યા પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પગલાં લે. 

    આ જ બંધારણીય નિર્દેશને આધાર બનાવીને આજે ભારતમાં ગાય તથા ગૌવંશના (બળદ, વાછરડા વગેરે) વધ પર કાયદાકીય પ્રતિબંધ છે. તાજેતરના એક સંકલન મુજબ ઘણા રાજ્યોએ અલગ-અલગ સ્તરે કાયદા બનાવીને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગાય અને તેના વંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 

    ગુજરાતમાં, જ્યાંથી ઈસુદાન ગઢવી પોતે રાજકારણ કરે છે, ત્યાં લાગુ બૉમ્બે એનિમલ પ્રિઝર્વેશન ઍક્ટ અને તેના 2011 તથા 2017ના સુધારાઓ હેઠળ ગાય, વાછરડા, બળદનો વધ માત્ર સંપૂર્ણપણે પ્રતિબંધિત જ નથી, પરંતુ 2017ના સુધારા પછી ગેરકાયદે ગૌહત્યા માટે આજીવન કેદની જોગવાઈ પણ છે. તાજેતરમાં જ અમરેલીની એક અદાલતે ગેરકાયદે ગૌહત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 

    ઈસુદાન ગઢવીનો આરોપ મુખ્યત્વે બે વાતો પર ટકેલો છે કે ભારત વિશ્વમાં ‘બીફ એક્સપોર્ટ’માં અગ્રણી દેશ છે. ‘બીફ’ને તેમણે સીધું ‘ગૌમાંસ’ કહ્યું છે અને પછી તેને મોદી સરકારની ‘ગૌહત્યા નીતિ’માં ફેરવી દીધું. વિદેશ વેપાર નીતિ અને DGFTના (Directorate General of Foreign Trade) એક્સપોર્ટ પોલિસી દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે, બીફની (ગાય, બળદ અને વાછરડાનું માંસ) નિકાસ પ્રતિબંધિત (Prohibited) છે અને તેના નિકાસની કોઈપણ પરવાનગી નથી.

    આ જ વાત વારંવાર સંસદના ફ્લોર પર પણ દોહરાવવામાં આવી છે. લોકસભામાં 14 માર્ચ 2016ના રોજ પૂછાયેલા પ્રશ્ન ‘EXPORT OF BEEF’ના જવાબમાં તત્કાલીન વાણિજ્ય રાજ્યમંત્રીએ (નિર્મલા સીતારમણ) લેખિતરૂપે કહ્યું હતું કે, “હાલની વિદેશ વેપાર નીતિ મુજબ બીફની (ગાય, બળદ અને વાછરડાનું માંસ) નિકાસ પ્રતિબંધિત છે. ફક્ત ભેંસ, બકરી અને ઘેટાંનાં માંસની નિકાસને જ મંજૂરી છે અને તેને પણ બીફ ગણવામાં આવે છે.”

    2015, 17, 19 અને 20મા પણ અલગ-અલગ પ્રશ્નોના જવાબમાં સરકારે આ જ વાત દોહરાવી છે કે ગાય, બળદ, વાછરડાનું માંસ, એટલે કાઉ-બીફ, નિયાત નીતિમાં ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં છે, જ્યારે નિકાસ ફક્ત ભેંસ, બકરી અને ઘેટાંનાં માંસનો કાયદાકીય રીતે મંજૂર વેપાર છે.

    ઈસુદાન ગઢવી જેવા અન્ય વિપક્ષી નેતાઓ અને ધ્રુવ રાઠી જેવા ઘણા યુટ્યુબરો એવો દાવો કરે છે કે ‘ભારત વિશ્વમાં ટોપ બીફ એક્સપોર્ટર છે.’ આ આંકડાકીય રીતે આંશિક રીતે સાચું પણ છે, પણ અહીં ભાષા અને વ્યાખ્યાની ચાલાકી છુપાયેલી છે. ભારતની કૃષિ અને પ્રક્રિયાત્મક ખાદ્ય ઉત્પાદન નિર્યાત વિકાસ પ્રાધિકરણની (APEDA) સત્તાવાર વેબસાઇટ અને રેડ મીટ મેન્યુઅલમાં સ્પષ્ટ લખેલું છે કે ભારત માત્ર deboned & deglanded frozen buffalo meat નિકાસ કરે છે. ગાયનું માંસ નહીં, ભેંસનું માંસ, જેને આંતરરાષ્ટ્રીય વેપારમાં carabeef કહેવાય છે. 

    ભારતમાં જે ‘બીફ એક્સપોર્ટ’ આંકડાઓ દેખાડવામાં આવે છે, તે કાઉબીફ નથી, પરંતુ બફાલો મીટ છે. કાયદાકીય રીતે ગાયનું માંસ નિકાસની યાદીમાં જ નથી, તો ‘મોદી ગાય કાપીને બીફ વેચી રહ્યા છે’નો દાવો તદ્દન બેજવાબદાર અને પાયાવિહોણો સાબિત થાય છે. 

    ‘બીફ’ શબ્દની માયાજાળ

    હવે બીજો ભ્રમ જુઓ, ‘બીફ’ શબ્દની ચાલાકી. સામાન્ય લોકો બીફ એટલે ફક્ત ગૌમાંસ જ સમજે છે. પણ ભારતના કાયદા અને FSSAIની સત્તાવાર વ્યાખ્યામાં તેવું નથી. FSSAI અનુસાર – beef means the edible portion of bovine animals including buffaloes. (બીફ એટલે બોવાઇન પ્રાણીઓના (જેમાં ભેંસનો પણ સમાવેશ થાય છે) ખાદ્ય ભાગ. )

    એટલે કાયદાકીય ભાષામાં ‘બીફ’માં ગાય અને ભેંસ બંનેનું માંસ આવે છે. આંતરરાષ્ટ્રીય આંકડાઓ (UN, FAO) પણ ‘Beef’ની કેટેગરીમાં ગાય-ભેંસનો ભેદ નથી રાખતા. પરિણામે ભારત જે 100% ભેંસનું માંસ (કેરાબીફ) જ નિકાસ કરે છે, તેને ગ્રાફમાં ‘Beef Export’ બતાવીને દેખાડવામાં આવે છે.

    અને પછી રાજકારણમાં એ જ આંકડાને ‘ગૌમાંસ’ કહીને પ્રોપગેન્ડા ચલાવવામાં આવે છે. ઈસુદાન ગઢવી પણ એ જ પ્રોપગેન્ડાને હવા આપવાનું કામ કરી રહ્યા છે. ટૂંકમાં, શબ્દની આ ચાલાકીથી લોકોની લાગણીઓ સાથે રમત રમાઈ રહી છે. 

    એક નેતાનું (AAPના) નિવેદન છે, જે આ બધી બારીકીઓને જાણી-જોઈને અવગણી દે છે અને સીધા નિષ્કર્ષ પર પહોંચી જાય છે કે ‘મોદી હિંદુ નથી, કારણ કે તેઓ ગૌમાંસની નિકાસ કરે છે.’ રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ સામાન્ય છે, પણ જ્યારે કોઈ નેતા ગૌમાતા જેવી સંવેદનશીલ લાગણીને નિશાન બનાવીને અધૂરા સત્યથી પૂરો વિમર્શ ઊભો કરે છે ત્યારે તેને ‘રાજકારણ’ ન કહેવાય, તેને સ્પષ્ટ શબ્દોમાં પ્રોપગેન્ડા કહેવાય. 

    રહી વાત ‘હિંદુ હોવા કે ન હોવાના સર્ટિફિકેટ’ની તો ઈસુદાન ગઢવી ગોપાલ ઈટાલિયાનાં જૂના કારસ્તાનો અને નિવેદનો તરફ નજર કરે, કેજરીવાલના રામ મંદિરનાં નિવેદનો પર નજર કરે. મોદીને ‘હિંદુ ન માનવાથી’ વાસ્તવિકતા નથી બદલાઈ જવાની. દેશના કરોડો હિંદુઓ આજે મોદીની પડખે ઊભા છે, તેનું કારણ પણ હિંદુઓનો વિશ્વાસ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં