Thursday, December 5, 2024
More
    હોમપેજદેશડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો 'રક્તબીજ', જેને ડામવા લૉન્ચ થયું 'ઓપરેશન સાગર મંથન': જાણો...

    ડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો ‘રક્તબીજ’, જેને ડામવા લૉન્ચ થયું ‘ઓપરેશન સાગર મંથન’: જાણો કોણ છે હાજી સલીમ, જેના કારોબારનો NCB કરી રહ્યું છે ખાત્મો

    હાજી સલીમ તેનું આખું સામ્રાજ્ય પાકિસ્તાનના બલૂચિસ્તાનથી ચલાવે છે. તેની આ દાણચોરીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, મોરેશિયસ, માલદીવથી અમેરિકા સુધી ફેલાયેલું છે. તેના ડ્રગ્સની તસ્કરીના સામ્રાજ્યનો ફેલાવો એટલો મોટો છે કે અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવા દેશોની તપાસ/સુરક્ષા એજન્સીઓ પણ તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

    - Advertisement -

    ભારતના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ એટલે કે NCBએ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન શરૂ કર્યું છે. દેશના દરિયાઈ સીમાડાઓથી ઘૂસાવવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે લૉન્ચ કરવામાં આવેલા મહાઅભિયાનનું નામ ‘ઓપરેશન સાગર મંથન’ રાખવામાં આવ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય ટાર્ગેટ કુખ્યાત ડ્રગ માફિયા હાજી સલીમના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ધ્વસ્ત કરવાનો છે. વર્ષ 2015માં કેરળના દરિયાઈ કાંઠા નજીક પકડાયેલા એક મોટા ડ્રગ્સ ખેપ સમયે ડ્રગ્સ માફિયા હાજી સલીમ અને તેના નેટવર્કનો ખુલાસો થયો હતો.

    ડ્રગ્સ માફિયા હાજી સલીમ તેનું આખું સામ્રાજ્ય પાકિસ્તાનના બલૂચિસ્તાનથી ચલાવે છે. તેનું આ તસ્કરીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, મોરેશિયસ, માલદીવથી અમેરિકા સુધી ફેલાયેલું છે. તેના ડ્રગ્સની તસ્કરીના સામ્રાજ્યનો ફેલાવો એટલો મોટો છે કે અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવા દેશોની તપાસ/સુરક્ષા એજન્સીઓ પણ તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

    દરેક કન્સાઇન્મેન્ટ પર બનેલા હોય છે ખાસ ચિહ્નો

    હાજી સલીમ મોટાપાયે હેરોઇન, મેથાફેટામાઈન અને અન્ય ગેરકાયદેસર માદક દ્રવ્યોની ખેપ એશિયા, આફ્રિકા અને પશ્ચિમી દેશોમાં પહોંચાડે છે. ભારતીય તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે દરિયાઈ માર્ગે તેનું તસ્કરીનું સામ્રાજ્ય ચલાવે છે. તેના કન્સાઇન્મેન્ટ પર 777, 555, 999, ઉડતા ઘોડા અને વીંછી જેવા નિશાન બનેલા હોય છે, આ પ્રકારના ચિહ્નો તેની અને તેના નેટવર્કની મુખ્ય ઓળખ છે.

    - Advertisement -

    આ ઓપરેશન દરમિયાન તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠેથી 4000 કિલો ગેરકાયદે ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં અનેક પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારતના ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશો પર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત NCBએ છેલ્લા અઢી વર્ષમાં કુલ ₹40,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

    દાઉદ સાથે છે સંબંધ, ISISનું મળે છે સમર્થન

    એજન્સીઓ પાસે હાજી સલીમ વિશેની માહિતી હજુ મર્યાદિત છે. તપાસ એજન્સીઓ પાસે તેનો જૂનો ફોટોગ્રાફ અને કેટલીક વ્યક્તિગત વિગતો છે. માનવામાં આવે છે કે, તે કરાચીમાં રહે છે અને તે ત્યાં રહીને બલૂચિસ્તાનથી આખું નેટવર્ક ઓપરેટ કરે છે. અહેવાલો અનુસાર સલીમ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે પણ સંબંધ ધરાવે છે. થોડા સમય પહેલાં તે દાઉદના ઘરની અંદર જતાં અને બહાર આવતા કેમેરામાં કેદ થયો હતો.

    સલીમનું નેટવર્ક માત્ર ડ્રગ્સની તસ્કરી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની ગતિવિધિઓ નાર્કો-આતંકવાદને પણ પ્રોત્સાહન આપે છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું કે, તે તેના તસ્કરીના નેટવર્કમાં બેરોજગાર યુવાનોની ભરતી કરે છે અને ISISનું તેને પૂરેપૂરું સમર્થન છે. સલીમ પાસે સેટેલાઇટ ફોન જેવી સુવિધાઓ છે, જેનો ઉપયોગ તે દરિયામાં પોતાના એજન્ટો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે.

    ડ્રગ્સ માફિયા હાજી સલીમ તસ્કરીની દુનિયાનો ‘રક્તબીજ’

    NCBnઆ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંઘના જણાવ્યા અનુસાર, “હાજી સલીમ દુનિયાના સૌથી મોટા ડ્રગ સ્મગલર્સ પૈકીનો એક છે. તેના નેટવર્કનું પ્રમાણ બેજોડ છે.” ડ્રગ્સની દુનિયામ તેને ‘રક્તબીજ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના નેટવર્કને જેટલી વાર ધ્વસ્ત કરવામાં આવે, તેટલી વાર તે તેને ફરી ઉભું કરી દે છે.”

    તેની દાણચોરીના માર્ગો મુખ્યત્વે ઈરાનથી શરૂ થાય છે, જે અફઘાનિસ્તાન અને મલેશિયા થઈને છેક શ્રીલંકા પહોંચે છે. ત્યાંથી જ નાના જહાજોને રાત્રે ભારતીય દરિયાઈ કિનારા પર લાવવામાં આવે છે. ડ્રગ્સની ખેપોને ઓછા ચર્ચિત અને ઓછા એક્ટિવ બંદરો પર ઉતારવામાં આવે છે.

    પાકિસ્તાન છાવરી રહ્યું છે ડ્રગ્સ માફિયા હાજી સલીમને

    હાજી સલીમની દાણચોરીની ગતિવિધિઓનો પ્રથમ મોટો પુરાવો 2015માં મળ્યો હતો, જ્યારે કેરળના દરિયાકાંઠેથી તેનું કરોડો રૂપિયાનું ડ્રગ કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ NCB સતત તેની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. તેના નેટવર્કને ધ્વસ્ત કરવા સાથે-સાથે તેને ઝડપી લેવા માટે પણ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. પરંતુ, પાકિસ્તાન તેને છાવરીને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે.

    માત્ર ભારત જ નહીં દુનિયાની અનેક સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનમાં છુપાયેલા ડ્રગ્સ માફિયા હાજી સલીમને પકડવાની ફિરાકમાં છે. પાકિસ્તાનના સંરક્ષણમાં જ તે આટલું ફૂલ્યો-ફાલ્યો છે. જોકે, ભારતીય NCB પણ તેના નેટવર્કને ભસ્મીભૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઝડપાયેલા હજારો કરોડોના ડ્રગ્સ તે વાતની સાબિતી છે કે, હવે ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસદવું આ ‘રક્તબીજ’ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં