21 જૂનના રોજ વિશ્વના લગભગ દરેક ખંડમાં લાખો લોકો ખુલ્લા મેદાનો, દરિયાકિનારાઓ, પાર્કો અને જાહેર સ્થળોએ યોગાસનો કરતા જોવા મળે છે, તેવામાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે કે શું યોગ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાની પદ્ધતિ છે? શું તે માત્ર સ્ટ્રેચિંગ, શ્વાસોચ્છ્વાસની કસરતો અને ફિટનેસ સુધી મર્યાદિત છે? કે પછી તેની પાછળ હજારો વર્ષ જૂની એવી પરંપરા રહેલી છે, જે માનવજીવનના સૌથી ઊંડા પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે?
આજે યોગ વૈશ્વિક ઘટના બની ચૂક્યો છે. વિશ્વભરમાં કરોડો લોકો તેનો અભ્યાસ કરે છે, અનેક અબજ ડૉલરની વેલનેસ ઇન્ડસ્ટ્રી તેના પર ઉભી થઈ ચૂકી છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ તેના મહત્વને સ્વીકારીને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી છે. પરંતુ યોગની આ વૈશ્વિક સફળતાની પાછળનો ઇતિહાસ, તેની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ અને તેના મૂળ ઉદ્દેશ વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
હકીકતમાં યોગની યાત્રા કોઈ જીમ, ફિટનેસ સ્ટુડિયો કે આધુનિક વેલનેસ સેન્ટરમાંથી શરૂ થઈ નથી. તેની શરૂઆત ભારતીય સંસ્કૃતિના એવા ગર્ભમાંથી થઈ હતી, જ્યાં જીવનનો અંતિમ ધ્યેય શરીર નહીં પરંતુ આત્માને સમજવાનો માનવામાં આવતો હતો.
આદિયોગી શિવ: જ્યાંથી શરૂ થાય છે યોગની પરંપરા
સનાતન પરંપરા અનુસાર યોગનો ઉદ્ભવ ભગવાન શિવમાંથી થયો હતો. આ કારણે જ તેમને ‘આદિયોગી’ અને ‘આદિગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે હજારો વર્ષ પહેલાં હિમાલયની ગોદમાં શિવે સપ્તર્ષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું. આ જ સપ્તર્ષિઓએ પછી વિશ્વના વિવિધ પ્રદેશોમાં યોગ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કર્યો.
આ પરંપરાને માત્ર એક પૌરાણિક કથા તરીકે જોવાની જગ્યાએ ભારતીય સંસ્કૃતિએ તેને જ્ઞાનના પ્રવાહ તરીકે સ્વીકારી છે. અહીં એક બાબત સમજવી જરૂરી છે કે યોગનો મૂળ હેતુ શરીરને મજબૂત બનાવવાનો નહોતો. યોગનું કેન્દ્રીય તત્વ માનવ ચેતનાનું ઉન્નયન હતું. મનુષ્ય કોણ છે? જીવનનો અર્થ શું છે? શું શરીરથી પરે પણ કંઈ અસ્તિત્વ ધરાવે છે? આવા પ્રશ્નોના ઉત્તર શોધવાની પ્રક્રિયા તરીકે યોગનો વિકાસ થયો.
તેથી જ ભારતીય પરંપરામાં યોગને માત્ર કસરત તરીકે નહીં, પરંતુ આત્મસાક્ષાત્કાર તરફ લઈ જતી સાધના તરીકે જોવામાં આવ્યો છે. આજે દુનિયાભરમાં યોગના જે આસનો સૌથી વધુ લોકપ્રિય છે, તે આ વિશાળ પરંપરાનો માત્ર એક નાનો ભાગ છે.
વેદો અને ઉપનિષદોમાં યોગના બીજ
ભારતીય જ્ઞાનપરંપરાના સૌથી પ્રાચીન ગ્રંથો ગણાતા વેદોમાં યોગ શબ્દ આજના અર્થમાં દરેક જગ્યાએ જોવા મળતો નથી, પરંતુ ધ્યાન, તપ, ઇન્દ્રિયસંયમ, આંતરિક શિસ્ત અને ચેતનાના વિકાસ જેવા વિચારો સ્પષ્ટપણે જોવા મળે છે. સમય જતાં આ વિચારો વધુ સુવ્યવસ્થિત સ્વરૂપે ઉપનિષદોમાં વિકસ્યા.
ઉપનિષદોનો મૂળ પ્રશ્ન હતો કે માનવ કોણ છે? આત્મા શું છે? અને બ્રહ્માંડ સાથે તેનો શું સંબંધ છે? આ શોધ દરમિયાન ધ્યાન, એકાગ્રતા અને આંતરિક અનુભૂતિને વિશેષ મહત્વ મળ્યું. યોગનો દાર્શનિક આધાર અહીં વધુ સ્પષ્ટ બનતો જોવા મળે છે.
ઉપનિષદોમાં વારંવાર એક વિચાર જોવા મળે છે કે મનુષ્યનું સાચું સ્વરૂપ શરીર કે મન નથી, પરંતુ આત્મા છે. આ આત્માની અનુભૂતિ કરવી એટલે આત્મસાક્ષાત્કાર. યોગને આ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવાના માર્ગ તરીકે જોવામાં આવ્યો. તેથી જ ભારતીય પરંપરામાં યોગનો સંબંધ માત્ર આરોગ્ય સાથે નહીં પરંતુ મુક્તિ સાથે જોડાય છે.
ભગવદ ગીતામાં યોગ દર્શન
યોગની ચર્ચા આવે અને ભગવદ ગીતાનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. મહાભારતના યુદ્ધમેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ યોગને સમજવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ગીતામાં યોગને માત્ર એક જ પદ્ધતિ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો નથી. અહીં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ જેવા વિવિધ માર્ગોની ચર્ચા કરવામાં આવી છે. એક વ્યક્તિ નિઃસ્વાર્થ કર્મ દ્વારા પણ યોગી બની શકે છે, જ્ઞાન દ્વારા પણ અને ભક્તિ દ્વારા પણ.
આ વિચાર અત્યંત મહત્વનો છે, કારણ કે તે બતાવે છે કે યોગ માત્ર શરીરની સ્થિતિઓનું નામ નથી. યોગ એ જીવન જીવવાની એવી પદ્ધતિ છે, જે મનુષ્યને પોતાના અહંકાર, આસક્તિઓ અને મર્યાદાઓથી ઉપર ઉઠવાનો માર્ગ બતાવે છે. ગીતાનો આ દૃષ્ટિકોણ જ યોગને એક સર્વગ્રાહી જીવનદર્શન બનાવે છે. કદાચ એટલા માટે જ યોગ હજારો વર્ષ સુધી ટકી શક્યો અને બદલાતા યુગોમાં પણ પ્રાસંગિક રહ્યો.
પતંજલિએ યોગને આપ્યું વ્યવસ્થિત સ્વરૂપ
યોગની પરંપરા પ્રાચીન હતી, પરંતુ તેને સુવ્યવસ્થિત અને દાર્શનિક સ્વરૂપ આપવાનો શ્રેય મહર્ષિ પતંજલિને આપવામાં આવે છે. તેમના યોગસૂત્રો આજે પણ યોગદર્શનનો સૌથી મહત્વપૂર્ણ આધાર ગણાય છે. પતંજલિએ યોગને અષ્ટાંગ સ્વરૂપમાં રજૂ કર્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આજના સમયમાં વિશ્વભરમાં સૌથી વધુ ઓળખાતા આસનો આ સમગ્ર વ્યવસ્થાનો માત્ર એક ભાગ છે.
અહીંથી એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો આસન માત્ર એક અંગ છે તો બાકીના સાત અંગોનું શું? જવાબ એ છે કે યોગનો અંતિમ હેતુ સમાધિ અને આત્મસાક્ષાત્કાર છે. આસન શરીરને તૈયાર કરે છે, પરંતુ યોગની યાત્રા ત્યાં પૂર્ણ થતી નથી. તે મન અને ચેતનાના ઊંડા સ્તરો સુધી પહોંચવાનો પ્રયાસ છે. આ જ કારણ છે કે પરંપરાગત યોગને સમજવા માટે માત્ર આસનો જાણવું પૂરતું નથી, તેના પાછળ રહેલા દર્શનને સમજવું પણ એટલું જ જરૂરી છે.
કેવી રીતે વિશ્વ સુધી પહોંચ્યો યોગ?
હજારો વર્ષ સુધી યોગ ભારતીય સંસ્કૃતિ, આશ્રમ પરંપરા અને આધ્યાત્મિક જીવનનો અભિન્ન ભાગ રહ્યો હતો. જોકે આધુનિક યુગમાં યોગની વૈશ્વિક યાત્રાને વેગ આપનાર કેટલીક ઐતિહાસિક ઘટનાઓએ તેને ભારતની સરહદોની બહાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમાં સૌથી મોટું નામ સ્વામી વિવેકાનંદનું છે.
1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે જ્યારે સનાતન દર્શન અને ભારતીય આધ્યાત્મિકતાનો પરિચય વિશ્વ સમક્ષ કરાવ્યો ત્યારે પશ્ચિમ વિશ્વ પ્રથમ વખત ભારતીય જ્ઞાનપરંપરાને ગંભીરતાથી સાંભળવા લાગ્યું. વિવેકાનંદે યોગને માત્ર આસનોની શ્રેણી તરીકે નહીં, પરંતુ માનવચેતનાના વિકાસ સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક માર્ગ તરીકે રજૂ કર્યો. તેમના વ્યાખ્યાનો અને પુસ્તકો દ્વારા રાજયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ જેવા વિચારો અમેરિકા અને યુરોપ સુધી પહોંચ્યા.

ત્યારબાદ 20મી સદી દરમિયાન અનેક યોગાચાર્યો અને આધ્યાત્મિક ગુરુઓએ યોગને વિશ્વભરમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું. ધીમે-ધીમે પશ્ચિમ વિશ્વમાં યોગ પ્રત્યે રસ વધવા લાગ્યો. શરૂઆતમાં આ રસ આધ્યાત્મિક જિજ્ઞાસા તરીકે હતો, પરંતુ સમય જતાં તે આરોગ્ય, માનસિક શાંતિ અને જીવનશૈલી સાથે પણ જોડાતો ગયો.
21મી સદીમાં પ્રવેશતા સુધીમાં યોગ વિશ્વના સૌથી લોકપ્રિય વેલનેસ ટ્રેન્ડ્સમાંનો એક બની ગયો હતો. અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને એશિયાના અનેક દેશોમાં યોગ સ્ટુડિયો, તાલીમ કેન્દ્રો અને સંસ્થાઓ ઉભી થઈ. લાખો લોકો યોગ કરવા લાગ્યા. પરંતુ આ લોકપ્રિયતા સાથે એક નવો ફેરફાર પણ આવ્યો. યોગના આધ્યાત્મિક અને દાર્શનિક પાસાઓ કરતાં તેના શારીરિક પાસાઓને વધુ મહત્વ મળવા લાગ્યું.
આ સ્થિતિ થોડી વિસંગત હતી. જે પરંપરાનો જન્મ આત્મસાક્ષાત્કારની શોધમાંથી થયો હતો, તે જ પરંપરા વિશ્વના ઘણા ભાગોમાં ફિટનેસ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદન તરીકે રજૂ થવા લાગી.
જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ સ્વીકાર્યો યોગ
યોગની વૈશ્વિક લોકપ્રિયતા 2014માં એક નવા તબક્કે પહોંચી. તે વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પોતાના સંબોધનમાં તેમણે યોગને ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ ગણાવી અને માનવ તથા પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્થાપિત કરનાર જીવનપદ્ધતિ તરીકે વર્ણવ્યો.
વિશ્વ સમુદાયનો પ્રતિસાદ નોંધપાત્ર હતો. ભારતના પ્રસ્તાવને રેકોર્ડ સંખ્યામાં 177 દેશોનું સમર્થન મળ્યું. માત્ર થોડા જ મહિનાઓમાં, 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકારી લીધો.
21 જૂનની પસંદગી પણ પ્રતીકાત્મક હતી. ઉત્તર ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જેને અનેક પ્રાચીન પરંપરાઓમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય યોગ પરંપરામાં પણ આ સમયગાળો આધ્યાત્મિક સાધના સાથે જોડાયેલો માનવામાં આવે છે.
2015માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો અને ત્યારથી દર વર્ષે તેની લોકપ્રિયતા વધતી ગઈ. આજે વિશ્વના લગભગ દરેક ખંડમાં યોગ દિવસની ઉજવણી થાય છે. ન્યૂયોર્કથી લઈને પેરિસ, ટોક્યોથી લઈને સિડની અને આફ્રિકાના શહેરોથી લઈને લેટિન અમેરિકાના દેશો સુધી યોગ એક વૈશ્વિક સાંસ્કૃતિક ઘટના બની ગયો છે. ભારત માટે આ માત્ર એક દિવસની ઉજવણી નહોતી. આ એવી પરંપરાની વૈશ્વિક માન્યતા હતી, જે હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો ભાગ રહી છે.
જ્યારે વિશ્વ યોગ તરફ વળી રહ્યું હતું પણ ભારત અંધારામાં હતું
એક સમય એવો પણ હતો જ્યારે યોગ ભારતીય જીવનનો સ્વાભાવિક ભાગ હોવા છતાં તેને આધુનિકતા સામે જૂની પરંપરા તરીકે જોવાની વૃત્તિ જોવા મળતી હતી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય જ્ઞાનપરંપરાઓને ઘણી વખત પશ્ચિમી શિક્ષણ અને વિચારધારાની સરખામણીએ ઓછું મહત્વ આપવામાં આવ્યું. સ્વતંત્રતા પછી પણ યોગ કરોડો લોકોના જીવનમાં જીવંત રહ્યો, પરંતુ તેને ભારતની વૈશ્વિક ઓળખ તરીકે સ્થાપિત કરવાનો કોઈ સંગઠિત પ્રયાસ લાંબા સમય સુધી જોવા મળ્યો નહીં.
વિરોધાભાસ એ હતો કે જે સમયે ભારતનો એક વર્ગ યોગને સામાન્ય બાબત માનીને અવગણતો હતો, તે જ સમયે અમેરિકા અને યુરોપમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી હતી. યોગ સ્ટુડિયો ખુલતા હતા, સંશોધન થતું હતું અને લાખો લોકો તેને જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા હતા.
21મી સદીના બીજા દાયકામાં આ સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે યોગને માત્ર આરોગ્યપ્રદ પ્રવૃત્તિ તરીકે નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની વૈશ્વિક ઓળખ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ અને તેને મળેલું અભૂતપૂર્વ સમર્થન આ જ પ્રયાસનો ભાગ હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત પછી યોગ ફરી એકવાર ભારતના જાહેર જીવનના કેન્દ્રમાં આવ્યો. શાળાઓ, યુનિવર્સિટીઓ, સરકારી સંસ્થાઓ અને સામાજિક સંગઠનોમાં યોગ અંગે નવી ચર્ચા શરૂ થઈ. લાંબા સમયથી ભારતીય પરંપરાનો ભાગ રહેલો યોગ હવે ભારતનો સોફ્ટ પાવર અને સાંસ્કૃતિક કૂટનીતિના સૌથી સફળ ઉદાહરણોમાંથી એક ગણાવા લાગ્યો.
મોદીના આ પ્રયાસોએ નવી પેઢીને યોગ સાથે ફરીથી પરિચિત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. યોગ વિશ્વભરમાં લોકપ્રિય તો પહેલેથી જ હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પછી ભારતીય સમાજમાં પણ તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અંગે નવી જાગૃતિ આવી.
યોગ માત્ર ફિટનેસ છે?
આજે જો કોઈ સામાન્ય વ્યક્તિને યોગ વિશે પૂછવામાં આવે તો મોટાભાગે તેના મનમાં આસનોના ચિત્રો જ ઉભા થાય. સૂર્યનમસ્કાર, પદ્માસન, તાડાસન કે અન્ય શારીરિક મુદ્રાઓ. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ જ યોગનું સંપૂર્ણ સ્વરૂપ છે? પરંપરાગત ભારતીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જવાબ સ્પષ્ટપણે ‘ના’ છે.
યોગના ઇતિહાસમાં આસનોને ક્યારેય અંતિમ લક્ષ્ય માનવામાં આવ્યા નથી. તે તો એક સાધન છે, સાધ્ય નહીં. શરીરને સ્થિર અને સ્વસ્થ બનાવીને મનને વધુ ઊંડા સ્તરની સાધના માટે તૈયાર કરવાનું તેનું કાર્ય છે. યોગની મૂળ યાત્રા શરીરથી શરૂ થઈ શકે છે, પરંતુ તેનો અંત ચેતનાના ઉચ્ચ સ્તરો સુધી પહોંચવામાં થાય છે.
આ જ કારણ છે કે પતંજલિના અષ્ટાંગ યોગમાં આસન પછી પણ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેવા તબક્કાઓ આવે છે. આ સમગ્ર પ્રક્રિયા મનુષ્યને પોતાના આંતરિક સ્વરૂપ સાથે જોડવા માટે રચાઈ છે.
પરંતુ વૈશ્વિક લોકપ્રિયતા વધતાં યોગના આ ઊંડા પાસાઓ પાછળ ધકેલાઈ ગયા. બજારને આસનો સરળતાથી વેચી શકાય, ધ્યાન અથવા આત્મસાક્ષાત્કાર નહીં. પરિણામે યોગના સૌથી દેખાતા ભાગે આખી પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું અને અહીંથી જ યોગના મૂળ અને તેની ઓળખ અંગેની ચર્ચા શરૂ થાય છે.
યોગના હિંદુ મૂળને લઈને વિવાદ કેમ ઊભા થયા?
યોગની સૌથી મોટી વિસંગતિ કદાચ એ છે કે વિશ્વભરમાં તેની લોકપ્રિયતા જેટલી વધી, તેના મૂળને લઈને અસ્પષ્ટતા પણ એટલી જ વધતી ગઈ. હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓની સાધનામાંથી જન્મેલી, સનાતન પરંપરામાં વિકસેલી અને વેદો, ઉપનિષદો, ભગવદ ગીતા તથા પતંજલિના યોગસૂત્રોમાં અભિવ્યક્ત થયેલી આ પરંપરાને આધુનિક સમયમાં ઘણીવાર તેના મૂળ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવી.
આશ્ચર્યની વાત એ છે કે યોગનો લાભ લેતા અને તેને અપનાવતા વિશ્વના મોટા વર્ગને તેના ઉદ્ભવ વિશે કોઈ વાંધો નથી, પરંતુ ચર્ચા ત્યારે શરૂ થાય છે જ્યારે તેના હિંદુ અને ભારતીય મૂળની વાત કરવામાં આવે છે. યોગને વૈશ્વિક ગણાવવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તે સનાતન પરંપરામાંથી ઉદ્ભવ્યો હોવાનું સ્વીકારવામાં કેટલાક પશ્ચિમી અને લેફ્ટ-લિબરલ વર્તુળો અસ્વસ્થતા અનુભવતા જોવા મળે છે.
હકીકતમાં યોગના મૂળને લઈને કોઈ વિશેષ રહસ્ય નથી. આદિયોગી શિવની પરંપરા હોય, ઉપનિષદોમાં આત્મા અને બ્રહ્મની ચર્ચા હોય, ભગવદ ગીતાના વિવિધ યોગમાર્ગો હોય કે મોક્ષની સંકલ્પના. યોગના દાર્શનિક પાયા ભારતીય જ્ઞાનપરંપરામાં જ જોવા મળે છે. યોગની ભાષા સંસ્કૃત છે, તેના મૂળ ગ્રંથો ભારતીય છે અને તેની કેન્દ્રીય સંકલ્પનાઓ પણ ભારતીય દર્શનમાંથી જ ઉદ્ભવી છે.
તેમ છતાં છેલ્લા કેટલાક દાયકાઓમાં યોગને તેના મૂળથી અલગ કરીને માત્ર ફિટનેસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ તરીકે રજૂ કરવાની વૃત્તિ વધી છે. પરિણામે એવી સ્થિતિ ઊભી થઈ કે યોગ સ્વીકાર્ય રહ્યો, પરંતુ ઘણી વખત તેની પાછળ રહેલી સંસ્કૃતિ, દર્શન અને આધ્યાત્મિક પરંપરાને ચર્ચાની બહાર રાખવામાં આવી.
પરંતુ કોઈ પરંપરાને તેના મૂળથી અલગ કરીને સંપૂર્ણ રીતે સમજવી શક્ય નથી. યોગ વિશ્વનો હોય શકે છે, પરંતુ તેના મૂળ ભારતના છે. યોગ સર્વમાનવ માટે ઉપયોગી હોય શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ સનાતન પરંપરામાંથી થઈ છે. આ બંને હકીકતો એકસાથે સાચી હોય શકે છે અને કદાચ યોગની વૈશ્વિક યાત્રાને સમજવા માટે બંનેને સ્વીકારવી પણ જરૂરી છે.
કદાચ એટલા માટે જ યોગને લઈને સૌથી મોટી ચર્ચા આસનો, પ્રાણાયામ કે ધ્યાન વિશે નથી. મૂળ પ્રશ્ન તો એ છે કે શું યોગને તેના મૂળ સ્વરૂપમાં ઓળખવામાં આવશે કે પછી તેને તેની જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખથી અલગ કરીને જોવામાં આવશે.
વિશ્વ યોગ કરે છે, પરંતુ યોગની આત્મા હજુ પણ ભારતની જ છે
આજે જ્યારે કરોડો લોકો યોગ કરે છે, ત્યારે તે ભારતની સૌથી સફળ સાંસ્કૃતિક યાત્રાઓમાંની એકનું પ્રતિનિધિત્વ કરે છે. હજારો વર્ષ પહેલાં ઋષિઓ અને સાધકોની પરંપરામાં વિકસેલો યોગ આજે વિશ્વભરમાં પ્રચલિત છે. પરંતુ તેની સૌથી મોટી શક્તિ તેની લોકપ્રિયતામાં નથી, તેની ઊંડાઈમાં છે.
યોગ મનુષ્યને માત્ર સ્વસ્થ શરીર આપવાનો દાવો કરતો નથી. તે મનુષ્યને પોતાના અસ્તિત્વને સમજવાનો માર્ગ બતાવે છે. આત્મસાક્ષાત્કાર, આંતરિક શાંતિ અને ચેતનાના વિકાસનો જે વિચાર હજારો વર્ષ પહેલાં ભારતીય ભૂમિ પર જન્મ્યો હતો, તે આજે પણ યોગનું કેન્દ્રબિંદુ છે. કદાચ એટલા માટે જ યોગ સમય, ભાષા, રાષ્ટ્ર અને સંસ્કૃતિની સરહદો પાર કરી શક્યો છે. કારણ કે તેની શરૂઆત શરીરથી થાય છે, પરંતુ તેનું ધ્યેય આત્મા સુધી પહોંચે છે.


