Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતહેક્ટર દીઠ ₹22,000ની ફાળવણી, ટેકાના ભાવે ₹15,000 કરોડથી વધુની ખરીદી: ઐતિહાસિક ₹10...

    હેક્ટર દીઠ ₹22,000ની ફાળવણી, ટેકાના ભાવે ₹15,000 કરોડથી વધુની ખરીદી: ઐતિહાસિક ₹10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજમાં શું વિશેષ છે- સમજો

    આ વખતે વધુ નુકસાનને જોતાં રાજ્ય સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું છે, તેમ છતાં વિરોધી પક્ષોએ ઉત્પાત મચાવ્યો છે. કોંગ્રેસે આટલી માતબર રકમના પેકેજને ખેડૂતો સાથેની છેતરપિંડી ગણાવી છે.

    - Advertisement -

    ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. દેશની મોટાભાગની વસ્તી આજે પણ જમીન પર નિર્ભર છે અને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુજરાતમાં આ જ સ્થિતિ છે. જોકે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કદાચ જમીન ઓછી હશે, પણ વસ્તીનો એક મોટો વર્ગ કૃષિ પર નિર્ભર છે. જો કુદરતી આફત કે અતિવૃષ્ટિથી પાકને નુકસાન થાય તો સમાજનો એક મોટો વર્ગ આર્થિક સંકટમાં આવી જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને રાહત આપે છે અને નુકસાનનું વળતર જાહેર કરે છે. 

    ગુજરાતમાં આ વર્ષે દિવાળીની રોશની પહેલાં જ કાળા વાદળો મંડરાયા હતાં. ઑક્ટોબરના અંતમાં આવેલા કમોસમી વરસાદ અને માવઠાએ રાજ્યભરમાં લાખો હેક્ટર જમીન પર ઊગેલા ઊભા પાકોને તબાહ કરી નાખ્યા. કપાસના સફેદ વાળ, મગફળીના ખંડો, બાજરી, જુવાર અને અન્ય ખરીફ પાકો પણ પાણીના પ્રવાહ સાથે તણાઇ ગયા. આવી પરિસ્થિતિમાં ફરી એક વખત ગુજરાત સરકાર ખેડૂતોની પડખે આવીને ઊભી રહી છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારે 7 નવેમ્બર, 2025ના રોજ ઐતિહાસિક ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજને ખેડૂતો માટેની સૌથી મોટી ભેટ કહી શકાય, કારણ કે ગત બે દાયકાની સૌથી ભયાનક કુદરતી આફતના નુકસાન સામે ખેડૂતોને તે હિંમત આપે છે અને નુકસાનનું વળતર પણ આપે છે.

    - Advertisement -

    કેટલું થયું નુકસાન? 

    આ વર્ષે ચોમાસું પણ ભરપૂર વરસાદ આપીને જતું રહ્યું હતું, પણ ઑક્ટોબરના અંતમાં અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફેરવી દીધું હતું. રાજ્યના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં આ માવઠાની વિપરીત અસરો ઊભી થઈ. પ્રાથમિક અંદાજ મુજબ, 42 લાખ હેક્ટરથી વધુ જમીન પર પાકોને નુકસાન થયું, જેનાથી 17 લાખથી વધુ ખેડૂત પરિવારો પ્રભાવિત થયા. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં તો નુકસાનની ટકાવારી 80થી 90 ટકા સુધી પહોંચી ગઈ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારીમાં પણ પાકોને નુકસાન થયું. કુલ નુકસાન ₹5 હજાર કરોડથી વધુનું માનવામાં આવી રહ્યું છે. 

    આ આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો અને બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યો. તે સિવાય દેવાની રકમનો ફટકો પણ ખેડૂતો પર પડ્યો. જોકે, દર વખતે પાકનું નુકસાન થવા પર રાજ્ય સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ આ વખતે સહાય વિશેષ એટલા માટે બની છે, કારણ કે સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને પ્રથમ વખત સોશિયલ મીડિયા પર પણ તેની જાહેરાત કરી છે. 

    ₹10,000 કરોડનું રાહત પેકેજ

    આ પેકેજને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ કહેવામાં આવી રહ્યું છે. ગત વર્ષોની તુલનામાં જોઈએ તો 2024માં કમોસમી વરસાદ માટે 1,462 કરોડ અને 2020માં ₹3,795 કરોડની રકમનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે ₹15,000 કરોડના ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદીનો નિર્ણય પણ લીધો છે, જે 9 નવેમ્બરથી અમલમાં આવશે. તેનાથી ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય મળશે અને બજારના નીચા ભાવોની ચિંતા પણ ઓછી થશે. 

    આ પેકેજનો લાભ રાજ્યના તમામ પ્રભાવિત ખેડૂતોને મળશે, ભલે પછી તેમની જમીન સિંચાઇવાળી હોય કે બિનસિંચાઇવાળી. મુખ્ય માપદંડ એ છે કે ખેડૂતના વિસ્તારમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયેલું હોવુ જોઈએ. આમાં 17 લાખથી વધુ ખેડૂત પરિવારોનો સમાવેશ થાય છે, જેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોના ખેડૂતોને વધુ લાભ થશે. નાના ખેડૂતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે, જેથી તેમની આર્થિક સ્થિતિ જળવાઈ રહે. 

    કેવી રીતે અપાશે સહાય? 

    માહિતી અનુસાર, સહાયની રકમ સીધી ખેડૂતોનાં બેન્ક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) યોજના હેઠળ જમા થશે. હેક્ટર દીઠ ₹22,000ની નિશ્ચિત રકમ આપવામાં આવશે, પણ એક ખેડૂતને મહત્તમ બે હેક્ટર જમીનના હિસાબે જ લાભ મળશે. એટલે કે મહત્તમ ₹44,000. આ રકમ પાકના પ્રકાર કે સિંચાઇની સ્થિતિ પર આધારિત નથી, જેથી તમામને સરખી તક મળશે. 

    પ્રક્રિયા ત્વરિત છે. મુખ્યમંત્રીએ 5,000થી વધુ ટીમોને ત્રણ દિવસમાં સરવે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને જિલ્લા વહીવટીઓએ 24*7 કાર્ય કરીને સરવે પૂર્ણ કર્યો છે. હવે આ વિષય પર આધારિત રકમનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે. ખેડૂતોને i-Krishi પોર્ટલ અથવા તાલુકા કૃષિ અધિકારીઓ દ્વારા અરજી કરવાની જરૂર પડશે અને તેમના આધાર કાર્ડ-લિંક્ડ ખાતામાં રકમ પહોંચી જશે.

    પેકેજની વિશેષ જોગવાઈઓ

    આ પેકેજ માત્ર આર્થિક વળતર સુધી મર્યાદિત નથી. તેમાં બીજ, ખાતર અને સિંચાઇ સાધનો માટે વધારાની સબસિડીનો પણ સમાવેશ છે, જેથી ખેડૂતો આવતી ઋતુમાં ફરીથી વાવેતર કરી શકે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, “આ કુદરતી આપત્તિમાં ખેડૂતોની ચિંતા કરવી અમારું કર્તવ્ય છે.”

    આ પેકેજ પાછળ સરકારની તૈયારીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગીર-સોમનાથના કડવાસણ ગામમાં ખેડૂતોને મળ્યા હતા, જ્યાં તેમણે પગપાળા ખેતરોમાં જઈને નુકસાન જોયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં અને અન્ય મંત્રીઓ જેમ કે નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને કૌશિક વેકરિયા તાપી, જૂનાગઢ, અમરેલી જેવા વિસ્તારોમાં પહોંચ્યા હતા. 

    આ મુલાકાતોમાંથી મળેલી માહિતીને આધારે ગાંધીનગરમાં ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજાઈ હતી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. મુખ્ય સચિવ જયંતિ રવિ, અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સરવેની કામગીરીને વેગ આપ્યો હતો અને આખરે નુકસાનનો સરવે થઈ શક્યો હતો.

    માતબર રકમનું પેકેજ, છતાં વિરોધીઓનો ઉત્પાત

    એવું નથી કે રાજ્ય સરકારે માત્ર આ વખતે જ રાહત પેકેજ જાહેર કર્યું, દર વખતે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે ત્યારે સૌથી પહેલા રાજ્ય સરકાર તેની પડખે આવીને ઊભી રહે છે. જોકે, આ વખતે વધુ નુકસાનને જોતાં રાજ્ય સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું છે, તેમ છતાં વિરોધી પક્ષોએ ઉત્પાત મચાવ્યો છે. કોંગ્રેસે આટલી માતબર રકમના પેકેજને ખેડૂતો સાથેની છેતરપિંડી ગણાવી છે. જોકે, આ પાર્ટી તો દૂધમાંથી પૂરા શોધવા માટે જાણીતી છે, આજ સુધીનો રેકોર્ડ છે કે તેણે સરકારના એક પણ સારા કામની પ્રશંસા નથી કરી. તે માત્ર તેમાંથી ભૂલો શોધીને બણગાં ફૂંકવાં સુધી જ સીમિત રહી શકે એમ છે. 

    ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ કૃષિ પેકેજને ખેડૂતોને આંખમાં ધૂળ નાખવા બરાબર ગણાવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે આ પેકેજને પણ ‘ઓછું’ ગણાવ્યું છે અને એસીવાળી ઑફિસમાં બેસીને દાવો કર્યો છે કે ખેડૂતોને નુકસાન વધારે થયું છે અને તે હિસાબે વળતર ખૂબ ઓછું આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારની 5000થી વધુ ટીમોએ ગ્રાઉન્ડ પર જઈને નુકસાનનો સરવે કર્યો છે અને તેના આધારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 

    આવું જ અન્ય પણ ઘણા વિરોધીઓ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સમર્થકો પણ ગાડાનો વજન પોતે ખેંચતા હોવાના ભ્રમમાં રહેલા શ્વાન જેવી હરકતો કરવા લાગ્યા છે. તેઓ માની રહ્યા છે કે AAPના ખેડૂતલક્ષી પ્રયાસોના કારણે (કેવા પ્રયાસો અને શું ઉકાળી દીધું, એ તો એ જ જાણે) સરકારે આટલું મોટું પેકેજ જાહેર કર્યું છે. આ ક્રેડિટખોરો તો એટલો શ્રેય લઈ રહ્યા છે, જેટલો આજ સુધીના સમયગાળામાં ભૂપેન્દ્રભાઈએ પોતે નથી લીધો. 

    તેમ છતાં આ બધા ઉત્પાતોની પરવા કર્યા વિના સરકાર હાલ ખેડૂતો અને તેને થયેલા નુકસાન પર વધુ ધ્યાન આપી રહી છે અને તે જરૂરી પણ છે. ટૂંક સમયમાં જ ખેડૂતોનાં ખાતામાં રાહત પેકેજમાંથી રકમ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગળ કહ્યું તેમ, વળતરની સાથે આ રકમ ખેડૂતોને આગામી પાકના વાવેતરમાં પણ ખૂબ ઉપયોગી થવાની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં