
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન બદલ રાજ્ય સરકારે ₹10,000 કરોડનું રાહત પેકેજ ઘોષિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે (7 નવેમ્બર) આ ઘોષણા કરી હતી.
એક્સ પર એક પોસ્ટ કરીને સીએમએ કહ્યું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી.
ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આગામી 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા જઈ રહી છે.
તેમણે કહ્યું કે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર અંતમાં ગુજરાતના લગભગ તમામ ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાકને ભરપૂર નુકસાન થયું હતું. આ પાક નુકસાનીની સમીક્ષા માટે સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને મંત્રીઓ તેમજ સ્વયં મુખ્યમંત્રી પણ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. સરવે બાદ કેબિનેટે ઈતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે.

