હોમપેજદેશગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પશ્ચિમ ઘાટના વિસ્તારોને જાહેર કરાશે 'ઇકોલૉજિકલી સેન્સેટિવ એરિયા': વાંચો...

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પશ્ચિમ ઘાટના વિસ્તારોને જાહેર કરાશે ‘ઇકોલૉજિકલી સેન્સેટિવ એરિયા’: વાંચો તેનો શું અર્થ છે અને કેમ જરૂરી છે આ નિર્ણય

પશ્ચિમ ઘાટમાં જો અનિયતંત્રિત રીતે માઇનિંગ, ઉદ્યોગો વગેરે ચાલતાં રહ્યાં તો તેની અસર બાયોડાયવર્સિટી પર પડી શકે એમ છે. તેના માટે અમુક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જરૂરી છે અને એટલે જ સરકાર આ માળખા પર કામ કરી રહી છે. 

- Advertisement -

દેશના પશ્ચિમ કિનારે આવેલી લગભગ 1500 કિલોમીટર લાંબી પર્વતમાળા પશ્ચિમ ઘાટના હજારો ચોરસ કિલોમીટર વિસ્તારને કેન્દ્ર સરકાર ઇકોલૉજિકલી સેન્સેટિવ એરિયા’ (ESA) જાહેર કરવા જઈ રહી છે. પહેલા તબક્કામાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વિસ્તારોને ESA જાહેર કરવામાં આવશે, જ્યારે બાકીનાં ત્રણ રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને કેરળ હજુ વિરોધ કરી રહ્યાં છે અને પ્રસ્તાવમાં ફેરફારો કરવાની માંગ કરી રહ્યાં છે.

શરૂઆતના પ્રસ્તાવમાં છ રાજ્યોના લગભગ 56000 સ્કેવર કિલોમીટર વિસ્તારને ESA ઘોષિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. લગભગ બારેક વર્ષથી રાજ્ય સરકારો સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. દરમ્યાન ડ્રાફ્ટ નોટિફિકેશન એક પછી એક બહાર પાડવામાં આવતાં રહ્યાં. હવે વધારે રાહ જોવા કરતાં સરકારે જે ત્રણ રાજ્યો– ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા–માં સહમતી બની ગઈ છે ત્યાંના વિસ્તારોને સેન્સેટિવ એરિયા ઘોષિત કરવાનો નિર્ણય કર્યો છે. જુલાઈ મહિનામાં આ બાબતનું નોટિફિકેશન આવી શકે છે.

શું છે ઇકોલૉજિકલી સેન્સેટિવ એરિયા?

ઇકોલૉજિકલી સેન્સેટિવ વિસ્તારો જાહેર કરવાની જોગવાઈ પર્યાવરણ સંરક્ષણ અધિનિયન, 1986માં છે. જે અનુસાર જ્યાં પર્યાવરણીય ઇકોસિસ્ટમ જાળવવાની, તેની સુરક્ષાની જરૂર દેખાય તે વિસ્તારને ESA ઘોષિત કરી શકાય છે.

- Advertisement -

ESA જાહેર થયા બાદ એ વિસ્તારમાં માઇનિંગ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પ્રતિબંધિત થઈ જાય છે. થર્મલ પાવર પ્લાન્ટ વગેરેને પણ પરવાનગી ન મળી શકે. ઉદ્યોગો પર પણ રોક લાગી જાય. મોટાં બાંધકામ (20,000 સ્ક્વેર મીટર કરતાં વધુના બિલ્ટ અપ એરિયાવાળાં બાંધકામ) અને ટાઉનશિપ પ્રોજેક્ટ પર પણ નિયંત્રણો લાગુ થઈ શકે.

2011થી અત્યાર સુધી શું-શું થયું?

ભૂતકાળ જોઈએ તો સૌથી પહેલાં વર્ષ 2011માં પુણેના ઇકોલોજિસ્ટ માધવ ગડગિલની અધ્યક્ષતામાં બનેલી એક પેનલે સમગ્ર પશ્ચિમ ઘાટ વિસ્તારને ઇકોલૉજિકલી સેન્સેટિવ વિસ્તાર ઘોષિત કરવા માટે ભલામણ કરી હતી. જોકે તેનો વિરોધ પણ ખાસ્સો થયો હતો.

કારણ એ છે કે પશ્ચિમ ઘાટમાં માત્ર જંગલો જ નથી, વસ્તી પણ મોટા પ્રમાણમાં છે. રાજ્યો માટે ઈકોનોમિક હબ પણ રહ્યું છે. અનેક પાક અહીં થાય છે એટલે એ એન્ગલ પણ જોવો પડે. સેન્સેટિવ વિસ્તાર ઘોષિત થયા પછી અહીં અનેક નિયંત્રણો લાગુ કરવાં પડે. રાજ્યોના વિરોધ બાદ તત્કાલીન UPA સરકારે પૂર્વ ISRO ચેરમેન કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં એક નવી પેનલ બનાવી હતી.

આ પેનલે 2013માં પોતાનો રિપોર્ટ આપ્યો. ભલામણમાં જણાવવામાં આવ્યું કે સમગ્ર પશ્ચિમ ઘાટને સેન્સેટિવ વિસ્તાર ઘોષિત કરવો વ્યવહારિક રીતે શક્ય નથી પરંતુ તેને મૂળ બે ભાગમાં વહેંચી દેવામાં આવે.

  1. નેચરલ લેન્ડસ્કેપ: જ્યાં જંગલો વધુ પ્રમાણમાં છે, અને એવા વિસ્તારો જેને સંરક્ષણની જરૂર છે.

કલ્ચરલ લેન્ડસ્કેપ: જ્યાં માનવવસ્તી વધુ પ્રમાણમાં છે, ખેતી કરવામાં આવે છે.

ત્યારબાદ ભલામણમાં કહેવામાં આવ્યું કે નેચરલ લેન્ડસ્કેપના 60,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને ઇકોલૉજિકલી સેન્સેટિવ એરિયા ઘોષિત કરવો જોઈએ. આ વિસ્તાર ગડગિલ પેનલ કરતાં ઘણો નાનો હતો.

સરકારે આ ભલામણો સ્વીકારી લીધા બાદ રાજ્યોને તેમનાં વાંધાસૂચનો ડિસેમ્બર 2013 સુધીમાં મોકલી આપવા માટે કહેવામાં આવ્યું. માર્ચ 2014માં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, જેમાં 6 રાજ્યોના 56,825 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને ESA જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ત્યારબાદ રાજ્યો સાથે ચર્ચા શરૂ કરવામાં આવી. પરંતુ છેક 2022 આવી ગયું પણ રાજ્યોની કેન્દ્ર સાથે આ બાબતે સહમતી બની શકી નહીં. આખરે 2022માં સરકારે એક નવી નિષ્ણાત સમિતિ બનાવી અને તમામ છ રાજ્યો સાથે ફરી ચર્ચા શરૂ કરવા માટે કહ્યું, જેથી કેન્દ્ર-રાજ્યો એકમત થઈ શકે.

2014થી અત્યાર સુધીમાં 6 વખત ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યાં છે. અંતિમ નોટિફિકેશન જુલાઈ 2024માં જાહેર કરવામાં આવ્યું હતું અને તેની મર્યાદા જુલાઈ 2026માં પૂર્ણ થાય છે. આ વખતે ફેરફાર એ કરવામાં આવ્યો કે તેમાં લખવામાં આવ્યું કે નિયત સમયમર્યાદામાં (જુલાઈ 2026 સુધીમાં) તબક્કાવાર, રાજ્યવાર કે સંયુક્ત રીતે પશ્ચિમ ઘાટના ઇકોલૉજિકલી સેન્સેટિવ વિસ્તારો નક્કી કરી નાખવામાં આવશે. આ જોગવાઈ એટલા માટે ઉમેરવામાં આવી હતી જેથી વધુ વિલંબ ન થાય.

સરકારોને શું સમસ્યા છે?

2022માં નીમવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ ફરી એક વખત તમામ રાજ્ય સરકારો સાથે બેઠકો કરી, દરેક રાજ્યોની મુલાકાત પણ લીધી, તેમનાં વાંધાસૂચનો જાણ્યાં અને હવે સમિતિ રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. સમિતિએ રાજ્યોને એ પણ ધરપત આપી છે કે પશ્ચિમ ઘાટની જાળવણી માટે તમામ છ રાજ્ય સરકારોને કેન્દ્ર ભંડોળ પણ આપશે. જોકે આ વાતનો ઉલ્લેખ 2013ના કસ્તુરીરંગન પેનલના રિપોર્ટમાં પણ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોએ મળીને કેન્દ્ર તરફથી કેટલી ગ્રાન્ટ મેળવવી એ નક્કી કરી નાખવું જોઈએ.

આમાં કેરળ, કર્ણાટક– બંને રાજ્ય સરકારો અડચણ પેદા કરી રહી છે. કર્ણાટક સરકાર પેનલની ભલામણોને સદંતર જ નકારી રહી છે એટલે આગળ કોઈ વાતચીત કરવાનો માર્ગ જ બંધ થઈ ગયો છે. કેરળનું કહેવું છે કે તેમના રાજ્યના 9,993 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાંથી હજુ 1000 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ઘટાડી દેવામાં આવે, કારણ કે અમુક ગામોમાં કૃષિ પ્રવૃત્તિઓ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં 2013ના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જે 60,000 સ્ક્વેર કિલોમીટરમાંથી 56,000 સ્ક્વેર કિલોમીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો એ પણ મોટોભાગનો વિસ્તાર કેરળમાં જ છે. તમિલનાડુનો વિસ્તાર પ્રમાણમાં ઘણો ઓછો છે, પણ હજુ ત્યાં પણ સહમતી બની શકી નથી.

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહમત થયાં, કર્ણાટક, કેરળ અને તમિલનાડુને હજુ વાંધા

મહારાષ્ટ્ર સરકારે શરૂઆતમાં 378 ગામોને બાકાત કરવા માટે જણાવ્યું હતું અને કારણ આપ્યું હતું કે ઈન્ડસ્ટ્રી, માઇનિંગ વગેરે પ્રવૃત્તિઓ ત્યાં ચાલુ રહે એ અર્થવ્યવસ્થા માટે જરૂરી છે, ઉપરાંત અમુક ગામો બાકીના સેન્સેટિવ વિસ્તાર કરતાં દૂર પડતાં હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. ગુજરાતને જોકે બહુ સમસ્યા રહી નથી અને અમુક શરતો સાથે ફાઇનલ એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગોવા પણ એગ્રીમેન્ટની નજીક છે.

પરિણામે હવે સરકાર ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોને ESA જાહેર કરવા તરફ આગળ વધી રહી છે.

કેમ જરૂરી પશ્ચિમ ઘાટની જાળવણી?

પશ્ચિમ ઘાટની સુરક્ષા પણ આવશ્યક છે. આ વિસ્તાર દેશના સૌથી મહત્ત્વના ઇકોલોજિકલ વિસ્તાર પૈકીનો એક છે. દુનિયાના આઠ અગત્યના બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં આવે છે. અહીં અનેક વનસ્પતિ પ્રજાતિ મળી આવે છે, જે બીજે દુનિયામાં ક્યાંય જોવા મળતી નથી. પ્રાણી-પક્ષીઓની પણ અનેક પ્રજાતિઓ અહીં વસવાટ કરે છે. જંગલોમાં ટાઇગર રિઝર્વ, એલિફન્ટ કૉરિડોર આવેલા છે. જો આ વિસ્તાર સાચવવામાં નહીં આવે તો પ્રજાતિઓ પણ નષ્ટ થવાની શક્યતા છે.

આ જ વિસ્તારમાં અનેક અગત્યની રિવર સિસ્ટમ છે, જે જળસંચય, સિંચાઈ, હાઈડ્રો પાવર જનરેશનમાં મદદરૂપ થાય છે. લાખો-કરોડો લોકો આ પાણી પર સીધી-પરોક્ષ રીતે નભે છે. પશ્ચિમ ઘાટના કારણે જ વિસ્તારમાં વરસાદ વધારે જોવા મળે છે અને તાપમાન પર પણ મોટી અસર કરે છે.

પશ્ચિમ ઘાટમાં જો અનિયતંત્રિત રીતે માઇનિંગ, ઉદ્યોગો વગેરે ચાલતાં રહ્યાં તો તેની અસર બાયોડાયવર્સિટી પર પડી શકે એમ છે. તેના માટે અમુક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જરૂરી છે અને એટલે જ સરકાર આ માળખા પર કામ કરી રહી છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં