દેશમાં ચાલતી યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચાઓ વચ્ચે કેરળની એક મહિલાનો કેસ પણ ચર્ચામાં છે. ઇસ્લામ છોડી ચૂકેલી આ મહિલા એ દલીલ સાથે કોર્ટના દરવાજે પહોંચી છે કે જો તે મઝહબ છોડી ચૂકી હોય તો પછી તેને લાગુ પડતા કાયદા પણ શરિયા અનુસાર ન હોવા જોઈએ અને જેથી ઉત્તરાધિકારના મામલામાં તેને મુસ્લિમ પર્સનલ લૉ નહીં પરંતુ ઈન્ડિયન સક્સેશન એક્ટ, 1925ની જોગવાઈઓ લાગુ પડવી જોઈએ.
સાફિયા પી એમ નામની આ 51 વર્ષીય મહિલાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગ કરી છે કે તે ઇસ્લામ છોડી ચૂકી છે અને જેથી તેની ઉપર શરિયા કે મુસ્લિમ પર્સનલ લૉ નહીં પરંતુ અન્ય કાયદા લાગુ કરવામાં આવે. આ મામલે ગત 28 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને આ મામલે તેમનું શું વલણ છે તે સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે. સરકારે જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાંનો સમય માંગ્યો હતો, જેની સામે કોર્ટે ચાર અઠવાડિયાંનો સમય આપીને મે મહિનાના પહેલા અઠવાડિયામાં સુનાવણી મુકરર કરી છે.
અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
મહિલાએ અરજીમાં દલીલ કરી છે કે, “શરિયા કાયદા (મુસ્લિમ પર્સનલ લૉ) હેઠળની જોગવાઈઓ મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ભેદભાવ કરે છે અને બંધારણ પ્રાપ્ત મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.” તેમણે આ જ બાબતને કારણ આપીને જણાવ્યું છે કે શા માટે પોતે ઇસ્લામ પાળતાં નથી. અરજીમાં કહેવામાં આવ્યું કે, ઇસ્લામનું પાલન ન કરતાં હોવા છતાં જો અરજદાર પર શરિયા લાગુ કરવામાં આવે તો તે ન્યાયોચિત ગણાશે નહીં. ઉપરાંત, શરિયા એમ પણ કહે છે કે જે વ્યક્તિ ઇસ્લામ છોડી દે તેને સમુદાયની બહાર મૂકવામાં આવે અને પારિવારિક સંપત્તિમાં પણ હિસ્સો રહેતો નથી.
સાફિયા કહે છે કે, તેમની આ લડાઈ માત્ર પોતાના માટે નથી, પરંતુ દરેક મુસ્લિમ મહિલા માટે છે, જેઓ પોતાની દરેક સંપત્તિ પુત્રીઓને આપી શકતી નથી. મુસ્લિમ પર્સનલ લૉ મને મારી તમામ સંપત્તિ પુત્રીને આપતાં રોકે છે અને માત્ર પચાસ ટકા સંપત્તિ જ પુત્રીને આપી શકાશે, જ્યારે બાકીની સંપત્તિ પુરુષ સંબંધીઓમાં વહેંચવી પડે છે.
અહીં વાસ્તવમાં મુદ્દો ઉત્તરાધિકારનો છે. મૂળ મુસ્લિમ તરીકે જન્મેલી આ મહિલાના વર્ષ 2004માં તલાક થઈ ગયા હતા. ત્યારથી તેમણે પુત્રીને એકલાં જ ઉછેરી છે, જે હાલ 25 વર્ષની છે. સાફિયાએ કોર્ટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ તેને તેના પિતાની સંપત્તિમાંથી માત્ર ત્રીજો હિસ્સો જ મળી શકશે અને તેના અને તેના ભાઈ વચ્ચે સંપત્તિની સરખી વહેંચણી નહીં થઈ શકે.
સાફિયાનું કહેવું છે કે, શરિયા હેઠળ તેના પિતા તેના અને તેના ભાઈની વચ્ચે સંપત્તિની સરખી વહેંચણી કરી શકે તેમ નથી. કારણ કે મુસ્લિમ પર્સનલ લૉ કહે છે કે જો અન્ય વારસદારો પણ હોય તો મુસ્લિમ મહિલા તેની પૈતૃક સંપત્તિમાંથી ત્રીજા ભાગ કરતાં વધારે સંપત્તિ મેળવી શકતી નથી. જો તે એકમાત્ર વારસદાર હોય તો તેને 50% સંપત્તિ આપવામાં આવે છે અને બાકીની 50% પરિવારના અન્ય પુરુષ સભ્યોમાં વહેંચવામાં આવે છે.
મહિલાનું કહેવું છે કે તે ઇસ્લામ છોડી ચૂકી હોવાના કારણે હવે તેની ઉપર શરિયા લાગુ ન કરી શકાય, કારણ કે શરિયાના કારણે જ ઇસ્લામ છોડ્યો હતો. જેથી તેની સંપત્તિની વહેંચણી મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર નહીં પરંતુ ઈન્ડિયન સક્સેશન એક્ટ, 1925 હેઠળ કરવામાં આવવી જોઈએ. પરંતુ અહીં એક સમસ્યા એ આવે છે કે ઈન્ડિયન સક્સેશન એક્ટની કલમ 58 કહે છે કે મુસ્લિમોને આ કાયદો લાગુ પડશે નહીં. (સ્પેશિયલ મેરેજ એક્ટના કિસ્સામાં લાગુ પડે છે.)
મહિલાએ તેથી કોર્ટમાં ઈન્ડિયન સક્સેશન એક્ટની કલમ 58ને પણ પડકારી છે તેમજ દલીલ કરી કે દરેક વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની કે ન પાળવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. જો કોઈ વ્યક્તિ મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ આવવા ન માંગતું હોય તો તેને દેશના સેક્યુલર કાયદા (જેમકે સક્સેશન એક્ટ) હેઠળની જોગવાઈઓ લાગુ કરવાનો પૂરેપૂરો અધિકાર મળવો જોઈએ.
સાફિયાનું કહેવું છે કે કદાચ તેઓ કાયદાકીય રીતે એવું પ્રમાણપત્ર મેળવી પણ લે કે તેઓ કોઈ ધર્મ-મઝહબમાં માનતાં નથી, તેમ છતાં ઉત્તરાધિકારના કિસ્સામાં તો પર્સનલ લૉ જ લાગુ પડશે. આ કિસ્સામાં તેમને એ લખાણ આપવામાં આવે કે તેમની ઉપર મુસ્લિમ પર્સનલ લૉની કલમ 2 અને 3 લાગુ પડશે નહીં. તેમનું કહેવું છે કે કાયદામાં અર્થઘટનને અવકાશ છે જ અને એ કોર્ટ જ કરી શકે તેમ છે.
કોણ છે સાફિયા?
સાફિયા નામની આ મહિલા કેરળના અલાપુઝ્ઝાની વતની છે અને પોતાને ‘એક્સ-મુસ્લિમ’ તરીકે ઓળખાવે છે. તેમણે વર્ષ 2020માં એક સંગઠન સ્થાપ્યું હતું ‘એક્સ મુસ્લિમ ઑફ કેરાલા’ જેનાં તેઓ જનરલ સેક્રેટરી પણ છે.
તેમનું કહેવું છે કે ઇસ્લામ છોડ્યા બાદ પણ તેમણે સમુદાય તરફથી ભેદભાવનો સામનો કરવો પડ્યો. જોકે એમ પણ કહે છે કે જેઓ ઇસ્લામ છોડી ચૂક્યા છે તેમનું તેમને સમર્થન પણ ઘણું મળ્યું છે. UCC વિશે તેઓ કહે છે કે, જો દેશમાં એક સેક્યુલર કાયદો આવતો હોય અને મહિલાઓ પ્રત્યે થતા ભેદભાવમાંથી મુક્તિ મળતી હોય તો તેઓ તેના સમર્થનમાં છે.
મુસ્લિમ પર્સનલ લૉમાં મહિલાઓના ઉત્તરાધિકાર માટે શું જોગવાઈ છે?
આપણે ત્યાં ક્રિમિનલ લૉ બધા માટે સમાન છે (જેમકે ભારતીય ન્યાય સંહિતા) પરંતુ લગ્ન, છૂટાછેડા, સંપત્તિ અને ઉત્તરાધિકાર વગેરે બાબતોમાં સમુદાયો પ્રમાણે કાયદાઓ લાગુ પડે છે. જેમકે, હિંદુઓમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ છે, પણ મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર એવું નથી. ઉપરાંત, ઉત્તરાધિકારમાં પણ અલગ કાયદાઓ છે. જેમકે, હિંદુ ઉત્તરાધિકાર કાનૂન હેઠળ તમામ સંતાનોને સમાન હક મળે છે. પરંતુ પર્સનલ લૉમાં એવું નથી.
મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર, પુત્રીને પુત્ર કરતાં અડધી સંપત્તિ (ત્રીજો ભાગ) મળે છે. જો એ એકલી જ પુત્રી હોય તો તેને સંપત્તિના પચાસ ટકા હિસ્સો મળે છે. બે કરતાં વધારે પુત્રીઓ હોય તો તેમને સંપત્તિનો 2/3 ભાગ મળે છે. એટલે સાફિયાના કિસ્સામાં તેના પિતાની સંપત્તિમાંથી તેને માત્ર 1/3 ભાગ જ મળી શકે. સરખા ભાગે સંપત્તિ વહેંચી ન શકાય.
આગળ વાત કરવામાં આવે તો, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેનાં સંતાનો હોય તો પત્નીને 1/8મો ભાગ મળે છે. જો કોઈ બાળકો ન હોય તો તેને 1/4 ભાગ મળે છે. એકથી વધુ પત્ની હોવાના કિસ્સામાં પણ સંપત્તિની વહેંચણી થાય છે.
ઉદાહરણ તરીકે, એક વ્યક્તિનું મૃત્યુ થયું અને તેને બે પત્નીઓ અને સંતાનો છે તો પત્નીઓનો કુલ હિસ્સો 1/8 હશે. આ 1/8ની પણ બે સરખા ભાગે વહેંચણી કરવામાં આવશે. જેથી બંને પત્નીને 1/16 ભાગ મળશે.
ભાઈ-બહેનોના કિસ્સામાં, જો વ્યક્તિ મૃત્યુ પામે જેનાં કોઈ સંતાન ન હોય, માતા-પિતા હયાત ન હોય કે ભાઈ પણ ન હોય તો તેની સગી બહેનને પચાસ ટકા હિસ્સો મળે છે. બાકીના પચાસ ટકા પરિવારના અન્ય સભ્યોમાં વહેંચવામાં આવશે. જો ભાઈ અને બહેન બે હોય તો બાપની સંપત્તિમાંથી બહેનને જેટલો હિસ્સો મળે તેના કરતાં બમણો હિસ્સો ભાઈને મળશે.
ઇસ્લામમાં પુરુષોને વધુ હિસ્સો આપવાની વાતને એમ કહીને જસ્ટિફાય કરવામાં આવતી રહી છે કે તેમની ઉપર પરિવારને સાચવવા માટેનું આર્થિક ભારણ વધુ રહે છે, જેથી તેમને વધુ સંપત્તિ આપવામાં આવે, જ્યારે મહિલાને મળતી સંપત્તિ માત્ર તેના માટે જ હોય છે. બીજી તરફ, ટીકા પણ થતી રહી છે, કારણ કે આ મામલો સીધી રીતે લૈંગિક ભેદભાવ તરફ સંકેત કરે છે. તેમ છતાં તમને ફેમિનિઝમના ઝંડા પકડીને ચાલનારા કોઈ મુસ્લિમ પર્સનલ લૉનો વિરોધ કરતા જોવા નહીં મળે.