જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) 20 નવેમ્બર 2025ના રોજ જમ્મુમાં આવેલા સ્થાનિક અંગ્રેજી અખબાર ‘કાશ્મીર ટાઈમ્સ’ની ઑફિસ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી આતંકવાદી ફન્ડિંગ, વિભાજનવાદી નેટવર્ક અને વિભાજનવાદી તથા જેહાદી વિચારધારાના પ્રોપગેન્ડા સામે ચાલી રહેલી સતત કાર્યવાહીનો ભાગ હતી.
ઑફિસની તપાસ દરમિયાન લગભગ 14 AK-47 કારતૂસ, પિસ્તોલના રાઉન્ડ અને ત્રણ ગ્રેનેડ લિવર મળી આવ્યા હતા. આ ઘટના બાદ પ્રશાસને કાશ્મીર ટાઈમ્સ, તેના પ્રમોટર્સ અને એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીન સામે UAPA હેઠળ FIR નોંધી છે.
SIAએ ભસીન અને તેના અખબાર પર જમ્મુ-કાશ્મીર અને તેની બહાર સક્રિય ‘વિભાજનવાદીઓ અને અન્ય રાષ્ટ્રવિરોધી તત્વો સાથે મળીને ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપ મૂક્યો છે. હાલમાં અમેરિકામાં રહેતી અનુરાધા ભસીનની જેહાદી આતંકવાદી તથા વિભાજનવાદી વિચારધારા ફેલાવતા સંકલિત ‘પ્રોપેગન્ડા નેટવર્ક’માં તેની કથિત ભૂમિકા અંગે SIA પૂછપરછ કરશે, જેમાં ભડકાઉ તથા બનાવટી કહાનીઓ ફેલાવવી અને યુવાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે.
#BREAKING: J&K Police SIA raids Kashmir Times newspaper office in Jammu for indulging in anti national activities and spreading disaffection against the country and threatening sovereignty. SIA FIR names Anuradha Bhasin, Editor of Kashmir Times who is likely to be quizzed for her… pic.twitter.com/4AIFSFrvKQ
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 20, 2025
કાશ્મીર ટાઈમ્સ સામે આ કાર્યવાહી 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટની ચાલી રહેલી તપાસ દરમિયાન કરવામાં આવી છે. આ હુમલો એક જેહાદી આતંકવાદી હુમલો હતો, જેમાં 13 લોકોનાં મોત થયાં હતાં. હુમલા પાછળના મુખ્ય આરોપીની ઓળખ ડૉ. ઉમર ઉન નબી તરીકે થઈ છે, જે ડૉક્ટરો અને મૌલવીઓના કટ્ટરપંથી મોડ્યુલનો મુખ્ય સભ્ય હતો. અધિકારીઓનું કહેવું છે કે આ મોડ્યુલ મોટા આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યું હતું. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ઘણા ડૉક્ટરો પાસેથી લગભગ 3,000 કિલો વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ જેહાદી મોડ્યુલ ઑક્ટોબર 2023માં ઇઝરાયેલમાં હમાસે જેવો હુમલો કર્યો એવો જ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.
તપાસ દરમિયાન NIAને એવી વિડીયો સામગ્રી પણ મળી જેમાં સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબી સ્યુસાઇડ બૉમ્બિંગને હિંસા નહીં પણ ‘પ્રોફાઉન્ડ રિલીજિયસ એક્ટ’ ગણાવી રહ્યો હતો. તપાસ એજન્સી હજુ પણ દિલ્હી મોડ્યુલ અને જમ્મુ-કાશ્મીરમાં તેના હેન્ડલર્સ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે.
તપાસ કરનારા અધિકારીઓનું માનવું છે કે આ જ નેટવર્કનું કેટલાક મીડિયા ચેનલો અને પ્રોપેગન્ડા ફેલાવવાના જૂથો સાથે કનેક્શન હોય શકે, જે હવે SIAની તપાસ હેઠળ છે.
‘ઈન્ડિપેન્ડેન્ટ જર્નાલિઝમ’ની આડમાં ભારતવિરોધી પ્રોપેગન્ડા ફેલાવતા અનુરાધા ભસીન અને કાશ્મીર ટાઈમ્સ
અનુભવી પત્રકાર વેદ ભસીન દ્વારા સ્થાપિત અને હવે તેમની પુત્રી અનુરાધા ભસીન દ્વારા સંચાલિત ધ કાશ્મીર ટાઈમ્સ 2020માં શ્રીનગર ઑફિસ સીલ કરવામાં આવી ત્યારે પણ તપાસ હેઠળ આવી ચૂક્યું છે. થોડા વર્ષો પહેલાં અખબારએ તેનું પ્રિન્ટ એડિશન બંધ કરી દીધું હતું અને ત્યારથી તે ફક્ત ડિજિટલ ફોર્મેટમાં કાર્યરત છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીર ટાઈમ્સને બે મિલકતો ફાળવી હતી. તેમાંથી એકનો ઉપયોગ ઑફિસ સ્પેસ તરીકે થતો હતો, જ્યારે બીજી કાશ્મીર ટાઈમ્સના સ્થાપક વેદ ભસીનના ઘર તરીકે આપી હતી. 2015માં તેમના મૃત્યુ પછી વહીવટીતંત્રે પરિવારને સરકાર દ્વારા આપવામાં આવેલ ઘર ખાલી કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે, અનુરાધા ભસીનને તેના પિતાનાં મૃત્યુ પછી સરકાર દ્વારા આપવામાં આવેલ ઇમારતો સોંપવામાં આવનાર હતી. પણ તેણે આરોપ લગાવ્યો હતો કે વહીવટીતંત્રે અખબારના શ્રીનગર ઑફિસને ગેરકાયદેસર રીતે તાળાં મારી દીધાં હતાં.
20 નવેમ્બર 2025ના રોજ જારી કરાયેલા એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં, અનુરાધા ભસીન અને તેના પતિ પ્રબોધ જામવાલે SIAના પગલાની નિંદા કરી છે. આ કાર્યવાહીને ‘ઈન્ડિપેન્ડેન્ટ જર્નાલિઝમને ડરાવવા, બદનામ કરવા અને આખરે શાંત કરવાનો વધુ એક પ્રયાસ’ ગણાવ્યો હતો.
જ્યારે કાશ્મીર ટાઇમ્સના એડિટરોએ હંમેશાઈ જેમ વિક્ટિમ કાર્ડની રમત રમી અને કહ્યું કે ‘સરકારની ટીકા રાજ્ય પ્રત્યે દુશ્મનાવટ સમાન નથી.’ અખબાર અને તેના સંપાદકોએ સરકારની ટીકા કરવા અને રાષ્ટ્રવિરોધી બનવા વચ્ચેની રેખાને ધૂંધળી કરી દીધી હતી.
અનુરાધા ભસીન 1989માં કાશ્મીર ટાઇમ્સમાં તાલીમાર્થી રિપોર્ટર તરીકે જોડાઈ અને 2015માં વેદ ભસીનના અવસાન પછી અખબારની એક્ઝિક્યુટિવ એડિટર બની હતી.
5 ઑગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા પછીના થોડા દિવસોમાં જ અનુરાધા ભસીને જમ્મુ-કાશ્મીરમાં મીડિયા પરના પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તે સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા ઈન્ટરનેટ બંધ અને સુરક્ષા પ્રતિબંધો વધારવામાં આવ્યા હતા અને અમુક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2023માં અનુરાધા ભસીને આર્ટીકલ 370 વિશે એક નિબંધ લખ્યો હતો, જેમાં તેણે દલીલ કરી કે આર્ટીકલ 370 કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ નહોતો કરવો જોઈતો અને તે કોઈ કામચલાઉ જોગવાઈ નહોતી. સુપ્રીમ કોર્ટે પણ જેનું સમર્થન કર્યું તે આર્ટીકલ 370 અને 35Aની નાબૂદીને તેણે રાજકીય અને બંધારણીય ‘છેતરપિંડી’ ગણાવી હતી.

કાશ્મીર ટાઈમ્સ નિયમિતપણે ભારતીય લોકશાહી અને રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવા માટે સમર્પિત હોય એવા લોકોને પ્લેટફોર્મ આપે છે. ડિસેમ્બર 2023માં KTએ (કાશ્મીર ટાઈમ્સ) વકીલ પ્રશાંત ભૂષણનો (જેમને 2020ના દિલ્હીમાં થયેલ હિંદુવિરોધી રમખાણો સાથે જોડવામાં આવે છે) લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેણે સુપ્રીમ કોર્ટ પર ‘વિશ્વાસઘાત’નો આરોપ લગાવી દીધો હતો. કારણ એકમાત્ર એટલું હતું કે સુપ્રીમ કોર્ટે કલમ 370ને માત્ર અસ્થાયી જોગવાઈ ગણાવી હતી અને તેને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય માન્ય રાખ્યો હતો.

આ વર્ષે ઑગસ્ટમાં અનુરાધા ભસીનનાં પુસ્તકમાં ખોટી અને વિભાજનવાદી વાતો હોવાથી જમ્મુ-કાશ્મીર સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ વિવાદાસ્પદ પુસ્તકનું નામ ‘અ ડિસ્મેન્ટલ્ડ સ્ટેટ: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કાશ્મીર આફ્ટર આર્ટીકલ 370’ છે.
પ્રતિબંધિત પુસ્તકમાં ભાસીને લખ્યું હતું કે, “બે પ્રકારના મંતવ્યો સામાન્ય છે. ‘કલમ 370એ અમને ભારતનો સ્વાયત્ત ભાગ બનાવ્યો હતો. હવે આપણાં પર કબજો કરી લેવાયો છે’, આ એ કાશ્મીરીઓની વારંવાર સાંભળવામાં આવતી ટિપ્પણી છે, જેમને ભારતીય લોકશાહીમાં થોડો પણ વિશ્વાસ હતો. ‘આઝાદી’ના સમર્થકો માટે આ એક દુઃખદ ક્ષણ હતી. ‘આપણે ક્યારેય ભારતનો ભાગ નહોતા. હવે તેમણે એકમાત્ર કાયદાકીય કડી પણ તોડી નાખી છે.’

માર્ચ 2023માં અનુરાધા ભસીને ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ લખીને PM મોદીનાં ભારતીય મીડિયા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા વિરોધી વલણની ટીકા કરી હતી. તેણે આરોપ મૂક્યો કે મોદી સરકારે દેશમાં ‘રિપ્રેસીવ’ મીડિયા નીતિઓ લાદી છે અને સરકાર કે વડા પ્રધાન વિરુદ્ધ અવાજ ઉઠાવતી મીડિયા સંસ્થાઓને જાણીજોઈને નિશાન બનાવવામાં આવે છે.
‘મોદી’સ ફાઈનલ અસોલ્ટ ઓન ઇન્ડિયાસ પ્રેસ ફ્રીડમ હેસ બિગન’ એવા શીર્ષકવાળા લેખમાં ભસીને દાવો કર્યો હતો કે તેનું અખબાર કાશ્મીર ટાઈમ્સ મોદી રાજમાં ટકી શકશે નહીં. તેણે આરોપ લગાવતા કહ્યું હતું કે સરકાર મીડિયાને ‘માઉથપીસ’ બનાવવા ધમકાવે છે અને UTમાં ઇન્ફોર્મેશન વેક્યુમ ઊભું કરે છે.
“પોલીસ વારંવાર પત્રકારોને બોલાવે છે, તેમની પૂછપરછ કરે છે અને આવકવેરા ભંગ, આતંકવાદ અથવા અલગાવવાદ જેવા આરોપો લગાવીને ધમકી આપે છે. ઘણા જાણીતા પત્રકારોની અટકાયત કરવામાં આવી છે અથવા તેમને જેલની સજા ફટકારવામાં આવી છે. અમે ડરમાં કામ કરીએ છીએ. ઘણા પત્રકારો પોતાને સેન્સર કરે છે અથવા નોકરી છોડી દે છે. ધરપકડના ડરથી કેટલાક વિદેશ ભાગી ગયા છે.” આવા દાવા કરીને તેણે ભારતીય લોકશાહી પર જોખમ હોવાનો પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો.
તેણે આગળ કહ્યું હતું કે, “કાશ્મીરમાં પત્રકારત્વ હંમેશા ખતરનાક રહ્યું છે. ભારત અને પાકિસ્તાન બંને આ પર્વતીય પ્રદેશ પર દાવો કરે છે, જે દાયકાઓથી યુદ્ધ અને અલગાવવાદી બળવાથી પીડિત છે. પત્રકારો વચ્ચે ફસાયેલા છે, ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ દ્વારા તેમને ધમકાવવામાં આવે છે અને ડરાવવામાં આવે છે, બંને એના પર નિયંત્રણ રાખવા માંગે છે કે બધી બાબતોને કેવી રીતે દર્શાવવામાં આવવી જોઈએ. 1990થી 2018 દરમિયાન કાશ્મીરમાં ઓછામાં ઓછા 19 પત્રકારોની હત્યા કરવામાં આવી હતી.” તેણે એમ પણ કહ્યું કે ભારત સરકારના પગલાં ભારતીય લોકશાહી માટે ખતરો છે.
નોંધવા જેવું છે કે અનુરાધા ભસીન અનેક ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહી છે અને પાકિસ્તાનની ISI સાથે તેના સંબંધો છે. તેના પિતા વેદ ભસીન પણ કાશ્મીરમાં ISIના ભારતવિરોધી કાર્યોના કટ્ટર સમર્થક હતા. તેમણે કાશ્મીરને ભારતથી અલગ કરવાના વિચારને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. વેદ ભસીનના અલગાવવાદી સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે પણ સંબંધો હતા. તેઓ JKLFના સ્થાપક મકબૂલ ભટ પ્રત્યે પણ સહાનુભૂતિ ધરાવતા હતા.
વેદ ભસીન અમેરિકામાં ISI જાસૂસ ગુલામ નબી ફૈના નજીકના મિત્ર હતા. જમાત-એ-ઇસ્લામીના એક્ટિવિસ્ટ ફૈએ ભસીનના મૃત્યુ પછી તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ એકમાત્ર એવા વ્યક્તિ હતા જે માનતા હતા કે કાશ્મીરને અલગ રાજ્ય બનવવાથી જ સમસ્યાનો ઉકેલ આવશે.
ભસીન પિતા-પુત્રીની જોડી ફૈ અને તેની કાશ્મીર અમેરિકન કાઉન્સિલ (KAC) દ્વારા આયોજિત અનેક ISI-પ્રાયોજિત પરિષદોનો પણ ભાગ રહી છે.
2011માં જ્યારે ફૈ પર કાશ્મીરમાં ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ISI પાસેથી ફન્ડિંગ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે અનુરાધા ભસીને તેને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. ફૈ અને પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકી નાગરિક ઝહીર અહેમદ પર જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાનની તરફેણમાં અમેરિકાના અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાની ફન્ડિંગમાંથી આશરે $4 મિલિયનનો (£2.5 મિલિયન) ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
યુએસ એટર્ની નીલ મેકબ્રાઇડે તે સમયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “છેલ્લા 20 વર્ષથી ફૈ ગુપ્ત રીતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ પાસેથી લાખો ડોલર મેળવતો હતો અને તેના વિશે યુએસ સરકારને ખોટું બોલતો હતો.”
ફૈએ કરવેરા ઉલ્લંઘનના ગુના સહિતના આરોપોની કબૂલાત કરી હતી અને જમ્મુ-કાશ્મીર વિવાદ પર અમેરિકન સરકારના વલણને પ્રભાવિત કરવા માટે ISI પાસેથી ફન્ડિંગ મેળવવાની કબૂલાત પણ કરી હતી. ગુલામ નબી ફૈને આ કેસમાં અમેરિકામાં બે વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી હતી.
અનુરાધા ભસીને ફૈને પાકિસ્તાની પેરોલ પર કામ કરનાર કહેવાય બદલ ભારત અને ભારતીય મીડિયાની ટીકા કરતો એક લાંબો લેખ પ્રકાશિત કર્યો હતો. જુલાઈ 2011માં કાઉન્ટરકરન્ટ્સમાં પ્રકાશિત થયેલા તેના લેખમાં તેણે ફૈની પાકિસ્તાન તરફી પ્રવૃત્તિઓને ન માત્ર ઓછી આંકી પરંતુ ISIનો બચાવ પણ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, “જો આરોપો સાચા હોય તો ISI દ્વારા ફન્ડિંગ પૂરું પાડવામાં આવતા કાર્યક્રમમાં ભારતીયોને આમંત્રણ આપવામાં શું મોટી વાત છે? ISI ગેરકાયદેસર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન નથી.” તેણે એમ પણ કહ્યું હતું કે કેટલાક આતંકવાદી જૂથો સાથે ગાઢ સંબંધો હોવા છતાં ISI તાલિબાન અથવા તેના જેવા ‘આતંકવાદી’ સંગઠનોથી અલગ છે.

ભસીને એ હકીકતને સરળતાથી અવગણી દીધી કે ISIએ ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનું ષડ્યંત્ર રચ્યું છે અને ભારતને નુકસાન પહોંચાડવા તથા અસ્થિર કરવાના પ્રયાસ કર્યા છે. કાશ્મીરમાં જેહાદ માટે ઇસ્લામી આતંકવાદીઓને ફન્ડિંગ પૂરું પાડવામાં, હથિયારો પૂરા પાડવામાં અને સમર્થન આપવામાં ISIની ભૂમિકા જગજાહેર છે. તેથી એ નિષ્કર્ષ કાઢવો યોગ્ય છે કે જે શખ્સ ISIને વાઇટવોશ કરે છે તે સમગ્ર જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદેસર દાવાને સમર્થન આપે છે અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના પક્ષમાં પણ છે
એમાં કોઈ આશ્ચર્ય નથી કે અનુરાધા ભસીને 2001ના સંસદ હુમલાના કેસમાં દોષિત મોહમ્મદ અફઝલ ગુરુ પ્રત્યે પણ સહાનુભૂતિ હતી. અફઝલને 2013માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અફઝલ ગુરુને ફાંસી આપ્યાના એક વર્ષ પછી ભસીને કાઉન્ટરકરન્ટ્સમાં એક પ્રોપગેન્ડા લેખ લખ્યો હતો, જેમાં અફઝલ ગુરુને વાઇટવોશ કરીને ‘ભારતીય ઘમંડનો શહીદ’, ‘પીડિત’ અને ‘નાયક’ ગણાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે અફઝલ ગુરુને પોતાનો બચાવ કરવાની ‘યોગ્ય તક’ આપવામાં નહોતી આવી. વધુમાં ભસીનને અલગાવવાદી અને JKLFના સ્થાપક મકબૂલ ભટ્ટ પ્રત્યે પણ સહાનુભૂતિ હતી, જેને 1984માં ફાંસી આપવામાં આવી હતી.

2010માં અનુરાધા ભસીને ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં ‘રાઇઝિંગ એન્ગર ઇન કાશ્મીર’ શીર્ષક હેઠળ એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું હતું. આ પત્રમાં ભસીને ભારતીય સુરક્ષાદળો પર કાશ્મીરી બાળકો અને યુવાનો પર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો અને નવ વર્ષના છોકરાના મૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો. આ લેખમાં તેણે સેના અને પોલીસ પર પથ્થરમારો કરનારા કાશ્મીરીઓનું સમર્થન કર્યું હતું.
આ વર્ષે એપ્રિલમાં પહલગામમાં થયેલા ઇસ્લામી આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી અનુરાધા ભસીને ‘ધ હિન્દુ’ને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘પહલગામ દુર્ઘટના’ પાછળનું કારણ શું હોય શકે છે.

એના જવાબમાં ભસીને તેને ‘એક્સપ્લોઝન ઑફ વિનમ’ એટલે કે ઝેરનો વિસ્ફોટ ગણાવ્યો હતો. ટૂંકમાં તે એવું કહેવા માંગતી હતી કે આ હુમલો આર્ટીકલ 370ની નાબૂદી વિરુદ્ધ વધતા આક્રોશનું પરિણામ હતું.

ભસીને પોતાના બીજા ઇન્ટરવ્યુમાં ‘ડેમોગ્રાફિક ચેન્જ’ના ઇસ્લામી નેરેટિવનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે ભાજપ-આરએસએસ ભારતના અન્ય ભાગોમાંથી લોકોને નોકરીઓ, વ્યવસાયો અને મતદાન પેટર્નમાં સ્થાનિક કાશ્મીરી મુસ્લિમ વસ્તી કરતાં વધુ સંખ્યામાં લાવવા માંગે છે. જોકે, કાશ્મીર ટાઇમ્સની સંપાદકે વારંવાર કાશ્મીરમાં કોઈપણ વાસ્તવિક અથવા કાલ્પનિક ડેમોગ્રાફિક ચેન્જ અંગે ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે તેણે ક્યારેય કાશ્મીરી પંડિતોના નરસંહાર અંગે આવી ચિંતા વ્યક્ત કરી નથી. તેણે કાશ્મીરની હિંદુ ડેમોગ્રાફી કેવી રીતે વ્યવસ્થિત રીતે બદલવામાં આવી છે તે અંગે ક્યારેય એટલી મજબૂતીથી વાત કરી નથી.
અનુરાધા ભસીને પ્રોપગેન્ડાને એટલી હદે હવા આપી કે તેણે ભારતીય સેના પર જમ્મુમાં નાગરિકોને ‘ત્રાસ’ આપવાનો અને ‘હત્યા’ કરવાનો આરોપ લગાવ્યો, કારણ કે તે ‘સ્વતંત્ર પત્રકારિતા’, ‘અસંમતિ’ અને ‘સરકારની ટીકા’ કરી રહી હતી.
ફેબ્રુઆરી 2024માં ભસીને કારવાં ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક પ્રોપગેન્ડા આર્ટીકલ શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય સેના નાગરિકોને ત્રાસ આપે છે અને મારી નાખે છે. આ બધું જાણ્યા બાદ એમાં કોઈ આશ્ચર્ય નથી કે કાશ્મીર ટાઈમ્સ PoKને પાકિસ્તાનનું જમ્મુ-કાશ્મીર કહે છે.

17 નવેમ્બરના રોજ અનુરાધા ભસીને એક લેખ લખ્યો, જેમાં પાકિસ્તાન તરફી અને ઇસ્લામ તરફી માનસિકતાની ગંધ આવતી હતી. “‘વ્હાઇટ કોલર હેટ ટુ કોમ્બેટ ‘વ્હાઇટ કોલર ટેરર’ ટેકલિંગ: ક્રિએટિંગ ધ એનિમી ઇનહિન” શીર્ષક હેઠળના તેના લેખમાં ભસીને જણાવ્યું હતું કે દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ પછી તમામ મુસ્લિમો વિરુદ્ધ ઇસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે, કારણ કે કેટલાક મુસ્લિમ ડૉકટરો જેહાદી આતંકવાદી હુમલામાં સામેલ હતા.
અનુરાધા ભસીને એવો પણ દાવો કર્યો હતો કે દિલ્હી બ્લાસ્ટ માટે પાકિસ્તાનને હજુ સુધી ખુલ્લેઆમ દોષી ઠેરવવામાં નથી આવ્યું, કારણ કે “ભારતે કડવા અનુભવથી શીખી લીધું છે કે દક્ષિણ એશિયામાં ‘પરમાણુ ધમકી’ પર દુનિયાને કોઈ રુચિ નથી અને પાકિસ્તાનની લશ્કરી ક્ષમતાને ઓછી આંકી શકાય તેમ નથી.”

પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ કહો કે ભસીનનો વાસ્તવિકતાથી વિરોધાભાસી અભિપ્રાય, પરંતુ ભારતે ક્યારેય પરમાણુ ધમકી આપી નથી. પાકિસ્તાની સેના અને તેના નિયંત્રણ હેઠળનું રાજકીય નેતૃત્વ જ ભારતને સતત પરમાણુ યુદ્ધની ધમકીઓ આપે છે. ‘પાકિસ્તાનની લશ્કરી ક્ષમતાને ઓછી આંકી શકાય નહીં’ એમ લખીને ભસીને સંકેત આપ્યો કે મે મહિનામાં થયેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનું પડલું ભારી હતું. પરંતુ હકીકતમાં સમગ્ર સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાન પર પૂરેપૂરું વર્ચસ્વ જમાવ્યું હતું, જેના કારણે પાકિસ્તાને ભારતીય DGMO તેમજ અમેરિકા સહિત અનેક વિદેશી નેતાઓનો સંપર્ક કરીને યુદ્ધવિરામની માંગણી કરવી પડી હતી.
વધુમાં ટ્રમ્પના એવા દાવા કે PM મોદીએ તેમને યુદ્ધ રોકવા વિનંતી કરી હતી – એના કારણે જે એકમાત્ર વ્યક્તિ ખુદ્દ અપમાનિત થઈને ઊભી રહી છે તે છે ડોનાલ્ડ ટ્રમ્પ જ પોતે. મોદી સરકારે ટ્રમ્પના ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવાના દાવાઓને નકારી કાઢ્યા, એટલું જ નહીં, પરંતુ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાનું પણ ટાળ્યું છે, જેની તેઓ ખૂબ જ આતુરતાથી માંગ કરતા હતા તથા જેના માટે પાકિસ્તાને તેમનું નામ આગળ કર્યું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવાના અને ફાઈટર જેટ પડી ગયાના ટ્રમ્પના દાવાઓને લોકો પોતે જ ગંભીરતાથી લેતા નથી.
તેણે એવી પણ દલીલ કરી કે પહલગામ હુમલા પછીના દરેક આતંકવાદી હુમલાને યુદ્ધની કાર્યવાહી ગણવાની જાહેરાત કરીને ભારતીય સરકારે યુદ્ધની શક્યતાઓ ઘટાડી દીધી છે અને એટલે જ ભારત પાકિસ્તાનને જાહેરમાં દોષી ઠેરવતું નથી. ભસીનનો દાવો હતો કે મોદી સરકાર આતંકવાદી હુમલાઓના આધારે ‘ફૂલી’ રહી છે અને દિલ્હી હુમલા પછી જનતાનો ગુસ્સો કાઢવા માટે કોઈ વિલન ઊભો કરવા માગે છે. તેથી મુસ્લિમોને અને ખાસ કરીને શિક્ષિત મુસ્લિમોને ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે.
તેણે દિલ્હી બ્લાસ્ટના શિક્ષિત જેહાદી ગુનેગારોની ટીકા કરનાર અને શિક્ષિત મુસ્લિમોમાં પણ ઇસ્લામિક કટ્ટરપંથ વિશે ચિંતા વ્યક્ત કરનાર બધા માણસોને ‘ઇસ્લામોફોબિક’ ગણાવી દીધા, પરંતુ જેહાદી મુસ્લિમો અને ‘શાંતિપ્રિય’ મુસ્લિમો વચ્ચે ભેદ કરવાનો કોઈ રસ્તો સૂચવ્યો નહીં.
વિડંબના જુઓ કે જે અનુરાધા ભસીન UAPAને ‘વિરોધ કરતા અવાજો’ સામેનું હથિયાર ગણાવીને તેનો સતત વિરોધ કરતી, તેના પર આજે એ જ UAPA હેઠળ ગુનો નોંધાયો છે. કાશ્મીર ટાઈમ્સના કાર્યાલયમાંથી શસ્ત્રો, પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યાં હોવાના અહેવાલો હોવા છતાં ઈસ્લામિક-લેફ્ટિસ્ટ જૂથો ભસીનના બચાવમાં કૂદી પડ્યા છે અને ભસીન તથા તેના અખબારની કથિત ગુનાહિત અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર એમ કહીને કે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, સરકાર અખબારને ફક્ત એટલા માટે નિશાન બનાવી રહી છે કારણ કે તે સરકારની નીતિઓની ટીકા કરી રહ્યું હતું.
આ લેખ મૂળ અંગ્રેજીમાં શ્રદ્ધા પાંડે દ્વારા લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


