
જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ તપાસ એજન્સી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) ગુરુવારે (20 નવેમ્બર) સવારે અંગ્રેજી અખબાર ‘કાશ્મીર ટાઈમ્સ’ની જમ્મુ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી અખબાર પર દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના આરોપો સાથે સંકળાયેલી તપાસનો એક ભાગ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, SIAની ટીમ સવારે જ ઓફિસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
એજન્સીએ ઘણાં દસ્તાવેજો, કોમ્યુટર્સ અને ડિજિટલ ડિવાઇસ તપાસ્યાં હતાં અને કેટલીક સામગ્રી જપ્ત પણ કરી હતી. એજન્સીનું કહેવું છે કે આ કાર્યવાહી એન્ટી-ટેરર ઑપરેશન્સનો એક ભાગ છે. અખબાર અને તેના પ્રમોટર્સમાં તેની એડિટર અનુરાધા ભસીન પણ સામેલ છે. તેની વિરુદ્ધ UAPAની કલમ 13 હેઠળ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે અખબાર દેશ વિરુદ્ધ અસંતોષ ફેલાવવા અને દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ છે.
અહેવાલો અનુસાર, SIA જલ્દી જ એડિટર અનુરાધા ભસીનની પૂછપરછ શરૂ કરશે. પૂછપરછમાં તેને તેની ગતિવિધિઓ, સંપર્કો અને કથિત પ્રોપગેન્ડા નેટવર્કમાં તેની ભૂમિકા પર સવાલ કરવામાં આવશે. અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે આવનારા દિવસોમાં અખબાર સાથે જોડાયેલા અન્ય શખ્સોની પૂછપરછ પણ કરવામાં આવશે.
ઓફિસમાંથી મળી આવ્યા AK-47 કારતૂસ, પિસ્તોલ રાઉન્ડ, ગ્રેનેડ લીવર
વધુમાં સૂત્રોને ટાંકીને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ‘કાશ્મીર ટાઈમ્સ’ની ઓફિસમાંથી એજન્સીને AK-47ના 14 કારતૂસ, પિસ્તોલ રાઉન્ડ, ત્રણ ગ્રેનેડ લીવર મળી આવ્યા છે. હાલ પણ દરોડા ચાલી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે અને પૂછપરછ સંદર્ભિત કાર્યવાહી પણ આગળ વધી રહી છે.
નોંધનીય છે કે ઑક્ટોબર 2020માં શ્રીનગરના પ્રેસ એન્ક્લેવમાં આવેલ કાશ્મીર ટાઇમ્સની ઓફિસને પ્રશાસને સીલ કરી દીધી હતી. દરોડા પછી કાશ્મીર ટાઇમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ કાર્યવાહી તેમને ચૂપ કરાવવાનો એક વધુ પ્રયાસ છે. તેમનું કહેવું છે કે, “અમને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે અમે હજુ પણ સ્વતંત્ર અને આલોચનાત્મક પત્રકારત્વ કરીએ છીએ. અમે એ ગણ્યાગાંઠ્યા મીડિયા સંસ્થાનો પૈકી એક છીએ જે સત્તાને સવાલ પૂછવાની હિંમત ધરાવે છે. લગાવવામાં આવેલા આરોપો અમને ડરાવવા અને બદનામ કરવાના પ્રયાસો છે, પરંતુ અમે ચૂપ નહીં રહીએ.”

