Tuesday, March 31, 2026
More
    હોમપેજદુનિયાદાયકાઓ જૂનો વિવાદ, ડ્યુરન્ડ લાઇન અને TTPની ભૂમિકા: વાંચો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પાછળનો...

    દાયકાઓ જૂનો વિવાદ, ડ્યુરન્ડ લાઇન અને TTPની ભૂમિકા: વાંચો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પાછળનો ઇતિહાસ

    કુલ મળીને હાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંઘર્ષના મૂળ 2 મુદ્દા છે. એક કે પાકિસ્તાન એવું માને છે કે TTPને તાલિબાનોનું સમર્થન છે અને બીજું ડ્યુરન્ડ લાઇન. આ ડ્યુરન્ડ લાઇનને અફઘાનિસ્તાન માન્યતા આપી દે એ માટે પાકિસ્તાન ઘણીવાર દબાણ ઉભું કરવા ખૈબર પ્રાંતમાં હવાઈ હુમલા કરે છે અને ત્યાં રહેતા અફઘાની પઠાણોને મારી નાખે છે.

    - Advertisement -

    ઑક્ટોબર 2025માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો એટલા તણાવપૂર્ણ બન્યા છે કે બંને દેશો વચ્ચેની સરહદ અંધાધૂંધ ગોળીબાર અને બૉમ્બમારો થઈ રહ્યો છે. જોકે, વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી પણ બની હતી, તેમ છતાં પાકિસ્તાન તરફથી ફરી હુમલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ યુવા ક્રિકેટરોનાં મોત થયા છે અને ઘણા નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાને લઈને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 સીરિઝનો બહિષ્કાર કર્યો છે.

    નોંધનીય છે કે આ વર્ષના ઑક્ટોબરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર સંઘર્ષ શરૂ થયો હતો. આ સરહદને ‘ડ્યુરન્ડ લાઇન’ કહેવામાં આવે છે, જે બ્રિટિશ કાળમાં નક્કી કરવામાં આવી હતી, પરંતુ અફઘાનિસ્તાન આ લાઇનને સરહદ તરીકે સ્વીકારતું નથી. જેનું કારણ છે કે આ લાઇન પશ્તુન જાતિના લોકોને બંને દેશોમાં વિભાજીત  કરે છે.

    તાજેતરનો સંઘર્ષ

    આમ તો બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ઘણો જૂનો છે, પરંતુ આ વર્ષે સંઘર્ષની શરૂઆત 8 ઑક્ટોબરે થઈ હતી. આ દિવસે પાકિસ્તાનના ખૈબર પખ્તુંખ્વા પ્રાંતમાં તેહરીક-એ-તાલિબાને (TTP) પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. આ સંગઠન અફઘાન તાલિબાનથી અલગ છે, પણ તેમની વિચારધારા મોટાભાગે સમાન છે.

    - Advertisement -

    ત્યારપછી 9 ઑક્ટોબરે પાકિસ્તાને જવાબમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને પાક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને દલીલ આપી હતી કે આ હુમલામાં TTPના લીડરને ટાર્ગેટ કરાયા હતા. જોકે, અફઘાનિસ્તાને આ દલીલને નકારતા કહ્યું કે આમાં 15 નાગરિકોનાં મોત થયાં, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ TTPના લીડરનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેનાથી તે જીવિત હોવાનું સામે આવ્યું હતું.

    આ ઘટના બાદ 11-12 ઑક્ટોબરના રોજ અફઘાન તાલિબાને પ્રતિક્રિયા આપી હતી અને પાકિસ્તાનના ચમાન અને સ્પિન બોલ્દાક વિસ્તારોમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકો અને 9 અફઘાન સૈનિકો માર્યા ગયા હતા. તે સિવાય પાકિસ્તાની ટેન્ક અને ઘણી સરહદી ચોકીઓ પર તાલિબાને નિયંત્રણ પણ મેળવી લીધું હતું. બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો હતો, જેના કારણે વિદેશી મધ્યસ્થીથી બંને વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટેની કવાયત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે 24 કલાકના યુદ્ધવિરામ પર સહમતી બની હતી. જે કતારની મધ્યસ્થીથી થયું હતું. યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને વિરામનો ભંગ કરીને અફઘાનિસ્તાનમાં ફરી હુમલા કર્યા હતા, જેમાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા છે.

    તાજેતરમાં થઈ રહેલ આ સંઘર્ષમાં કુલ 40થી વધુ લોકો માર્યા ગયા છે અને 170થી વધુ ઘાયલ થયા છે. અફઘાનિસ્તાને 58 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે. હવે આ આ તણાવ વચ્ચે એ જાણવું જરૂરી બની જાય છે કે બંને દેશો વચ્ચે આખરે આ સંઘર્ષ થઈ કેમ રહ્યો છે.

    પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષનો ઇતિહાસ

    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની દુશ્મની 1893માં ડ્યુરન્ડ લાઇનની રચનાથી શરૂ થઈ હતી. બ્રિટિશ ભારતના વિદેશ સચિવ સર મોર્ટિમર ડ્યુરન્ડે અફઘાન શાસક અમીર અબ્દુર રહમાન ખાનને 2,640 (2,670) કિમીની આ રેખા સ્વીકારવા દબાણ કર્યું હતું, આ રેખાએ પશ્તુન જનજાતિઓને બે દેશોમાં વહેંચી દીધી હતી. આ ઘટના અફઘાનો માટે ‘ઐતિહાસિક ઘા’ બની ગઈ હતી. કારણ કે તે વિસ્તાર અફઘાનિસ્તાનનો હતો અને ત્યાં મોટાભાગની વસ્તી પણ પશ્તુન લોકોની હતી.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અફઘાન નિષ્ણાત નબી સાહકના થીસીસ મુજબ, આ રેખા માત્ર બ્રિટિશ અને અફઘાન પ્રભાવ વિસ્તારોને અલગ કરવા માટે હતી, નહીં કે કાયમી સરહદ બનાવવા માટે. પરંતુ પાકિસ્તાને 1947માં તેને આંતરરાષ્ટ્રીય સરહદ ગણાવીને એ ભાગ પચાવી પાડ્યો. જેના પરિણામ સ્વરૂપ અફઘાનિસ્તાન એકમાત્ર દેશ હતો જેણે યુએનમાં પાકિસ્તાનના પ્રવેશનો વિરોધ કર્યો હતો.

    ડ્યુરન્ડ લાઇન બ્રિટિશ અને રશિયન પ્રભાવનું બફર ઝોન હતું. જોકે અફઘાનિસ્તાને તેનો ક્યારેક સ્વીકાર કર્યો નહોતો. 1947માં અફઘાનોએ માંગ કરી કે પશ્તુન વિસ્તારો તેમને પાછા આપવામાં આવે, જોકે બ્રિટીશરોએ આ બાબતનો સ્વીકાર ન કર્યો. ત્યારપછી અફઘાનિસ્તાનમાં ‘પશ્તુનિસ્તાન’ ના નામે ચળવળ શરૂ થઈ. 1953-63માં અફઘાન વડા પ્રધાન દાઉદ ખાને ‘પશ્તુનિસ્તાન’ ચળવળને સમર્થન પણ આપ્યું હતું. 1961માં પાકિસ્તાને સરહદ બંધ કરી દીધી હતી, જેનાથી અફઘાનિસ્તાન સોવિયેત યુનિયન પર નિર્ભર થઈ ગયું હતું. 1973માં દાઉદે રાજાશાહી ખતમ કરીને પશ્તુનિસ્તાનનો વિચાર ફરી ઉઠાવ્યો, પરંતુ પાકિસ્તાને ફરીથી સરહદ બંધ કરી દીધી.

    1976 સુધીમાં દાઉદ અને પાકિસ્તાની વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવી દીધા હતા, પરંતુ તેમના પહેલાં અને પછીના અન્ય લોકોની જેમ દાઉદે ડ્યુરન્ડ લાઇનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી ન હતી. પાકિસ્તાને 2018માં ખૈબર-પખ્તુનખ્વાની આદિવાસી એજન્સીઓને નાબૂદ કરી ત્યારે તત્કાલીન અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સત્તાવાર રીતે વિરોધ કર્યો હતો.

    અહીં એ નોંધવું જરૂરી છે કે જ્યારે સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર તેનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું હતું ત્યારે પાકિસ્તાને મુજાહિદ્દીન અને અફઘાની શરણાર્થીઓને આશરો આપ્યો હતો. આ સિવાય સોવિયેત વિરુદ્ધની કાર્યવાહીમાં તાલિબાનોને ઉભા કરવામાં મદદ પણ કરી હતી. પાકિસ્તાનની મદદથી તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવ્યો હતો.

    જોકે પછીથી અમેરિકાએ કાબુલ પર કબજો જમાવ્યો હતો અને બગરામ એરબેઝ પણ કબજે કર્યો હતો. જેના કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું મહત્વ ઘટી ગયું હતું. પરંતુ વર્ષ 2021માં અમેરિકામાં જો બાયડનની સરકાર વખતે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું અને તાલિબાનોએ સંપૂર્ણ કબજો કરી લીધો હતો. ત્યારપછીથી તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે.

    મહત્વની બાબત છે કે ડ્યુરન્ડ લાઇન પશ્તુનો માટે ભાવનાત્મક મુદ્દો છે. અફઘાનો તેને ‘બ્રિટિશ ગુલામી’નું પ્રતીક માને છે. 2025ના સંઘર્ષમાં અફઘાનોએ 10 કિમી ફેન્સિંગ તોડી નાખી હતી. આ સરહદ વિવાદના કારણે બંને દેશો અત્યાર સુધી એકબીજા પર ઘણીવાર હુમલા કરી ચૂક્યા છે. જોકે તેનો ભોગ પશ્તુન જાતિના લોકો બની રહ્યા છે. પાકિસ્તાન આ રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણાવે છે, પરંતુ અફઘાનિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સરહદ ગણતું નથી.

    વેપારનો મુદ્દો

    આ સિવાય બંને દેશો વચ્ચે સંઘર્ષનું અન્ય કારણ છે એ છે વેપારમાં પડતી મુશ્કેલીઓ. નોંધનીય છે કે અફઘાનિસ્તાન ભૂમિબંધ દેશ છે, જેનો વેપાર પાકિસ્તાન, ઈરાન અથવા મધ્ય એશિયા દ્વારા થાય છે. પાકિસ્તાનનો રસ્તો સૌથી અનુકૂળ છે, પણ પાકિસ્તાન ભારત-અફઘાન વેપારને વાઘા બોર્ડરના માધ્યમથી રોકે છે. 2025માં પણ પાકિસ્તાને સરહદ બંધ કરી હતી, જેનાથી અફઘાનિસ્તાનમાં ખોરાક અને દવાઓની અછત સર્જાઈ હતી. જેને અફઘાનોએ ‘આર્થિક દબાણ’ ગણાવ્યું હતું.

    વર્તમાનમાં વાસ્તવિક વિવાદનું કારણ છે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન. ઉલ્લેખનીય છે કે પશ્તુનો અને સિંધુ નદીના દક્ષિણ અને પૂર્વમાં રહેતા લોકોની જીવનશૈલીમાં ઐતિહાસિક તફાવતો રહ્યા છે. એ પણ વાસ્તવિકતા છે કે પાકિસ્તાની સરકારે ઘણા પશ્તુનોને તેના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સમાવી લીધા છે અને ખાસ કરીને કરાચીમાં – ખૈબર પખ્તુનખ્વા અને અફઘાન બંનેમાં – નોંધપાત્ર પશ્તુન વસ્તી છે, પરંતુ આ તફાવતો હજુ સુધી દૂર થયા નથી.

    પાકિસ્તાની પશ્તુનો તેમના અફઘાન ભાઈઓના સમર્થનથી પંજાબ-પ્રભુત્વ ધરાવતી પાકિસ્તાની સરકાર અને સૈન્ય દ્વારા આદિવાસી જૂથોના વિનાશને તેમની જીવનશૈલીનું અપમાન માને છે. આ એક કારણ છે કે અફઘાન પશ્તુનો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું (TTP) સમર્થન કરે છે. આ વિવાદનું વાસ્તવિક કારણ આ પણ છે.

    ‘અહેસાન ફરામોશ’નો આક્ષેપ

    આ સિવાય પાકિસ્તાન એવું માને છે કે સોવિયેત યુનિયનની સામે લડવામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની મદદ કરી હતી તેથી અફઘાનિસ્તાનના શાસકોએ તેના આભારી રહેવું જોઈએ. બીજી તરફ, અફઘાન લોકો ખાસ કરીને પશ્તુન-પંજાબીઓ પાકિસ્તાનમાં તેમની સાથે થઈ રહેલ વ્યવહારથી નારાજ છે. તેઓ માને છે કે આ સમયગાળા દરમિયાન ઇસ્લામાબાદની નીતિઓએ માત્ર તેના જ હિતોને પૂર્ણ કર્યા અને અફઘાનીઓનું શોષણ કર્યું.

    આ સિવાય પાકિસ્તાન એવું મને છે કે TTPના આતંકીઓ ઇસ્લામાબાદ, લાહોર અને વિવિધ સ્થળોએ વિરોધ અને પ્રદર્શનો કરી રહ્યા છે તેની પાછળ અફઘાનિસ્તાન છે અને તાલિબાનો TTPને પૂર્ણ સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ TTPના લોકો પાકિસ્તાનને પણ અફઘાનિસ્તાનની જેમ સંપૂર્ણ રીતે શરિયા કાયદા હેઠળ લાવવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં TTPએ કરેલ વિરોધ અને ત્યારપછી TTPના લોકો પર પાકિસ્તાની સેના-પોલીસે કરેલ હુમલાઓના ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે.

    કુલ મળીને હાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંઘર્ષના મૂળ 2 મુદ્દા છે. એક કે પાકિસ્તાન એવું માને છે કે TTPને તાલિબાનોનું સમર્થન છે અને બીજું ડ્યુરન્ડ લાઇન. આ ડ્યુરન્ડ લાઇનને અફઘાનિસ્તાન માન્યતા આપી દે એ માટે પાકિસ્તાન ઘણીવાર દબાણ ઉભું કરવા ખૈબર પ્રાંતમાં હવાઈ હુમલા કરે છે અને ત્યાં રહેતા અફઘાની પઠાણોને મારી નાખે છે.

    ભારત પ્રત્યે નરમ વલણ

    આ બધા સંઘર્ષોની વચ્ચે અફઘાનિસ્તાનનું ભારત પ્રત્યે નરમ વલણ રહ્યું છે. આ સિવાય તાજેતરમાં તાલિબાન વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકીની ભારત મુલાકાતે પણ આવ્યા હતા. તાલિબાને પાકિસ્તાનની ઇચ્છા વિરુદ્ધ ભારત સાથે વેપાર અને મદદ વધારવાનું નક્કી કર્યું છે, જેના કારણે પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ઈચ્છે છે કે અફઘાનિસ્તાન તે ઈચ્છે એવા મર્યાદિત સંબંધો ભારત સાથે જાળવે.

    બીજી તરફ ભારતે અફઘાનિસ્તાનમાં $3 બિલિયનથી વધુનું રોકાણ કરેલું છે. જેમાં સલમા ડેમ, ચાબહાર બંદર, હોસ્પિટલો, શાળાઓ અને 1,000+ શિષ્યવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેથી અફઘાનિસ્તાન ભારત સાથે સંબંધો જાળવવા માંગે છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે એક રાષ્ટ્ર તરીકે તમારે કયા દેશો સાથે કેવા સંબંધો જાળવવા એ તમારા પોતાના સાર્વભૌમત્વનો વિષય છે. તેથી અફઘાનિસ્તાન આ બાબતમાં પાકિસ્તાનના મતોને અવગણી રહ્યું છે કારણે ભારત સાથે તેનું આર્થિક અને રાજદ્વારી હિત જોડાયેલું છે.

    જોકે, પાકિસ્તાન તેની અવળચંડાઇ છોડી રહ્યું નથી. તે વાઘા બોર્ડર દ્વારા ભારત-અફઘાન વેપાર રોકે છે. પરંતુ ચાબહાર બંદર ભારત-અફઘાન વેપાર માટે એક વિકલ્પ છે, જેને તાલિબાન સમર્થન આપે છે. આ સંઘર્ષ ડ્યુરન્ડ લાઇન, TTP અને વેપાર મુદ્દાઓ હલ ન થાય તો વધુ લાંબો ચાલશે. ભારત માટે આ તક છે કે તે ચાબહાર બંદર અને માનવીય મદદ દ્વારા અફઘાનિસ્તાન સાથે સંબંધો વધારે, જે પ્રદેશીય શાંતિમાં યોગદાન આપી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં