Monday, October 13, 2025
More
    હોમપેજદુનિયાચીન, રશિયા અને ભારતનો વિરોધ હોવા છતાં ટ્રમ્પ કેમ કબજે કરવા માંગે...

    ચીન, રશિયા અને ભારતનો વિરોધ હોવા છતાં ટ્રમ્પ કેમ કબજે કરવા માંગે છે અફઘાનિસ્તાનનો બગરામ એરબેઝ, જાણો તેની વ્યૂહાત્મક શક્તિ

    બગરામ એરબેઝનો વિવાદ એક લશ્કરી મુદ્દો નથી, પરંતુ તે વૈશ્વિક રાજનીતિનું એક નવું કેન્દ્ર બની ગયો છે. ટ્રમ્પની આક્રમક નીતિઓએ મધ્ય એશિયામાં તણાવ વધાર્યો છે અને તેના પરિણામો વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે.

    - Advertisement -

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી જ વૈશ્વિક રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ટ્રમ્પની આક્રમક અને વિવાદાસ્પદ નીતિઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચર્ચા અને વિરોધને જન્મ આપ્યો છે. ગ્રીનલેન્ડ પર દાવો કરવો, કેનેડાને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાનો પ્રયાસ, ‘ગલ્ફ ઑફ મેક્સિકો’નું નામ બદલીને ‘ગલ્ફ ઑફ અમેરિકા’ કરવાની ઇચ્છા અને પનામા કેનાલ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નોએ વિશ્વભરમાં હલચલ મચાવી છે. હવે આ ક્રમમાં એક નવો વિવાદ ઉમેરાયો છે અને એ છે અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર અમેરિકન નિયંત્રણ પાછું મેળવવાની ટ્રમ્પની મહત્વાકાંક્ષા.

    આ પગલાંએ ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દસ દેશોને એક સાથે લાવીને ઊભા રાખ્યા છે. આ દેશોએ રશિયામાં યોજાયેલી સાતમી ‘મોસ્કો ફોર્મેટ કન્સલ્ટેશન્સ ઓન અફઘાનિસ્તાન’ બેઠકમાં આ નીતિનો સખત વિરોધ કર્યો છે.

    બગરામ એરબેઝનો ઇતિહાસ અને તેનું મહત્વ

    બગરામ એરબેઝ અફઘાનિસ્તાનનું સૌથી મોટું અને મહત્વનું લશ્કરી કેન્દ્ર છે, જે કાબુલથી લગભગ 60 કિલોમીટર ઉત્તરે પરવાન પ્રદેશમાં આવેલું છે. આ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ તેને અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો જેમ કે કાબુલ, કંદહાર અને બામિયાન સાથે જોડે છે, જેના કારણે તે દેશના મોટા ભાગ પર નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે. 1950ના દાયકામાં સોવિયેત યુનિયને આ એરબેઝ બનાવ્યો હતો. કોલ્ડ વોર દરમિયાન તેનું મહત્વ વધ્યું અને 1979થી 1989 દરમિયાનના સોવિયેત-અફઘાન યુદ્ધમાં તે એક કેન્દ્રીય લશ્કરી કેન્દ્ર બની ગયો.

    - Advertisement -
    (ફોટો: ઑપઇન્ડિયા)

    1979માં સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે આ બેઝ તેના નિયંત્રણ હેઠળ આવ્યો હતો. 1989માં સોવિયેત દળોની વાપસી બાદ 1991માં અફઘાનિસ્તાનની એક શક્તિશાળી વિપક્ષી પાર્ટી નોર્ધન એલાયન્સે આ એરબેઝ પર કબજો કરી લીધો. જોકે, પાછળથી તે તાલિબાનના હાથમાં આવી ગયો. ત્યારપછી 2001માં 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલાઓ બાદ અમેરિકાની આગેવાની હેઠળના આક્રમણમાં આ બેઝ અમેરિકન દળોના નિયંત્રણ હેઠળ આવી ગયો.

    ‘વોર ઓન ટેરર’ દરમિયાન બગરામ એર બેઝે નિયંત્રણ, ગુપ્તચર માહિતી અને લોજિસ્ટિક્સના કેન્દ્ર તરીકે કામ કર્યું હતું. 2009 સુધીમાં આ બેઝ 10,000 લોકોને સમાવી શકતો હતો, જેમાં અમેરિકન અને નાટો (NATO) દળો, ખાસ કરીને યુનાઇટેડ કિંગડમના રોયલ મરીન્સનો સમાવેશ થતો હતો. 2021માં જો બાયડનના શાસન દરમિયાન તાલિબાને સત્તા કબજે કરી ત્યારે અમેરિકા અને નાટો દળોએ આ બેઝ પરનો કબજો છોડી દીધો હતો.

    બગરામ એરબેઝની રચના અને સુવિધાઓ

    બગરામ એરબેઝ લગભગ 5,000 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. તેની પાસે બે કોંક્રીટ રનવે છે, જેમાંથી એક 3.6 કિલોમીટર લાંબો અને બીજો 3 કિલોમીટર લાંબો છે. આ રનવે મોટા કાર્ગો વિમાનો જેમ કે C-130 હર્ક્યુલસ, C-17 ગ્લોબમાસ્ટર અને B-52 બૉમ્બર્સને સમાવવા સક્ષમ છે. આ ઉપરાંત તેમાં એપાચે અને ચિનૂક હેલિકોપ્ટર્સ માટે ત્રણ મોટા હેંગર્સ, કંટ્રોલ ટાવર, સપોર્ટ બિલ્ડિંગ્સ અને વિવિધ રહેણાંક વિસ્તારો છે. આ બેઝ 40,000 સૈનિકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે, જે તેને એક લશ્કરી કિલ્લા જેવું બનાવે છે.

    2010 સુધીમાં આ બેઝ એક નાના શહેર સમાન બની ગયો હતો, જેમાં એક સંપૂર્ણ હોસ્પિટલ, હજારો સૈનિકો માટે ડોર્મિટરીઓ, દુકાનો અને અમેરિકન ફ્રેન્ચાઇઝી રેસ્ટોરાં જેમ કે પિઝા હટ, સબવે, ડેરી ક્વીન અને બર્ગર કિંગનો સમાવેશ થતો હતો. આ બેઝમાં પરવાન ડિટેન્શન ફેસિલિટી પણ હતી, જ્યાં તાલિબાન અને અલ-કાયદાના મહત્વના કેદીઓ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત, વિશેષ મિશન, ડ્રોન ઑપરેશન્સ, અને ગુપ્તચર માહિતી એકત્ર કરવાની પ્રવૃત્તિઓ પણ અહીંથી સંચાલિત થતી હતી. અમેરિકન રાષ્ટ્રપતિઓ જેમ કે બરાક ઓબામા (2012) અને ડોનાલ્ડ ટ્રમ્પે (2019) પણ આ બેઝની મુલાકાત લીધી હતી.

    બગરામ એરબેઝનું વ્યૂહાત્મક મહત્વ

    બગરામ એરબેઝનું સૌથી મોટું આકર્ષણ તેની ભૌગોલિક સ્થિતિ છે. તે ચીન, ઈરાન, પાકિસ્તાન અને મધ્ય એશિયાની સરહદોની નજીક આવેલું છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બનાવે છે. ખાસ કરીને ચીનના સિંજિયાંગ પ્રદેશમાં આવેલા કોકો નૂર અને લોપ નૂર ન્યુક્લિયર પ્લાન્ટ્સથી આ બેઝ માત્ર 800-2,000 કિલોમીટર દૂર છે. આ નિકટતા અમેરિકાને ચીનની ન્યુક્લિયર પ્રવૃત્તિઓ પર નજર રાખવાની અનન્ય ક્ષમતા આપે છે. ઈરાનની સરહદથી 650 કિલોમીટરના અંતરે હોવાથી આ બેઝ ઈરાન પર દબાણ રાખવા માટે પણ ઉપયોગી છે.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    આ બેઝ અમેરિકાને મધ્ય એશિયામાં નિયંત્રણ, ગુપ્તચર માહિતી એકત્ર કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી માટે એક મજબૂત કેન્દ્ર પૂરું પાડે છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ, રશિયાની લશ્કરી પ્રવૃત્તિઓ અને ઈરાન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ બેઝ એક નિર્ણાયક વ્યૂહાત્મક સ્થળ છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાનના વેપાર માર્ગો અને અખૂટ ખનીજ સંસાધનો પર નિયંત્રણ મેળવવાં માટે પણ આ બેઝ મહત્વનું છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ કેમ માંગે છે બગરામ એરબેઝ?

    ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી અભિયાન દરમિયાન વારંવાર બગરામ એરબેઝનો ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે 2021માં અમેરિકાએ બગરામ છોડીને ઐતિહાસિક ભૂલ કરી. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ 2024ની ચૂંટણી જીતે અને રાષ્ટ્રપતિ બને તો તેઓ બગરામ પર ફરીથી અમેરિકન નિયંત્રણ સ્થાપવા માટે કટિબદ્ધ છે. હવે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે બગરામ એરબેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેનું મુખ્ય કારણ ચીનની વધતી જતી પ્રભાવશક્તિને રોકવી અને મધ્ય એશિયામાં અમેરિકાનું વર્ચસ્વ જાળવવું છે.

    તેનું કારણ છે કે ટ્રમ્પ માને છે કે બગરામ એરબેઝ મધ્ય એશિયામાં અમેરિકાની સૈન્ય શક્તિનું પ્રતીક છે. ચીનનો ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ અફઘાનિસ્તાનમાં ખનિજ સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યો છે. ચીન બગરામનો ઉપયોગ પોતાના હિતો માટે કરી શકે, જે ટ્રમ્પ માટે અસ્વીકાર્ય છે. રશિયા પણ તાલિબાન સાથે સંબંધો વધારી રહ્યું છે, જે અમેરિકા માટે ચિંતાનું કારણ છે.

    આ સિવાય ટ્રમ્પનું કહેવું છે કે 2021માં અમેરિકાએ બગરામમાંથી સૈન્ય પરત ખેંચ્યા બાદ મોટી સંખ્યામાં હથિયારો અફઘાનિસ્તાનમાં છોડી દીધા હતા, જે તાલિબાન અને અન્ય સશસ્ત્ર જૂથોના હાથમાં આવ્યા. આ સિવાય ત્યારપછી જ અલ-કાયદા અને ISIS-ખોરાસાન જેવા આતંકવાદી જૂથો અફઘાનિસ્તાનમાં ફરીથી સક્રિય થયા છે. બગરામથી અમેરિકા ડ્રોન હુમલા, ગુપ્તચર ઑપરેશન્સ અને આતંકવાદી નેટવર્ક પર નજર રાખી શકે છે. ટ્રમ્પનું કહેવું છે કે આ એરબેઝ વિના અમેરિકા આતંકવાદ સામે નબળું પડી ગયું છે.

    બગરામમાં અમેરિકાએ દાયકાઓથી અબજો ડોલર ખર્ચ્યા છે. આ એરબેઝમાં હથિયારો, વિમાનો અને અદ્યતન ટેક્નોલોજીનો ભંડાર છે. ટ્રમ્પનું માનવું છે કે આને છોડી દેવાથી અમેરિકાને આર્થિક નુકસાન થયું. તેને પાછું મેળવવાથી અમેરિકા ફરીથી તેનો ઉપયોગ કરી શકે.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ તેઓ બાયડન વહીવટના અફઘાનિસ્તાનમાંથી નીકળવાના નિર્ણયને ‘અમેરિકાની શરમજનક હાર’ તરીકે રજૂ કરે છે. બગરામ પર ફરીથી કબજો કરીને તેઓ પોતાની મજબૂત અને નિર્ણાયક નેતા તરીકેની છબી ઊભી કરવા માંગે છે, જે ચૂંટણીમાં તેમને ફાયદો આપી શકે. 18 સપ્ટેમ્બર, 2025ના રોજ બ્રિટનના વડા પ્રધાન સ્ટાર્મર સાથેની પ્રેસ કૉન્ફરન્સમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે આ બેઝ પરત મેળવવા માંગીએ છીએ. આ બેઝ ચીનના ન્યુક્લિયર હથિયારોના નિર્માણ સ્થળથી એક કલાકના અંતરે છે. અમે તેને તાલિબાનને મફતમાં આપી દીધું.”

    તેમણે આ બેઝની શક્તિ અને રનવેની ક્ષમતાની પ્રશંસા કરી, જે કોઈપણ પ્રકારના વિમાનોને હેન્ડલ કરી શકે છે. આ સિવાય 20 સપ્ટેમ્બરે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ધમકી આપી કે, “જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ પાછો નહીં આપે તો ખરાબ પરિણામો ભોગવવા પડશે.” આ પહેલાં પણ ફેબ્રુઆરી 2025માં ટ્રમ્પે આ બેઝ પરત મેળવવાની વાત કરી હતી. ટ્રમ્પની નજરમાં આ બેઝ માત્ર એક જમીનનો ટુકડો નથી પરંતુ મધ્ય એશિયામાં અમેરિકાના પ્રભાવને જાળવવાનું એક શક્તિશાળી સાધન છે.

    તાલિબાનનો વિરોધ

    તાલિબાન ટ્રમ્પના આ નિવેદનને ‘અમેરિકન આક્રમણની ધમકી’ તરીકે ગણાવી રહ્યું છે. નોંધનીય છે કે 2021માં અમેરિકન સૈન્યના નીકળ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર પૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. તેના નેતા મુલ્લા હસન અખુંદઝદાએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ વિદેશી શક્તિને અફઘાન જમીન પર પરત આવવાની મંજૂરી નહીં મળે.

    તાલિબાન માને છે કે 20 વર્ષના યુદ્ધ બાદ અમેરિકાને હરાવ્યું છે. બગરામ પર અમેરિકાનું પરત ફરવું એ તેમના માટે અપમાનજનક છે અને તેમની સત્તાને નબળી પાડે છે. તાલિબાન ચીન પાસેથી અબજો ખનિજ સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડોલરનું રોકાણ મેળવી રહ્યું છે. ચીન બગરામને અમેરિકના હાથમાં જવા દેવા માંગતું નથી, કારણ કે તે તેના ભૌગોલિક હિતોને નુકસાન પહોંચાડશે. જોકે તાલિબાનોનું કહેવું છે કે બગરામ એરબેઝ ઈસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ છે અને ચીન કે અન્ય કોઈ દેશ સાથે તેનો કોઈ કરાર નથી.

    આ સિવાય તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ‘મોસ્કો ફોર્મેટ’ બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાન એક સ્વતંત્ર અને આઝાદ દેશ છે. ઇતિહાસમાં તેણે ક્યારેય વિદેશી લશ્કરી હાજરી સ્વીકારી નથી અને અમારી નીતિ પણ આજે તે જ છે.” અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના ચીફ ઑફ સ્ટાફ ફસીહુદ્દીન ફિતરાતે 21 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનની એક ઇંચ જમીન પર પણ કોઈ સોદો શક્ય નથી.”

    આંતરરાષ્ટ્રીય વિરોધ અને ગઠબંધન

    ટ્રમ્પના આ પગલાંએ દસ દેશોના ગઠબંધનને એક કર્યું છે, જેમાં રશિયા, ચીન, ઈરાન, ભારત, પાકિસ્તાન, અને મધ્ય એશિયાના ચાર દેશો – કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ‘મોસ્કો ફોર્મેટ’ બેઠકમાં આ દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, “અફઘાનિસ્તાન અને તેના પડોશી દેશોમાં વિદેશી લશ્કરી હાજરીના પ્રયાસો અસ્વીકાર્ય છે, કારણ કે આ પ્રદેશની શાંતિ અને સ્થિરતાના હિતમાં નથી.”

    (ફોટો: ઑપઇન્ડિયા)

    અમેરિકાના લાંબાગાળાના વિરોધીઓ રશિયા અને ચીન આ પગલાંને પોતાની સુરક્ષા માટે જોખમ તરીકે જુએ છે. કારણ કે ચીનને બગરામ એરબેઝની નિકટતા તેના ન્યુક્લિયર પ્લાન્ટ્સથી ચિંતા છે. ઈરાન પણ અમેરિકન લશ્કરનો વિરોધ કરે છે, કારણ કે તે તેની સરહદની નજીક આવેલું છે. પાકિસ્તાન, જે દાયકાઓથી તાલિબાનને સમર્થન આપતું હતું, તે હવે આ ગઠબંધનમાં સામેલ થયું છે, કારણ કે વિદેશી શક્તિની હાજરી તેના હિતો વિરુદ્ધ છે.

    ભારતનો દૃષ્ટિકોણ

    ભારત અમેરિકાનો વ્યૂહાત્મક સાથી રહ્યું છે પરંતું તેણે અફઘાનિસ્તાનમાં કોઈપણ વિદેશી લશ્કરી હાજરીનો વિરોધ કર્યો છે. ભારતે અફઘાનિસ્તાનને અબજો ડોલરની સહાય આપી છે. ભારતે અફઘાનિસ્તાનમાં શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ જેવા પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ભારત અફઘાનિસ્તાનને પાકિસ્તાનના પ્રભાવને રોકવા માટે પોતાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જુએ છે. તથા તેના સામાજિક-આર્થિક વિકાસ અને સ્વાયત્તતાને સમર્થન આપે છે. તેથી અમેરિકાની લશ્કરી હાજરીનો વિરોધ કરે છે.

    તાજેતરમાં ‘મોસ્કો ફોર્મેટ’ બેઠકમાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું હતું કે, “એક સુરક્ષિત, સ્વાયત્ત અને સ્થિર અફઘાનિસ્તાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા માટે આવશ્યક છે.” આ ઉપરાંત 9થી 16 ઓક્ટોબર, 2025 દરમિયાન તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. આ બેઠક ખાસ એટલે મહત્વની છે કારણ કે તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ અને રશિયન તેલ પર 25% ટેરિફ સહિતના 50% ટેરિફના મુદ્દે તણાવ ઉભો થયો છે.

    મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે બગરામ એરબેઝનો વિવાદ ફક્ત અફઘાનિસ્તાન સુધી મર્યાદિત નથી. આ વિવાદ મધ્ય એશિયા, ચીન, રશિયા, ઈરાન અને ભારતની વચ્ચેની રાજકીય ગતિશીલતાને પ્રભાવિત કરે છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અને અફઘાનિસ્તાનના ખનીજ સંસાધનોમાં તેની રુચિને ધ્યાનમાં રાખીને બગરામ એરબેઝનું નિયંત્રણ ચીનના પ્રભાવને રોકવા માટે અમેરિકા માટે નિર્ણાયક છે. જો અમેરિકા આ બેઝ પર નિયંત્રણ નહીં મેળવે તો ચીન તેનો લાભ લઈને પોતાની પકડ મજબૂત કરી શકે છે, જે ભારત અને રશિયા માટે પણ ચિંતાનો વિષય છે.

    બગરામ એરબેઝનો વિવાદ એક લશ્કરી મુદ્દો નથી, પરંતુ તે વૈશ્વિક રાજનીતિનું એક નવું કેન્દ્ર બની ગયો છે. ટ્રમ્પની આક્રમક નીતિઓએ મધ્ય એશિયામાં તણાવ વધાર્યો છે અને તેના પરિણામો વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે. ભારત, રશિયા, ચીન અને અન્ય દેશોનું ગઠબંધન દર્શાવે છે કે અફઘાનિસ્તાનની સ્વાયત્તતા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવી એ પ્રાથમિકતા છે. આ ઘટનાઓનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય સંવાદ અને રાજનૈતિક પગલાં પર નિર્ભર કરે છે, પરંતુ એક વાત નિશ્ચિત છે – બગરામ એરબેઝ આગામી દિવસોમાં વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં