દેશભરમાં આજે સમાન નાગરિક સંહિતાની (UCC) વાત કરવામાં આવી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) માટે ઘણા રાજ્યોએ તો તૈયારી પણ આદરી દીધી છે. તાજેતરમાં જ 27 જાન્યુઆરી, 2025ના રોજ ઉત્તરાખંડે (Uttarakhand) ઇતિહાસ રચ્યો હતો અને UCC લાગુ કરનારું પહેલું રાજ્ય બન્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રાજ્યની જનતાને આપેલું વચન તેમણે પૂર્ણ કરી બતાવ્યું હતું. હવે તે જ અનુક્રમે આસામ (Assam) અને ગુજરાત (Gujarat) પણ આગળ વધી રહ્યા છે. આસામમાં UCCને લઈને તૈયારી વધારી દેવામાં આવી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ હવે UCC લાગુ થશે તે નક્કી થઈ ગયું છે.
મંગળવારે (4 ફેબ્રુઆરી) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) અચાનક બપોરના સમયે પ્રેસ કૉન્ફરન્સનું (Press conference) આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને તે તરફ એક ડગલું માંડવાની રાજ્યની તૈયારી પણ દર્શાવી હતી. પ્રેસ કૉન્ફરન્સમાં CM પટેલે કહ્યું કે, “યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જાહેરાત બાદ હવે રાજ્યભરમાં UCCને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધીમાં આ કાયદાની અસરો અને તેના અમલીકરણ પછીના પરિવર્તનની ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય લોકોને આ કાયદાને લઈને અનેક પ્રશ્નો પણ છે. ત્યારે આપણે આ વિશેષ અહેવાલમાં UCC વિશે વિગતે ચર્ચા કરીશું. આપણે એ જાણવા પ્રયાસ કરીશું કે, UCC શું છે અને તેના અમલીકરણ પછી શું-શું બદલાઈ શકે છે કે નિયમોમાં કેવા પરિવર્તન આવી શકે છે.
શું છે UCC? શા માટે છે તેની જરૂર?
UCCનો (Uniform Civil Code) શાબ્દિક અર્થ થાય છે, સમાન નાગરિક સંહિતા. દેશમાં રહેતા તમામ લોકો માટે સમાન કાયદા હોય તેને UCC કહેવામાં આવે છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો તે. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, તલાક, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.
ભારતમાં વિભિન્ન ધર્મ, મઝહબ અને સંસ્કૃતિના લોકો એકસાથે રહે છે. પરંતુ તેમના વ્યક્તિગત મામલાઓમાં અલગ-અલગ કાયદાઓ લાગુ થયેલા છે. આ જ વ્યવસ્થા ઘણીવાર વિવાદનું કારણ પણ બને છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ તમામ ધર્મ અને મઝહબમાં ચાલી રહેલી તમામ પ્રકારની અસમાનતાને સમાપ્ત કરવામાં આવશે. હાલમાં ઘણા વિવાદિત નિયમો પણ ચાલી રહ્યા છે. જેમ કે, મુસ્લિમ પર્સનલ લૉ પ્રમાણે, મુસ્લિમ મહિલા બાળકને દત્તક લઈ શકે નહીં, મુસ્લિમ પુરુષ એક કરતાં વધુ વખત નિકાહ કરી શકે છે. આ બધી અસમાનતાને દૂર કરવા માટે UCCની જરૂર પડી રહી છે. આ જ બાબતોને ધ્યાને રાખીને ગુજરાતે પણ UCC અપનાવવા વધુ તરફ એક પગલું ભર્યું છે.
કાયદો લાગુ થયા બાદ શું થશે પરિવર્તન?
UCC લાગુ થયા બાદ અનેક કાયદાઓમાં પરિવર્તન આવી જશે. દેશમાં તમામ પ્રકારના મત, મઝહબ અને પંથના લોકો પર તેની સીધી અસર પડશે. વારસદારના કાયદાથી લઈને નિકાહની ઉંમર સુધીના તમામ કાયદાઓ તમામ પ્રકારના લોકો માટે સમાન થઈ જશે. જેના કારણે મુસ્લિમોમાં ચાલી રહેલા બાળનિકાહ કે નાની ઉંમરમાં થઈ રહેલા નિકાહને પણ અટકાવી શકાશે. તે સિવાય પણ ઘણા કાયદાઓમાં પરિવર્તન થવાની સંભાવના છે. આપણે મુદ્દાસર તેના વિશે ચર્ચા કરીશું.
નાની ઉંમરે થયેલા નિકાહ ગુનો ગણાશે
18 વર્ષની કન્યા અને 21 વર્ષના યુવકના લગ્ન કે નિકાહ જ કાયદાકીય રીતે યોગ્ય અને મહત્વના ગણાય છે. તમામ ધર્મ અને પંથમાં લગ્નની ઉંમર આ જ રાખવાની હોય છે. પરંતુ, ઇસ્લામમાં માનનારા લોકોમાં ઘણી નાની ઉંમરે જ બાળકીઓના નિકાહ કરી નાખવામાં આવે છે. તેઓ એવું માને છે કે, બાળકી જ્યારે ‘માસિક ધર્મ’માં આવતી થાય, ત્યારે તેના નિકાહ કરાવી નાખવા જરૂરી છે. જોકે, નિકાહ થયા બાદ તેની સીધી અસર બાળકીના સ્વાસ્થ્ય પર પણ પડે છે. બાળકને જન્મ આપતી વખતે તે બાળકીનું મોત પણ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ બાળનિકાહ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
તલાકના સમાન નિયમો
તમામ પંથ કે ધર્મના લોકો માટે ડિવોર્સના નિયમો અલગ-અલગ છે. હિંદુ, શીખ, ખ્રિસ્તી સમુદાયના લોકોના નિયમો પણ ઘણા અલગ છે. હિંદુઓમાં છૂટાછેડા માટે 6 મહિના સુધીનો સમય લાગે છે. જ્યારે ખ્રિસ્તીઓમાં 2 વર્ષ સુધીનો સમય લાગે છે. બીજી તરફ ઇસ્લામમાં તો તદ્દન ભિન્ન જ નિયમ લાગુ પડે છે. તેમાં કોઈપણ સમયે પુરુષો ત્રણ વખત ‘તલાક.. તલાક.. તલાક..’ કહીને મહિલાઓને તલાક આપી દે છે. જોકે, ભારતમાં હવે તે કુરિવાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ તેમ છતાં ક્યારેક-ક્યારેક આવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેથી UCC લાગુ થયા બાદ તમામ પંથના લોકો માટે સમાન સંહિતા હશે.
મુસ્લિમ મહિલાઓ દત્તક લઈ શકશે બાળક, બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ
મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ કોઈપણ મુસ્લિમ મહિલા કોઈપણ બાળકને દત્તક લઈ શકતી નથી. બીજી તરફ હિંદુ મહિલાઓ બાળકને દત્તક લઈને સંતાન હોવાનું ગર્વ લઈ શકે છે. UCC લાગુ થયા બાદ મુસ્લિમ મહિલાઓને પણ સંતાન દત્તક લેવાનો અધિકાર મળી જશે. તે ઉપરાંત તમામ ધર્મ અને પંથમાં એક જ લગ્ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઇસ્લામમાં માનનારા પુરુષોને 4 નિકાહ કરવા સુધીની પરવાનગી આપવામાં આવી છે. UCC લાગુ થયા બાદ બહુપત્નીત્વ પ્રથા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.
સંપત્તિ અધિકારના કાયદામાં સમાનતા
હાલના કાયદા અનુસાર, હિંદુ સ્ત્રીઓને તેમના માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળે છે અને પહેલાં પણ આપવામાં આવતો રહ્યો છે. પરંતુ અન્ય કેટલાક પંથમાં આવું નથી. ત્યાં, જો કોઈ કન્યા અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેને મિલકતમાંથી કાઢી મૂકવાની જોગવાઈ છે. UCCના આગમન સાથે, મિલકત સંબંધિત સમાન નિયમો તમામ મત, મઝહબ અને પંથમાં લાગુ થશે.
ઉપરોક્ત જણાવવામાં આવેલા મુદ્દાઓ સિવાય, અન્ય પણ ઘણા મુદ્દાઓનો તેમાં સમાવેશ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ નાગરિકોમાં પણ સમાનતાની ભાવના જાગશે અને ભારતના તમામ નાગરિકોને સમાન અધિકાર અને હક્ક મળી શકશે. ભૂતકાળમાં ઘણીવાર પર્સનલ લૉના કાયદાઓ વિવાદ ઊભો કરનારા રહ્યા હતા. સમાન નાગરિક સંહિતાથી તમામ પંથ, સમાજ, સમુદાય અને મઝહબના લોકોને સમાન કાયદાઓનું પાલન કરવાનું રહેશે.